° °

આજનું ઇ-પેપર
Sunday, 03 July, 2022


દુનિયા હમસે ઉમ્મીદ કરતી હૈ, હમ દુનિયા સે ઉમ્મીદ કરતે હૈં બસ યહી કામ હમ સબ ઝિંદગીભર ગલત કરતે હૈં!

22 June, 2022 07:37 PM IST | Mumbai
Pravin Solanki | pravin.solanki@mid-day.com

હું સારું-ખરાબ, કામનું-નકામું બધું જ વાંચું છું. દરેક વાંચનમાંથી મને કંઈક ‘કામનું’ મળી રહે છે. એવી પ્રતીતિ થાય છે કે દુનિયામાં કાંઈ નકામું નથી. 

દુનિયા હમસે ઉમ્મીદ કરતી હૈ, હમ દુનિયા સે ઉમ્મીદ કરતે હૈં બસ યહી કામ હમ સબ ઝિંદગીભર ગલત કરતે હૈં!

દુનિયા હમસે ઉમ્મીદ કરતી હૈ, હમ દુનિયા સે ઉમ્મીદ કરતે હૈં બસ યહી કામ હમ સબ ઝિંદગીભર ગલત કરતે હૈં!

હું સારું-ખરાબ, કામનું-નકામું બધું જ વાંચું છું. દરેક વાંચનમાંથી મને કંઈક ‘કામનું’ મળી રહે છે. એવી પ્રતીતિ થાય છે કે દુનિયામાં કાંઈ નકામું નથી. 
અનુભવ પછી સમજાયું કે સરળ લખવું ખૂબ અઘરું છે અને સરળ લખાણને સરળતાથી સમજવું એથી વિશેષ અઘરું છે, તો લગભગ અશક્ય લાગે એવી વાત સરળ લખાણને સરળતાથી સમજાવવાની છે. 
ઘણાંબધાં ફિલસૂફીભર્યાં લખાણ વાંચ્યાં. આત્મા-પરમાત્મા, ધર્મ-અધર્મ, અગમ-નિગમની વાતો, કર્મના સિદ્ધાંતો, પાપ-પુણ્યની વ્યાખ્યા, બ્રહ્મ સત્ય જગત મિથ્યાની ચર્ચાઓ વગેરે વગેરે ખૂબ વાંચ્યું. પરિણામ? કોઈ ચોક્કસ દિશા હજી સુધી પ્રાપ્ત નથી થઈ. કબૂલ કે મારી નાસમજે એમાં વધુ ભાગ ભજવ્યો હશે, પણ મારા જેવા અણસમજુઓની બહુમતી છે અને બહુમતીને સરળતાથી સમજાય એવા લખાણનો અને સમજાવી શકે એવા વક્તાઓનો અભાવ છે. 
આ સંદર્ભમાં સ્વામી રામતીર્થની એક વાત ઘણી સૂચક છે. કહે છે કે કોઈ પણ ફિલસૂફીની વાંઝણી ચર્ચામાં ન પડો. વાંઝણી શબ્દનો ઉપયોગ તેમણે બહુ વિચારપૂર્વક કર્યો છે. 
ફિલસૂફી તમને ચકરાવે ચડાવશે. મનમાં રહેલા સવાલના જવાબને બદલે બીજા નવા સવાલ ઊભા કરશે. તમને ગોળ-ગોળ ઘુમાવશે. તમારે સાચી અને સારી રીતે જીવવું છે તો એક જ સરળ ને રામબાણ ઉપાય છે, કુદરતના કાનૂનને અનુસરો. સંજોગ પ્રમાણે કાં એને તાબે થઈ જાઓ, કાં પડકારો. 
કુદરત તડકો આપે છે, છાંયડો પણ આપે છે, વરસાદ વરસાવે છે તો દુકાળ પણ પાડે છે. દરિયામાં ભરતી પણ લાવે છે ને ઓટ પણ લાવે છે, દિવસે અજવાળું તો રાતે અંધકાર પણ ફેલાવે છે. આના પરથી તમે શું શીખશો? કોઈ પણ વાત ઝાઝો સમય ટકતી નથી, કાયમી નથી. 
આપણે શું કરીએ છીએ? બહુ ગરમી પડે ત્યારે ‘હાય હાય બળી ગયા’ ને ઠંડી પડે ત્યારે ‘હાય હાય ઠરી ગયા’ના બળાપા કાઢીએ છીએ. વરસાદથી ત્રાસી જઈએ છીએ, અંધારું આકરું લાગે છે, આ બધું કાયમી નથી એ જાણ્યા છતાં. સ્વામીજી કહે છે કે કુદરતના કાનૂનને અનુકૂળ બની મનને એવું પ્રબળ બનાવો કે સંજોગો એના ગુલામ બની જાય અને તમે રાજા. 
સ્વામી કહે છે કે માણસ એક સામાજિક પ્રાણી છે અને સાથોસાથ વૈચારિક પ્રાણી છે. માણસના મનમાં જાતજાતના, ભાતભાતના વિચારો આવે છે ને જાય છે. તકલીફ એ છે કે તે ખરાબ વિચારને ત્યાગી નથી શકતો અને સારા વિચારોનો અમલ નથી કરી શકતો. આનો ઉપાય શો?
ઉપાય બહુ સરળ છે, ‘સુખી’ થવાનો વિચાર માંડી વાળો. માણસે સુખી થવાનો વિચાર કરતાં પહેલાં માણસ બનવાનો - થવાનો વિચાર કરવો જોઈએ. એક વાર તમે માણસ બનશો તો સુખ આપોઆપ તમારી પાસે આવશે. 
માણસ બનવા માટે શું કરવું? વધારે બીજું કાંઈ નથી કરવાનું. એક જ કામ કરવાનું છે, પશુતાથી જેટલું દૂર ભગાય એટલું ભાગવાનું અને દેવત્વથી જેટલું નજીક જવાય એટલું જવાનું. 
પશુતાથી દૂર ભાગવા માટે શું કરવું? આપણે સૌ જાણીએ છીએ કે પશુમાં વિચારશક્તિ નથી, માણસમાં છે. તો માણસે પશુતાથી દૂર થવા માટે સૌથી પહેલાં વિચાર પોતાના સુખનો નહીં, સમાજના-અન્યના સુખનો કરવો જોઈએ. દેવત્વની નજીક જવા માટે તમારે તમારી પોતાની જાતનો વિચાર કરવો જોઈએ.
જાતનો વિચાર કરવો એટલે તમે તમારી જાતને ઓળખો, તમે તમારી નજીક આવો. તમે જો તમને જ નહીં ઓળખતા હો તો બીજાને કઈ રીતે પારખી શકશો. 
આ થિયરી કદાચ તમને ઊલટી લાગશે. દેવત્વની નજીક જવું એટલે પોતાનો વિચાર? જી, હા, દેવને સૌથી પહેલો વિચાર, સૌથી વધુ મોટો ભય પોતાનું દેવત્વ ન છીનવાઈ જાય એનો હોય છે એટલે માનવે પણ સૌથી પહેલો વિચાર પોતાનું ‘મનુષ્યત્વ’ ન છીનવાઈ જાય એનો કરવો જોઈએ. ‘મનુષ્યત્વ’ શબ્દમાં સર્વગુણો-સર્વશુભનો સરવાળો છે. આઝાદી પહેલાંની વાત છે. એક ક્રાન્તિકારીને પકડવા સરકારે ૫૦,૦૦૦ રૂપિયાના ઇનામની ઘોષણા કરી હતી. એક રાતે પોલીસને ક્રાન્તિકારીનું પગેરું મળ્યું. ક્રાન્તિકારી બચવા ભાગ્યો. એક વિધવા મહિલાના ઘરમાં ઘૂસ્યો અને આસરો માગ્યો. મહિલાએ આપ્યો પણ ખરો.
વાત વાતમાં ક્રાન્તિકારીને ખબર પડી કે વિધવા મહિલાને એક ઉંમરલાયક દીકરી છે અને પૈસાને કારણે, દહેજને લીધે તેનાં લગ્ન થઈ શકતાં નથી. 
ક્રાન્તિકારીએ એક પણ ક્ષણ ગુમાવ્યા વગર કહ્યું, ‘બહેન, તમે જીવના જોખમે આસરો આપ્યો છે તો હવે મને મારી ફરજ બજાવવા દો. મને પકડાવી દો અને ૫૦,૦૦૦ રૂપિયાનું ઇનામ લઈ દીકરીનાં લગ્ન પાર પાડો. હું માણસ પહેલાં છું, ક્રાન્તિકારી પછી. 
 કહેવાની જરૂર નથી કે મહિલાએ આ વાત સ્વીકારી નહીં, પણ મુખ્ય વાત ક્રાન્તિકારીની માણસાઈની છે. એ ક્રાન્તિકારી હતા ચંદ્રશેખર આઝાદ.
 ટેન કમાન્ડમેન્ટ્સની જેમ સ્વામીજીનાં ૭ સૂત્રો જાણવા જેવાં છે... 
૧. આવતી કાલે સોનાનો સૂરજ ઊગશે એવી ઠગારી આશામાં જીવવા કરતાં આજ જેવી હોય એવી માણવાના પ્રયત્ન કરો. 
૨. ભૂલ થઈ ગઈ છે એવું એક વાર જાણી લીધા પછી એ ભૂલનો વારંવાર પસ્તાવો ન કરશો. એકની એક ભૂલ ફરી ન થાય એના પર ધ્યાન કેન્દ્રિત કરો. 
૩. નસીબની તો વાત જ ન કરતા. નસીબ બીજું કંઈ નથી, આપણી નિષ્ફળતા ઢાંકવાનું બહાનું માત્ર છે. નસીબ એ તો બંધ ઓરડો છે, એને ઉઘાડવાની ચાવી પુરુષાર્થ છે. 
૪. કોઈ પણ બાબતમાં હતાશ થવાનું ટાળજો. હતાશા એ આપણા અધૂરા પ્રયાસનું પરિણામ છે. 
૫. ખોટું કરીને સારાં પરિણામ મેળવવાની અપેક્ષા ન રાખશો. ધતુરાનાં બી વાવીને આંબાની આશા તો રખાય જ નહીં. 
૬. ટીકા કરવી હોય તો તમારી પોતાની ઊણપની ટીકા કરજો, બીજાની નિંદા કે ટીકા કરી તમે તમારી જાતને હલકી ન પાડશો. 
૭. બીજાના ઘરમાં દીવા બળતા જોઈને તમારા ઘરમાં આગ ન લગાડશો. ઈર્ષા એ પોતે જ એક મહાઅગ્નિ છે. એને બિલકુલ પાસે ન આવવા દેતા. 
  છેને સોનેરી સૂત્રો!!

22 June, 2022 07:37 PM IST | Mumbai | Pravin Solanki

અન્ય લેખો

સરકારે નિયમ બનાવ્યો છે, પણ એનું કડક પાલન થાય એ શિસ્તતા આપણે દાખવવાની છે

મૉરલી પણ આપણે નક્કી કરવું પડશે, આપણે શિસ્ત દાખવવી પડશે કે આપણે એ પ્રોડક્ટ નહીં વાપરીએ.

03 July, 2022 10:11 IST | Mumbai | Manoj Joshi

ધારો કે આ દિવસ પહેલી વાર મળ્યો છે તો...

...તો એને જીવવાનું એક્સાઇટમેન્ટ ચોક્કસપણે બદલાઈ જાય. એક્સાઇટમેન્ટ પણ બદલાઈ જાય અને એ દિવસ સામે જોવાની આપણી મેન્ટાલિટી પણ ચેન્જ થઈ જાય. એક્સાઇટમેન્ટ પણ બદલાય, મેન્ટાલિટી પણ બદલાય અને એ બન્નેની સાથે આપણી રિલેશનશિપમાં પણ એટલો જ પૉઝિટિવ ચેન્જ જોવા મળે

03 July, 2022 09:53 IST | Mumbai | Bhavya Gandhi

રાજ કપૂરની ફિલ્મોમાં પ્રેમની અભિવ્યક્તિ સંવાદોમાં સંયમ, અભિનયમાં આવેશ દ્વારા થતી

રાજ કપૂરની ફિલ્મોનાં પ્રણયદૃશ્યોનું અસરકારક ફિલ્માંકન થયું એ માટે અભિનેતા રાજ કપૂર કરતાં દિગ્દર્શક રાજ કપૂરનું મોટું યોગદાન રહ્યું છે.

03 July, 2022 09:30 IST | Mumbai | Rajani Mehta

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK