Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ક્રૂડ આધારિત હવે નહીં રહી શકાય

ક્રૂડ આધારિત હવે નહીં રહી શકાય

20 November, 2021 07:13 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઇન્ડિયન ઑટો ઇન્ડસ્ટ્રીની વાત કરું તો ૨૦૨પ સુધીમાં દેશની સડક પર પચ્ચીસ ટકાથી વધારે ઈ-સ્કૂટર દોડતાં હશે

ક્રૂડ આધારિત હવે નહીં રહી શકાય

ક્રૂડ આધારિત હવે નહીં રહી શકાય


જે પ્રકારે ક્રૂડના ભાવમાં વધારો થઈ રહ્યો છે એ જોતાં અને સાથોસાથ ક્રૂડના ઘટતા જતા સ્ટૉકને ધ્યાનમાં રાખીને આપણે હવે ક્રૂડ-બેઝ વેહિકલથી દૂર રહેવું પડે એવી હાલત ઊભી થઈ છે. ઇન્ડિયન ઑટો ઇન્ડસ્ટ્રીની વાત કરું તો ૨૦૨પ સુધીમાં દેશની સડક પર પચ્ચીસ ટકાથી વધારે ઈ-સ્કૂટર દોડતાં હશે

થોડું લાર્જર થિન્કિંગ છે, પણ આ રિયલિટી છે. હવે ક્રૂડ આધારિત નહીં રહી શકાય. ખાસ કરીને વેહિકલને અને એમાં પણ પ્રાઇવેટ વેહિકલને આ વાત લાગુ પડે છે. ઇન્ટરનૅશનલ માર્કેટમાં ક્રૂડના જે પ્રકારે ભાવ વધી રહ્યા છે અને દેશમાં જે પ્રકારનો ભાવવધારો ક્રૂડ ઇન્ડસ્ટ્રીમાં છે એને ધ્યાનમાં રાખીને આ વાત કરું છું. સાથોસાથ ક્રૂડના ઘટતા જતા સ્ટૉકને પણ ધ્યાનમાં રાખવો જરૂરી છે. ઑટોમોબાઇલ ઇન્ડસ્ટ્રી સાથે છું એટલે હું દાવા સાથે એટલું કહીશ કે ૨૦૨પ સુધીમાં આપણે ત્યાં ટૂ-વ્હીલર ઇન્ડસ્ટ્રીમાં ૨પ ટકા શૅર ઈ-સ્કૂટરનો થઈ જશે. આ ૨પ ટકા પ્રમાણમાં નાનો ફિગર છે, પણ એ પ્રૅક્ટિકલ છે એટલે એની વાત કરું છે.
ઈ-વેહિકલ માટે સેટઅપ જે રીતે ઊભું થવું જોઈએ એમાં સ્પીડ વધશે તો ડેફિનેટલી ઈ-વેહિકલની માગ વધશે, પણ જો એની ગતિ ધીમી જ રહી તો પણ ટૂ-વ્હીલર ઇન્ડસ્ટ્રીમાં તો ઈ-વેહિકલની ડિમાન્ડ વધવાની જ છે એ નક્કી છે. ઍગ્રી કે ઈ-વેહિકલની લોડ કૅપેસિટી નથી અને એ પંચોતેરથી સો કિલોમીટરની ઍવરેજ સાથે આવે છે એટલે નૅચરલી એ સિટી પૂરતાં સીમિત રહેશે. જોકે અત્યારે જે પ્રકારે ઈ-વેહિકલની બૅટરી પર રિસર્ચ ચાલે છે એ જોતાં એ કહેવું જરા પણ વધારે પડતું નહીં કહેવાય કે આવતાં એકાદ-બે વર્ષમાં જ લૉન્ગ લાસ્ટિંગ લાઇફ અને ઍવરેજ ધરાવતી બૅટરી આવશે અને એ સમયે ટૂ અને થ્રી વ્હીલર વેહિકલની માગ વધશે તો સાથોસાથ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું લેવલ પણ ચેન્જ થશે એટલે એને લીધે પણ નવી ડિમાન્ડ ઉમેરાશે.
ઈ-વેહિકલ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર
ઈ-વેહિકલ માટે અત્યારે આપણે ત્યાં કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી જે નગ્ન સત્ય છે. જો ટકાવારીના સ્વરૂપમાં કહેવું હોય તો આજના તબક્કે આપણે ત્યાં ઇલેક્ટ્રિસિટી માટે માત્ર પ્રાઇવેટ ઑપ્શન જ છે અને એ એક જ ઑપ્શન હોવાને લીધે લિમિટેડ માર્કેટ છે. જોકે તાતાએ ઈ-કાર માર્કેટમાં ઇન્ટ્રોડ્યુસ કર્યા પછી પહેલું કામ પ્રાઇવેટ ઈ-સ્ટેશન ઊભાં કરવાની દિશામાં કામ શરૂ કર્યું અને એને લીધે નૉર્થ ઇન્ડિયામાં ઈ-કારનું માર્કેટ ખાસ્સું મોટું થવા માંડ્યું. ઈ-વેહિકલ માટે જો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું નહીં થાય તો એ સેક્ટરને જોઈતો બૂસ્ટ મળશે નહીં. અફકોર્સ, સરકાર તરફથી પણ એ દિશામાં કામ શરૂ થયું છે, પણ આપણે કહેવું પડે કે ઇલેક્ટ્રિસિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની બાબતમાં આ ઝડપ નહીં જ ચાલે. પ્રાઇવેટાઇઝેશનના રસ્તે ચાલ્યા પછી પણ ગવર્નમેન્ટે નીતિનિયમોથી માંડીને પરમિશનની બાબતમાં ફાસ્ટ થવું પડશે અને સાથોસાથ લિબરલ પણ થવું પડશે.
ઈ-વેહિકલના ક્ષેત્રમાં જે ઝડપથી ક્રાંતિ થઈ રહી છે એ જોતાં બૅટરીની બાબતમાં આપણે એલપીજી સિલિન્ડરની સિસ્ટમને પણ અપનાવી શકીએ છીએ. વેહિકલ સાથે આવતી બૅટરી માટે ડિપોઝિટ જ ચૂકવવામાં આવતી હોય છે. એ જ રીતે જે રીતે એલપીજી સિલિન્ડર માટે ચૂકવવી પડતી હોય છે કે ચૂકવવામાં આવે છે. એ સિલિન્ડર ખાલી થાય એટલે તમારે ઑર્ડર કરીને એક્સચેન્જ કરાવી લેવાનું. તમે જુઓ, એક્સચેન્જ સમયે તમે જે બિલ ચૂકવો છે એ બિલ એલપીજીનું જ છે. એ જ રીતે જ્યાં પણ બૅટરી ખાલી થાય ત્યાં એ બૅટરી સ્ટેશન પર એક્સચેન્જ કરી દેવાની અને તરત જ નવી બૅટરી સાથે આગળ વધી જવાનું. ઈ-વેહિકલના પ્રમોશનમાં સૌથી વધારે અગત્યની બની શકે એવી આ સિસ્ટમ છે અને આ સિસ્ટમ થકી ઇલેક્ટ્રિક બૅટરીનું ટેન્શન કે પછી એના રિફીલિંગની ચિંતા પણ નીકળી જવાની છે. જોકે મારે કહેવું છે કે આપણે આ સિસ્ટમ માટે પણ તૈયારીઓ કરવી પડશે. ક્રૂડ માટે જેમ પેટ્રોલ-પમ્પ બન્યા છે એવી જ રીતે બૅટરી માટે સ્ટેશન બનવાં જોઈશે અને એ ઠેર-ઠેર હોય એ પણ જરૂરી છે.
થાઇલૅન્ડમાં અને સ્પેસિફિકલી બૅન્ગકૉકમાં છેલ્લા થોડા સમયથી ઈ-વેહિકલ માટે એક નવી સિસ્ટમ અમલમાં મૂકવામાં આવી છે. ત્યાં પેટ્રોલ-પમ્પને ઈ-પમ્પમાં શિફ્ટ થવાની પરમિશન આપીને બૅટરી રિફીલ કરવાનું પ્લાનિંગ થયું છે, પણ એ પ્લાનિંગ તો જ શક્ય બની શકે જો બૅટરી રિફીલની સિસ્ટમ ફાસ્ટ હોય. આજે આપણે ટેસ્લાના દાખલા આપીએ છીએ અને ટેસ્લાએ જે ડેવલપમેન્ટ કર્યું છે એની વાતો કરીએ છીએ, પણ એની સાથે આપણે અમેરિકન ગવર્નમેન્ટે ઇલેક્ટ્રિક વેહિકલના પ્રમોશન માટે ઊભાં કરેલાં રીચાર્જ સ્ટેશનોની વાત ભૂલી જઈએ છીએ.
અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઑફ એનર્જીના લેટેસ્ટ આંકડાઓ મુજબ અમેરિકામાં ૪૩,૦૦૦ પબ્લિક ઇલેક્ટ્રિક વેહિકલ ચાર્જિંગ સ્ટેશન અને સવા લાખથી વધુ ચાર્જિંગ પોર્ટ્સ ઇન્સ્ટૉલ કર્યાં છે. ડિપાર્ટમેન્ટે ટાર્ગેટ બનાવ્યો હતો કે ૨૦૨૧ સુધીમાં એક લાખ પબ્લિક ઇલેક્ટ્રિક વેહિકલ ચાર્જિંગ સ્ટેશન અને અઢી લાખ ચાર્જિંગ પોર્ટ્સ ઇન્સ્ટૉલ કરવાં, પણ કોવિડ અને એને લીધે આવેલા પૅન્ડેમિકને કારણે કામ ધીમું પડ્યું. જોકે કામ ચાલુ છે. આપણે ત્યાં ક્રૂડ રીટેલ કરતી બધી કંપનીઓ વચ્ચે પણ આટલા પેટ્રોલ-પમ્પ નહીં હોય એવું અનુમાન કોઈ પણ લગાડી શકે.
કહેવાનો ભાવાર્થ એટલો કે અત્યારે ટૂ-વ્હીલર અને કારનું ઇલેક્ટ્રિક સેગમેન્ટ જાગ્યું છે અને આવતા સમયમાં થ્રી-વ્હીલર પણ એ ફીલ્ડમાં આવશે. અમે બૅટરી સેક્ટર પર અત્યારે કામ કરીએ છીએ અને ફ્યુચર પ્લાનમાં લિથિયમ બૅટરી સાથે માર્કેટમાં આવીએ છીએ એટલે નૅચરલી પાવર કન્ઝમ્પશન ઘટશે અને સાથોસાથ લોડ સ્ટ્રેન્થ પણ વધશે. જે સમયે ઈ-વેહિકલ માર્કેટમાં પ્રાઇવેટ વેહિકલ સિવાયનાં વેહિકલો મોટા પાયે આવશે એ સમયે પાવરની મોટી ડિમાન્ડ ઊભી થશે અને એવું થવાનું છે એટલે અત્યારે માત્ર ઈ-વેહિકલ જ નહીં પણ બૅટરી રિફીલિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ બહુ જરૂરી બનશે.
તમારું કન્ઝમ્પશન, તમારો પાવર
આ પ્રકારની સજાગતા ધીમે-ધીમે આવી રહી છે અને ગુજરાત એ બાબતમાં વધારે સ્ટ્રૉન્ગ રીતે આગળ વધે છે એ પણ એટલું જ સાચું છે. તમે જુઓ, સોલર અને વિન્ડ એનર્જીનો સૌથી વધુ ઉપયોગ અત્યારે ગુજરાતમાં થાય છે. જોકે એ બાબતમાં મુંબઈ, દિલ્હી જેવાં મેટ્રો સ્ટેશનો હજી પણ નીરસ છે એવું કહેવું ખોટું નહીં કહેવાય. અતુલ ઑટો લિમિટેડની પોતાની વિન્ડમિલ છે. એ પોતાની એનર્જી પોતે જનરેટ કરી લે છે. માત્ર અતુલ જ નહીં, એવું જ બીજી કંપનીઓનું પણ છે. પોતાનું કન્ઝમ્પશન અને પોતાનો જ પાવર. આ નીતિ પર જો દેશ ચાલે તો વિકાસશીલ દેશના વિકાસને વેગ મળી શકે છે.
મેટ્રોમાં કન્ઝ્યુમર ઇલેક્ટ્રિસિટીના રેટ બહુ વધારે છે અને આવતા દિવસોમાં પણ એ વધતા રહેવાના છે અને એટલે જ કહું છું કે નૅચરલ રિસોર્સિસનો ઉપયોગ કરવાનો સમય આવી ગયો છે. મફતમાં મળતી ઊર્જાનો સંગ્રહ કરવાની માનસિકતા આપણે નહીં કેળવીએ તો ભવિષ્યમાં એવું બનશે કે કૉમનમૅને ઇલેક્ટ્રિસિટીનું બિલ ભરવા માટે પણ લોન લેવી પડશે. ડરાવવા માટે આ શબ્દોનો ઉપયોગ નથી થતો, પણ વાસ્તવિકતાનું ભાન કરાવવા માટે આ વાત કહું છું. સોસાયટીની ટેરેસથી માંડીને સોસાયટીના કેમ્પસ, ફાર્મહાઉસથી લઈને શૉપિંગ કૉમ્પ્લેક્સ અને એ સિવાયની પણ જગ્યાઓનો સદુપયોગ કરવામાં આવે અને સોલર એનર્જી લેવામાં આવે એ જરૂરી છે.
સોલર એનર્જીનું પ્રમોશન ઇન્ડિયામાં પુષ્કળ થાય છે અને એ પછી એનો ઉપયોગ પણ થાય છે. જોકે ગુજરાત કે કેરળ જેવાં એજ્યુકેટેડ રાજ્યો સિવાયનાં રાજ્યોમાં એ પ્રમોશનની અસર નથી થઈ રહી. સ્ટેટ ગવર્નમેન્ટે પણ એ બાબતમાં જાગૃતિ લાવવાની નીતિ રાખવી પડશે. તમે ફિગર્સ કઢાવશો તો ખબર પડશે કે કૉર્પોરેશનનાં પોતાનાં ઇલેક્ટ્રિક બિલ કેવાં જાયન્ટ હોય છે. સ્ટેટ ગવર્નમેન્ટ પાસે ખુલ્લી જગ્યા પડી છે, વેસ્ટલૅન્ડ છે એનો ઉપયોગ થઈ શકે છે, પણ એ નથી થઈ રહ્યું. ગુજરાત આજે સોલર એનર્જીમાં લૅન્ડમાર્ક કામ કરી શક્યું છે, કારણ કે ગવર્નમેન્ટે સેન્ટ્રલની સ્કીમનો પૂરો લાભ લીધો અને એને કારણે સકારાત્મક રિઝલ્ટ આવ્યું છે. આ જે રિઝલ્ટ છે એનો સીધો ફાયદો એ થયો કે થર્મલ પાવરનું ઉત્પાદન ગુજરાતે ઘટાડ્યું, જેનો લાભ એ થયો કે ગુજરાતમાં ઇન્ડસ્ટ્રિયલ પૉલ્યુશનમાં નોંધનીય ઘટાડો થયો. 
બીજો ફાયદો પણ હમણાં જોવા મળ્યો. ઇલેક્ટ્રિસિટી માટે દિલ્હી સરકારની પરિસ્થિતિ હમણાં કફોડી થઈ હતી, પણ ઓછો થર્મલ પાવર જનરેટ કરતા હોવા છતાં ગુજરાતને એવી તકલીફ જોવી નથી પડતી. ઇલેક્ટ્રિસિટીની બાબતમાં ગુજરાત સરપ્લસ છે અને એનું કારણ નૅચરલ રિસોર્સિસનો લીધેલો લાભ છે. નૅચરલ રિસોર્સિસનો બેનિફિટ લેવાતો હોવાને લીધે એનર્જીના ફીલ્ડમાં સ્ટેટ ગવર્નમેન્ટ બજેટને કાબૂમાં રાખી શકે છે. કહ્યું હતું એમ ડેવલપમેન્ટની દિશામાં ફંડને ડાઇવર્ટ કરી શકાય. આ વાત વ્યક્તિગત પણ દરેકને લાગુ પડે છે માટે સોલર એનર્જીને અપનાવવાની દિશામાં સૌકોઈએ સાથે મળીને કામ કરવું જોઈએ. જો પ્રૉપર પ્લાનિંગ સાથે સોલર એનર્જી જનરેટ કરવામાં આવે તો એ ૨૦૦ ફ્લૅટની એક સોસાયટીનો બધો જનરલ પાવર જનરેટ કરી શકે. જરા વિચાર કરો, આખેઆખી સોસાયટી મેઇન્ટેનન્સ-ફ્રી થઈ જાય.



 અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઑફ એનર્જીના લેટેસ્ટ ફિગર્સ મુજબ અમેરિકામાં ૪૩,૦૦૦ પબ્લિક ઇલેક્ટ્રિક વેહિકલ ચાર્જિંગ સ્ટેશન અને સવા લાખથી વધુ ચાર્જિંગ પોર્ટ્સનું ઇન્સ્ટૉલેશન થયું છે. આપણે ત્યાં આટલા પેટ્રોલ-પમ્પની સુવિધા પણ નથી.


Whatsapp-channel Whatsapp-channel

20 November, 2021 07:13 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK