° °

આજનું ઇ-પેપર
Wednesday, 14 April, 2021

ભિન્નતા આપણને માણસ બનાવે છે

24 February, 2021 12:06 PM IST | Mumbai | Sejal Ponda

ભિન્નતા આપણને માણસ બનાવે છે

ભિન્નતા આપણને માણસ બનાવે છે

ભિન્નતા આપણને માણસ બનાવે છે

જીવનમાં માણસને તેની સાથે રહેતા, તેની સાથે કામ કરતા દરેક માણસ સાથે ફાવે એ શક્ય નથી. ક્યાંક વિચારો જુદા પડે, ક્યાંક પસંદગી તો ક્યાંક જોવાની દૃષ્ટિ. માણસની સૌથી મોટી તકલીફ એ છે કે તે એક એવું સત્ય ભૂલી ગયો છે જે તેની સામે હાજરાહજૂર છે. આ સત્ય એટલે આપણે દરેક જુદા છીએ. માણસ ભિન્નતાને સ્વીકારી નથી શકતો એટલે વાદવિવાદમાં અટવાયા કરે છે.
જેમ માણસનાં રંગ-રૂપ અલગ છે એમ માણસનો સ્વભાવ પણ અલગ છે અને આ જે કંઈ અલગ છે એમાં જ આપણને પ્રૉબ્લેમ છે, કારણ કે આપણા માટે આપણે જેવા છીએ એવા જ સામેવાળા હોવા જોઈએ. પણ આ માત્ર ને માત્ર આપણી અપેક્ષા અને માન્યતા છે.
મોબાઇલ ફોનનાં મૉડલ્સ, એનાં ફીચર્સ, એની કૅપેસિટી બધું જ જુદું હોય છે. દરેક પોતાને જે માફક આવે અને બજેટમાં બેસે એવા ફોન લે છે; પણ માફક આવે એવા જ માણસ સાથે રહેવું કે કામ કરવું જો એવું આપણે નક્કી કરીએ તો ગણીને એકાદ-બે જણ મળી આવે.
આપણને પરિવારની પસંદગી કરવાની ચૉઇસ ઈશ્વરે નથી આપી. જે પરિવારમાં જન્મ થયો એને જ આપણે પોતાના માનવાના હોય છે અને એ પરિવાર આપણને પોતાના માની આપણો સારો ઉછેર કરે છે. આપણા માટે જીવે છે. કાળજી કરે છે. આપણી જરૂરિયાતો પૂરી કરે છે. આપણને જીવન જીવવા માટે સક્ષમ બનાવે છે. જેમ-જેમ સમજણ આવતી જાય છે આપણને આપણી સાથે જીવતા લોકોની જ ઘણી બાબતો અણગમતી લાગે છે.
પરિવારનાં અમુક સંસ્કાર, રીતરિવાજ, મૂલ્યો, સિદ્ધાંતો બીજા સદસ્ય વધતા-ઓછા અંશે સ્વીકારી એ રીતે જીવતા હોય છે; પણ જ્યારે આ સદસ્ય બહારની દુનિયામાં પગ મૂકે ત્યારે તે પોતાના જેવી જ વ્યક્તિ શોધતી હોય છે. તેને એવું જ લાગે છે કે તે પ્રામાણિક છે તો તેને મળનારી, તેની સાથે કામ કરનારી દરેક વ્યક્તિ પ્રામાણિક જ હશે. કોઈનો સ્વભાવ શાંત હશે તો તે શાંત સ્વભાવવાળી વ્યક્તિ સાથે કામ કરવાનું પહેલાં પસંદ કરશે. પણ જો આપણે ગુસ્સાવાળા હોઈએ તો શું ગુસ્સાવાળી વ્યક્તિ સાથે કામ કરવાનું પસંદ કરીએ છીએ? ના, કારણ કે એનાથી ક્લેશ વધશે. નાછૂટકે આપણે કામ કરવું પડતું હોય તો ક્યાંક આપણે આપણા ગુસ્સાને કાબૂમાં કરવાનો પ્રયત્ન જરૂર કરીએ છીએ અને ક્યારેક બાખડી પણ પડીએ છીએ. પણ જો સબંધ ટકાવી રાખવા હોય તો આપણે સ્વભાવની બાબતે બાંધછોડ કરવી જ પડે છે.
દરેક માણસ તેને માફક આવતી વ્યક્તિ શોધી જ લે છે. પોતાના જેવા થોડાઘણા મળતા ગુણોવાળી વ્યક્તિ તરફ માણસ પહેલાં આકર્ષાય છે. ત્યાં કમ્ફર્ટ ફીલ કરે છે. ત્યાં આપોઆપ વિશ્વાસ નિર્માણ થાય છે. એમ છતાં આપણે ભૂલી જઈએ છીએ કે એ વ્યક્તિ પણ સો ટકા આપણા જેવી તો નથી જ. એટલે જ આપણને ત્યાં પણ વાંધો પડે છે અને આપણે એક પછી એક સંબંધમાં, કામમાં કૂદકા માર્યા કરીએ છીએ. આપણને માફક આવે એવા માણસો સાથે જ્યારે આપણે રહીએ છીએ ત્યાં પણ ક્યારેક તો
ખટરાગ ઊભો થાય જ છે, કારણ કે આપણે ભિન્ન છીએ.
ઈશ્વરની રચના જ એવી છે કે કોઈ એકસરખું નથી; ન સ્વભાવે, ન દેખાવે ન વ્યવહારે. અને એવા જ માહોલમાં આપણે કેવી રીતે રહીએ છીએ એ જ આપણા માટે મોટો પડકાર હોય છે.
દરેક માણસ ઓગણીસ-વીસ સ્વભાવવાળી વ્યક્તિ સાથે રહેવાનું, ડીલ કરવાનું સહજતાથી પસંદ કરે છે. જ્યાં આ આંકડાનું અંતર વધ્યું કે માણસને માફક આવતું નથી. જોકે ઓગણીસ-વીસ સ્વભાવવાળી વ્યક્તિ સાથે પણ આપણને અણગમો થાય છે, અકળામણ થાય છે, સંઘર્ષ ઊભા થાય છે. અગેઇન કારણ એક જ છે કે આપણે ભૂલી જઈએ છીએ કે આપણે ભિન્ન છીએ.
આ ભિન્નતામાં લાગણી ઉમેરાય કે સંબંધની વ્યાખ્યા બદલાઈ જાય છે, કારણ કે લાગણી સંબંધનો પાયો છે. જો લાગણી હશે તો ભિન્નતાને કારણે ઊભા થતા વાદવિવાદ છતાં એ ભૂલીને આપણે આગળ જરૂર વધીશું. ભૂલને ભૂલવી બહુ અગત્યનું છે. આપણી ભૂલ હોય તો સ્વીકારવી અને બીજાની હોય તો ભૂલી જવી. આ જો આવડી જાય તો સંઘર્ષ ઓછો થશે. માણસ-માણસ વચ્ચેનો સંઘર્ષ થાય જ નહીં એ તો શક્ય જ નથી. ઘડિયાળમાં એક કાંટો નાનો અને એક મોટો હોય છે એમ છતાં એ સાચો સમય દર્શાવે છે.
આપણને સૌથી વધારે પ્રેમ કરનારી વ્યક્તિ સાથે પણ આપણે ક્યારેક ઝઘડી પડીએ છીએ. એનું કારણ ગમે તે હોય, પણ જો આપણે એ લડાઈને આપણી અંદર સંઘરી રાખીએ તો એ સંબંધમાં ખટાશ આવતી જાય છે.
જોકે દરેક વાતે આપણી હાયે હા કરતી વ્યક્તિ સૌથી વધારે ડેન્જરસ હોય છે, કારણ કે તે આપણા ખોટા નિર્ણયોમાં પણ હાયે હા કરી આપણને તો સારું લગાડશે પણ અંતે નુકસાની આપણે જ ભોગવવી પડશે.
માફક આવતી કે માફક ન આવતી વ્યક્તિ સાથે અણગમો થાય ત્યારે શું કરવું? આગળ વધવું. જ્યાં આપણી વ્યક્તિ છે ત્યાં લાગણી જોડાયેલી છે એટલે માફ કરી દેવા, માફી માગી લેવી. અને માફક ન આવતી વ્યક્તિ સાથે અણગમો કે વાદવિવાદ થાય ત્યારે આપણા મનની શાંતિ માટે આગળ વધવું. જે લોકો અણગમાને, ગેરસમજણને ભૂલી નથી શકતા તે પોતાને જ પીડા આપે છે.
દુનિયાનું દરેક સર્જન ભિન્ન છે પછી એ માણસ હોય, નદી-પર્વત હોય કે પ્રાણી હોય. ભિન્નતા આપણામાં કરુણા જન્માવે છે. ભિન્નતાને લીધે આપણે સમાધાન કરતાં શીખીએ છીએ. જતું કરતાં શીખીએ છીએ. ભિન્નતાને લીધે આપણે માણસ બનતાં શીખીએ છીએ.
(આ લેખમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

દરેક માણસ ઓગણીસ-વીસ સ્વભાવવાળી વ્યક્તિ સાથે રહેવાનું, ડીલ કરવાનું સહજતાથી પસંદ કરે છે. જ્યાં આ આંકડાનું અંતર વધ્યું કે માણસને માફક આવતું નથી. જોકે ઓગણીસ-વીસ સ્વભાવવાળી વ્યક્તિ સાથે પણ આપણને અણગમો થાય છે, અકળામણ થાય છે, સંઘર્ષ ઊભા થાય છે. અગેઇન કારણ એક જ છે કે આપણે ભૂલી જઈએ છીએ કે આપણે ભિન્ન છીએ.

24 February, 2021 12:06 PM IST | Mumbai | Sejal Ponda

અન્ય લેખો

ઓહ, સૉરી... બસ, એમ કહી અમિતાભ બહાર નીકળી જાય

ઓહ, સૉરી... બસ, એમ કહી અમિતાભ બહાર નીકળી જાય

15 March, 2021 01:24 IST | Mumbai | Sanjay Goradia

જોગાનુજોગ

જોગાનુજોગ

15 March, 2021 01:06 IST | Mumbai | Samit purvesh Shroff

બે સેક્સ-સાઇકલ વચ્ચે કેટલું અંતર હોવું જોઈએ?

બે સેક્સ-સાઇકલ વચ્ચે કેટલું અંતર હોવું જોઈએ?

15 March, 2021 01:04 IST | Mumbai | Dr. Mukul Choksi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK