ગુપચુપ જાઓ અને જેમણે તમારા માટે પિટિશન દાખલ કરી છે એ તમારા પિટિશનર પિતાશ્રીનું મૃત્યુ થયું છે એવું જણાવવાની જરૂર નથી.
પ્રતીકાત્મક તસવીર
મહેન્દ્ર જે ખુશખુશાલ હતો તેનો ચહેરો મોબાઇલમાં આવેલી ઈ-મેઇલ વાંચતાં રડમસ થઈ ગયો.
તેના પિતાએ તેના લાભ માટે ઇમિગ્રન્ટ વીઝાની પિટિશન દાખલ કરી હતી. તેની પત્ની અને બે બાળકો એમાં ડિપેન્ડન્ટ બેનિફિશ્યરી હતાં. પિટિશન અપ્રૂવ થઈને કરન્ટ થઈ ગઈ હતી. પિતાએ અમેરિકાથી ઍફિડેવિટ ઑફ સપોર્ટ મોકલ્યું હતું. આવતા અઠવાડિયે તેમનો ઇન્ટરવ્યુ હતો. બધા ખુશખુશાલ હતા. અમેરિકા જઈને આમ કરીશું ને તેમ કરીશું એવી તેઓ આપસમાં વાતો કરતા હતા અને એવામાં સમાચાર આવ્યા કે તેના પિતાનું હૃદયરોગને કારણે મૃત્યુ થયું છે. હવે શું કરવું?
ADVERTISEMENT
સમાચાર મળતાં જ મહેન્દ્ર જેની પાસે તેણે ઇમિગ્રન્ટ વીઝા મેળવવાની વિધિ કરાવી હતી તેની પાસે દોડી ગયો.
‘જુઓ મહેન્દ્રભાઈ, પિટિશનરના મૃત્યુને કારણે તમારા લાભ માટે જે પિટિશન દાખલ કરવામાં આવી છે એ આપોઆપ રદબાતલ થઈ જાય છે, પણ તમારા પિતાનું મૃત્યુ હજી ગઈ કાલે જ થયું છે. તમારો ઇન્ટરવ્યુ ચાર દિવસ પછી છે. આટલા સમયમાં કૉન્સ્યુલેટને તમારા પિતાના મૃત્યુની જાણ થવાની નથી. તેમણે પોતાના ઍફિડેવિટ ઑફ સપોર્ટ મોકલી આપ્યાં છે. તમે બધી વિધિ પતાવી દીધી છે એટલે ગુપચુપ જાઓ અને જેમણે તમારા માટે પિટિશન દાખલ કરી છે એ તમારા પિટિશનર પિતાશ્રીનું મૃત્યુ થયું છે એવું જણાવવાની જરૂર નથી. ગુપચુપ વીઝા લઈ લો અને તરત અમેરિકા ચાલ્યા જાઓ.’
મહેન્દ્રભાઈએ એ મુજબ કર્યું, પણ તેમના ચારેયના ઊતરી ગયેલા ચહેરા અને જવાબ આપતાં જે ખચકાટ અને ગભરાટ કૉન્સ્યુલર ઑફિસરે જોયો એટલે તેમને શંકા પડી. વધુ પૂછપરછ કરતાં પિટિશનરનું મૃત્યુ થયું છે એ વાત બહાર આવી ગઈ.
મહેન્દ્રભાઈ અને તેમની ફૅમિલીની ઇમિગ્રન્ટ વીઝાની અરજી નકારવામાં આવી. તેમણે છેતરપિંડી આચરી હતી એ કારણસર ભવિષ્યમાં અમેરિકામાં કોઈ પણ પ્રકારના વીઝા પર તેમને પ્રવેશ ન આપવો એવો પ્રતિબંધ કૉન્સ્યુલર ઑફિસરે મૂકી દીધો.
મહેન્દ્રભાઈના કેસમાં તેમણે જુઠ્ઠાણાંનો આશરો લેવાની ભૂલ કરી. જો ખોટાનો સહારો લીધો ન હોત અને મરનાર પિતાની જગ્યાએ તેમનાં મમ્મી જેઓ અમેરિકન સિટિઝન હતાં તેમને જગ્યા લેવા માટે સબસ્ટિટ્યુશનની અરજી કરી હોત તો તેમને તેમના લાભ માટે તેમના પિતાએ જે પિટિશન દાખલ કરી હતી એની હેઠળ જ ઇમિગ્રન્ટ વીઝા મળી શક્યા હોત.

