Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ઓપનહેઇમરનો જ્ઞાનયોગ : હું કાળ છું

ઓપનહેઇમરનો જ્ઞાનયોગ : હું કાળ છું

25 December, 2022 05:21 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પરમાણુ બૉમ્બના શોધકે પ્રથમ પરીક્ષણ વખતે ભગવદ્‍ગીતાને શા માટે ટાંકી? અપરાધભાવથી કે બચાવ માટે?

ઓપનહેઇમરનો જ્ઞાનયોગ : હું કાળ છું

કમ ઑન જિંદગી

ઓપનહેઇમરનો જ્ઞાનયોગ : હું કાળ છું


ન્યુ મેક્સિકોના રમણીય પરંતુ વેરાન વિસ્તાર લૉસ એલામોસ નજીક આવેલા એલાગોર્ડો નામના નાનકડા નગરથી થોડે દૂર ૧૯૪૫ના જુલાઈ મહિનાની ૧૬ તારીખે જે બન્યું એણે માનવજાતનું ભવિષ્ય બદલી નાખ્યું. એ દિવસથી વિશ્વની દિશા અને દશા બંને એવી બદલાઈ કે ફરીથી મૂળ સ્થિતિમાં આવે એવી કોઈ સંભાવના બચી નહીં. એ દિવસે અમેરિકાના વિજ્ઞાનીઓએ આ સ્થળે પ્રથમ પરમાણુ બૉમ્બનું પરીક્ષણ કર્યું. પરમાણુ બૉમ્બ બનાવનાર ટીમના વડા હતા જુલિયસ રૉબર્ટ ઓપનહેઇમર, જેમને પરમાણુ બૉમ્બના પિતાનું બિરુદ આપવામાં આવે છે. જ્યારે પ્રથમ બૉમ્બનું પરીક્ષણ થયું ત્યારે ઓપનહેઇમરને ભગવદ્ગીતાનો એક શ્લોક યાદ આવી ગયો. વિશ્વનું ભવિષ્ય બદલી નાખતી ક્ષણે તેમને ભગવદ્ગીતા યાદ આવી હતી કે પછી પોતે સર્જેલા મહાવિનાશકારી બૉમ્બથી જપાનનાં બે શહેરો અને લાખો લોકો ખતમ થઈ ગયાં હતાં એના અપરાધભાવને ઓછો કરવા, છુપાવવા ભગવદ્ગીતાનો આશરો ઓપનહેઇમરે લીધો હતો?

ક્રિસ્ટોફર નોલનને ન ઓળખતો હોય એવો ફિલ્મરસિક જગતમાં નહીં જડે. નોલન ફિલ્મ બનાવે એટલે સફળ જ હોય એવી છાપ આ સાયન્સ ફિક્શનના બાદશાહની છે. આ વખતે તેણે બાયોપિક પર હાથ અજમાવ્યો છે; પણ બૅકગ્રાઉન્ડ, અગેઇન, સાયન્સનું છે. ઓપનહેઇમર ફિલ્મનું ટ્રેલર હમણાં રિલીઝ થયું અને એનાં જબરદસ્ત વખાણ થયાં. ટ્રેલરમાં તો ગીતાનો શ્લોક નથી, ફિલ્મમાં કદાચ હશે; કારણ કે ઓપનહેઇમરની સૌથી વધુ જોવાયેલી ક્લિપ એ જ છે. ઓપનહેઇમર પર નોલન બાયોપિક બનાવી રહ્યા છે એવું જાહેર થયું ત્યારથી તેમણે ભગવદ્ગીતાના શ્લોકનો ઉલ્લેખ કર્યો હોવાનું વધુ એક વખત ચર્ચાવા માંડ્યું હતું. ઓપનહેઇમર જર્મન મૂળના પણ અમેરિકામાં ઊછરેલા. અત્યંત મેધાવી જુલિયસ રૉબર્ટ ઓપનહેઇમર જ્યારે ફિઝિક્સ ભણી રહ્યા હતા ત્યારે ગ્રીક તથા પ્રાચીન ફિલૉસોફી તરફ અઢળક ઢળેલા. પોતે કવિ પણ હતા અને બ્રહ્માંડ તથા એની રચનાના રહસ્યને જાણવા આતુર પણ ખરા. ભગવદ્ગીતાના સંપર્કમાં તે ત્યારે આવ્યા હોય. ગીતાને સાચી રીતે સમજવાની જરૂર લાગી હશે એટલે સંસ્કૃત પણ શીખ્યા. ફિઝિક્સના પ્રતિભાવંત વિજ્ઞાની તરીકેની તેમની ખ્યાતિ ત્યારે ટોચ પર પહોંચી જ્યારે અમેરિકાએ જર્મની પરમાણુ બૉમ્બ બનાવે એ પહેલાં પરમાણુ બૉમ્બ બનાવવા માટેની વિજ્ઞાનીઓની ટીમના વડા તેમને બનાવ્યા.



૧૯૪૫ના એપ્રિલ મહિનાની ૩૦ તારીખે ઍડૉલ્ફ હિટલરે પરાજય નિશ્ચિત થઈ જતાં આત્મહત્યા કરી લીધી અને જર્મનીએ શરણાગતિ સ્વીકારી લીધી. અમેરિકાનો બૉમ્બ એ પછી ત્રણ મહિને ૧૬ જુલાઈએ બન્યો. એટલે જર્મની તરફનો ખતરો તો ત્યારે ખતમ થઈ ગયો હતો, પણ અમેરિકા આ બૉમ્બનો ઉપયોગ કરી જોવા માટે ઉતાવળું હતું. જર્મની શરણે થઈ ગયું હતું, પણ જપાન અમેરિકા અને મિત્રરાષ્ટ્રો સામે ઝીંક ઝીલી રહ્યું હતું. જપાનને ઝુકાવી દેવા માટે અમેરિકાએ પરમાણુ બૉમ્બનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું. પ્રથમ બૉમ્બ છઠ્ઠી ઑગસ્ટ ૧૯૪૫ના રોજ જપાનના હિરોશિમા શહેર પર ઝીંકાયો. દોઢ લાખથી વધુ લોકોનાં મોત થયાં. ત્રણ દિવસ પછી નાગાસાકી શહેર પર બીજો પરમાણુ બૉમ્બ ઝીંકાયો. ૭૫,૦૦૦થી વધુ લોકોનાં મોત થયાં.


ઓપનહેઇમરને એ પછી સરકાર દ્વારા અણુપંચના વડા બનાવી દેવામાં આવ્યા. એક તરફ વિશ્વભરમાં પરમાણુ બૉમ્બ દ્વારા થયેલા વિનાશ માટે ઓપનહેઇમરને જવાબદાર ઠરાવવામાં આવી રહ્યા હતા, બીજી બાજુ થોડાં જ વર્ષોમાં અમેરિકાએ તેમના પર રશિયાને મદદ કરવાનો આરોપ મૂક્યો. ઓપનહેઇમરની પ્રેમિકા જીન ટેટલોક સામ્યવાદી વિચારધારાની હતી એટલે ઓપનહેઇમરને સામ્યવાદી જાસૂસ કહીને તેમની સામે તપાસ બેસાડવામાં આવી. તેમનું સિક્યૉરિટી ક્લિયરન્સ રદ કરી દેવાયું. જોકે તપાસમાં એ સાબિત ન થયું કે ઓપનહેઇમરે રશિયા માટે જાસૂસી કરી હતી. ઓપનહેઇમર બહુ ધાર્મિક પણ નહોતા. ભગવદ્ગીતાથી પ્રભાવિત ખરા, પણ હિન્દુ ધર્મ પ્રત્યે એટલું ખેંચાણ નહોતું કે હિન્દુ બની જાય. રુઝવેલ્ટના મૃત્યુ સમયે અંતિમવિધિમાં તેમણે ભગવદ્ગીતાના સતરમા અધ્યાયનો ત્રીજો શ્લોક ટાંકયો હતો : ‘માણસ શ્રદ્ધામય છે, જેવી જેની શ્રદ્ધ હોય એવો તે બને છે.’ ‘યચ્છ શ્રદ્ધ: સ એવ સ’. ઓપનહેઇમરે ઘણા મિત્રોને ભગવદ્ગીતા ભેટમાં આપી હતી અને ગીતાનો ઉલ્લેખ કરતા રહેતા. હવે એ પ્રશ્ન લઈએ કે ઓપનહેઇમરે ખરેખર ગીતા પચાવી હતી કે પછી અપરાધભાવમાંથી મુક્ત થવા માટે તેમણે ગીતાનો શ્લોક ટાંકયો હતો?

ઓપનહેઇમરે સંભાર્યો એટલે જગતમાં વિખ્યાત થઈ ગયેલો ગીતાના અગિયારમા અધ્યાયનો બત્રીસમો શ્લોક છે : કાલોસ્મિ અહં લોકક્ષયકૃત્ત પ્રવૃદ્ધો, લોકાન્સમાહર્તુંમિહ પ્રવૃત્તો. મૃત્યુનાં બે વર્ષ પહેલાં આપેલા એક વિડિયો ઇન્ટરવ્યુમાં તેમણે પરમાણુ બૉમ્બ બનાવવાના પોતાના કૃત્યને વાજબી ઠેરવવાના પ્રયાસરૂપે આ શ્લોક કહ્યો હતો. એ શ્લોક ટાંકતાં પહેલાં ઓપનહેઇમરે જે વાતો કરી હતી એ જોઈ જવા જેવી છે. પ્રશ્નકર્તા પત્રકારે તેમને પૂછ્યું હતું કે પરમાણુ બૉમ્બ કોઈ વેરાન જગ્યામાં, જ્યાં માનવવસ્તી ન હોય એવી જગ્યાએ ફેંકીને જપાનને ચેતવણી અપાઈ હોત તો સારું હતું એવું તમને નથી લાગતું? ત્યારે તેમણે ઉત્તર આપ્યો હતો કે ‘વેરાન જગ્યામાં બૉમ્બની કેવી અસર પડે એ સમજી શકાય નહીં.’ જ્યારે પ્રશ્ન કરાયો કે પરમાણુ બૉમ્બ બનાવ્યા પછી અમેરિકન સરકારને એના ઉપયોગ વિશે સલાહ આપનારી સમિતિમાં તમે હતા તો બૉમ્બને જપાન પર ફેંકવાના નિર્ણયનો વિરોધ કેમ ન કરાયો? ઓપનહેઇમરે જવાબ આપ્યો કે ‘વિજ્ઞાનીઓમાંના કેટલાક એમ માનતા હતા કે આ બૉમ્બનો ક્યારેય યુદ્ધમાં ઉપયોગ નહીં થાય; જ્યારે કેટલાક આશા રાખતા હતા કે બૉમ્બ ફેંકીને યુદ્ધને સમાપ્ત કરી શકાય, અસંખ્ય જિંદગી બચાવી શકાય. અમને લાગ્યું હતું કે યુદ્ધનો અંત કરવા માટે પરમાણુ બૉમ્બ સૌથી વધુ ઉપયુક્ત સાધન છે. જપાન પર પરમાણુ બૉમ્બ ફેંકાયો અને થોડું નુકસાન થયું એ પછી દુનિયા બે ભાગમાં વહેંચાઈ ગઈ. બૉમ્બ ફેંકવા માટેના નિર્ણયમાં અમને સહભાગી બનાવાયા નહોતા. અમને ખબર હતી કે પરમાણુ બૉમ્બ ફેંકાયા પછી આ વિશ્વ આવું નહીં રહે, સંપૂર્ણપણે બદલાઈ જશે. કેટલાક લોકો હસ્યા, કેટલાક રડ્યા, મોટા ભાગના ચૂપ રહ્યા. મને હિન્દુ ગ્રંથ ભગવદ્ગીતાનો શ્લોક યાદ આવ્યો : હું કાળ છું, લોકોનો સંહાર કરવા માટે વૃદ્ધિ પામેલો છું, પ્રવૃત્ત થયો છું. મને લાગે છે કે આપણે બધા ક્યારેક તો આવું વિચારતા જ હોઈએ છીએ.’ આ જવાબમાં સ્પષ્ટ સમજાય છે કે ઓપનહેઇમર બૉમ્બ ફેંકવાના વિરોધમાં નહોતા. ઊલટું પોતે વિશ્વનો વિનાશ કરી શકે એવું શસ્ત્ર બનાવ્યું એનાથી તેમણે પોતે સર્વશક્તિમાન હોય એવું અનુભવાયું હશે. ઇન્ટરવ્યુના અંતે બોલેલા શબ્દો ફરી વાંચો. હિરોશિમા અને નાગાસાકી પર બૉમ્બ ફેંકાયા અને આટલી નાલેશી થઈ તો પણ ઓપનહેઇમરે ક્યારેય એ હુમલા માટે પસ્તાવો વ્યક્ત નહોતો કર્યો. ઊલટું એક ઇન્ટરવ્યુમાં તેમણે એવું કહ્યું હતું કે આવી શોધમાં શોધકર્તા વિજ્ઞાનીનો કોઈ દોષ ગણાય નહીં. જોકે હુમલા પછી અમેરિકાના નવા પ્રેસિડન્ટ બનેલા ટ્રુમૅનને મળીને ઓપનહેઇમરે એવું કહ્યું હતું કે મારા હાથ જપાનીઓના લોહીથી ખરડાયેલા છે. ટ્રુમૅન આ સાંભળીને ગુસ્સે થઈ ગયા હતા. જ્યારે અમેરિકન સરકારે પરમાણુ બૉમ્બ કરતાં ઍડ્વાન્સ હાઇડ્રોજન બૉમ્બ બનાવવા માટે ઓપનહેઇમરને કહ્યું ત્યારે તેમણે ઇનકાર કરી દીધો હતો. ઓપનહેઇમરની દશા પણ ઘણા અંશે અર્જુન જેવી રહી હશે. અર્જુનની જેમ તેઓ બહુ વખત દુવિધામાં રહ્યા.


ઇન્ટરવ્યુની આખી વાત સાંભળ્યા પછી લાગે કે ઓપનહેઇમરે પોતાના બચાવ માટે આ શ્લોક શોધ્યો હતો. તેમને પ્રથમ પરમાણુ ટેસ્ટ વખતે એ શ્લોક યાદ આવે એના કરતાં એ જ અધ્યાયનો ૧૨મો શ્લોક યાદ આવે એવી સંભાવના વધુ હોય. પરમાણુ પરીક્ષણનો વિસ્ફોટ થયો ત્યારે પ્રચંડ તેજનો ઝબકાર થયો. જોનારની દૃષ્ટિ થોડા સમય માટે જતી રહી. જાણે ન્યુ મેક્સિકોના આકાશમાં એકસામટા કેટલાય સૂર્ય ઊગ્યા હોય એવો પ્રકાશ ફેલાયો અને આગનું વિશાળ મશરૂમ આકાશમાં છવાયું. બારમો શ્લોક છે, ‘દિવિ સૂર્યસહસ્ત્રસ્ય ભવેદયુગપદ ઉત્થીતા’. જાણે આકાશમાં હજારો સૂર્ય એકસામટા ઊગ્યા હોય એવું ભાસતું હતું. આ શ્લોક તેમના મનમાં આવવો જોઈતો હતો, કારણ કે તેમને ગીતા કંઠસ્થ હતી. અને ગીતાના ઘણા ભારતીય ચાહકોએ ઓપનહેઇમર આ જ શ્લોક બોલ્યા હશે એમ માનીને સરતચૂક કરી છે. મહાપ્રાજ્ઞ એવા નગીનદાસ સંઘવીએ ગીતા પરના તેમના પુસ્તકમાં આ શ્લોક ઓપનહેઇમરે ટાંક્યો હોવાનું લખ્યું છે. યોગ્ય શ્લોક તો આ જ હતો જો ઓપનહેઇમર ખરેખર ગીતા મુજબ જીવતા હોત તો. જોકે ઓપનહેઇમરનો અનાસક્ત ભાવ ગીતા પરથી આવ્યો હશે એવું લાગે ખરું.

Whatsapp-channel Whatsapp-channel

25 December, 2022 05:21 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK