° °

આજનું ઇ-પેપર
Wednesday, 06 July, 2022


જતું કરવાની, માફ કરવાની હિંમત છે?

17 April, 2022 08:08 AM IST | Mumbai
Kana Bantwa

કશું કરી નહીં શકવાની નબળાઈને લીધે કોઈનો ગુનો ભૂલી જવામાં આવે ત્યારે ખરેખર એને ભૂલી જવાતો હોતો નથી, દબાવી દેવાતો હોય છે. એ માફી નથી, મજબૂરી છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

આપણી સાથે થયેલો દુર્વ્યવહાર, કોઈએ આપેલી પીડા, કોઈએ કરેલો દગો, કોઈએ દીધેલો છેહ કદી ભૂલી શકતા નથી તો પછી એને માફ કરી દેવાની તો વાત જ ક્યાં આવી? પણ એને ભૂલી નહીં જવાને, એને માફ નહીં કરવાને જો આપણે આપણી તાકાત ગણતા હોઈએ તો એ આપણી અણસમજ છે.

ક્ષમતા હોય છતાં માફ કરનારા, ભૂલી જનારા, જતું કરનારા વિરલા હોય છે. મજબૂરીને લીધે, કશું કરી નહીં શકવાની નબળાઈને લીધે કોઈનો ગુનો ભૂલી જવામાં આવે ત્યારે ખરેખર એને ભૂલી જવાતો હોતો નથી; એને ઢબૂરી દેવાતો હોય છે, દબાવી દેવાતો હોય છે.

એક રાજાને બે પુત્રો હતા. એક પરાક્રમી અને અજેય યોદ્ધો. બીજો સરળ અને ઋજુ સ્વભાવનો. એક વખત એવું બન્યું કે બંને રાજપુત્રો જંગલમાં ભૂલા પડી ગયા. જંગલની કેડીએ આગળ વધતાં એક ત્રિભેટે કેડી બે વિરુદ્ધ દિશાઓમાં ફંટાતી જણાઈ. ઉગમણી દિશામાં જવું કે આથમણી દિશામાં એ રાજકુંવરો નક્કી ન કરી શકયા. એટલે અંતે એવો નિર્ણય કર્યો કે બંને એક-એક દિશા પકડે અને જે બહાર નીકળી જાય તે બીજા માટે મદદ લઈને આવે. બંને અલગ-અલગ માર્ગે આગળ વધ્યા. પરાક્રમી રાજકુમારને રસ્તામાં છુપાઈને બેઠેલા ડાકુઓએ પકડી લીધો. તેને બાંધીને લઈ જઈ રહ્યા હતા ત્યાં રસ્તામાં આ કુંવરોને શોધવા નીકળેલા સૈનિકોનો ભેટો થઈ ગયો. સૈનિકોએ ડાકુઓ સાથે લડીને પરાક્રમી રાજકુમારને છોડાવ્યો. એક-બે ડાકુઓ ઘાયલ થયા હતા અને અન્ય નાસી ગયા હતા. પરાક્રમી રાજકુમાર તે ભાગી રહેલા ડાકુઓની પાછળ પડ્યો અને તે બધાને મારી નાખ્યા. વિજેતા બનીને તે સૈનિકો સાથે પોતાના ભાઈને શોધવા નીકળ્યો. ઋજુ રાજકુમારને પણ ભાઈથી અલગ પડ્યાના થોડા જ સમયમાં એવા જ ડાકુઓએ પાછળથી હુમલો કરીને પકડી લીધો હતો. તેને લઈને જઈ રહ્યા હતા ત્યાં જ તેને પણ શોધવા નીકળેલી સૈનિકોની બીજી ટુકડી મળી ગઈ. ટુકડીએ ડાકુઓનો સામનો કરીને રાજકુમારને છોડાવ્યો અને ડાકુઓનો પીછો કરીને તે બધાને પકડી લીધા. રાજકુમારની સમક્ષ ડાકુઓને લાવીને સૈનિકોની ટુકડીના આગેવાને કહ્યું કે રાજકુમાર, આપને કેદ પકડનાર આ ડાકુઓને તેમના કૃત્યની સજા મળવી જોઈએ, તમામનાં માથાં ધડથી જુદાં કરી નાખીએ. જોકે રાજકુમારે ડાકુઓને મારી નાખવાની અનુમતિ ન આપી. તેણે કહ્યું કે આ લોકોને સુધરવાની તક આપવી જોઈએ, તેમને નગરમાં લઈ ચાલો. નગરમાં પરાક્રમી રાજકુમારની પ્રશંસા થવા માંડી. રાજદરબારમાં તે રાજકુમારના સન્માન માટે ખાસ આયોજન કરવામાં આવ્યું. 

સન્માન કોનું?
જોકે સન્માન કરવામાં આવે એ પહેલાં રાજ્યના મંત્રીએ નિવેદન કર્યું કે સન્માન ઋજુ રાજકુમારનું થવું જોઈએ, કારણ કે તેમણે વધુ મોટી હિંમત બતાવી છે. રાજા આશ્ચર્યમાં પડી ગયો, પણ વિદ્વાન મંત્રી કારણ વગર કોઈ નિવેદન કરે નહીં એ રાજા જાણતો હતો એટલે તેમણે રાજ્યના ધર્મપુરુષોને યોગ્ય નિર્ણય કરવાનું કહ્યું. ઊંડો વિચાર કર્યા પછી ધર્મપુરુષોએ ચુકાદો આપ્યો કે ઋજુ રાજકુમારની હિંમત વધુ ગણાય; કારણ કે માફ કરી દેવા માટે, ભૂલી જવા માટે વધુ તાકાતની, વધુ હિંમતની જરૂર પડે; વેર વાળવું તો સાવ સરળ છે. પરાક્રમી રાજકુમારનું તેમના શૌર્ય માટે સન્માન કરો અને ઋજુ કુમારનું તેમની હિંમત તથા તાકાત માટે.

માફી કે મજબૂરી?
ગયા અઠવાડિયે પીડા આપનાર યાદોને પાળવાના શોખ વિશે લખ્યું એના રિસ્પૉન્સમાં અનેકે પોતાને એની સાથે કનેક્ટ કર્યા. એમાં એક પ્રશ્ન કૉમન હતો. કોઈએ દુ:ખી કર્યા હોય તેને ભૂલી જઈએ, માફ કરી દઈએ તો નબળા ગણાઈ જઈએ. આ જગતમાં એક ગાલ પર તમાચો પડે તો બીજો ધરવાનો સમય હવે નથી. પ્રશ્ન વાજબી છે, પણ માફ કરી દેનાર નબળા ગણાય એવું નથી. જેનામાં સામર્થ્ય છે અને છતાં માફ કરે છે તે નબળો નથી. જે તાકાત નહીં હોવાથી માફ કરે છે તેની નબળાઈ ખુલ્લી પડી જાય છે એટલે જે જતું કરવાથી, માફ કરવાથી નબળો દેખાય એ ખરેખર નબળો, અશક્ત, સામર્થ્યવિહીન છે એમ સમજવું. અને મોટા ભાગના માફ કરનારાઓ ક્ષમતા ન હોવાથી માફ કરે છે. ક્ષમતા હોય છતાં માફ કરનારા, ભૂલી જનારા, જતું કરનારા  વિરલા હોય છે. મજબૂરીને લીધે, કશું કરી નહીં શકવાની નબળાઈને લીધે કોઈનો ગુનો ભૂલી જવામાં આવે ત્યારે ખરેખર એને ભૂલી જવાતો હોતો નથી; એને ઢબૂરી દેવાતો હોય છે, દબાવી દેવાતો હોય છે. મનમાં તો એને કશું નહીં કરી શક્યાનો ખટકો રહે જ છે. એ માફી નથી, મજબૂરી છે.

ભૂલવાનું અઘરું કેમ?
વાસ્તવિકતા એ છે કે ભૂલી જવા માટે વધુ તાકાતની જરૂર પડે છે. યાદ રાખવું એ તો મનનું સ્વાભાવિક કામ છે. એ કામ તે અનાયાસ કરતું જ રહે છે. જે ઘટના કે વ્યક્તિ કે અનુભવ મહત્ત્વનો હોય, અસરકર્તા હોય એની મન વારંવાર રીવિઝિટ કરતું રહે છે એટલે એ યાદ આવતું રહે છે, ભુલાતું નથી. ભૂલવા માટે મનને એ ઘટના કે અનુભવને રીવિઝિટ કરતું અટકાવવું પડે, એને વાળવું પડે અને માણસનું મન એવું અવળચંડું છે કે એને જે બાબત કરતાં અટકાવવામાં આવે એ જ ધરાર કરે છે. મનને પોતાનું ધાર્યું કરતું અટકાવવા માટે અમર્યાદિત તાકાતની જરૂર પડે. એને પોતાના કુદરતી સ્વભાવથી અલગ વર્તવાની ફરજ પાડવી ખૂબ દુષ્કર છે. 

ભગવદ્ગીતાના છઠ્ઠા અધ્યાયમાં કૃષ્ણએ કહ્યું છે, ‘અસંયમ્ મહાબાહો મનો દુર્નિગ્રહમ ચલમ્. હે મહાબાહુ, નિ:શંકપણે મનને નિયંત્રણમાં રાખવું દુષ્કર છે.’

આપણી સાથે થયેલો દુર્વ્યવહાર, કોઈએ આપેલી પીડા, કોઈએ કરેલો દગો, કોઈએ દીધેલો છેહ ભૂલી શકતા નથી પછી એને માફ કરી દેવાની તો વાત જ ક્યાં આવી? પણ એને ભૂલી નહીં જવાને, એને માફ નહીં કરવાને જો આપણે આપણી તાકાત ગણતા હોઈએ તો એ અણસમજ છે. યાદ રાખવું એ તો સહજ છે અને યાદ રાખીને આપણે પોતાને એક જ પીડા વારંવાર આપીએ છીએ. પેલી વ્યક્તિએ તો એક વાર દુ:ખ આપ્યું, આપણું મન એ જ દુ:ખનો અનુભવ અનેક વખત કરાવે છે. એકનું એક દુ:સ્વપ્ન આપણે વારંવાર જોતા રહીએ છીએ અને એ ઘાને વધુ ને વધુ ઊંડો, વધુ ને વધુ દૂઝતો બનાવતા રહીએ છીએ. આ વિષચક્રમાંથી છૂટવાનો એક જ ઉપાય છે - માફ કરી દેવું, છોડી દેવું, આગળ વધી જવું. ધ્યાન રાખો કે ભૂલી નથી જવાનું; માફ કરી દેવાનું છે, છોડી દેવાનું છે. તો કશા જ પ્રયત્ન વગર ભૂલી જવાશે, પણ જો ભૂલવાનો પ્રયત્ન કરશો તો વધુ યાદ રહેશે. એક શિષ્યએ ગુરુને પૂછ્યું કે ગુરુજી, અમર થવાની વિદ્યા શીખી શકાય? ગુરુએ તત્કાળ ઉત્તર આપ્યો કે કાલે જ શીખવાડીશ, પણ એના માટે એક શરત છે કે આખા દિવસમાં એક પણ વખત તારા મનમાં વાંદરાનો વિચાર ન આવવો જોઈએ. શિષ્ય સવારમાં ઊઠ્યો કે તરત જ પહેલો વિચાર આવ્યો કે વાંદરો યાદ કરવાનો નથી. વાંદરો યાદ આવી ગયો પછી તે આખો દિવસ વાંદરો જ વાંદરો. સાંજે તેણે ગુરુ પાસે જઈને વિનંતી કરી કે વિદ્યા નથી ભણવી, આ વાંદરાથી પીછો છોડાવો.

ભૂલવું અને છોડવું પોતાના માટે જરૂરી 

એક સાઇકોલૉજિસ્ટ પાસે એક મહિલા કાઉન્સેલિંગ માટે આવી. મહિલાના જીવનમાં અનેક આઘાતો હતા. અમુક પોતાનાએ આપેલા, અમુક પારકાઓએ આપેલા. અમુક પોતાની ભૂલોને લીધે મળેલા, અમુક વગર વાંકે મળેલા. સાઇકોલૉજિસ્ટ તેને આ આઘાતો ભૂલવા માટે માર્ગદર્શન આપી રહ્યા હતા. જોકે મહિલાના ગળે વાત ઊતરતી નહોતી. તેનો પ્રશ્ન હતો કે કોઈએ આપણું જીવતર દોજખ જેવું કરી નાખ્યું હોય તેને માફ કરી દેવાનું, તેને ભૂલી જવાનું, આગળ વધી જવાનું કેમ સંભવ બને? સાઇકોલૉજિસ્ટે તેને દસેક બટાટાના કટકા કરીને આપ્યા કે આને પર્સમાં રાખી દો, એ બહાર કાઢવાના નથી અને જ્યાં જાઓ ત્યાં પર્સ સાથે જ રાખવાનું છે. અઠવાડિયા પછી મહિલા પાછી આવી. ડૉક્ટરે પૂછ્યું, ‘બધું બરાબર છેને?’ મહિલા તૂટી જ પડી, ‘શું બરાબર? બટાટાએ તો પરેશાન કરી મૂકી. વજન ઉપાડવું પડે અને હવે તો એ સડી ગયા છે એટલે માથું ફાડી નાખે એવી બદબૂ આવે છે.’ સાઇકોલૉજિસ્ટે સમજાવ્યું, ‘પીડા આપતી બાબતોને જો છોડી દેવામાં ન આવે તો એ વધુ પીડા આપે છે. ખરાબ યાદોને તમને વધુ પરેશાન કરવાની છૂટ ન આપો. એને એટલી મૂલ્યવાન ન બનાવી દો કે એ તમારા સુખ કરતાં પણ વધુ કીમતી બની જાય. કોઈ વ્યક્તિને માફ કરો છો ત્યારે તમે એના પર જેટલો મોટો ઉપકાર કરો છો એના કરતાં વધુ મોટો ઉપકાર તમારા પોતાના પર કરો છો એટલું જો સમજાઈ જાય તો જતું કરવું સહજ અને સરળ બની જશે.’

 

(આ લેખમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં છે, ન્યુઝપેપરનાં નહીં)

17 April, 2022 08:08 AM IST | Mumbai | Kana Bantwa

અન્ય લેખો

કોઈ જ મુશ્કેલી વગરનું જીવન ઇચ્છો છો?

મુશ્કેલીઓ, સમસ્યાઓ, તકલીફો, સંકટો, કડાકૂટ, ગૂંચવણ જ માણસને ઘડીને મજબૂત બનાવે છે

03 July, 2022 07:40 IST | Mumbai | Kana Bantwa

કાંતશે કોણ? પીંજશે કોણ?

કેટકેટલાં પોટલાં માથા પર ઉપાડીને ફરતો રહે છે માણસ. પોતાનાં તો ઠીક, પારકાં પોટલાં પણ તે વેંઢાર્યે રાખે છે. પોટલું ઉપાડવું જ પડે એમ હોય તો એ પોટલાને બને એટલું વહેલું નીચે કઈ રીતે મૂકી દેવું, કઈ રીતે એને ફેંકી દેવું એ શીખવું મહત્ત્વનું છે.

26 June, 2022 08:23 IST | Mumbai | Kana Bantwa

આ જમાનામાં સીધા-સરળ રહેવાય?

સીધા હોવું, સરળ હોવું એ દુર્ગુણ છે? ખરેખર જીવનમાંથી સરળતાનો કાંકરો કાઢી નાખવા જેવો છે ખરો?

19 June, 2022 09:00 IST | Mumbai | Kana Bantwa

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK