Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > મહેનત, ધીરજ અને સાતત્ય

મહેનત, ધીરજ અને સાતત્ય

13 August, 2022 12:22 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સફળતાના આ ત્રણ મુખ્ય પાયા છે. આ ત્રણમાં જો તમે ફાવી ગયા તો દુનિયાની કોઈ એવી વ્યક્તિ નથી જે તમને સક્સેસફુલ થતાં અટકાવી શકે. મારા જીવનમાં અઢળક ઉતાર-ચડાવ વચ્ચે પણ આ ત્રણને મેં હટવા નથી દીધાં અને આજે પરિણામ તમારી સામે છે

કિશોર ભાનુશાલીને ‘રામનગર કે શોલે’ ફિલ્મ માટે ૧૯૯૩માં જ્ઞાની ઝૈલ સિંહ દ્વારા ‘બેસ્ટ ઍક્ટર’નો અવૉર્ડ અપાયો હતો.

સેટરડે સરપ્રાઈઝ

કિશોર ભાનુશાલીને ‘રામનગર કે શોલે’ ફિલ્મ માટે ૧૯૯૩માં જ્ઞાની ઝૈલ સિંહ દ્વારા ‘બેસ્ટ ઍક્ટર’નો અવૉર્ડ અપાયો હતો.


લગભગ સાત-આઠ વર્ષનો હોઈશ જ્યારે પહેલી વાર મને કોઈકે કહેલું કે અરે તું તો દેવ આનંદ જેવો લાગે છે. ત્યારે તો દેવ આનંદ કોણ એની મને ખબર પણ નહીં. હા, રાજેશ ખન્નાને ઓળખું, કારણ કે એ સમયે તેમનો જમાનો હતો. અમે જોગેશ્વરીમાં રહેતા. પહેલાં સૂરજબા અને પછી ગોકળીબાઈમાં ભણવા જતો. તમે માનશો નહીં, પણ એ એવો જમાનો હતો કે જન્મેલું બાળક મા નહીં, પણ રાજેશ ખન્ના બોલે એવો પ્રભાવ હતો તેમનો. ‘હાથી મેરે સાથી’ રિલીઝ થયેલી. હું તેમને ઓળખતો. જોકે એ પછી દેવ આનંદ કોણ એની તપાસ કરી. ‘જૉની મેરા નામ’ ફિલ્મનો હીરો હતા દેવસાહબ. એની ખબર પડી એટલે ક્યાંકથી તેમનો ફોટો જોવા મળ્યો. જોકે ઉંમર નાની એટલે બહુ ધ્યાન ન આપ્યું, પણ એ સમયે ફિલ્મો જોવાનો ખૂબ શોખ એટલે જે મને ફિલ્મ દેખાડે તે મારો ભગવાન. ખાવાનું ન મળે તો ચાલે, પણ પૉકેટમનીના પૈસા બચાવી, સ્કૂલમાં બંક મારીને હું ફિલ્મ જોવા જતો. ઉંમર વધતી ગઈ એમ ફરી લોકો કહેવા લાગ્યા કે તું તો દેવ આનંદ જેવો લાગે છે એટલે એક વાર અરીસામાં જોઈને મેં તેમના જેવી સ્ટાઇલ મારી. ગળામાં સ્કાફ બાંધ્યો, ટોપી પહેરી, કૉલરનું બટન બંધ કર્યું અને ગરદન હલાવી. અરે, તું તો બિલકુલ દેવ આનંદ લાગે છે હવે. બસ, એ કમેન્ટ પછી તો મારો ઍક્ટિંગ તરફનો ઝુકાવ અને પ્રયાસ બન્ને વધી ગયા હતા. સાઇકલ લઈને સ્કૂલને બદલે એક વાર અંધેરીના ફિલ્માલય સ્ટુડિયોમાં પહોંચી ગયો હતો. હેમા માલિનીની ફિલ્મ ચાલતી હતી. એમાં થયું એવું કે ‘હમ કો ભી ગમ ને મારા’ ગીતનું શૂટિંગ ચાલતું હતું. એ દરમ્યાન હેમાજી જેવાં મારી તરફ ડાન્સના મૂવમેન્ટ વખતે અનાયાસ જુએ અને હું દેવ આનંદની એકાદ ઍક્ટિંગ કરું અને તેઓ હસી પડે. ત્રણેક વાર આવું થયું એટલે ડાન્સ-માસ્ટરને નવાઈ લાગી. પૂછ્યું તો હેમા માલિની કહે કે અરે આ એકદમ દેવ આનંદ જેવા છોકરાને જોઉં અને મને હસવું આવી જાય છે. એમાં જ ફિલ્મના પ્રોડ્યુસર સાથે ઓળખાણ થઈ. તેમણે કહ્યું, ‘તને નેક્સ્ટ ફિલ્મમાં હું એક રોલ આપીશ, તું મળવા આવી જજે.’ હું તો ખુશ-ખુશ થઈ ગયો. મળવા ગયો તો કોઈ રિસ્પૉન્સ નહીં. લગભગ એક વર્ષ ખૂબ ચક્કર ખાધાં, પણ કંઈ ઠેકાણું ન પડ્યું. સાંતાક્રુઝમાં હું જ્યાં જતો એ જ બિલ્ડિંગમાં રાકેશ રોશનની ઑફિસ હતી. એક વાર જે. ઓમપ્રકાશ દાદર પર મળી ગયા. એમાં તેમણે શત્રુઘ્ન સિંહા સાથે મારો પરિચય કરાવ્યો. વાતો બધા કરે, પણ કામ ક્યાંયથી મળતું નહીં. બીજી બાજુ બારમું ધોરણ માંડ-માંડ ભણ્યો અને ઘરમાં એવું કડક વાતાવરણ કે ફિલ્મની તો વાત પણ ન કરાય. બાપુજીનો બારદાનનો ધંધો અને મારે તેમની દુકાને જ બેસવાનું છે એ નક્કી થઈ ગયું હતું, પણ મારું મન ઍક્ટિંગમાં હતું. ઑડિશન માટે ઉધારી પર પૈસા લઈને બે જોડી કપડાં સીવડાવ્યાં હતાં. ચોરબજાર જઈને રેકૉર્ડ લાવતો અને ડાયલૉગ સાંભળીને પાકા કરતો. ખૂબ ચંપલ ઘસ્યા પછી પણ કોઈ રિસ્પૉન્સ નહોતો આવ્યો એટલે પછી બધું પડતું મૂક્યું. પછી તો લગ્ન થયાં, બાળકો થયાં એટલે ઍક્ટિંગ પડતી મૂકી. એવામાં અનાયાસ એક દિવસ મોહન ચોટી મારા ઘરે આવ્યા. એ સમયે ‘રામાયણ’ સિરિયલ ચાલી રહી હતી. તેમનો એક શો હતો જેમાં તેઓ મને બોલાવવા માગતા હતા, પણ મેં કહ્યું કે ‘સાહબ, અબ મૈં ઍક્ટિંગ ભૂલ હી ગયા હૂં.’ જોકે તેમણે મોટિવેટ કર્યો અને ફરીથી ઍક્ટિંગની દિશા ખૂલી. ફિલ્મમાં કામના કોઈ અણસાર દેખાતા નહોતા. એવામાં અનાયાસ એક વાર ‘દિલ’ પિક્ચરમાં કામ મળ્યું. કોઈ પૂર્વતૈયારી વિના, ડાયલૉગ વગેરે વિના મને ઍક્ટિંગના દમ પર કામ મળ્યું. માત્ર ડેમો રોલ પછી મોટો ને મોટો થતો ગયો. એમાં બી. આર. ચોપડાના હાથે બેસ્ટ સપોર્ટિંગ ઍક્ટરનો અવૉર્ડ મળ્યો. એ સમયે મારી પાસે ગાડી નહોતી. પ્લેનને દૂરથી જોયા કરતો. એસી ટ્રેનમાં કેવી મજા આવતી હશે એવી સ્થિતિમાંથી ગાડી પાટે ચડી ગઈ. સુમીત સેહગલ, રઝા મુરાદ મારા બહુ સારા મિત્રો બની ગયા અને તેમણે મને ખૂબ સપોર્ટ કર્યો. હું તેમનું ઋણ ક્યારેય નહીં ભૂલું. એ પછી તો એટલા બધા દરવાજા ખૂલી ગયા કે વાત ન પૂછો. લગભગ વીસેક વર્ષની સ્ટ્રગલ પછી આ ઇન્ડસ્ટ્રીમાં મારું ઠેકાણું પડ્યું. હું હિંમત હાર્યો નહીં. આવડતને નિખારી, ધીરજ રાખી અને સમય આવ્યો ત્યારે પર્ફોર્મ પણ કરી દેખાડ્યું એનું ફળ મને મળ્યું. 
પહેલાં કરતાં હવે સમય બદલાયો છે. ઘણી દિશા ઊઘડી ગઈ છે. તમે ઘણી રીતે તમારી ટૅલન્ટ દેખાડી શકતા હો છો. માત્ર ઍક્ટર જ શું કામ, જો તમે એક સારા સિંગર, મિમિક્રી આર્ટિસ્ટ, ડાન્સર કંઈ પણ હો તો તમારી પાસે સ્કોપ છે આગળ કંઈક કરતા રહેવાનો. એ પછી ધીરજ તમારે રાખવી જ પડે. અહીં ભગવાન પણ ગૅરન્ટી નથી આપતા કે તમને ક્યારે બ્રેક મળશે અને બ્રેક મળ્યા પછી પણ તમે ક્યારે ક્લિક થશો. તમને ભગવાન ચાન્સ ચોક્કસ આપે છે. તમને ક્લિક કરતાં આવડવું જોઈએ. પૅશન્સ ન રાખી શકતા હો તો તમારી યાત્રા અધવચ્ચે અટકી શકે છે. જેને એક ફિલ્મમાં રોલ મળી જાય એવી ઇચ્છા હતી તેને ૧૫૦ ફિલ્મમાં કામ કરવાની ઈશ્વરે તક આપી. જોકે એનો અર્થ એવો નથી કે તમે હવામાં ઊડવા માંડો. લૉકડાઉન પહેલાં પ૦થી ૬૦ વાર અઠવાડિયામાં ઑડિશન આપતો હતો, કોઈ સારી સિરિયલ કે ફિલ્મો મળી જાય એ ઇચ્છા સાથે. તમે બધા જ ટૉપના કલાકાર સાથે કામ કર્યું છે એટલે તમારે ઑડિશન આપવાની જરૂર નથી એવું ન માની લેતા. હાં, એવું ચોક્કસ થાય કે તમારે બીજાઓની સાથે લાઇનમાં ન ઊભા રહેવું પડે. ઑડિશન પહેલાં જ તમને ઘણુંખરું ટ્રાન્સપરન્ટ્લી કહી દેવામાં આવે. ફેસનો મને ખૂબ બેનિફિટ મળ્યો છે. ઍરપોર્ટ પર જાઉં તો ત્યાં મને લોકો ઓળખી જાય. 


મુંબઈમાં ઍક્ટિંગમાં પોતાની કિસ્મત અજમાવવા આવતા લોકો ભૂલ ક્યાં કરે છે એ સમજી લો. કાં તો પોતે ખૂબ હવામાં હોય અને પોતાના ગામથી એવું બોલીને નીકળે કે દેખના મૈં અભી શાહરુખ ખાન કો ઘર પે બિઠા દૂંગા. તો બીજી બાજુ ગામના લોકો પણ ચાનક ચડાવે. અહીં આવે ત્યારે ગ્રાઉન્ડ રિયલિટી સમજાય. રહેવાનાં ફાંફાં હોય, કામ કે આવક ન હોય. પાછા જઈ શકે એમ ન હોય. એવા સમયે ધીરજ ખૂટી જવાનાં દરેક કારણો હોય તો પણ તમારે ધીરજ અકબંધ રાખવી પડે. આમાં લક અને ટૅલન્ટ બન્ને જરૂરી છે. આ લાઇન એવી છે કે હું મારા દીકરા માટે પણ કંઈ નહીં કરી શકું જો તે ટૅલન્ટેડ નહીં હોય. અહીં તમારામાં રાઈ ન ભરાવી જોઈએ. આજે પણ મારામાં રાઈ નથી ભરાઈ. આજે પણ ૯ વાગ્યાની શિફ્ટમાં હું સાડાઆઠ વાગ્યે સેટ પર હોઉં છું. પહેલાં જઈને બેસી જાઉં. ૧૨ કલાકનું પે કરે છે. ‍લોકોએ ખૂબ પ્રેમ પણ આપ્યો અને આદર પણ આપ્યો. સમય જતાં એટલું રેકગ્નિશન મળ્યું કે ટ્રોફીના ઢગલા થઈ ગયા અને બે ગૂણ ભરીને ટ્રોફી કોઈકને આપી દેવી પડી. 

 માત્ર ઍક્ટર જ શું કામ; જો તમે એક સારા સિંગર, મિમિક્રી આર્ટિસ્ટ, ડાન્સર કંઈ પણ હો તો તમારી પાસે સ્કોપ છે આગળ કંઈક કરતા રહેવાનો. એ પછી ધીરજ તમારે રાખવી જ પડે. અહીં ભગવાન પણ ગૅરન્ટી નથી આપતા કે તમને ક્યારે બ્રેક મળશે અને બ્રેક મળ્યા પછી પણ તમે ક્યારે ક્લિક થશો. તમને ભગવાન ચાન્સ ચોક્કસ આપે છે. તમને ક્લિક કરતાં આવડવું જોઈએ. પેશન્સ ન રાખી શકતા હો તો તમારી યાત્રા અધવચ્ચે જ અટકી શકે છે.


Whatsapp-channel Whatsapp-channel

13 August, 2022 12:22 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK