Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > આજે ધનતેરસ: ધનનું મૂલ્ય તમે સમજો અને તમારાં સંતાનોને પણ સમજાવો એ જ આજની સાચી શીખ

આજે ધનતેરસ: ધનનું મૂલ્ય તમે સમજો અને તમારાં સંતાનોને પણ સમજાવો એ જ આજની સાચી શીખ

Published : 10 November, 2023 02:48 PM | IST | Mumbai
Manoj Joshi | manoj.joshi@mid-day.com

એક સમય હતો જ્યારે સુખ, સુવિધા અને સગવડને નાના ગણવામાં આવતાં હતાં, પણ આજે એ બધું મહત્ત્વનું બન્યું છે. આજે પૈસો અગ્રીમ સ્થાને મુકાઈ ગયો છે અને એને લીધે સુખ, સુવિધા અને સગવડ અગ્રીમ સ્થાન પર આવી ગયાં છે.

ધનની પ્રતીકાત્મક તસવીર

ધનની પ્રતીકાત્મક તસવીર


આજે ધનતેરસ છે ત્યારે એક વાત કહેવાનું મન થાય છે કે વાત જ્યારે ધનની હોય ત્યારે એમાં વહેલું કે મોડું ગણ્યા-જોયા વિના જાગૃતિને અવસર આપવો જોઈએ. આ જ આજની ધનતેરસની શીખ છે. જો ધનનું મૂલ્ય નહીં સમજો, જો ધનનું મહત્ત્વ નહીં સમજો તો ધન ક્યારેય તમારું મહત્ત્વ નહીં સમજે. એક સમય હતો જ્યારે સુખ, સુવિધા અને સગવડને નાના ગણવામાં આવતાં હતાં, પણ આજે એ બધું મહત્ત્વનું બન્યું છે. આજે પૈસો અગ્રીમ સ્થાને મુકાઈ ગયો છે અને એને લીધે સુખ, સુવિધા અને સગવડ અગ્રીમ સ્થાન પર આવી ગયાં છે.


જ્યારે પણ સુખ પ્રથમ સ્થાને આવ્યું છે ત્યારે પૈસો પાછળ પડ્યો છે. ધનની સૌથી મોટી મજબૂરી એ છે કે એ પોતાના ખર્ચે સુખ આપે છે અને મહેનતની સૌથી મોટી લાક્ષણિકતા એ છે કે એ શ્રમ સાથે પ્રસ્વેદ આપે છે. હવે શ્રમ કરવાની માનસિકતા રહી નથી, પ્રસ્વેદમાં સ્નાન કોઈને કરવું નથી અને એને જ લીધે સુવિધા અને સગવડ પ્રથમ હરોળમાં મુકાઈ છે. મારું માનજો, જીવનમાં ક્યારેય શ્રમને પાછળ ન ધકેલતા, ક્યારેય નહીં. લોકલમાં ટ્રાવેલ કરવાનું બને તો એને તમારું સૌભાગ્ય ગણજો. બસમાં જવાનું બને તો એને એક અવસર માનીને વધાવજો. ખાસ તો મારે પેરન્ટ્સને કહેવું છે કે સંતાનપ્રેમમાં ભૂલથી પણ ધૃતરાષ્ટ્ર ન બનતા. કબૂલ કે પરિવાર નાના થયા છે એટલે સંતાનો પ્રત્યેનો પ્રેમ અને લાગણી આંધળી બની છે, પણ આંધળી બનેલી એ લાગણીમાં લાડ અને સ્નેહે ભૂલથી સુવિધાઓ અને સગવડની લાલ જાજમ પાથરવાનું કામ કર્યું, જે ગેરવાજબી છે. ત્વચાનો રંગ કાળો કરવા માટે તડકો પડવો જોઈએ, મા-બાપે આ તડકા આડે છાંયડો બનીને ઊભાં રહેવાનું કામ કર્યું છે.



એટલી સરસ અને આહ્‍‍લાદક સુવિધાઓ ઊભી કરી દીધી છે જે જોઈને પહેલો વિચાર એ આવે કે આ બાળકો ભવિષ્યમાં કેવી રીતે દુનિયા સામે લડી શકશે, દુનિયાને કેવી રીતે મહાત આપશે, સંસારની તકલીફોને કેવી રીતે પછડાટ આપશે? ધનનું મૂલ્ય સમજો અને સમજાવો. જો સંતાનોને ધનનું મૂલ્ય સમજાવી નહીં શકો તો તે ક્યારેય ધનનું મહત્ત્વ સમજી નહીં શકે. ટેક્નૉસૅવી બની ગયેલાં સંતાનો પાસે હવે પુસ્તક જેવો સાથી રહ્યો નથી. મોબાઇલ, ટીવી અને લૅપટૉપ વચ્ચે અથડાતા રહેતા સંતાનની સામે લાખ રૂપિયાનું લૅપટૉપ આપી દેવાથી કે દોઢ લાખ રૂપિયાનો મોબાઇલ આપી દેવાથી તેને માટે એ લાખ રૂપિયા બહુ નાના થઈ જશે. નહીં કરો આવી ભૂલ, કબૂલ, તમારે માટે લાખ રૂપિયો નાનો છે, પણ એ કેવા તબક્કે નાનો થયો છે એ પણ આંખ સામે રાખો. યાદ કરો એ દિવસ, જે સમયે બીજાને ફટાકડા ફોડતા જોઈને જીવ બળતો હતો. યાદ કરો એ દિવસ, જે સમયે પાડોશીની રંગોળી જોઈને એ રંગોની ઈર્ષ્યા આવતી હતી. એ ઈર્ષ્યાએ ક્યાંક ને ક્યાંક તમને જીવનનો જંગ જીતવાની તાકાત આપી છે અને એ તાકાત તમારી નવી પેઢીમાં રોપવાનું કામ તમે અજાણતાં વીસરી ચૂક્યા છો. નહીં કરો આ ભૂલ. સિંહ તૈયાર કરો, સિંહણ તૈયાર કરો. ખુશી આપવાની ભાવના સારી છે, પણ તાસકમાં અપાયેલી ખુશી ક્યાંક ને ક્યાંક લડતની ભાવના છીનવી લેશે. સંતાનોમાં ધનની તરસ અકબંધ રહેવા દેશો તો જ તેમને ધનતેરસનું મહત્ત્વ સાચા અર્થમાં અને સાચાં મૂલ્યો સાથે સમજાશે.


Whatsapp-channel Whatsapp-channel

10 November, 2023 02:48 PM IST | Mumbai | Manoj Joshi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK