° °

આજનું ઇ-પેપર
Sunday, 20 June, 2021


બડી દેર કરી.... ખૈર! દેર આયે, દુરુસ્ત આયે

02 August, 2020 11:02 PM IST | Mumbai Desk | Jayesh Chitalia

બડી દેર કરી.... ખૈર! દેર આયે, દુરુસ્ત આયે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

હવે જ્યારે ખુદ નવી પેઢીનાં મમ્મી-પપ્પા માતૃભાષા ભૂલી ગયાં છે ત્યારે સરકારે સંતાનો-વિદ્યાર્થીઓ માટે પાંચમા ધોરણ સુધી માતૃભાષા ફરજિયાત બનાવવાનો નિર્ણય લીધો એ કેટલો વ્યવહારુ નીવડશે? આનો અમલ કઈ રીતે થશે? સ્કૂલોના સંચાલકો, વિદ્યાર્થીઓ, વિદ્યાર્થીનાં માતા-પિતા, શિક્ષકો વગેરે માટે મૂંઝવણ અને સવાલ ઘણાં ઊભાં થશે  

માતૃભાષામાં ફરજિયાત શિક્ષણ આપવાની સરકારની જાહેરાત થઈ એટલે ડૉ. સ્વપ્નિલ કેશવલાલ મહેતા લિખિત એક રસપ્રદ વૉટ્સઍપ-મેસેજ વાંચવામાં આવ્યો, જેમાં કાતિલ કટાક્ષ છે અને એ મેસેજ આ મુજબનો હતો...
ધોરણ પાંચમા સુધી માતૃભાષામાં શિક્ષણ સામે પ્રતિક્રિયા : 
નો નો મૉમ, યુ લાયર, ધિશ ઇઝ ચકલી…એ સ્પેરો નથી. એ કૅમલ નથી, ઊંટ છે. મમ્મા યુ આર સો સ્ટુપિડ.
જૅક અને જિલને અડફેટે લઈને રીંછ એકલું ફરવા ચાલ્યું છે, હમ્પ્ટી-ડમ્પ્ટી મોં વકાસીને જોઈ રહ્યા છે.
ભાભો ગૌરવભેર ઢોર ચારી રહ્યો છે, લિટલ સ્ટાર ઝાંખા પડી ગયા છે, બાળકવિતા મોટી થઈ રહી છે.
ડૉક્ટરસાહેબ માફ કરજો, મારું કિડ કોઈ અજબ ભાષા બોલી રહ્યું છે, મને તેની ઘણી ચિંતા થાય છે.
બહેન એ જે બોલે છે એને માતૃભાષા કહેવાય, ડરવાની જરૂર નથી.
દાદુ, તમે જે ભાષામાં લખો છો એ ભાષામાં હું પણ શીખવાનો છું, સો પ્રાઉડ..
અને આલા દરજ્જાના સાહિત્યકારની આંખમાં પાણી ધસી આવ્યાં.
ખાટલામાં પડી-પડી નાભિશ્વાસ લઈ રહેલી મારી માને મેં હરખભેર કહ્યું, ‘મા, ઓ મા, જો તારા માટે વેન્ટિલેટર લઈને આવ્યો છું.’
‘ઉતાવળમાં ધમણ તો નથી લઈ આવ્યોને...’ માએ ફિક્કું હસતાં કહ્યું,
મા આવી હાલતમાં પણ મજાક કરતી હતી, પણ મને તેની મજાક તથ્યહીન ન લાગી.
હજી વેન્ટિલેટરનું પૅકિંગ ખૂલ્યું નહોતું.
મને મારી માતૃભાષા પર ભરોસો છે, મારા ભાઈઓ પર નહીં.
એ લોકોએ જ મારી માનું ગળું રૂંધ્યું છે.
આપણી માતૃભાષા ગુજરાતીને બચાવવા કે જાળવી રાખવા કે એનું જતન કરવા છેલ્લા લગભગ અઢી દાયકા કરતાં વધુ સમયથી ઝુંબેશ ચાલી રહી છે. અનેક રજૂઆતો થઈ છે. કેટલાય સંઘ, સંસ્થા કે સંગઠન બન્યાં, માતા-પિતાઓને સમજાવવાની ઝુંબેશ પણ ચાલી કે તેમનાં બાળકોને માતૃભાષા શીખવે અથવા ગુજરાતી માધ્યમની સ્કૂલમાં મૂકે. આવા વિદ્યાર્થીઓનું અંગ્રેજી કાચું ન રહી જાય એવી વ્યવસ્થા પણ કરાતી રહી છતાં પરિણામ સતત એ જોવા મળતું રહ્યું કે ગુજરાતી માધ્યમની શાળાએ બંધ થવા માંડી યા એના વર્ગ ઘટવા લાગ્યા. માતા-પિતાઓએ પોતે પેટે પાટા બંધાવીને પણ સંતાનોને અંગ્રેજી, સૉરી ઇંગ્લિશ મીડિયમમાં જ ભણાવવાની જીદ ચાલુ રાખી. અંગ્રેજી માધ્યમમાં નહીં ભણે તો તેમનાં બાળકો જીવનમાં-કારકિર્દીમાં પાછળ રહી જશે, તેમને નોકરી નહીં મળે, તેઓ વિકાસ નહીં કરી શકે એવા ભય અને ભ્રમ સાથે આમ ચાલતું રહ્યું. પરિણામ આજે સૌની સામે છે.
હવે સરકારને અચાનક માતૃભાષાના મહત્ત્વનું જ્ઞાન થયું કે પછી બીજો કોઈ વિચાર આવ્યો એ તો ઈશ્વર જાણે, પરંતુ હવે સરકારે અચાનક વર્ષો પછી નવી શિક્ષણનીતિ બહાર પાડીને કહી દીધું કે પાંચમા ધોરણ સુધી માતૃભાષામાં ભણાવવું કે ભણવું ફરજિયાત. પણ આમ હવે કેટલું સંભવ રહ્યું છે એ પાયાનો સવાલ સરકારે વિચાર્યો છે કે નહીં એ મસમોટો પ્રશ્ન છે.
હવે મા-બાપની એક એવી પેઢી ઊભી થઈ ગઈ છે કે તેમને પોતાને માતૃભાષા આવડતી નથી. તેઓ પોતે ઇંગ્લિશ મીડિયમમાં ભણ્યાં છે. તેમને પોતાની માતૃભાષા બોલતાં આવડે છે, વાંચતાં-લખતાં નહીં. બોલવામાં પણ ઘણાને એ તૂટીફૂટી જ આવડે છે. એમાં જો કોઈ ઉચ્ચ કક્ષાના શબ્દો બોલાય તો તેમણે બીજા જાણકારને પૂછવું પડે એવી નોબત આવી છે.
વ્યવહારુ અમલ સામે અનેકવિધ સવાલ
હવે સરકારે તો જાહેરાત કરી દીધી, પણ એના અમલ સામે ઘણા સવાલ થશે. આ ઉપરાંત સૌથી મોટી મૂંઝવણ વિદ્યાર્થીઓનાં માતા-પિતાને અને સ્કૂલના સંચાલકોને થશે. આનું અમલીકરણ કઈ રીતે કરવું એની માર્ગરેખા હજી બહાર પડી નથી એટલે એની રાહ જોવી રહી, પણ વ્યવહારુ દૃષ્ટિએ જોઈએ તો આજે મહત્તમ સ્કૂલો અંગ્રેજી માધ્યમની છે. મહત્તમ વિદ્યાર્થીઓ આ સ્કૂલોમાં ભણે છે. માતૃભાષા ભણાવવાનો-ભણવાનો અમલ પાંચમા ધોરણ સુધી ફરજિયાત કરવાનો છે, પરંતુ શરૂઆત કઈ રીતે અને ક્યારથી? હાલમાં જેઓ બીજા કે ત્રીજા ધોરણમાં છે તેમનું શું? તેમણે હવે તરત જ માતૃભાષા ભણવાનું શરૂ કરી દેવાનું? કે પછી હવે જેઓ પહેલા ધોરણમાં આવે ત્યારથી? આજનાં બાળકો બાકીની ભાષા પણ તૂટીફૂટી-ભૂલ ભરેલી બોલે છે ત્યાં આ નવું પગલું ભરતાં તેઓ કેટલી વાર લપસશે એની કલ્પના કરવી કઠિન છે. અત્યાર સુધી અંગ્રેજી શીખવવા માટે વધારાના ક્લાસ ભરાતા રહ્યા છે, હવે ગુજરાતી માટે ટ્યુશન-ક્લાસિસનો રાફડો ફાટશે. ગુજરાતીઓ કમાણી માટે તૈયાર થઈ જાઓ, ધન સાથે માન પણ મળશે.
મમ્મી-પપ્પાએ માતૃભાષા શીખવી પડશે
એક સંભાવના પૂર્ણપણે જણાય છે કે હવે પછી મમ્મી-પપ્પાએ પણ માતૃભાષા શીખવી પડશે, જેઓ ક્યારનાં ભૂલી ગયાં છે. હવે તેમને બોલતાં માંડ-માંડ આવડે છે. મોટા ભાગના લોકો તો ઘરમાં પણ અંગ્રેજીમાં જ વાત કરે છે, તેમની માતૃભાષા કંઈ પણ હોય. આમ કરવાનો તેમનો ઉદ્દેશ એવો કહેવાતો હોય છે કે તેમનું બાળક જેટલું વધુ અંગ્રેજીમાં બોલશે એટલું તેમનું ઇંગ્લિશ-સ્પીકિંગ સારું-સ્મૂધ થશે. તેની જીભ વધુ છૂટી થશે ઇંગ્લિશ બોલવા માટે. આ વિદ્યાર્થીમિત્રો ક્લાસમાં કે ક્લાસની બહાર પણ ઇંગ્લિશમાં વાત કરતા હોય છે. તેઓની મસ્તી અને ગાળો પણ ઇંગ્લિશ થઈ ગઈ છે. 

નાના-નાની, દાદા-દાદીની ડિમાન્ડ
કહેવાય છે કે હવે પરિવારમાં (રહ્યાં હશે તો) દાદા-દાદી કે નાના-નાનીનું મહત્ત્વ વધશે, કારણ કે તેમનો ઉપયોગ બાળકોને ગુજરાતી-રાધર માતૃભાષા શીખવવામાં થઈ શકશે. ક્યાંક એવો પણ ભય વ્યક્ત થાય છે કે બાવા (બાબા-બેબીના)નાં બેઉ બગડશે. અલબત્ત, આટલી બધી નિરાશાની પણ જરૂર નથી. અગાઉ આપણે માતૃભાષામાં આ જ રીતે ભણતા હતા અને એ પછી પણ અંગ્રેજીમાં નિષ્ણાત બની શકતા હતા. આજની તારીખમાં હજારો ડૉક્ટરો, વકીલો, વૈજ્ઞાનિકો, ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ, પ્રોફેસર વગેરે પોતાની માતૃભાષામાં ભણ્યા હોવાના કિસ્સા છે, જેઓને અંગ્રેજીમાં કોઈ તકલીફ નથી પડી અને તેઓ ઉચ્ચ સ્થાને-પદે પહોંચ્યા છે. સફળતાના ઉચ્ચતમ શિખરે રહ્યા છે. ઉપરથી માતૃભાષા તેમને મદદરૂપ થઈ છે.
બે-ચાર વિદ્યાર્થીઓ માટે અલગ શિક્ષક?
જોકે આ ભવ્ય ભૂતકાળને બાજુએ મૂકીને હાલમાં આટલાં વર્ષ બાદ સર્જાયેલા નવા વર્તમાન અને ભવિષ્ય માટે વિચારવું પડશે. માતા-પિતા, સ્કૂલોના સંચાલકો, શિક્ષકો અને વિદ્યાર્થીઓ મૂંઝાશે એ નક્કી છે. કરુણતા એ પણ છે કે અનેક ગુજરાતી વિદ્યાર્થીઓને માતૃભાષાનો વિકલ્પ સ્કૂલમાં ઑફર થાય છે ત્યારે તેઓ પોતે પણ ગુજરાતી હોવા છતાં ફ્રેન્ચ યા અન્ય ભાષાનો વિકલ્પ અપનાવે છે, પરંતુ ગુજરાતી ભાષા નથી લેતા. કરુણતા તો એ પણ છે કે આવા પરિવારનાં બાળકો કે તેમનાં માતા-પિતાને ગુજરાતી બોલવામાં કે દેખાવામાં પણ સંકોચ કે શરમ આવે છે. તેઓ ખોટું અંગ્રેજી બોલશે, પણ સાચું ગુજરાતી નહીં બોલે, કારણ કે સમાજના આવા વિશાળ વર્ગે અંગ્રેજી ભાષાને હાઈ સ્ટેટસ (ઊંચો દરજ્જો) આપી દીધો છે, જાણે અંગ્રેજી ન બોલનાર અને માતૃભાષામાં વાત કરનાર માનવી અભણ, પછાત કે ગમાર હોય. બીજાઓએ તો કર્યું જ છે, પણ ખુદ ગુજરાતીઓએ પણ પોતાને ગુજ્જુ કહી-કહીને બદનામ કર્યા છે, નીચા દેખાડ્યા છે.
આજે ગુજરાતી શિક્ષકો ક્યાં છે?
એક પાયાનો સવાલ એ પણ છે કે હવે માતૃભાષાના શિક્ષકો મળશે ખરા? કેટલા મળશે? કઈ-કઈ ભાષામાં મળશે? ધારો કે એક ક્લાસમાં ગુજરાતી માતૃભાષા ધરાવતાં ચારથી પાંચ બાળકો જ છે, તો શું સ્કૂલ એ ચાર-પાંચ વિદ્યાર્થીઓ માટે અલગ શિક્ષક રાખશે? સ્કૂલને આમ કરવું પોસાશે ખરું? કોઈ ભાષામાં બે વિદ્યાર્થી હોઈ શકે, કોઈમાં દસ વિદ્યાર્થી હોય તો શું દરેક ભાષા મુજબ શિક્ષકો લાવવા પડશે? આ સમસ્યાનો ઉપાય કઈ રીતે થશે? માત્ર ગુજરાતી ભાષાની વાત કરીએ તો કેટલાય શિક્ષકોએ ગુજરાતી શિક્ષક તરીકેની નોકરી ગુમાવી દીધી છે. હવેના સમયની કરુણતા કે બલિહારી એ પણ છે કે ઘણા ગુજરાતી શિક્ષકોને પોતાને પણ બરાબર ગુજરાતી બોલતાં, લખતાં કે શીખવતાં આવડતું નથી. કહે છેને કે કૂવામાં હશે તો હવાડામાં આવશેને? આવી દશા બીજી ભાષાઓની પણ હોય તો નવાઈ નહીં. પાઠ્યપુસ્તકોમાં છપાતા છબરડા આના સાક્ષાત્ પુરાવા છે.

હવે માતૃભાષાના જતન-સંવર્ધનની જવાબદારી, કર્તવ્ય અને ફરજ આપણી 

આપણે અહીં સરકારના આ પગલા સામે સવાલ અને મૂંઝવણ વ્યક્ત કર્યાં છે, જેનો વહેલી તકે વ્યવહારુ ઉપાય થશે એવી આશા ચોક્કસ રાખીએ. મોદી સરકારનું શિક્ષણક્ષેત્રે આ એક ક્રાન્તિકારી કદમ કહી શકાય. આ ભગીરથ કાર્યમાં રાજ્ય સરકારોનો સહયોગ પણ આવશ્યક બનશે. સરકારે દરેક માતૃભાષાને આવરી લઈને દરેક ભારતીયને ન્યાય કર્યો છે, ભાવિ પેઢી માટે સારી તક આપી છે. હવે આપણે માતૃભાષા માટે નવી ઝુંબેશ ચલાવવા સક્રિય બનવું પડશે. ગુજરાતી વાલીઓએ એમાં મહત્ત્વની ભૂમિકા ભજવવાની છે. પોતાનનાં સંતાનો માતૃભાષા મારફત માત્ર ભાષા જ નહીં શીખે, માતૃભાષા સાથે સંકળાયેલા સંસ્કાર પણ મેળવશે. એક જબરદસ્ત સંસ્કૃતિને, એના સાહિત્ય, સર્જન અને રચનાત્મકતા અને એના ઊંડાણને પણ જાણી શકશે. વાલીઓએ આ નિર્ણયને સહર્ષ સ્વીકારીને પોતાનાં સંતાનોમાં એનાં બીજ રોપવાં પડશે. આ બાબત તેમનાં સંતાનો-પરિવારના હિતમાં રહેશે. સ્કુલના સંચાલકોને આ પગલું કેટલું માફક આવે છે એ વિશે સવાલ અને શંકા છે, પણ જો વાલીઓ સક્રિય બનશે તો સ્કૂલો પર દબાણ આવશે. અત્યાર સુધી ઘણા વાલીઓ પોતાનાં ‍સંતાનોને અંગ્રેજી માધ્યમની સ્કૂલમાં મૂક્યા બાદ અલગથી ગુજરાતી લખતાં-વાંચતાં શીખવવાના પ્રયાસ કરતા હતા. અનેક સંસ્થાઓ આ માટે યોગદાન આપતી રહી છે. હવે આ સંસ્થાઓએ નવી ભૂમિકામાં આવવું પડશે. આ પગલું લાવવા માટે આવી અનેક સંસ્થાઓના પ્રયાસોનો મોટો ફાળો ગણી શકાય. ઇતિહાસ અને વિજ્ઞાન કહે છે કે બાળક માતૃભાષામાં ભણે તો તેની જ્ઞાનશક્તિ–ગ્રહણશક્તિ વધુ ખીલે છે. તેનો શિક્ષણનો પાયો વધુ મજબૂત બને છે.
આ પગલાના અમલમાં શરૂઆતમાં એક-બે વર્ષ ચોક્કસ મૂંઝવણો અને સમસ્યા આવી શકે, પરંતુ સ્કૂલના સંચાલકો-વાલીઓના સંનિષ્ઠ પ્રયાસ મારફત એનો અમલ ધીમે-ધીમે સરળ બનતો જશે. યાદ રહે કે સરકારે એની ફરજ પૂર્ણ કરી છે. હવે માતૃભાષાનું જતન અને સંવર્ધન કરવાની જવાબદારી, કર્તવ્ય, ફરજ આપણાં બને છે. મોદી સરકાર તરફથી સરકારની નવી શિક્ષણનીતિ વિશે જનતા પાસેથી અભિપ્રાય-સૂચનો માટેનો માર્ગ પણ ખુલ્લો રાખ્યો છે, જે માટે ખાસ ઈ-મેઇલ જાહેર કરાઈ છે. આપ આ ઈ-મેઇલ narendramodi1234@gmail.com – website- www.pmindia.gov.in/en/interact-with-hon’ble-pm પર પોતાના વિચાર-મંતવ્ય સીધાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પહોંચાડી શકો છો.

02 August, 2020 11:02 PM IST | Mumbai Desk | Jayesh Chitalia

અન્ય લેખો

ઓહ, સૉરી... બસ, એમ કહી અમિતાભ બહાર નીકળી જાય

ઓહ, સૉરી... બસ, એમ કહી અમિતાભ બહાર નીકળી જાય

15 March, 2021 01:24 IST | Mumbai | Sanjay Goradia

જોગાનુજોગ

જોગાનુજોગ

15 March, 2021 01:06 IST | Mumbai | Samit purvesh Shroff

બે સેક્સ-સાઇકલ વચ્ચે કેટલું અંતર હોવું જોઈએ?

બે સેક્સ-સાઇકલ વચ્ચે કેટલું અંતર હોવું જોઈએ?

15 March, 2021 01:04 IST | Mumbai | Dr. Mukul Choksi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK