Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

હોમ > કૉલમ > દીદીગીરી VS મોદીગીરી

દીદીગીરી VS મોદીગીરી

14 March, 2021 12:53 PM IST | Mumbai
Raj Goswami

દીદીગીરી VS મોદીગીરી

દીદીગીરી VS મોદીગીરી

દીદીગીરી VS મોદીગીરી

૨૦૧૧ અને ૨૦૧૬માં જબરદસ્ત તાકાત સાથે સત્તામાં આવનારાં મમતા બૅનરજીની લડાઈ આ વખતે લેફ્ટ ફ્રન્ટ સામે નહીં, બીજેપી સામે છે. ટીએમસીના કાંગરા ખેરવવા અને સાંપ્રદાયિક લાઇન પર ધ્રુવીકરણ કરવું એ બીજેપીની બે મહત્ત્વની વ્યૂહરચના રહી છે. જોકે કાણાને કાણો કહેવાની મમતા બૅનરજીની શૈલી બહુ જૂની છે. મોદીની જેમ તેઓ પણ શબ્દો ચોરતાં નથી. બીજેપી મિથુનના સ્ટાર-પાવર અને તેની ‘દેશી’ ઇમેજને લઈને બહુ આશ્વત છે, પણ મિથુનનો કોબ્રા-ડંખ મમતાના પુનરાગમનને નિર્જીવ કરી શકશે એ જ છે સવાલ

બે વખતના લોકસભાના સભ્ય અને તૃણમૂલ કૉન્ગ્રેસ સરકારમાં પરિવહન, સિંચાઈ અને જળ સંસાધન પ્રધાન સુવેન્દુ અધિકારીએ ૧૯ ડિસેમ્બરે બીજેપીમાં કૂદકો માર્યો ત્યારથી રાજકીય વર્તુળોમાં ગપસપ ચાલતી હતી કે ટીએમસીનાં વડાં અને મુખ્ય પ્રધાન મમતા બૅનરજી વિધાનસભાની ચૂંટણી ક્યાંથી લડશે, બે ટર્મથી તેમની પરંપરાગત બેઠક ભવાનીપુરથી કે પછી સુવેન્દુ અધિકારી જ્યાંથી ચૂંટાયા હતા એ નંદીગ્રામથી?
તૃણમૂલ કૉન્ગ્રેસ છોડીને જે નેતાઓ બીજેપીમાં ગયા હતા એમાં સુવેન્દુનું જવું એ છાપાની ભાષામાં કહીએ તો બીજેપીનો માસ્ટરસ્ટ્રોક હતો. મમતા બૅનરજીને બંગાળની રાજનીતિમાં (અને શાસનમાં) મોખરે લાવી દેવામાં સુવેન્દુ અને નંદીગ્રામનો મોટો હાથ હતો. બંગાળમાં જેનું ૧૯૭૭થી એકચક્રી રાજ હતું એ લેફ્ટ ફ્રન્ટની સરકારનો અંત નંદીગ્રામથી આવ્યો હતો. લેફ્ટ સરકારે રાજ્યમાં ઔદ્યોગિકીકરણને પ્રોત્સાહન આપવા માટે ૧૦,૦૦૦ એકર જમીનનું સંપાદન કર્યું હતું. સુવેન્દુ અધિકારીએ એની સામે એક વિશાળ જનઅંદોલન છેડ્યું હતું, જેમાં લેફ્ટ સરકારનું પતન થયું અને મમતાની સરકાર સત્તામાં આવી.
બીજેપીએ સુવેન્દુની વિકેટ પાડી એ મમતા માટે કારમો ઘા હતો. સુવેન્દુએ ત્યારે મમતાદીદીને નંદીગ્રામથી લડી બતાવવાનો પડકાર પણ ફેંક્યો હતો. દીદીએ એ ઝીલી પણ લીધો. ૧૮ જાન્યુઆરીએ તેમના સમર્થકોની ચિચિયારીઓ વચ્ચે મમતાએ રૅલીમાં પૂછ્યું હતું કે ‘હું નંદીગ્રામ બેઠક પરથી લડું તો કેવું રહેશે? નંદીગ્રામ મારા દિલની નજીક છે. હું મારું નામ ભૂલી જાઉં, પણ નંદીગ્રામને ન ભૂલી શકું.’
નંદીગ્રામથી ચૂંટણી લડવાનો મમતાનો નિર્ણય સુવેન્દુ અધિકારીને ધ્યાનમાં રાખીને નથી લેવાયો, પણ બીજેપીને નજરમાં રાખીને લેયાવો છે. પશ્ચિમ બંગાળ બીજેપી માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન છે. પક્ષ વતી ગૃહપ્રધાન અમિત શાહ ખુદ આ ચૂંટણીની આગેવાની લઈ રહ્યા છે. ૨૦૧૯માં ૧૭મી લોકસભામાં ૧૯ બેઠક પર મળેલા ઝળહળતા વિજયથી બીજેપીનું નૈતિક બળ મજબૂત થયું છે અને એને હવે રાજ્યમાં ટીએમસીનું શાસન ખતમ થતું હોવાનાં સપનાં દેખાય છે.
શેરીઓમાં આંદોલન એ મમતાનો ઇજારો છે. મમતાની લડાયક નેતાની છાપ લોકો માટે લડવામાંથી આવે છે. સુવેન્દુને ખેંચી જઈને બીજેપી મમતાદીદીની એ વિરાસતને ભૂંસી નાખવા માગતી હતી, પરંતુ નંદીગ્રામથી જ ચૂંટણી લડવાની જાહેરાત કરીને મમતાએ તેમની ગરીબોતરફી છાપ અને અંદોલનની રાજકીય જમીન બન્નેને બચાવી લીધી છે. નંદીગ્રામમાં હવે મમતા વિરુદ્ધ સુવેન્દુની લડાઈ નથી. એ લડાઈ મમતા વિરુદ્ધ બીજેપીના મજબૂત ચૂંટણીતંત્ર અને પૈસાની તાકાત વચ્ચે છે. અંગ્રેજી મીડિયા આને ડેવિડ વિરુદ્ધ ગોલિયથની લડાઈ કહે છે. બાઇબલની કથામાં ઇઝરાયલના યુવાન રાજા ડેવિડે ફિલિસ્તીની કદાવર નેતા ગોલિયથને એક ઝટકામાં પરાસ્ત કર્યો હતો.
૨૯૪ના સંખ્યાબળવાળી વિધાનસભામાં ત્રણ આંકડા (૨૧૧)ની તાકાતવાળી ટીએમસી એકમાત્ર પાર્ટી છે, બીજા નંબરે કૉન્ગ્રેસ (૪૪) છે, ત્રીજા નંબરે કમ્યુનિસ્ટ પાર્ટી (૨૬) છે અને બીજેપી માત્ર ૩ બેઠકો સાથે ચોથા નંબરે છે. બીજેપી મોદી-શાસન અને આક્રમક હિન્દુત્વના જોરે વિધાનસભા કબજે કરવા માગે છે. બંગાળમાં ૩૦ ટકા મુસ્લિમ મતો છે. બીજેપી આ મતોના ધ્રુવીકરણ પર મદાર રાખી રહી છે. મમતા બૅનરજીને એટલે જ અસદુદ્દીન ઓવેસીની ઑલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન પાર્ટીએ ચૂંટણીમાં ઝુકાવ્યું છે એ ગમ્યું નથી.
૨૦૧૧ અને ૨૦૧૬માં જબરદસ્ત તાકાત સાથે સત્તામાં આવનાર મમતા બૅનરજીની લડાઈ આ વખતે લેફ્ટ ફ્રન્ટ સામે નહીં, પણ બીજેપી સામે છે. લેફ્ટ ફ્રન્ટનો સફાયો થયો એ પછી ખાલી પડેલી વિરોધ પક્ષની જગ્યા બીજેપીએ કબજે કરી લીધી છે. ત્યાંથી તેણે હવે સત્તાનું નિશાન સાધ્યું છે. બીજેપીને ખબર છે કે બંગાળમાં એનો સામનો મમતા બૅનરજીના ડેવિડ સામે છે. એની તૈયારી તેણે એક વર્ષથી શરૂ કરી હતી. એપ્રિલ ૨૦૧૯માં લોકસભાની ચૂંટણીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મમતાદીદીને આવનારા દિવસોનો ભણકારો આપી દીધો હતો. તેમણે કલકત્તામાં એક રૅલીમાં કહ્યું હતું કે ‘જ્યારે પરિણામ આવશે ત્યારે કમળ ખીલવાની શરૂઆત થશે અને તમારા ધારાસભ્યો તમને છોડીને જવા માંડશે. હાલમાં તો તમારા ૪૦ ધારાસભ્યો મારા સંપર્કમાં છે. તમારા માટે ટકવું મુશ્કેલ છે.’
વડા પ્રધાન ખુલ્લેઆમ પક્ષપલટાને પ્રોત્સાહન આપે એ ભલે ટીકાનો વિષય બને, પણ બીજેપીને વાસ્તવિકતા ખબર છે કે તૃણમૂલ કૉન્ગ્રેસનું સંગઠન નબળું પાડ્યા વગર બીજેપીનો ગજ વાગવાનો નથી. ટીએમસીના કાંગરા ખેરવવા અને સાંપ્રદાયિક લાઇન પર ધ્રુવીકરણ કરવું એ બીજેપીની બે મહત્ત્વની વ્યૂહરચના રહી છે. છેલ્લા એક મહિનામાં ટીએમસીના અનેક ધારાસભ્યો, નેતાઓ અને કાર્યકરોએ બીજેપીમાં કૂદકો માર્યો છે. બંગાળમાં એક જોક પણ ચાલે છે કે બીજેપી તૃણમૂલ
કૉન્ગ્રેસનું જ બળવાખોર જૂથ છે. એક નેતાએ જોક કર્યો હતો કે આમ ને આમ ચાલ્યું તો ચૂંટણી સુધીમાં ટીએમસીમાં ખાલી મમતા બૅનરજી જ રહી જશે.
બીજેપી માટે પશ્ચિમ બંગાળ અગત્યની ટ્રોફી છે. બીજેપી જો બંગાળને અંકે કરી લે છે તો બાકીનાં બિન-બીજેપી રાજ્યોમાં એનો સિતારો બુલંદ થઈ જશે અને ૨૦૨૪નો એનો રસ્તો આસાન થઈ જશે. બીજેપી માટે બંગાળ એટલા માટે પણ મહત્ત્વનું છે, કારણ કે વર્ષ પછી ઉત્તર પ્રદેશમાં ચૂંટણી આવે છે અને ત્યાં કિસાન અંદોલન અત્યારે જોરમાં છે. કિસાનોએ પણ તેમનું જોર રાજકીય મોરચે જ લગાવ્યું છે. સરકાર કૃષિ-કાનૂન પાછા ખેંચવાના પક્ષમાં નથી અને તેમણે મંત્રણાઓ પણ બંધ કરી દીધી છે. ઇન ફૅક્ટ, સરકાર કિસાનો સાથે વાત કરવાને બદલે રાજ્યોમાં ચૂંટણીઓની વ્યૂહરચનામાં વ્યસ્ત થઈ ગઈ છે. કિસાનો પણ દિલ્હીની સીમાએ ધરણામાંથી ઊભા થઈને રાજ્યોમાં બીજેપી વિરુદ્ધ હવા બનાવવા લાગી ગયા છે. કિસાન નેતાઓ બંગાળમાં પણ સક્રિય થઈ રહ્યા છે.
જો બંગાળ હાથમાં નહીં આવે તો બીજેપીએ એની વ્યૂહરચના વિશે પુનર્વિચાર તો કરવો જ પડશે, બીજી તરફ મમતા બૅનરજી મજબૂત વિપક્ષી ધરી તરીકે ઊભરશે. કૉન્ગ્રેસના ઉત્તરોત્તર નબળા દેખાવથી બિન-બીજેપી પક્ષોમાં એક મજબૂત ધરીનો તમામને ઇંતેજાર છે. કૉન્ગ્રેસ કેરળમાં જ તાકાતવર છે. એ જો કેરળ જીતશે તો રાહુલ ગાંધી માટે મોટી ભૂમિકા બની રહેશે. બાકી વિપક્ષો જ નહીં, કૉન્ગ્રેસીઓ પણ રાહુલથી દૂર જતા રહેશે. તામિલનાડુમાં ડીએમકે સાથે ગઠબંધનથી કૉન્ગ્રેસને થોડીઘણી બેઠકો મળશે, પણ આસામ અને પૉન્ડિચેરીમાં બીજેપી એડીચોટીનું જોર લગાવીને સત્તા કાયમ કરશે. એટલા માટે રાહુલ અને પ્રિયંકા બંગાળમાં લગભગ ગેરહાજર છે અને પૂરું ધ્યાન કેરળ અને આસામમાં આપી રહ્યાં છે. બંગાળમાં કૉન્ગ્રેસે નાહી જ નાખ્યું છે અને પૂરી લડાઈ ટીએમસી અને બીજેપી વચ્ચે મંડાઈ છે.
બીજેપી જો ગોલિયથ હોય તો મમતા ડેવિડ છે. તૃણમૂલ કૉન્ગ્રેસમાં મમતા બૅનરજી સૌથી કદાવર નેતા છે. મમતા લેફ્ટ પાર્ટીના શાસનમાં શેરીઓમાં લડીને સત્તામાં આવી છે. નરેન્દ્ર મોદી જેમ પોતાને ચાવાળા ગણાવીને પોતાની સાધારણતાને તાકાત તરીકે પેશ કરે છે એવી રીતે સાદી સાડી અને ચંપલ પહેરતી મમતાદીદી પણ સાધારણતામાં મોદીને ટક્કર આપે એવાં છે. મમતાનો પડકાર પણ આ વખતે મોદીનું વ્યક્તિત્વ જ છે.
તૃણમૂલ કૉન્ગ્રેસનો ચૂંટણીપ્રચાર મમતા બૅનરજીના શાસનની આસપાસ જ રચવામાં આવ્યો છે. બીજેપી એની ટેવ પ્રમાણે એના વિરોધીઓને વ્યક્તિગત આક્ષેપો કરવાની ફરજ પાડે છે. ટીએમસીએ સમજદારીપૂર્વક બીજેપી કે મોદી પર ફોકસ કરવાને બદલે ૧૦ વર્ષના શાસન પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. જાણકારો કહે છે ૨૦૧૯ની સરખામણીમાં આ વખતે ટીએમસીનો પ્રચાર વધુ વૈચારિક અને દિશાયુક્ત છે. મમતા તેમનાં ઉચ્ચારણોમાં બંગાળની સંસ્કૃતિ અને બૌદ્ધિક પરંપરાનો ઉલ્લેખ કરતાં રહે છે.
બંગાળના રાજકીય વિશ્લેષક સુમન ભટ્ટાચાર્ય લખે છે, ‘ટીએમસીની કોઈ વિચારધારા નહોતી. એનો અભિગમ વિરોધ પક્ષનો જ રહ્યો હતો. પહેલાં એ લેફ્ટનો વિરોધ કરતી હતી, પછી બીજેપીનો વિરોધ કરતી હતી, પણ હવે એણે તામિલનાડુના દ્રવિડા મુન્નેત્ર કઝગમની જેમ પ્રદેશવાદી વિચારધારા અપનાવી છે. ટીએમસી હવે વિરોધીઓ સામે પોલીસનો ઉપયોગ પણ નથી કરતી, જે મમતાનો જાણીતો સ્વભાવ રહ્યો છે.’
નંદીગ્રામ બેઠક પરથી ચૂંટણી લડવાની જાહેરાત કરતી વખતે રૅલીને સંબોધતાં મમતાએ ‘અમે અને તમે’ પર ફોકસ કરીને કહ્યું હતું કે જે લોકોએ તેમનો આત્મા ગુજરાતના પારકા લોકોને વેચી દીધો છે એ લોકો કોમવાદી કાર્ડ ખેલીને નંદીગ્રામ ચળવળને બદનામ કરી રહ્યા છે. સુવેન્દુ અધિકારીનું નામ લીધા વગર મમતાએ કહ્યું હતું કે ‘અમુક લોકો મને નંદીગ્રામમાં પારકી ગણાવે છે. મને આશ્ચર્ય છે. હું પાડોશી બિરભૂમ જિલ્લામાં પેદા થઈ હતી અને મને જેઓ બહારની કહે છે તેઓ મિદનાપોરમાં પેદા થયા હતા. આજે હું બહારની બની ગઈ અને જે લોકો ગુજરાતથી આવ્યા છે એ અંદરના બની ગયા.’
બીજેપીની છાપ ‘બહારના લોકો’ની છે એ હકીકત છે. એટલે જ બીજેપી ટીએમસીના નેતાઓ અને કાર્યકરોને સાગમટે આવકાર આપી રહી છે. મમતાએ તેમના પ્રચારમાં આ વાત જોરશોરથી કહેવાનું શરૂ કર્યું છે. નંદીગ્રામની રૅલીમાં તેમણે કહ્યું હતું કે ‘એ તર્ક પ્રમાણે તો મારે ૧૦ વર્ષ સુધી રાજ્યના મુખ્ય પ્રધાનપદે રહેવું જ ન જોઈએ. આજે બંગાળની દીકરી અમુક લોકો માટે બહારની થઈ ગઈ. તમે ક્યારેય સાંભળ્યું છે કે મુખ્ય પ્રધાન બહારના હોય? લોકો મને કહે કે મારે ચૂંટણી લડવી ન જોઈએ અને હું પાછી જતી રહીશ.’ એ દરમ્યાન ભીડમાંથી બૂમો પડી, ‘દીદી, તમે લડો.’
કાણાને કાણો કહેવાની મમતા બૅનરજીની શૈલી બહુ જૂની છે. મોદીની જેમ તેઓ પણ શબ્દો ચોરતાં નથી. મમતા કલકત્તાની શેરીઓમાં અંદોલનો વચ્ચે મોટાં થયાં છે. તેમણે કેટલીય વખત માર પણ ખાધો છે. બંગાળ બીજેપી પાસે મમતાના કદનો કોઈ નેતા નથી. મોદી કે અમિત શાહના ‘કરિશ્મા’ની બંગાળમાં એક સહજ મર્યાદા પણ છે. ગમે તેમ તોય આ વિધાનસભાની ચૂંટણી છે, એટલે એના પ્રચારમાં સ્થાનિક શાસનના મુદ્દા કેન્દ્રમાં રહેવાના.
બીજેપીએ ટીએમસીના સંગઠનને તો નબળું પાડ્યું છે, પણ તેમની સૌથી મોટી મર્યાદા મુખ્ય પ્રધાન મમતા બૅનરજીની સામે બીજેપીના સંભવિત મુખ્ય પ્રધાનની છે. બંગાળ બીજેપીમાં એક પણ નેતા એવો નથી જે કદ અને કરિશ્માની દૃષ્ટિએ મમતા સામે ઊભો રહી શકે. એટલા માટે બીજેપીએ તેમનો મુખ્યમંત્રી ઉમેદવાર જાહેર નથી કર્યો. કરિશ્માની એ ખોટ પૂરી કરવા માટે જ બીજેપીએ બંગાળના ક્રિકેટના હીરો અને ભારતીય ક્રિકેટ ટીમના સૌથી સફળ કપ્તાન સૌરવ ગાંગુલીને દાણા નાખ્યા હતા (એ અમિત શાહનો દાવ હતો. તેમના પુત્ર જય શાહ ક્રિકેટ બોર્ડ ઑફ ઇન્ડિયામાં સેક્રેટરી છે અને ગાંગુલી પ્રેસિડેન્ટ છે).
દાદાએ જોકે એ બૉલ ન ઝીલ્યો. તેને રાજકારણમાં પડવાની ઇચ્છા નહોતી. બીજેપીએ બંગાળી ફિલ્મોના સુપરસ્ટાર પ્રોસનજિત ચૅટરજીને પણ પડખામાં લેવાનો પ્રયાસ કર્યો હતો. નેતાજી સુભાષબાબુની સાલગિરહ પર વિક્ટોરિયા મેમોરિયલ પર વડા પ્રધાનના એક કાર્યક્રમમાં તેમણે હાજરી આપી હતી, પરંતુ તેમણેય રાજકીય મહેચ્છા બતાવી નહોતી.
એટલે બીજેપીએ બંગાળના બીજા હીરો મિથુન ચક્રવર્તી પર નજર ઠેરવી. મિથુન ચક્રવર્તીએ કેવી રીતે હા પાડી એ એક રહસ્ય છે. મિથુનનો ભૂતકાળ રાજકીય છે. તેની શરૂઆત નક્સલ આંદોલનમાંથી થઈ હતી અને પછી હિન્દી સિનેમામાં હીરો બન્યા પછી તે ટીએમસીમાં જોડાયો હતો અને રાજ્યસભામાં ગયો હતો. ૨૦૧૬માં શારદા પોન્જી કૌભાંડમાં તેનું નામ ઊછળતાં તેણે પક્ષમાંથી રાજીનામું આપી દીધું હતું અને પોતાના બિઝનેસ અને પુત્રની કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. બીજેપીમાં વિધિવત્ જોડાતાં પહેલાં મુંબઈમાં તેણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત સાથે મુલાકાત કરી હતી.
બીજેપીએ આ વખતે બને એટલા સેલિબ્રિટીઓને પક્ષમાં સામેલ કર્યા છે. મમતા બૅનરજીનો કરિશ્મા એટલો મજબૂત છે કે બીજેપીએ એને ખાળવા માટે રુદ્રનીલ ઘોષ, યશ દાસગુપ્તા, હિરેન ચૅટરજી, પાયેલ સરકાર, સ્રબંતી ચૅટરજી જેવાં ફિલ્મ-ટીવી કલાકારોને જગ્યા કરી આપી છે. ભીડ એકઠી કરવા માટે મિથુન આદર્શ ઉમેદવાર છે અને તેણે લોકોને નિરાશ પણ નહોતા કર્યા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં બીજેપીમાં જોડાયેલા મિથુને એ જ સ્ટેજ પરથી શ્રોતાઓની ચિચિયારીઓ વચ્ચે ફિલ્મી ડાયલૉગ ફટકાર્યો હતો, ‘હું અસલી કોબ્રા છું. એક ડંખ મારીશ તો ફોટો બની જશો.’
બીજેપી મિથુનના સ્ટાર-પાવર અને એની ‘દેશી’ ઇમેજને લઈને બહુ આશ્વત છે, પણ મિથુનનો કોબ્રા-ડંખ મમતાના પુનરાગમનને નિર્જીવ કરી શકશે કે નહીં એની તો આવતા બે મહિનામાં ખબર પડશે.

સ્કૂટી તો ન પડી, પણ મમતાનો પગ તૂટી ગયો
પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી લોકસભાની ચૂંટણીથી ઓછી મહત્ત્વની નથી એનો ખ્યાલ પૂરા દેશને ૧૦ માર્ચે આવી ગયો, જ્યારે નંદીગ્રામ બેઠક પરનું ઉમેદવારીપત્ર ભરીને મુખ્ય પ્રધાન મમતા બૅનરજી પાછાં આવતાં હતાં ત્યારે કથિત રૂપે ચાર-પાંચ લોકોએ તેમને ધક્કો માર્યો અને મમતાના પગમાં ફ્રૅક્ચર આવી ગયું. સામાન્ય સંજોગોમાં આ ઘટનાને તમામ રાજકીય પક્ષોએ એક અવાજમાં વખોડી કાઢી હોત, પરંતુ બીજેપી, બીજેપીના આઇટી સેલના કાર્યકરો અને ઈવન કૉન્ગ્રેસ સુધ્ધાંએ એને ‘રાજકીય નાટક’ ગણાવી દીધું એ સાબિત કરે છે કે પગે પાટા બાંધેલાં મમતા બૅનરજીની તસવીર અને વિડિયો કેટલો તાકાતવર ચૂંટણીપ્રચાર બની શકે છે.
મમતાએ આ ઘટનાને ‘હુમલાનું કાવતરું’ ગણાવ્યું એ સાથે જ બેચેન બીજેપીને એને ‘સહાનુભૂતિ માટેનું નાટક’ ગણીને ખારીજ કરવાની ફરજ પડી. બંગાળ બીજેપીના ઉપપ્રમુખ અર્જુન સિંહે તો અતિશયોક્તિ કરતાં પ્રતિપ્રશ્ન કર્યો કે ‘આ કંઈ તાલિબાન છે કે તેમના કાફલા પર હુમલો થયો? તેમની સાથે વિશાળ પોલીસ-બળ હોય છે. તેમની નજીક કોણ ફરકી શકે? ૪ આઇપીએસ ઑફિસર તેમની સુરક્ષામાં હોય છે તેમને તત્કાળ સસ્પેન્ડ કરવા જોઈએ. હુમલાખોરો હવામાંથી ન આવે. તેમને ગિરફ્તાર કરવા જોઈએ. તેમણે સહાનુભૂતિ માટે નાટક કર્યું હતું.’
બીજેપીના રાષ્ટ્રીય સચિવ અને બંગાળ બીજેપીના નેતા કૈલાશ વિજયવર્ગીયએ પણ ઘટનાને અકસ્માતમાં ખપાવતાં કહ્યું હતું કે ‘શક્ય છે કે તેમને અકસ્માત થયો હોય, પણ તેમને જાણીજોઈને ધક્કો મારવામાં આવ્યો છે એવું કહેવું બરાબર નથી. તેમની આસપાસ આખો વખત ઘણી સુરક્ષા હોય છે. આવી ઘટનાને રાજકીય રંગ આપવો ન જોઈએ.’
બીજી બાજુ સોશ્યલ મીડિયા પર પણ મમતાએ નાટક કર્યું છે એ મતલબની પોસ્ટ અને મીમની ભરમાર લાગી ગઈ હતી. તૃણમૂલ કૉન્ગ્રેસે પણ કસર ન છોડી. પક્ષે ચૂંટણીપંચને હુમલાનું કાવતરું હોવાની ફરિયાદ કરી અને નવા નિમાયેલા બંગાળના પોલીસ વડાને તત્કાળ હટાવવાની માગણી કરી. ચૂંટણીપંચે એક દિવસ પહેલાં જ નવા પોલીસ વડાની નિમણૂક કરી હતી. મમતા બૅનરજી અગાઉથી જ આરોપ મૂકતાં આવ્યાં છે કે ચૂંટણીપંચ મોદી સરકારના ઇશારે કામ કરે છે અને બીજેપીને ફાયદો થાય એટલે જ (પૂરા દેશમાં પહેલી વાર) બંગાળનું મતદાન આઠ ચરણમાં ગોઠવ્યું છે.
કૉન્ગ્રેસને બાદ કરતાં (જે સ્વતંત્ર રીતે ચૂંટણી લડી રહી છે) તમામ વિરોધ પક્ષોએ આ ઘટનાને વખોડી કાઢી હતી. કૉન્ગ્રેસના બંગાળના નેતા અધીરરંજન ચૌધરીએ આ ઘટનાને રાજકીય સ્ટન્ટ ગણાવ્યું હતું. જોકે પક્ષના ટોચનાં નેતા સોનિયા અને રાહુલ ગાંધીએ આ બાબતે મૌન સેવ્યું હતું. બીજું મૌન સેવનારા નરેન્દ્ર મોદી હતા અને તૃણમૂલ કૉન્ગ્રેસે એ બાબતનું ધ્યાન પણ દોર્યું હતું. પક્ષના સંસદસભ્ય સૌગતા રૉયે કહ્યું હતું કે ‘મમતા બૅનરજી પરના હુમલાને નરેન્દ્ર મોદીએ નજરઅંદાજ કર્યો છે એનું અમને આશ્ચર્ય છે. મુખ્ય પ્રધાન વિશે વડા પ્રધાને એક વાક્ય પણ કહ્યું નથી.’
સોશ્યલ મીડિયાના જમાનામાં હૉસ્પિટલની પથારીએ પડેલાં મમતાની વાઇરલ તસવીરો શું સંદેશો આપે છે એનો બીજેપીને ખ્યાલ છે. એમાંય ચાર દિવસ પહેલાં પેટ્રોલ-ડીઝલના ભાવવધારા સામે સ્કૂટી પર ઘરે જવા નીકળેલાં મમતા પર કટાક્ષ કરતાં ખુદ વડા પ્રધાને કહ્યું હતું કે ‘તમારી સ્કૂટી ભવાનીપોરને બદલે નંદીગ્રામ તરફ વળી ગઈ. દીદી, હું સૌની સલામતી ચાહું છું અને કોઈને ઈજા ન થાય એવી શુભેચ્છા, પણ સ્કૂટી જો નંદીગ્રામમાં જ પડવાની હોય તો હું શું કરી શકું?’

રાજકીય સમીકરણની આંકડાબાજી
૨૯૪
વિધાનસભાની કુલ સીટો
૨૧૧
ત્રણ આંકડાની તાકાત ધરાવતી એક માત્ર પાર્ટી ટીએમસી છે
૪૪
આટલી બેઠકો સાથે બીજા નંબરે કૉન્ગ્રેસ છે
૨૬
આટલી બેઠકો સાથે કમ્યુનિસ્ટ પાર્ટી ત્રીજા નંબરે છે

માત્ર આટલી જ બેઠકો ધરાવતી ચોથા નંબરની પાર્ટી બીજેપીએ હાલમાં આક્રમક હિન્દુત્વના બળે પશ્ચિમ બંગાળની વિધાનસભા કબજે કરવા માગે છે

સ્કૂટી તો ન પડી, પણ મમતાનો પગ તૂટી ગયો

પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી લોકસભાની ચૂંટણીથી ઓછી મહત્ત્વની નથી એનો ખ્યાલ પૂરા દેશને ૧૦ માર્ચે આવી ગયો, જ્યારે નંદીગ્રામ બેઠક પરનું ઉમેદવારીપત્ર ભરીને મુખ્ય પ્રધાન મમતા બૅનરજી પાછાં આવતાં હતાં ત્યારે કથિત રૂપે ચાર-પાંચ લોકોએ તેમને ધક્કો માર્યો અને મમતાના પગમાં ફ્રૅક્ચર આવી ગયું. સામાન્ય સંજોગોમાં આ ઘટનાને તમામ રાજકીય પક્ષોએ એક અવાજમાં વખોડી કાઢી હોત, પરંતુ બીજેપી, બીજેપીના આઇટી સેલના કાર્યકરો અને ઈવન કૉન્ગ્રેસ સુધ્ધાંએ એને ‘રાજકીય નાટક’ ગણાવી દીધું એ સાબિત કરે છે કે પગે પાટા બાંધેલાં મમતા બૅનરજીની તસવીર અને વિડિયો કેટલો તાકાતવર ચૂંટણીપ્રચાર બની શકે છે.
મમતાએ આ ઘટનાને ‘હુમલાનું કાવતરું’ ગણાવ્યું એ સાથે જ બેચેન બીજેપીને એને ‘સહાનુભૂતિ માટેનું નાટક’ ગણીને ખારીજ કરવાની ફરજ પડી. બંગાળ બીજેપીના ઉપપ્રમુખ અર્જુન સિંહે તો અતિશયોક્તિ કરતાં પ્રતિપ્રશ્ન કર્યો કે ‘આ કંઈ તાલિબાન છે કે તેમના કાફલા પર હુમલો થયો? તેમની સાથે વિશાળ પોલીસ-બળ હોય છે. તેમની નજીક કોણ ફરકી શકે? ૪ આઇપીએસ ઑફિસર તેમની સુરક્ષામાં હોય છે તેમને તત્કાળ સસ્પેન્ડ કરવા જોઈએ. હુમલાખોરો હવામાંથી ન આવે. તેમને ગિરફ્તાર કરવા જોઈએ. તેમણે સહાનુભૂતિ માટે નાટક કર્યું હતું.’
બીજેપીના રાષ્ટ્રીય સચિવ અને બંગાળ બીજેપીના નેતા કૈલાશ વિજયવર્ગીયએ પણ ઘટનાને અકસ્માતમાં ખપાવતાં કહ્યું હતું કે ‘શક્ય છે કે તેમને અકસ્માત થયો હોય, પણ તેમને જાણીજોઈને ધક્કો મારવામાં આવ્યો છે એવું કહેવું બરાબર નથી. તેમની આસપાસ આખો વખત ઘણી સુરક્ષા હોય છે. આવી ઘટનાને રાજકીય રંગ આપવો ન જોઈએ.’
બીજી બાજુ સોશ્યલ મીડિયા પર પણ મમતાએ નાટક કર્યું છે એ મતલબની પોસ્ટ અને મીમની ભરમાર લાગી ગઈ હતી. તૃણમૂલ કૉન્ગ્રેસે પણ કસર ન છોડી. પક્ષે ચૂંટણીપંચને હુમલાનું કાવતરું હોવાની ફરિયાદ કરી અને નવા નિમાયેલા બંગાળના પોલીસ વડાને તત્કાળ હટાવવાની માગણી કરી. ચૂંટણીપંચે એક દિવસ પહેલાં જ નવા પોલીસ વડાની નિમણૂક કરી હતી. મમતા બૅનરજી અગાઉથી જ આરોપ મૂકતાં આવ્યાં છે કે ચૂંટણીપંચ મોદી સરકારના ઇશારે કામ કરે છે અને બીજેપીને ફાયદો થાય એટલે જ (પૂરા દેશમાં પહેલી વાર) બંગાળનું મતદાન આઠ ચરણમાં ગોઠવ્યું છે.
કૉન્ગ્રેસને બાદ કરતાં (જે સ્વતંત્ર રીતે ચૂંટણી લડી રહી છે) તમામ વિરોધ પક્ષોએ આ ઘટનાને વખોડી કાઢી હતી. કૉન્ગ્રેસના બંગાળના નેતા અધીરરંજન ચૌધરીએ આ ઘટનાને રાજકીય સ્ટન્ટ ગણાવ્યું હતું. જોકે પક્ષના ટોચનાં નેતા સોનિયા અને રાહુલ ગાંધીએ આ બાબતે મૌન સેવ્યું હતું. બીજું મૌન સેવનારા નરેન્દ્ર મોદી હતા અને તૃણમૂલ કૉન્ગ્રેસે એ બાબતનું ધ્યાન પણ દોર્યું હતું. પક્ષના સંસદસભ્ય સૌગતા રૉયે કહ્યું હતું કે ‘મમતા બૅનરજી પરના હુમલાને નરેન્દ્ર મોદીએ નજરઅંદાજ કર્યો છે એનું અમને આશ્ચર્ય છે. મુખ્ય પ્રધાન વિશે વડા પ્રધાને એક વાક્ય પણ કહ્યું નથી.’
સોશ્યલ મીડિયાના જમાનામાં હૉસ્પિટલની પથારીએ પડેલાં મમતાની વાઇરલ તસવીરો શું સંદેશો આપે છે એનો બીજેપીને ખ્યાલ છે. એમાંય ચાર દિવસ પહેલાં પેટ્રોલ-ડીઝલના ભાવવધારા સામે સ્કૂટી પર ઘરે જવા નીકળેલાં મમતા પર કટાક્ષ કરતાં ખુદ વડા પ્રધાને કહ્યું હતું કે ‘તમારી સ્કૂટી ભવાનીપોરને બદલે નંદીગ્રામ તરફ વળી ગઈ. દીદી, હું સૌની સલામતી ચાહું છું અને કોઈને ઈજા ન થાય એવી શુભેચ્છા, પણ સ્કૂટી જો નંદીગ્રામમાં જ પડવાની હોય તો હું શું કરી શકું?’

Whatsapp-channel Whatsapp-channel

14 March, 2021 12:53 PM IST | Mumbai | Raj Goswami

App Banner App Banner

અન્ય લેખો

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK