Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > જ્યાં સ્વમાન ન જળવાય ત્યાં સમર્પણ અને સહનશીલતા નિરર્થક છે

જ્યાં સ્વમાન ન જળવાય ત્યાં સમર્પણ અને સહનશીલતા નિરર્થક છે

04 December, 2022 08:38 PM IST | Mumbai
Dr. Nimit Oza | feedbackgmd@mid-day.com

એક સંબંધ જાળવી રાખવાની મથામણમાં કેટલું સમાધાન અને સહન કરવું જોઈએ? આ સવાલનો જવાબ કોઈ પાઠ્યપુસ્તકમાં નથી હોતો. એ ભાવનાત્મક હોય કે પછી શારીરિક, અત્યાચાર સહન કરતા રહેવાની લિમિટ કોઈકે તો નક્કી કરવી પડશેને?

જ્યાં સ્વમાન ન જળવાય ત્યાં સમર્પણ અને સહનશીલતા નિરર્થક છે

ધ લિટરેચર લાઉન્જ

જ્યાં સ્વમાન ન જળવાય ત્યાં સમર્પણ અને સહનશીલતા નિરર્થક છે


‘ટકાવી રાખવાની’ તાલીમ અને શિક્ષા આપનારો સમાજ ક્યારેક એ કહેવાનું જ ભૂલી જાય છે કે શું-શું થાય તો સંબંધ છોડી દેવાનો? જે સંબંધમાં સ્વમાન, સ્વાસ્થ્ય કે સ્વતંત્રતા જોખમાય એ સંબંધ ટકાવી રાખવો જાત પર કરેલી હિંસા છે.

એ મૂવી હું પૂરી ન કરી શક્યો. મેં અધવચ્ચેથી ટીવી બંધ કરી દીધું. પતિ દ્વારા ઘરેલુ હિંસા અને અત્યાચારનો વારંવાર ભોગ બનનારી બદરુને જોઈને મને સતત એ સવાલ થયા કર્યો કે ‘યાર, પતિને છોડી કેમ નથી દેતી?’ 
મેં મારી પત્નીને કહ્યું, ‘આના કરતાં તો મને ‘થપ્પડ’ વધારે ગમેલી.’ 
સામેવાળી વ્યક્તિ આપણા લાયક નથી એ રિયલાઇઝ કરવા માટે એક થપ્પડ જ પર્યાપ્ત હોય છે, પણ પછી મને સમજાયું કે ‘થપ્પડ’ની અમ્રિતા સબરવાલ અને ‘ડાર્લિંગ્સ’ની બદરુનિસાના ભણતર, ફૅમિલી બૅકગ્રાઉન્ડ અને ઉછેરમાં રહેલી અસમાનતાને કારણે એક અબ્યુઝિવ રિલેશનશિપ છોડવામાં બદરુને આટલી વાર લાગી!
વેલકમ ટુ ધ વર્લ્ડ ઑફ બાઉન્ડરીઝ. એક સંબંધ જાળવી રાખવાની મથામણમાં કેટલું સમાધાન અને સહન કરવું જોઈએ?
આ સવાલનો જવાબ કોઈ પાઠ્યપુસ્તકમાં નથી હોતો. એ ભાવનાત્મક હોય કે શારીરિક, અત્યાચાર સહન કરતાં રહેવાની લિમિટ કોઈકે તો નક્કી કરવી પડશેને? નહીંતર બદરુની જેમ આપણું આખું જીવન એ આશામાં જ પસાર થઈ જશે કે ‘તે સુધરી જશે’. રિયલિટી ચેક : ‘તે સુધરી જશે’ 
એવું કહીને ક્યાંક તમે તમારી જાતને તો છેતરતા નથીને?
એક અદભુત અંગ્રેજી ક્વોટ છે : મહેફિલ, નોકરી અને રિલેશનશિપ ક્યારે છોડી દેવી એની સમજ હોવી જરૂરી છે. 
‘ડાર્લિંગ્સ’ મૂવી જોતી વખતે મારા મનમાં ઉઠેલા સવાલ ‘આને છોડી કેમ નથી દેતી?’નો જવાબ મને પછીથી મળ્યો. લેખક કોલિન હુવરની જે અદભુત નવલકથા પરથી આ મૂવી બની છે એ પુસ્તક મેં વાંચ્યું. મૂળ કથા સાથે ઘણાબધા ફેરફાર કરીને ‘ડાર્લિંગ્સ’ બની છે એ નવલકથા વાંચ્યા પછી સ્પષ્ટ થઈ જાય છે. પ્રેમસંબંધની બારીકાઈ સમજાવતું એ પુસ્તક એટલે ‘It ends with us’.
સ્પૉઇલર અલર્ટ સાથે આપણે વાતની શરૂઆત કરી.
લીલી નામની એક છોકરી રાઇલ નામના યુવકના પ્રેમમાં પડે છે. બંને વચ્ચે ડેટિંગ, કોર્ટશિપ અને રોમૅન્સથી શરૂ થયેલી યાત્રા ધીમે-ધીમે આગળ વધે છે. એક સાંજે કોઈ નજીવી બાબત પર રાઇલ ગુસ્સે થઈ જાય છે અને લીલી પર હાથ ઉપાડે છે (રેડ ફ્લૅગ ૧). હાથ ઉપાડ્યા પછી બીજી જ ક્ષણે રાઇલ માફી માગવા લાગે છે, વારંવાર આઇ લવ યુ કહે છે અને પોતાનો પ્રેમ જતાવવા લાગે છે. લીલી તેને માફ કરી દે છે. ત્યાર બાદ લીલી અને રાઇલનાં લગ્ન થાય છે.
લીલીનો એક ઍટલાસ નામનો જૂનો મિત્ર લગ્ન બાદ તેના જીવનમાં પ્રવેશે છે. એક જમાનામાં લીલી અને ઍટલાસ સારા મિત્રો હતાં. બન્ને વર્ષો પછી મળે છે. રાઇલના મનમાં એવી શંકા ઉદ્ભવે છે કે લીલી અને ઍટલાસનું અફેર ચાલી રહ્યું છે (રેડ ફ્લૅગ ૨). લીલી પ્રેમથી તેના પતિને સમજાવે છે કે અમારી વચ્ચે એવું કશું જ નથી, અમે ફક્ત મિત્રો છીએ. લીલીની હૈયાધારણા અને સમજાવટ પછી પણ એક રાતે એવું બને છે કે રાઇલ સીક્રેટલી લીલીનો ફોન ચેક કરે છે (રેડ ફ્લૅગ ૩). એના કૉલલૉગમાં ઍટલાસનો નંબર જોઈને રાઇલ ધૂંઆપૂંઆ થઈ જાય છે (રેડ ફ્લૅગ ૪). તે ઘરની બહાર નીકળી જાય છે. તેને મનાવવા, સમજાવવા અને શાંત પાડવા તેની પાછળ આવેલી લીલીને તે ધક્કો મારીને દાદરા પરથી નીચે પાડે છે (રેડ ફ્લૅગ ૫) અને આ ઘટનાની જવાબદારી લેવા કે ભૂલ સ્વીકારવાને બદલે રાઇલ બધો જ આરોપ લીલી પર નાખી દે છે (રેડ ફ્લૅગ ૬). એમ છતાં લીલી તેને માફ કરી દે છે, કારણ કે તેને આશા છે કે કદાચ તે સુધરી જશે. થોડા સમય પછી ફરી એક વાર ઍટલાસના મુદ્દે રાઇલ હિંસક થઈ જાય છે. તે ઑલમોસ્ટ લીલીનો રેપ કરી નાખે છે. લીલીને એટલી બધી મારે છે કે તેને હૉસ્પિટલાઇઝ કરવી પડે છે. ત્યાં લીલીને જાણ થાય છે કે તે પ્રેગ્નન્ટ છે અને ત્યારે એ નિર્ણય લે છે કે મારે ડિવૉર્સ જોઈએ છે, કારણ કે હું નથી ઇચ્છતી કે મારી દીકરી એ સમજણ સાથે મોટી થાય કે તે અત્યાચાર અને મારને જ લાયક છે.
હવે તમને એક સીક્રેટ વાત કહું કે લીલીએ આટલું બધું એ માટે સહન કર્યું કારણ કે લીલીના બાળપણ દરમિયાન તેની મમ્મીને તેના પપ્પા દરરોજ આવી જ રીતે મારતા. લીલી એ જ સમજણ સાથે મોટી થયેલી કે પુરુષ તો હાથ ઉપાડે! તેને ખબર જ નહોતી કે એક રિલેશનશિપમાં બાઉન્ડરીઝ ક્યાં, ક્યારે અને કેવી રીતે દોરવાની હોય?
લગ્ન, પ્રેમ કે રિલેશનશિપમાં પ્રવેશતી કોઈ પણ વ્યક્તિને આપવા જેવી સૌથી સુવર્ણ સલાહ એ છે કે એ સંબંધ ક્યારે છોડી દેવો? ‘ટકાવી રાખવાની’ તાલીમ અને શિક્ષા આપનારો સમાજ ક્યારેક એ કહેવાનું જ ભૂલી જાય છે કે શું-શું થાય તો સંબંધ છોડી દેવાનો? જે સંબંધમાં સ્વમાન, સ્વાસ્થ્ય કે સ્વતંત્રતા જોખમાય એ સંબંધ ટકાવી રાખવો જાત પર કરેલી હિંસા છે. કાશ આપણને ઘર કે સ્કૂલમાં ‘સેલ્ફ-વર્થ’ અને આત્મસન્માનના પાઠ ભણાવવામાં આવતા હોત! 
જો એ ભણાવવામાં આવ્યા હોત તો આજે ‘ઇમોશનલ અત્યાચાર’ કે ‘ફિઝિકલ અબ્યુઝ’થી આટલા બધા લોકો પીડાતા ન હોત.
પીડા સહન કરવા છતાં પણ ભાવનાત્મક લગાવ છોડવો અઘરો છે. ‘પીડા તો એ જ આપે જે પ્રેમ કરતું હોય’ એવું વિચારીને આપણે મન મનાવી લઈએ છીએ. આપણી ભાવનાત્મક જરૂરિયાતો અને અસલામતી આપણને અત્યાચાર સહન કરવા મજબૂર કરે છે. એકલતા, રિજેક્શન કે સમાજનો ડર આપણી સહનશીલતા વધારે છે. બટ ઍટ વૉટ કૉસ્ટ? શેના ભોગે અને કોના માટે સહન કરવાનું? 
જે ‘સ્વ’નું મૂલ્ય નથી સમજાવી શકતી એ દરેક કેળવણી નિરર્થક છે.


Whatsapp-channel Whatsapp-channel

04 December, 2022 08:38 PM IST | Mumbai | Dr. Nimit Oza

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK