Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ન ભગવાનને પૂજો, ન મંદિરમાં જાઓ બસ મા-બાપનાં ચરણમાં શીશ ઝુકાવો

ન ભગવાનને પૂજો, ન મંદિરમાં જાઓ બસ મા-બાપનાં ચરણમાં શીશ ઝુકાવો

29 December, 2021 05:07 PM IST | Mumbai
Pravin Solanki | pravin.solanki@mid-day.com

અબ્બુ મેરા દિલ, અમ્મી મેરી જાન, બાકી સબ તો સ્વાર્થ કી દુકાન

અબ્બુ મેરા દિલ, અમ્મી મેરી જાન, બાકી સબ તો સ્વાર્થ કી દુકાન

અબ્બુ મેરા દિલ, અમ્મી મેરી જાન, બાકી સબ તો સ્વાર્થ કી દુકાન


હિન્દુ હો કે મુસ્લિમ, ગીતા હોય કે કુરાન, પ્રાર્થના હોય કે અઝાન - બધાંમાં મા-બાપનો  મહિમા થયો છે. યહૂદીમાં કહેવત છે કે ‘ભગવાન બધે જ પહોંચી શકતો નથી એટલે માનું સર્જન કર્યું છે’.’ આ જ પંક્તિ પંડિત ટાગોરના નામે પણ પ્રચલિત છે. પંક્તિ કોઈની પણ હોય, એમાં રહેલું સત્ય શાશ્વત છે. 
બગીચો વૃદ્ધજનો માટે વૃંદાવન છે. સવાર-સાંજ એ લોકો અહીં ભેગા થઈ પોતાના આનંદ  કે આઘાતની લાગણીઓની આપ-લે એકબીજાને કરતા હોય છે. મારી બાજુમાં પણ એક બગીચો છે જેમાં હું અવારનવાર ‘વૉક’ લેવાને બહાને ટહેલવા જાઉં છું. એવી એક સાંજે મને ગયા સપ્તાહના માતાપિતાના આદર-અનાદર વિશેના કેટલાક પ્રતિભાવ મળ્યા. આડકતરો આનંદ એ થયો કે ‘મિડ-ડે’ની કૉલમ બહોળા પ્રમાણમાં વંચાય છે એની સાબિતી મળી. ઘણા વડીલોએ મને કહ્યું કે ‘સંતાનો માટેનો તમારો આશાવાદી અભિગમ ગમ્યો. એ સાચો હોય કે નીવડે એવી આશા રાખીએ.’ 
એક-બે વડીલોએ મને છોલી પણ નાખ્યો. તેમનું દૃઢપણે માનવું છે કે ‘આજકાલના યુવાનો  સદંતર વંઠી ગયા છે. ઉદ્ધત, લાગણીવિહીન થઈ ગયા છે, સ્વાર્થી અને જોરુના ગુલામ બની ગયા છે. પત્નીની પગચંપી અને મા-બાપના ટાંટિયા ખેંચે છે. તેઓ પાસે બુદ્ધિ છે, પણ સંસ્કાર નથી. કમ્પ્યુટર કે જુદાં-જુદાં ગૅજેટ્સ ચલાવવામાં નિષ્ણાત છે, પણ ઘરસંસાર ચલાવવાની  ગતાગમ નથી. મા-બાપને જોઈએ એટલા પૈસા આપે છે, પણ બે કોડી જેટલો પ્રેમ આપી શકતા  નથી. ચારધામની યાત્રા કરાવવાની ટિકિટ કઢાવી આપે છે, પણ બાવડું ઝાલીને બગીચામાં ફેરવવાની એ લોકો પાસે ફુરસદ નથી.’ આવું બોલીને મને ઝાટકતાં છેલ્લે બોલ્યા કે ‘આવાં સંતાનોનો બચાવ કરવો એ મહાપાપ છે, જે તમારાથી થયું છે.’ 
એ સજન્નની હૈયાવરાળ અંગત હોવાનો ભાસ થયો અને મારા લખાણ વિશે ગેરસમજ થઈ હોવાથી મેં તેમની સાથે વધારે દલીલો ન કરી, પણ બે વડીલોએ તેમનાથી જે વિપરીત  અભિપ્રાય મને આપ્યો એ કહી સંભળાવ્યો. 
ઘણા વડીલોએ છેલ્લાં બે વર્ષથી કોરોનાકાળમાં સંતાનોએ તેમની કેવી કાળજી લીધી, કેટલી સેવા કરી એની વાત પણ મને કરી. ‘ઘરની બહાર નીકળવા ન દે, સાત્ત્વિક અને સારો ખોરાક જ ખાવાનો આગ્રહ રાખે, ક્યારેક જબરદસ્તી પણ થાય જે અમારા ભલા માટે જ હોય. જુદી-જુદી ફાકીઓ ખવડાવે, કાઢા પીવડાવે. દર અઠવાડિયે કારમાં બહાર લટાર મારવા લઈ જાય, પણ કારની બહાર ઊતરવા ન દે. આ બધું અમને ન ગમે, ન ફાવે, ન ભાવે છતાં સંતાનોની કાળજીથી પ્રભાવિત થઈ કડવો ઘૂંટડો ગળી જઈએ. મનમાં બબડીએ કે કડવો હોય એ લીમડો, પણ શીળી એની છાંય.’
બગીચામાં વડીલો સાથેનું એક સુખદ, આડપરિણામ એ આવ્યું કે મા-બાપના મહિમાની  કેટલીક પંક્તિઓ અને વાતો એકબીજાના સ્મૃતિપટ  પર આવી ગઈ, જેવી કે... 
 માતા-પિતા વિના સુનો સંસાર, 
નમાયાનો શો અવતાર 
 જે બાળકની માતા મરી, 
બાપસગાઈ સાથે ઊતરી. 
 જ્યમ આથમતા રવિનું તેજ, 
મા વિના એવું બાપનું હેત.
 સુરભિ મરતા જેવું વચ્છ, 
જળ વિના જેવું તડપે મચ્છ.
 ટોળા વછોઈ જ્યમ મૃગલી, 
મા વિના એવી પુત્રી એકલી. 
 લવણ વિના જ્યમ ફિક્કું અન્ન, 
ભાવ વિના જેવું ભોજન,
 કીકી વિના જેવું લોચન, 
માતા વિના એવું બાપનું મન.
 ઘડો ફૂટે રઝળે ઠીકરી, 
માતા વિના એવી દીકરી,
 ગોળ વિના મોળો કંસાર, 
માતા વિના સૂનો સંસાર. 
 માગ્યું કાંઈ ન આપે પિતા, 
બોલ્યું કાંઈ ન સાંભળે પિતા, 
 લાગે પાણા જેવા પિતા, 
પણ દિલના દરિયા જેવા પિતા.
 પિતાની આંગળી માનો ખોળો, 
જીવતર તેનું સુખનો મેળો. 
એક વડીલે સરસ વાર્તા કરી. ચાર પનિહારીઓ પનઘટ પર પાણી ભરતાં-ભરતાં વાતોનાં વડાં કરતી હતી. ચારેયને એક એક દીકરો હતો. વાતવાતમાં ચારેય પોતપોતાના પુત્રનાં ગુણગાન ગાવા લાગી. એકે કહ્યું, ‘મારા પુત્રનું ગળું ખૂબ સરસ છે. એટલું સુંદર ગાય છે કે મોટી મોટી મહેફિલમાં તેને ગાવાનું આમંત્રણ મળે છે. આવો પુત્ર પામીને હું ધન્ય થઈ ગઈ છું.’ બીજીએ કહ્યું, ‘મને એ વાતનો ગર્વ છે કે મારો પુત્ર અદ્ભુત નૃત્ય કરે છે, નાની ઉંમરમાં કેટલાય મેડલ  મળ્યા છે.’ ત્રીજીએ કહ્યું, ‘મારા પુત્રને તો નાની ઉંમરમાં મુંબઈથી ચેસ રમવાની સ્પર્ધામાં આમંત્રણ મળ્યું. મારી તો છાતી ગજગજ ફૂલી ગઈ.’ ચોથી આ બધું મૂંગે મોઢે સાંભળી રહી હતી. એકે કહ્યું, ‘તું કેમ ચૂપ છે? તારા પુત્રમાં કોઈ ખાસિયત નથી? ચોથી સંકોચાતાં બોલી, ‘શું વાત કરું તમને?’ મારો દીકરો સાવ સીધોસાદો છે, તેને કોઈ કલા વરી નથી. જેવું મારું નસીબ.’ 
 બધાએ પાણી ભરી લીધું. ઘડો ઊંચકીને ઘરે જવાની તૈયારી કરતી હતી ત્યાં પહેલીનો પુત્ર  ત્યાંથી ગાતો-ગાતો પસાર થયો. તેણે જોયું કે માને ઘડો ઉઠાવવામાં તકલીફ પડે છે, પણ તે  પોતાની ધૂનમાં ત્યાંથી પસાર થઈ ગયો. બીજીનો પુત્ર પણ માને જોઈ ન જોઈ કરીને આગળ નીકળી ગયો. ત્રીજીનો તો ઘડો ઊંચકતાં-ઊંચકતાં પગ લપસ્યો, પડું-પડું થતાં તેણે દીકરાને  મદદ માટે બૂમ પાડી. તે પણ આંખ આડા કાન કરીને પસાર થઈ ગયો. ચોથીનો પુત્ર માને  જોઈને દોડતો પાસે આવીને બોલ્યો, ‘મા લાવ, ઘડો ઊંચકીને હું ઘરે લઈ જાઉં  છું, તું થોડી વાર પનઘટ પર ખુલ્લી હવામાં આરામ કરી લે, ઘરમાં તો તને સમય જ મળતો નથી.’ તે ઘડો લઈને ચાલતો થઈ ગયો અને બાકીની ત્રણેય પનિહારી જોતી જ રહી ગઈ. 

સમાપન 
શ્રી સુરેશ દલાલે ‘મા’ વિશે ખૂબ અર્થસભર લખ્યું છે; દેહમાંથી જે દેહ આપે, જીવમાંથી જે જીવ આપે, દીવામાંથી દીવો પ્રગટાવે, અપેક્ષા વિના પારાવાર સ્નેહ આપે, જેના  પ્રેમનાં લેખાંજોખાં થઈ ન શકે એ મા. માનો અર્થ જોડણીકોશમાં જોવાનો નથી હોતો, જીવનકોશમાં જોવાનો હોય છે. 
અંતમાં... 
આપણામાં એક કહેવત છે, 
‘ઘોડે ચડતો બાપ મરજો, પણ 
દળણાં દળતી મા ન મરજો.’ 


Whatsapp-channel Whatsapp-channel

29 December, 2021 05:07 PM IST | Mumbai | Pravin Solanki

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK