Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > કૉમેડી એટલે ખુલ્લા મને હસવું અને સાથોસાથ જ્ઞાન પણ લેતા જવું

કૉમેડી એટલે ખુલ્લા મને હસવું અને સાથોસાથ જ્ઞાન પણ લેતા જવું

11 June, 2022 05:41 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કોણ શું કરે છે અને કોણે શું કરવું જોઈએ એ બધામાં પડવા કરતાં આપણે શું કરવું અને કેવી રીતે કરવું એના પર ધ્યાન રાખવું જોઈએ, જેથી આપણે ભૂલ ન કરી બેસીએ

કૉમેડી એટલે ખુલ્લા મને હસવું અને સાથોસાથ જ્ઞાન પણ લેતા જવું

સેટરડે સરપ્રાઈઝ

કૉમેડી એટલે ખુલ્લા મને હસવું અને સાથોસાથ જ્ઞાન પણ લેતા જવું


જુઓ સૌથી પહેલાં તો એક વાતનો ખુલાસો કરું. કૉમેડી કેવી હોઈ શકે અને કૉમેડી કેવી હોવી જોઈએ એ હું મારા માટે વિચારી શકું અને મારો હેતુ એટલો જ છે કે મર્યાદાનો સ્તર ઊંચામાં ઊંચો રાખીને આખું કુટુંબ સાથે બેસીને માણી શકે એવું હાસ્ય સર્જું જે શુદ્ધ હોય અને નિર્દોષ હોય. ખાનગીમાં બેઠાં-બેઠાં હસવાનો કોઈ અર્થ નથી. જીવનમાં બે જ લાગણીઓ એવી છે જે તમને સાથે કરી શકે, એક રુદન અને બીજી હાસ્ય. તો પછી એવું શું કામ કરવાનું કે આ બન્ને લાગણી પણ માણસ પોતપોતાની રીતે માણે. 
એક વાત એ પણ છે કે હું જે કહું એમાં જીવતરની વાતો વણી લેવી અને જીવનનાં સરળ અને સાદાં સત્યોને હળવાશથી રજૂ કરવાં. ઉદાહરણ સાથે આ વાત તમને સમજાવું.
મને એક સજ્જને આવીને કહ્યું કે મારે સારા કામમાં પૈસા વાપરવા છે, હું એ પૈસા ક્યાં વાપરું? એટલે મેં તેને કહ્યું કે જેના લીધા છે તેને પાછા દઈ દો. આ હાસ્યકારક વાતમાં મેં કોઈ નવી વાત નહોતી કરી. શાસ્ત્રો પણ કહે છે કે પહેલું પુણ્ય એ છે કે તમે કોઈનો ઉપકાર માથા પર ન રાખો અને બને એટલું જલદી ચૂકતે કરી દો. મારે મન કૉમેડી એટલે માત્ર હા-હા-હી-હી સાથે મજા કરવી એવું નથી. મારે મન કૉમેડી એટલે ખુલ્લા મને હસવું અને એની સાથોસાથ જ્ઞાન પણ મળે અને એ જ્ઞાન સાથે મરક-મરક અને મંદ સ્મિત તમારા ચહેરા પર રહેવું. હું ક્યારેય એવું ન થવા દઉં કે સત્યથી વેગળો થાઉં. ના, સાદા સત્યને હળવાશથી રજૂ કરતા રહેવું અને એને અનુરૂપ ઉદાહરણ આપતા રહેવું.
મારી વાતમાં ખલીલ જિબ્રાન આવે અને ટૉલ્સ્ટૉય પણ આવે. પયગંબર પણ હોય અને ચાર્લી ચૅપ્લિન પણ હોય.
મારો એક અનુભવ છે. સ્ટેજ-શો કરતાં-કરતાં મને બાવન વર્ષ પૂરાં થયાં. આ બાવન વર્ષ દરમ્યાન મેં જોયું છે કે ઉદાહરણ સાથે કહેવામાં આવેલી વાત અને એની અસર તીવ્ર હોય છે, ઊંડી હોય છે. ઉદાહરણ સાથે જો કંઈ કહેવામાં આવે તો એ વાત સ્પષ્ટ થઈ જાય છે. થોડા સમય પહેલાં મારે કરુણા પર બોલવાનું આવ્યું એ સમયની વાત કહું તમને.
મેં મારા ટૉપિકની કોઈ ચર્ચા ન કરી અને આવીને ઘટના કહેવાની શરૂઆત કરી.
ભગવાન બુદ્ધ પસાર થતા હતા ત્યારે રસ્તામાં આદિવાસીઓનો વિસ્તાર આવ્યો. બુદ્ધે પસાર થતાં-થતાં રસ્તામાં એક પશુને વધસ્તંભ પર ઊભેલું જોયું. પશુની આંખોમાં વેદના હતી, આંસુ હતાં. બુદ્ધે એ લોકોને પશુ બાંધવાનું કારણ પૂછ્યું તો એ લોકોએ કહ્યું કે અમે એનો વધ કરીશું. શું કામ, તો કહે કે અમને પુણ્ય મળશે. 
ભગવાન બુદ્ધ તરત જ એ પશુ પાસે ગયા અને પશુની જગ્યાએ ઊભા રહી આદિવાસીઓને કહ્યું કે મારો વધ કરો તમને વધુ પુણ્ય મળશે. બુદ્ધ અને પશુની વેદના એક થઈ ગઈ એનું નામ કરુણા અને આ કરુણાના આધાર પર જ સૃષ્ટિનું અસ્તિત્વ છે. 
મારે કહેવું છે કે સત્ય, પ્રેમ અને કરુણા વિના જીવનનો કોઈ અર્થ સરતો નથી, પણ આ ત્રણ શબ્દોનો ભાવાર્થ વાજબી રીતે સમજવો જોઈએ. જે છે એ એમ જ જોવું એનું નામ સત્ય. પ્રેમ અર્થાત્, અપેક્ષા વિનાની શ્રદ્ધામય લાગણી. અપેક્ષા હોય એ પ્રેમ તો નથી જ નથી એ યાદ રાખજો. છેલ્લી વાત, કરુણા. બધા માટે લાગણી રાખો અને સમાન ભાવ રાખો. આવી વાતો સરળતા અને સહજતા સાથે આવતી રહે એ બહુ જરૂરી છે, કારણ કે સ્ટેજ-શોનો અર્થ ટાઇમપાસ નથી જ નથી. સ્ટેજ-શો તમને જીવનમાં પણ સમૃદ્ધ બનાવવાનું કામ કરે છે અને એ કામ ત્યારે જ થાય જ્યારે તમે વાતને સરળતા અને સાહજિકતા સાથે ઉદાહરણના સ્વરૂપમાં રજૂ કરતા હો. જો તમે કથાકાર હો તો તમારે એ વાતને પ્રેરણારૂપ રજૂ કરવી પડે અને જો તમે હાસ્ય-કલાકાર હો તો તમારે એ વાતને હાસ્યરસિક ઉદાહરણ સાથે કહેવી પડે.
મને આપણા ઘણા પત્રકારમિત્રો ઇન્ટરવ્યુ લેવા આવે ત્યારે એક સવાલ કરે જ કરે. પૂછે કે તમારી પત્નીના સ્વભાવ વિશે કશુંક કહેશો એટલે હું જવાબ આપું કે હું એ વિશે તો વધારે વાત ન કરી શકું, પણ હા, તમે એટલું નોંધજો કે હું સહનશીલ છું. મારા જેવું જ અમેરિકન પ્રેસિડન્ટનું પણ હતું.
અબ્રાહમ લિંકન અમેરિકાના પ્રેસિડન્ટ હતા ત્યારની વાત છે. એક દિવસ તેઓ પોતાની સેક્રેટરીને નોંધ કરાવતા હતા અને વચ્ચે-વચ્ચે કોઈ લેડી આવીને બોલબોલ કરતી હતી. લિંકન એ લેડી તરફ ધ્યાન જ ન આપે. બહુ વખત થયો એટલે સેક્રેટરીથી રહેવાયું નહીં. કારણ કે પેલી લેડીની કચકચ એકધારી ચાલુ હતી.
સેક્રેટરીએ લિંકનને પૂછ્યું કે કોણ છે આ લેડી, સતત બોલબોલ કરે છે એમાં કામ કરવાની મજા નથી આવતી, કોણ છે એ?
લિંકને કહ્યું કે મારી વાઇફ છે.
સ્વાભાવિક રીતે સેક્રેટરી જરા હેબતાઈ ગઈ અને ગમ ખાઈ ગઈ. આફ્ટર ઑલ તો તે અમેરિકન પ્રેસિડન્ટની નોકરી કરતી હતી એટલે તેણે થોડી વાર પછી ધીમેકથી કહ્યું કે માફ કરજો, મારી ભૂલ થઈ ગઈ. લિંકને તરત જ કહ્યું કે ભૂલ મારી થઈ છે, તમે શું કામ માફી માગો છો?
ગંભીર વાતને પણ આવી હળવાશ સાથે રજૂ કરવી એ હાસ્ય કલાકારોનો ધર્મ છે અને એ ધર્મ સૌકોઈએ નિભાવવો જોઈએ. હું ફરીથી એ જ કહીશ કે બીજા શું કરે છે અને તેણે શું કરવું જોઈએ એ મારો વિષય છે જ નહીં અને હું એ વિષયમાં ક્યારેય ઊંડો ઊતરીશ પણ નહીં. મારે શું કરવું અને હું શું કરું છું એ મહત્ત્વનું છે. આજે ચાલતી કોઈ વાતને પકડીને હું વગર કારણે એ દિશામાં આગળ ન વધુ એ મારે જોવું જોઈએ અને એવી અપેક્ષા રાખવી જોઈએ કે બીજાને સમજણ આવશે ત્યારે તે પણ આ જ પ્રયાસ કરશે. આવી અપેક્ષા રાખવા પાછળ પણ એક કારણ મહત્ત્વનું છે.
ઈશ્વરે મનુષ્યદેહ આપ્યો, આટલું સરસ મગજ આપ્યું, વિચારવાની શક્તિ આપી અને સાથોસાથ વાચા પણ આપી જેથી મનુષ્ય પોતાના વિચારો વ્યક્ત કરી શકે, પણ આજના સમયમાં મોટા ભાગના લોકો મળેલી એ વાચાનો બહુ ખોટો અને ગેરવાજબી કહેવાય એવો દુરુપયોગ કરે છે. ઈશ્વરે આપેલી શક્તિને સારી અને સાચી રીતે ઉપયોગ કરવાને બદલે નાહકના ઝઘડા કરે, દલીલો અને વ્યર્થ કહી શકાય એવા વાર્તાલાપ કરવા અને સસ્તું મનોરંજન આપવામાં પોતાની શક્તિ વેડફી નાખે છે. હું કહેતો હોઉં છું કે શું બોલવું, કેટલું બોલવું, કેવું બોલવું અને ક્યારે બોલવું એ સભાનતા હોવી જરૂરી છે. આજે જેને હાજરજવાબી કહેવામાં આવે છે એ હકીકતમાં તોછડાઈ છે. ચાણક્ય હાજરજવાબી હતા, ટૉલ્સ્ટૉય હાજરજવાબી હતા, પણ એમ છતાં કબૂલવું જ રહ્યું કે તેમના જવાબમાં ક્યાંય તોછડાઈ નહોતી. મને અત્યારે ટૉલ્સ્ટૉયનો જ એક કિસ્સો યાદ આવે છે.
ટૉલ્સ્ટૉય એક વાર રસ્તા પરથી પસાર થતા હતા. તેમની સાથે તેમના અનુયાયી અને સાગરીતો હતા. ટૉલ્સ્ટૉયને સામે એક માણસ મળ્યો. તેણે ટૉલ્સ્ટૉયને ઊભા રાખ્યા અને નમસ્તે કહ્યું. ટૉલ્સટૉયે સહેજ સ્માઇલ કર્યું, પણ તેઓ ચૂપ રહ્યા. થોડી વાર પછી પેલાએ ફરીથી ટૉલ્સ્ટૉયને નમસ્તે કર્યું. ટૉલ્સટૉયે ફરીથી સ્માઇલ કર્યું એટલે ટૉલ્સ્ટૉય સાથે જેઓ હતા તેમણે ટૉલ્સ્ટૉયને કહ્યું કે એ તમને નમસ્તે કહે છે.
‘હા, પણ અંદરથી આવવું જોઈએને...’
ટૉલ્સટૉયે જવાબ બહુ સરસ આપ્યો. નમસ્તે પણ અંદરથી આવે અને તમે કરો તો વાજબી કહેવાય. આજે મોટા ભાગના લોકો ફૉર્માલિટી સાથે જીવી રહ્યા છે.
જુઓ તમે, વાતો પણ નથી થતી આજે. આજે મોટા ભાગે ચર્ચા જ થતી હોય છે અને ચર્ચાના નામે કારણ વગરની, પાયાવિહોણી દલીલો થયા કરે છે. સામેવાળી વ્યક્તિને તમારા કરતાં ઓછું જ્ઞાન છે એ સાબિત કરતાં-કરતાં માણસ ભાષાની સીમા ઓળંગી બેસે છે. શા માટે? માત્ર એ ભાષા સાથે આવેલા અભિમાનને સાચવવા. યુધિષ્ઠિરને પૂછવામાં આવેલા સવાલનો જવાબ ‘નરોવા કુંજરો વા’ હતો નહીં છતાં યુધિષ્ઠિરને સમજાવવા શ્રીકૃષ્ણ હતા અને યુધિષ્ઠિરે તેમની વાચાનો સાચો ઉપયોગ કર્યો. આજે તો સવાલ કંઈક અલગ જ હોય છે, પણ પોતે પહેલાં કશુંક કહી દે એવી હોડમાં માણસના મોઢામાંથી નાહકનો બકવાસ નીકળતો હોય છે. દેશના વડા પ્રધાન કોણ બનશે અને યુક્રેન-રશિયાનું યુદ્ધ ક્યારે અટકશે? જેવા સામાન્ય સવાલના જવાબ આપવા માટે પણ લોકો એટલી હદે પોતાના જ્ઞાનના સ્તરને નીચે લઈ જાય છે કે આપણને મનમાં થાય કે આપણો સવાલ આ સજ્જનના જ્ઞાન સામે બહુ નાનો છે અને યાદ રાખજો કે માગ્યા વગર આપેલી સલાહ અને જ્ઞાનની કિંમત ક્યારેય થતી નથી. તમને મળેલા વાણીસ્વતંત્રતાનો સદુપયોગ થાય એ ખૂબ જરૂરી છે અને એટલે જ કહું છું કે બોલતાં પહેલાં અરીસાની માનસિકતા રાખો. તમે જે બોલો એ એક વાર અરીસા સામે ઊભા રહીને તમારી જાતને સંભળાવો. જો તમને ન ગમે તો પછી બીજાને કઈ રીતે એ ગમે? 
મેઘાણી તો કહેતા કે તમે જે લખો છો એ તમને પોતાને તો ગમે છેને? અર્નેસ્ટ હેમિંગ્વેની વાત પણ બહુ સરસ છે. હેમિંગ્વે કહેતા કે લખવા બેઠા છો, પણ ક્યાં છે તમારા જખમ? એક બહુ સરસ તત્ત્વચિંતકે કહ્યું છે કે જીવન જીવવા માટે તમે જ્યાં સુધી ઊભા નથી થયા ત્યાં સુધી લખવા બેસવું વ્યર્થ છે. આ જે વાત લખવા માટે લાગુ પડે છે એ જ વાત બોલવા માટે લાગુ પડે. અનુભૂતિ અને અભિવ્યક્તિ બન્ને હોય તો જ એ અસરકારક બને.

મારે કહેવું છે કે સત્ય, પ્રેમ અને કરુણા વિના જીવનનો કોઈ અર્થ સરતો નથી, પણ આ ત્રણ શબ્દોનો ભાવાર્થ વાજબી રીતે સમજવો જોઈએ. જે છે એ એમ જ જોવું એનું નામ સત્ય. પ્રેમ અર્થાત્ અપેક્ષા વિનાની શ્રદ્ધામય લાગણી. અપેક્ષા હોય એ પ્રેમ તો નથી જ નથી એ યાદ રાખજો. છેલ્લી વાત, કરુણા. બધા માટે લાગણી રાખો અને સમાન ભાવ રાખો.


Whatsapp-channel Whatsapp-channel

11 June, 2022 05:41 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK