° °

આજનું ઇ-પેપર
Wednesday, 06 July, 2022


‘મીરા’ : ૧૬મી સદીનો વિદ્રોહ

07 May, 2022 11:36 AM IST | Mumbai
Raj Goswami

રાણા ભોજરાજ : ક્રિષ્ના સે ક્યા રિશ્તા હૈ તુમ્હારા? મીરા : જો સ્વામી સે હોના ચાહિએ. રાણા : ઔર હમસે? મીરા : આપ તો મેરે રાણા હો.

‘મીરા’ : ૧૬મી સદીનો વિદ્રોહ બ્લૉકબસ્ટર

‘મીરા’ : ૧૬મી સદીનો વિદ્રોહ

હેમા માલિનીને એક રંજ રહી ગયો છે કે લતા મંગેશકરે તેમની ફિલ્મ ‘મીરા’નાં ભજનોને તેમનો અવાજ ન આપ્યો. સ્વરસમ્રાજ્ઞીના અવસાન પછી એક ઇન્ટરવ્યુમાં ડ્રીમગર્લે કહ્યું, ‘નિર્માતા પ્રેમજીએ મારી અને ધરમજી સાથે હિટ ફિલ્મો બનાવી હતી અને મેં તેમને મીરાબાઈનો વિષય સૂચવ્યો હતો. એનું નિર્દેશન કરવા માટે મેં જ ગુલઝાર સાથે વાત કરી હતી. મારી ઇચ્છા હતી કે લતાજી એનાં ભજનો ગાય. લતાજી પૂરી કારકિર્દીમાં મારો અવાજ રહ્યાં છે અને હવે હું જ્યારે મારી સૌથી ગમતી ભૂમિકા કરી રહી હતી ત્યારે તેમણે ના પાડી. મેં જાતે તેમને કહ્યું હતું કે તમે નહીં ગાઓ તો મીરાબાઈ કી આવાજ નહીં હોગી. તેમણે નમ્રતાથી ના પાડી. કેમ?
એક બીજા ઇન્ટરવ્યુમાં લતાજીએ એનો ખુલાસો કરતાં કહ્યું હતું, ‘મેં મારા ભાઈ હૃદયનાથ મંગેશકર સાથે ‘ચલા વહી દેશ’ આલબમમાં મીરાનાં ભજન ગાયાં હતાં. એટલે મેં નક્કી કર્યું હતું કે હું બીજા કોઈ માટે ન ગાઉં.’ એ પછી વાણી જયરામ પાસે ફિલ્મનાં ભજન રેકૉર્ડ કરવામાં આવ્યાં અને વાણીને ‘મેરે તો ગિરિધર ગોપાલ’ માટે સર્વશ્રેષ્ઠ ગાયિકાનો ફિલ્મફેર અવૉર્ડ પણ મળ્યો હતો. ફિલ્મમાં કુલ ૧૨ ભજન હતાં. હેમા કહે છે કે વાણી સુંદર ગાયિકા છે, પણ તેનો અવાજ મારા માટે અનુકૂળ નહોતો. લતાજીએ ‘મીરા’માં મારા માટે ન ગાયું એનો મને વસવસો છે. ગુલઝાર જોકે લતાજીએ કેમ ન ગાયું એનું થોડું જુદું કારણ આપે છે, પણ એની વાત પછી કરીએ.
‘મીરા’ ૧૯૭૯ની ૨૫ મેએ રિલીઝ થઈ હતી. ‘મીરા’માં એક બાજુ ૧૬મી સદીના એક રાજસ્થાની રજવાડામાં શાહી વ્યૂહરચનાઓના ભાગરૂપે અટપટી ગોઠવણો અને સમજૂતીઓ હતી તો બીજી તરફ એના કેન્દ્રમાં રહેલી રાજપૂતાણી મીરાબાઈનો વિદ્રોહ હતો. ગુલઝાર મીરાને પૌરાણિક મીથ રૂપમાં નહીં, એક ઐતિહાસિક રૂપમાં જુએ છે અને મીરાને પહેલી આઝાદ નારી ગણે છે, જે તેની નિયતિ ખુદ પસંદ કરે છે. 
ફિલ્મ પત્રકાર અનુરાધા ચૌધરી સાથેની એક મુલાકાતમાં ગુલઝાર કહે છે, ‘આ ફિલ્મ બનાવવા માગતો હતો એનું સૌથી મહત્ત્વનું કારણ એ હતું કે ૧૯૮૧ના વર્ષને મહિલા મુક્તિ વર્ષ તરીકે મનાવવામાં આવવાનું હતું. હું મીરાને દેશની પહેલી મુક્ત નારી તરીકે જોઉં છું. તેનામાં ઊંચું આત્મસન્માન હતું, તે જ્ઞાની હતી, બુદ્ધિશાળી હતી, કવયિત્રી હતી અને તેણે તેના પતિનો ધર્મ સ્વીકારવાની ના પાડી દીધી હતી.’
મીરાની ખ્યાતિ એક આધ્યાત્મિક ભક્ત તરીકેની છે, પણ ગુલઝારને તેના અસલી જીવનમાં રસ હતો. તે કહે છે, ‘દેખીતી રીતે જ હું વાર્તામાં આધ્યાત્મિક તત્ત્વ તો રાખવા માગતો જ હતો, પરંતુ મારે મીરાની માઇથોલૉજિકલ છબિમાં વધુ રંગ પૂરવા નહોતા. હું એક ઐતિહાસિક ફિલ્મ બનાવવા માગતો હતો, જેમાં ઉચિત સંદર્ભ હોય. મેં જ્યારે મીરા વિશે સંશોધન શરૂ કર્યું તો મારા આશ્ચર્ય વચ્ચે કશું જ ઉપલબ્ધ નહોતું. એ ૪૦૦ વર્ષ પહેલાં જ જીવી ગઈ હતી, પણ ભારતમાં લેખિત ઇતિહાસની પરંપરા જ નથી, આપણી મૌખિક પરંપરા છે. મને કર્નલ ટોડના પુસ્તક ‘હિસ્ટરી ઑફ રાજસ્થાન’માં બધી જ વિગતો મળી ગઈ.’
‘મીરા’ પિરિયડ ફિલ્મ હતી, પણ એની માવજત આધુનિક હતી. ફિલ્મમાં એક જગ્યાએ મીરાનો પતિ રાણા ભોજરાજ (વિનોદ ખન્ના) તેના કૃષ્ણપ્રેમ વિશે પૂછે છે, ‘ક્રિશ્ના સે ક્યા રિશ્તા હૈ તુમ્હારા?’ 
મીરા જવાબમાં કહે છે, ‘જો સ્વામી સે હોના ચાહિએ.’
રાણા પૂછે છે, ‘ઔર હમસે?’ 
મીરા કહે છે, ‘આપ તો મેરે રાણા હો.’ 
૧૬મી સદીની એક સ્ત્રી કેવી રીતે તેના પતિ સાથે સામાજિક સંબંધ નિભાવવા તૈયાર છે, પણ પત્ની તરીકેનો સંબંધ કૃષ્ણ માટે અબાધિત રાખે છે એની ‘સ્વામી અને રાણા’માં ખૂબસૂરત ગોઠવણ છે. ૧૬મી સદીના ભારતમાં જ્યાં સ્ત્રી પિતા, ભાઈ, પતિ અને પુત્રના આશ્રયમાં જીવતી હતી અને એ ચારેયને પૂછીને તે પગલું ભરતી હતી, ત્યારે મીરા એવું જીવન જીવી હતી જે આજની ભણેલીગણેલી આધુનિક સ્ત્રીઓ પણ કલ્પના કરી ન શકે. મીરાએ ત્યારે પતિ, પિતા, ધર્મ, શાસન, સમાજ કે પરિવારના તિરસ્કારને સહન કરીને એ જ કર્યું હતું જે તેના દિલને યોગ્ય લાગ્યું હતું. 
પતિનું બાળક જણવામાં કે પત્નીધર્મ નિભાવવામાં નિષ્ફળ ગયેલી મીરાને જ્યારે મહેણાં મારવામાં આવે છે ત્યારે તે કહે છે, ‘મૈ આત્મા હૂં, શરીર નહીં. મૈં ભાવના હૂં, કિસી સમાજ કા વિચાર નહીં. મૈં પ્રેમી હૂં, પ્રેમિકા હૂં, કેવલ પ્રેમ નામ કી જોગન. કિસી સંબંધ કી કડી નહીં, કિસી પરિવાર કી ખૂંટી સે બંધી સાંકલ નહીં.’ 
આ વિધાનમાં મીરાના એક એવા સ્વતંત્ર વ્યક્તિત્વની ઘોષણા હતી જે રીતિ-રિવાજો અને જબરદસ્તીની ફરજોનું ગુલામ નથી. જે જમાનામાં બુદ્ધ બનવાનું આસાન હતું, પણ મીરા બનવાનું અશક્ય હતું ત્યારે આ ભક્તાણીએ ભક્તિના પથ પર આગળ જવાનો રસ્તો બતાવ્યો હતો. 
ફિલ્મની વાર્તા અકબર (અમજદ ખાન)ના સમયની છે. રાજસ્થાનના મેડતા રજવાડાના રાજા વિરમદેવ રાઠોડને બે દીકરીઓ મીરા (હેમા), ક્રિશ્ના (વિદ્યા સિંહા) અને એક દીકરો જયમલ (દિનેશ ઠાકુર) છે. મીરા ભગવાન કૃષ્ણની એટલી દીવાની છે કે તેને જ પોતાનો પતિ માને છે. વિરમદેવ એકમાત્ર એવો રાજા છે જે અકબરની સલ્તનત સામે ઝૂકવા તૈયાર નથી અને એ માટે રાજા વિક્રમજિત (શમ્મી કપૂર) સાથે હાથ મિલાવે છે. એ સમજૂતીના ભાગરૂપે મીરાને વિક્રમજિતના દીકરા રાણા ભોજરાજ (વિનોદ ખન્ના) સાથે પરણાવી દેવામાં આવે છે. 
ઇચ્છા વિરુદ્ધ સાસરે વળાવાયેલી મીરાનો કૃષ્ણપ્રેમ અકબંધ રહે છે, જે ભોજરાજ અને તેના પરિવારને મંજૂર નથી. એમાં ખટરાગ વધી જાય છે અને મીરાને પતિ માટે પત્નીધર્મ ન બજાવતી, પરિવાર માટે વહુની ફરજ ન બજાવતી અને સમાજ માટે આદર્શ સ્ત્રી બનવાનો ઇનકાર કરતી સ્ત્રી ગણીને તેનો બહિષ્કાર કરવામાં આવે છે. તેને જેલમાં કેદ કરવામાં આવે છે પણ તે ઝૂકતી નથી. તેને મૃત્યુદંડ ફરમાવવામાં આવે છે અને સાર્વજનિક રીતે ઝેરનો કટોરો પીવાની સજા કરવામાં આવે છે. મીરાનો કૃષ્ણપ્રેમ એટલો અડગ છે કે તે હસતા મોઢે ઝેર પીને કૃષ્ણનું ભજન ગાતી ગાતી મહેલ છોડી દે છે. 
વાર્તાની દૃષ્ટિએ ‘મીરા’ કૃષ્ણભક્તિ પરની ફિલ્મ છે, પરંતુ ઊંડેથી જુઓ તો તે એક સ્ત્રીના તેના શરીરને લગતા, સમાજને લગતા અને તેની ભક્તિને લગતા સ્વતંત્ર નિર્ણયોની કહાની છે. એમાં તેને બેઇજ્જતી કે મૃત્યુનો ભય નથી. જે ધર્મઅદાલતમાં તેને મૃત્યુદંડ આપવામાં આવે છે એમાં રાજ્યના કુલગુરુ (ઓમ શિવપુરી) સાથે મીરાનો એક સંવાદ છે ઃ
‘મીરા, ક્યા તુમને અપને પતિ કા ધર્મ સ્વીકાર કરને સે ઇનકાર કિયા?’
 ‘મ્હારો ધર્મ તો એક હી સાંચો, ભવ સાગર સંસાર સબ કાચો.’
‘ક્યા તુમ સ્વીકાર કરતી હો કી રાજકુંવર ભોજરાજ કે સિવા ભી તુમ્હારા કોઈ ઔર પતિ હૈ?’
‘જાકે સિર મોર-મુકટ મેરો પતિ સોઈ.’
‘તો અદાલત યે માન લે કી તુમ્હારે એક નહીં દો પતિ હૈ?’
‘મેરે તો ગિરિધર ગોપાલ, દૂસરો ના કોઈ.’
‘જો પરિવાર તુમ્હે જિંદા રખતા હૈ ઔર જિસ સમાજ મેં તુમ રહતી હો, ક્યા ઉસકે નિયમ તુમ્હારે લિએ કોઈ મહત્ત્વ નહીં રખતે?’
‘આજ, ઇસ પલ, મૈં અપના પરિવાર ઔર આપકે સમાજ દોનોં કા પરિત્યાગ કરતી હૂં.’
‘અપને અપરાધ કા દંડ જાનતી હો?’
‘મેરા દંડ ક્યા હોગા યે આપ ભી જાનતે હૈં, મેં ભી જાનતી હૂં. મૈં આપકો અપની હત્યા કે પાપ સે મુક્ત કરતી હૂં.’
હેમા માલિની આ દૃશ્યને તેનું સૌથી ગમતું દૃશ્ય ગણાવે છે. હેમા કહે છે, ‘એમાં એક ગંભીર સામાજિક સંદેશ હતો. સાંકળોમાં બંધાયેલી મીરાને જ્યારે અદાલતમાં લાવવામાં આવે છે ત્યારે તેનો મોટો પડછાયો કુલગુરુ પર પડે છે અને તેઓ ગભરાઈ જાય છે. એ દૃશ્ય ઘણું પ્રતીકાત્મક હતું.’
 ‘મીરા’ માટે બે કલાકારો પહેલેથી જ નક્કી હતા; હેમા માલિની અને સંગીતકાર લક્ષ્મીકાંત-પ્યારેલાલ. ગુલઝારના ગમતા કમ્પોઝર તો આર. ડી. બર્મન હતા, પરંતુ નિર્માતા પ્રેમજી માટે તેમણે લક્ષ્મી-પ્યારે સાથે કામ કરવાનું નક્કી કર્યું હતું. ગુલઝારે અગાઉ ‘પલકોં કી છાંવ મેં’માં લક્ષ્મી-પ્યારે સાથે કામ કર્યું હતું અને આ વખતે પણ ઉત્સાહી હતા. બધાએ એવું પણ ધારી લીધું હતું કે મીરાનાં ભજનો લતા મંગેશકર સિવાય બીજું કોણ ગાય! ગુલઝાર કહે છે,
 ‘ફિલ્મની સ્ક્રિપ્ટ તૈયાર થઈ ગઈ અને સંગીતની ચર્ચા માટે હું લક્ષ્મીકાંત-પ્યારેલાલ સાથે બેઠો. અમે ડઝન જેટલાં મીરાનાં ભજન પસંદ કર્યાં. અમે ટ્રેડ પેપરમાં આગોતરી જાહેરાત છપાવી હતી, ‘આજની મીરા (લતા મંગેશકર) ‘મીરા’ ફિલ્મના મુહૂર્ત-શૉટની ક્લૅપ આપશે.’ મેં ‘મેરે તો ગિરિધર ગોપાલ’ ભજન પહેલાં શૂટ કરવાનું નક્કી કર્યું હતું, પણ લક્ષ્મી-પ્યારેએ જ્યારે ગીત કમ્પોઝ કર્યું ત્યારે લતાજીએ ગાવાની ના પાડી દીધી. તેમણે મને કહ્યું કે તેમણે હજી હમણાં જ તેમના ભાઈ હૃદયનાથ મંગેશકર માટે મીરાનાં ભજનો રેકૉર્ડ કર્યાં છે અને હવે એ જ ભજન કમર્શિયલ ફિલ્મ માટે નથી ગાવાં.’
ગુલઝારે તેમને આગ્રહ ન કર્યો અને વાત ત્યાં જ પડતી મૂકી. એમાં બીજી મુસીબત થઈ. લતાજીએ ભજન ગાવાની ના પાડી દીધી છે એવી ખબર પડી એટલે લક્ષ્મીકાંત-પ્યારેલાલ પણ ઊભા થઈ ગયા. ‘લતાબાઈ વગરની મીરા કેવી હોય?’ એવું વર્ષો પછી પ્યારેલાલે કહ્યું હતું. ગુલઝારે બીજા વિકલ્પ તરીકે આશા ભોસલેનો સંપર્ક કર્યો, પણ આશાએ દીદીનો ખ્યાલ રાખીને સલૂકાઈથી ના પાડી દીધી, ‘જહાં દેવતાને પાંવ રખે હો, વહાં ફિર માનૂસ પાંવ નહીં રખતે.’
ગુલઝાર કહે છે, ‘હવે હું ગભરાયો. અમારો સેટ તૈયાર હતો. પંચમ (આર. ડી. બર્મન) આમાં કારણ વગર ભરાઈ ગયો. હું તેને હવે સંગીત માટે કહું તો તેની ઇજ્જત જાય એવી હતી. મારે એવા સંગીત દમદાર નિર્દેશકની જરૂર હતી જે લતાજી અને આશાજી વગર ભજનો કરી શકે. એમાં પંડિત રવિ શંકરનું નામ સૂઝ્‍‍યું. એ વખતે તેઓ ન્યુ યૉર્કમાં હતા.’
ગુલઝાર પહોંચ્યા અમેરિકા. પંડિતજીને સ્ક્રિપ્ટ ગમી. ગુલઝારે કહ્યું કે ‘તમે ધૂન પર અત્યારે જ કામ શરૂ કરો, હું રોકાઈ જઈશ.’ પંડિતજીને ગુલઝારની ઉતાવળ સમજાઈ ગઈ, પણ લતા મંગેશકરવાળો વિવાદ તેમણે પણ સાંભળ્યો હતો એટલે થોડા અચકાતા હતા. 
ગુલઝાર કહે છે, ‘અમારા સદ્નસીબે લતાજી એ જ વખતે અમેરિકામાં હતાં. મેં તરત તેમને ફોન કરીને મામલો સમજાવ્યો. તેમણે તરત કહ્યું કે ‘તમતમારે આગળ વધો.’ પછી પંડિતજીએ પૂછ્યું કે ‘ગીત કોણ ગાશે.’ મારા મનમાં વાણી જયરામનું નામ હતું, પણ બોલ્યો નહીં. મેં કહ્યું કે તમે જ પસંદ કરો. તેઓ બોલ્યા, ‘વાણી જયરામ ચાલે?’
પંડિતજીએ અમેરિકામાં ધૂન તૈયાર કરી અને પછી ભારત આવીને ૯ દિવસમાં ૧૨ ભજનો અને બૅકગ્રાઉન્ડ મ્યુઝિક રેકૉર્ડ કરીને અમેરિકા પાછા વળી ગયા. પંડિતજીની જેમ હેમાએ પણ ઘણું ઍડ્જસ્ટમેન્ટ કર્યું હતું. ગુલઝારે હેમાને કહ્યું હતું કે એક દિવસ તારાં બાળકોને આ ફિલ્મ માટે ગર્વ થશે. વિનોદ ખન્ના ત્યારે તેની સફળતા અને શોહરતની ટોચ પર હતો, પરંતુ કંઈક અંશે અંદરથી વિચલિત હતો અને સિનેમા છોડીને રજનીશ આશ્રમમાં જતો રહેવા માગતો હતો. તેણે પણ ‘મીરા’ પૂરી કરવા માટે બહુ સહકાર આપ્યો હતો. તેને કોઈ ફિલ્મ અધૂરી છોડવી નહોતી.
વિનોદ દિલથી આધ્યાત્મિક હતો, પણ તેને શાંતિ મળતી નહોતી. ‘મીરા’ કરતી વખતે તે એટલો પ્રભાવિત થયો હતો કે એક દિવસ ગુલઝારને કહ્યું, ‘હું મીરાની લાગણીઓ સાથે એટલું તાદાત્મ્ય અનુભવું છું કે મને એવું થાય છે કે મારે મીરાની ભૂમિકા કરવા જેવી હતી.’

જાણ્યું-અજાણ્યું

  • મીરાના પતિ તરીકે પહેલાં અમિતાભ બચ્ચનનો વિચાર કરવામાં આવ્યો હતો, પણ એ વાત ન બની. ગુલઝારને હેમા સામે મોટો સ્ટાર લેવો હતો.
  • સંજીવકુમારને પણ આ ભૂમિકા ઑફર થઈ હતી, પણ સ્ત્રીપ્રધાન ફિલ્મ હોવાથી તેમણે ના પાડી હતી. છેલ્લે, ગુલઝાર સાથે દોસ્તીના ભાવે વિનોદ ખન્નાએ એ ભૂમિકા સ્વીકારી હતી.
  • એવી રીતે મીરાની બહેન માટે માલા સિંહાનો વિચાર થયો હતો, પણ તેણેય ના પાડી હતી. 
  • કહેવાય છે કે રાખી ગુલઝારને મીરાની ભૂમિકા કરવાની બહુ ઇચ્છા હતી. તેણે વર્ષોથી મીરાનો અભ્યાસ કરી રાખ્યો હતો. ભૂમિકા ન મળી એટલે તેને ડિપ્રેશન આવી ગયું હતું.
  • ૧૯૬૬માં બાબુભાઈ મિસ્ત્રીના નિર્દેશનમાં મીનાકુમારી ‘મીરાબાઈ’ ફિલ્મ કરવાની હતી, પણ કોઈક કારણસર એ ફિલ્મ ન બની શકી. 

07 May, 2022 11:36 AM IST | Mumbai | Raj Goswami

અન્ય લેખો

ઉદ્ધવ : રમત હારી ગયા, દિલ જીતી ગયા

એનસીપીના અજિત પવારને તોડીને તેમણે ઉતાવળ કરી નાખી હતી, પણ આ વખતે એકનાથ શિંદેના વિદ્રોહના બધા છેડા (સુરત, ગુવાહાટી, રાજ્યપાલ, સુપ્રીમ કોર્ટ) એવી રીતે ગૂંથી રાખ્યા હતા કે પાછા આવવામાં જરાય કચાશ રહી નહોતી

03 July, 2022 08:57 IST | Mumbai | Raj Goswami

ગુપ્ત : સુપર્બ સસ્પેન્સનાં પચીસ વર્ષ

‘ગુપ્ત’ રાજીવ રાયની બાકીની ત્રણ ફિલ્મો કરતાં એકદમ સ્ટાઇલિશ્ડ અને ટાઇટ ફિલ્મ હતી. એમાં અજીબોગરીબ સસ્પેન્સ હતું. ત્યાં સુધી કે અમુક દર્શકોને તો જ્યારે સસ્પેન્સ ખૂલ્યું ત્યારે આઘાત લાગ્યો હતો

02 July, 2022 12:07 IST | Mumbai | Raj Goswami

ઉદ્ધવ v/s એકનાથ : સેના માટે લડાઈ!

ભાવુક થઈને રાજીનામું આપવાનો ઉદ્ધવનો ઊભરો શાંત થઈ ગયો છે અને સરકાર બચાવવા તેમ જ શિંદે કૅમ્પમાંથી અમુક વિધાયકોને પાછા લાવવા (અમુકને ગેરલાયક ઠેરવવા) માટે લાંબી લડાઈ લડવાનું નક્કી કર્યું છે

26 June, 2022 01:35 IST | Mumbai | Raj Goswami

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK