Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > ઘરના મંદિર ઉપર એક પણ જાતનો સામાન મૂકવો નહીં

ઘરના મંદિર ઉપર એક પણ જાતનો સામાન મૂકવો નહીં

Published : 07 July, 2024 02:30 PM | IST | Mumbai
Chandrakant Sompura | feedbackgmd@mid-day.com

ઘણાં ઘરોમાં અગરબત્તી, દીવાનું બૉક્સ કે માચીસ જેવી ચીજ મંદિર પર મૂકી દેવામાં આવે છે; પણ એવી ભૂલ ન કરવી

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

અરાઉન્ડ ધી આર્ક

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)


ઘરમંદિરની વાત ચાલે છે ત્યારે એ બાબતમાં હજી થોડી એવી વાતો કરવાની જે દરેક વ્યક્તિને ઉપયોગી બને.


મોટા ભાગનાં ઘરોમાં જોવા મળ્યું છે કે જો ભીંતમાં લગાડી શકાય એવું મંદિર હોય તો એના પર અગરબત્તીનું પૅકેટ, માચીસ, દીવાની વાટની ડબ્બી કે પછી એનું પૅકેટ મૂકવામાં આવતાં હોય છે જે યોગ્ય નથી. મંદિર પર કોઈ ભાર ન હોવો જોઈએ. આ જ વાતની સાથોસાથ એ પણ યાદ રાખવું કે મંદિરથી વધારે ઊંચાઈ પર પણ કોઈ ચીજ રાખવી ન જોઈએ. ઍટ લીસ્ટ, એ દીવાલ પૂરતો તો આ નિયમ રાખવો જ જોઈએ. ઘણાં ઘરોમાં મંદિરવાળી દીવાલ પર જ ઘડિયાળ કે પછી સ્વર્ગીય વડીલોના ફોટોગ્રાફ્સ કે એવું રાખ્યું છે. મંદિર સાથે રોજબરોજનો નાતો હોવાથી હાથ પહોંચે એ ઊંચાઈ પર મંદિર રાખ્યું હોય, પણ ઘડિયાળ-વડીલોના ફોટોગ્રાફ એનાથી વધારે ઊંચાઈ પર હોય. આ પણ અયોગ્ય છે. ઘણાં ઘરોમાં વડીલનો એકલદોકલ ફોટો મંદિરના ઉપરના ભાગ પર મૂક્યો હોવાનું પણ જોયું-સાંભળ્યું છે. એ પણ ન થવું જોઈએ. ભાવના સારી છે કે આપણે આપણા વડીલોને દૈવી સ્થાન પર મૂકીએ છીએ, પણ શાસ્ત્રોમાં એની મનાઈ કરવામાં આવી છે. દિશાની દૃષ્ટિએ પણ એ અયોગ્ય છે.



દિશાની દૃષ્ટિએ મંદિર માટે શ્રેષ્ઠ જો કોઈ ખૂણો હોય તો એ ઈશાન ખૂણો એટલે કે નૉર્થ-ઈસ્ટ કૉર્નર છે. ભગવાનનું આ સ્થાન છે. આ દિશામાં મંદિર જો દીવાલ પર ટીંગાડવામાં આવે તો પ્રયાસ કરવો કે એ નૉર્થ અને ઈસ્ટ એટલે કે ઉત્તર અને પૂર્વ એમ બન્ને દીવાલોને સ્પર્શ ન કરતું હોય. આ થઈ મંદિરની વાત. હવે વાત કરીએ સ્વર્ગીય વડીલોની તો તેમને સ્થાન આપવાની શ્રેષ્ઠ દીવાલ જો કોઈ હોય તો એ દક્ષિણ દિશા છે. દક્ષિણમાં પણ ખાસ કરીને વડીલોને નૈઋત્ય એટલે કે સાઉથ-વેસ્ટના કૉર્નરમાં જો સ્થાન આપવામાં આવે તો અતિ ઉત્તમ.


મંદિર અને સ્વર્ગીય વડીલોને ક્યારેય બેડરૂમમાં સ્થાન આપવું ન જોઈએ. જો ઘરમાં સગવડ ઓછી હોય તો પણ ભગવાન ક્યારેય બેડરૂમમાં ન હોય એનું ધ્યાન રાખવું જોઈએ. મુંબઈ જેવાં શહેરોમાં હૉલ-કિચન જેવા નાનકડા ફ્લૅટમાં રહેતા લોકો માટે તો હૉલ અને બેડરૂમ એક જ ગણાય. આવા સંજોગોમાં પહેલો પ્રયાસ એ કરવો કે રાતના સૂવાના સમયે મંદિરનાં બારણાં બંધ થાય. ધારો કે મંદિરને દરવાજો ન હોય તો એને કર્ટન આપવા જોઈએ અને એ કર્ટન રાતે બંધ કરવા જોઈએ.

રાતના સમયે મંદિર બંધ કરવાની પરંપરા તો દરેક પ્રકારના મંદિરમાં પાળવી જ જોઈએ તો સાથોસાથ જો ઘરમંદિર મોટું હોય અને એના માટેની ખાસ વ્યવસ્થા કરવામાં આવી હોય તો દરરોજ મંદિર સામે પાણીમાં ફૂલ સાથે કાચનું વાસણ મૂકવું જોઈએ. મોટાં મંદિરો જ્યાં બનાવવામાં આવે છે ત્યાં પણ એ વાતનું ધ્યાન રાખવામાં આવે છે કે મંદિરની ઉત્તર કે ઈશાન દિશામાં પાણીનો ભંડાર હોય; પણ અગાઉ એક વાર કહ્યું છે એમ મોટા મંદિરમાં મૂર્તિ પૂર્વાભિમુખ હોય છે, જ્યારે ઘરમંદિરમાં ભગવાનનું મુખ પશ્ચિમ તરફ રહે એ પ્રમાણે બિરાજમાન કરવાના હોય છે એટલે પ્રયાસ એ કરવો કે કાચનું પાણી ભરેલું વાસણ ભગવાનની સામે રહે.


મંદિરમાં જેટલું સુશોભન થઈ શકે એટલું કરવું જોઈએ અને સમયાંતરે મંદિરની સાફસફાઈ પણ થતી રહેવી જોઈએ. મંદિરની સાફસફાઈ માટે નિયમ રાખવો જોઈએ કે વીકમાં એક વાર એ સાફ થાય અને જો એ અઘરું લાગે તો મહિનામાં બે વાર સાફ કરવાનો નિયમ બનાવવો જ જોઈએ. મંદિરમાં રહેલી મૂર્તિને સ્નાન કરાવવાની પણ એક ચોક્કસ પદ્ધતિ છે. ઘણા લોકો ભગવાનને સીધા જ નળની નીચે રાખીને સ્નાન કરાવે છે, પણ એ અયોગ્ય રીત છે. શાસ્ત્રોમાં એ માટે કેટલીક રીત દર્શાવી છે. એ રીત ઇન્ટરનેટ પરથી મળશે, જે જોઈ-જાણીને એ મુજબ તેમને સ્નાન કરાવવું જોઈએ.

 

(પદ‍્મશ્રીથી સન્માનિત લેખક સોમનાથ, અક્ષરધામ પછી અયોધ્યામાં બની ચૂકેલા રામમંદિરના પાયાના આર્કિટેક્ટ છે.)

Whatsapp-channel Whatsapp-channel

07 July, 2024 02:30 PM IST | Mumbai | Chandrakant Sompura

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK