Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ન હાંસી ઉડાવો

ન હાંસી ઉડાવો

17 July, 2022 09:24 AM IST | Mumbai
Hiten Anandpara

ઈશ્વર હોય કે અલ્લાહ હોય, આપણી આઝાદી આસ્થા પર હાવી ન થવી જોઈએ. ભેદરેખા ચૂકનારો વિદ્રોહ આખરે દ્રોહમાં પરિણમે છે. પ્રતીક ડી. પટેલ પ્રતીકાત્મક થયા વિના સીધુંસટ પરખાવે છે...

ન હાંસી ઉડાવો

અર્ઝ કિયા હૈ

ન હાંસી ઉડાવો


મહુવા મોઇત્રા ઉવાચઃ ‘કાલીનાં ઘણાં રૂપ છે. મારા માટે કાલી એટલે માંસ અને શરાબ સ્વીકારનારી દેવી. હિન્દુ ધર્મમાં કાલીના ઉપાસક તરીકે મને અધિકાર છે કે હું મારી દેવીની કલ્પના મારી રીતે કરી શકું.’ ફિલ્મ-નિર્દેશિકા લીના મણિમેકલાઈએ કૅનેડાથી ‘કાલી’ ફિલ્મનું વિવાદાસ્પદ પોસ્ટર વહેતું મૂક્યું, જેમાં કાલીમાતાને સિગારેટ ફૂંકતી દર્શાવાઈ છે. અમુક બુદ્ધિવાદીઓ તમુક અશુદ્ધિવાદના ઉદ્દંડ ઉપાસક છે. એક આખું જૂથ કરંડિયામાં છુપાયેલા સાપોલિયા જેવું છે. થોડા-થોડા સમયે એક-એક બહાર નીકળે, ડંખ મારે ને કરંડિયામાં છુપાઈ જાય. સંજય રાવની પંક્તિઓ ચાલાક ચહેરાઓ પર ફેવિકૉલથી ચોંટાડવા જેવી નહીં, ફોટાડવા જેવી છે. 
વણાયેલા છે તાણાવાણા સૌના એકબીજામાં
પ્રસારે ઝેર, નફરત એવાં જે ફરમાન અટકાવો
પૂરો અભ્યાસ હો ધર્મોનો તો આવી શકે સમજણ
વધારે શત્રુતા એવું અધૂરું જ્ઞાન અટકાવો
પ્રાર્થનામાંથી પોરા કાઢી શકે અને પ્રસાદમાંથી વિખવાદ તારવી શકે એવા લોકો સામાજિક સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. અભિવ્યક્તિની આઝાદી અવામની અરાજકતા તરફ લઈ જાય એ શું કામની. જે પરમશક્તિને કારણે શ્વાસ ચાલે છે એના પર કૅનેડિયન કાદવ ઉછાળીને સિદ્ધ શું કરવું છે? ઈશ્વર હોય કે અલ્લાહ હોય, આપણી આઝાદી આસ્થા પર હાવી ન થવી જોઈએ. ભેદરેખા ચૂકનારો વિદ્રોહ આખરે દ્રોહમાં પરિણમે છે. પ્રતીક ડી. પટેલ પ્રતીકાત્મક થયા વિના સીધુંસટ પરખાવે છે...
તારી અને મારી દિવાળી એકશી રમઝાન છે
હું પ્રાર્થના કરતો, તું કરતો એ અદા અઝાન છે
તું કેમ ચૂંથે? ફૂલ શ્રદ્ધાનું તને ગમતું નથી?
એ છેવટે તો આખી માનવજાતનું અપમાન છે
ચશ્માં સાફ કરી બારીકાઈથી જોઈએ તો ફિલ્મના પોસ્ટરમાં કાલીમાતાના હાથમાં એક ધ્વજ દેખાશે. આ ધ્વજનું ટૂંકું નામ છે LGBT. એનો અર્થ થાય લેસ્બિયન, ગે, બાયસેક્સ્યુઅલ અને ટ્રાન્સજેન્ડર. વાત દેખાય છે એના કરતાં વધારે ઊંડી હોઈ શકે. ફિલ્મ જોઈ નથી એટલે ટિપ્પણી ન કરી શકાય. છતાં એક વસ્તુનો ખ્યાલ આવે છે કે સાજિશ નામનો એક સંપ્રદાય ઓવરનાઇટ ડ્યુટી પર છે. આ સંપ્રદાયની જૉબ છે અન્ય ધર્મને ઉતારી પાડવાની અને જનમાનસની શ્રદ્ધા પર કુઠારાઘાત કરવાની. ગુરુદત્ત ઠક્કર લાલબત્તી ધરે છે...  
આજ તું હસતો ભલે આસ્થા પર
માવડીની આખડી-બાધા પર
ઔષધો જ્યાં બેઅસર સાબિત થશે
મૂકશે તસવીર તું માથા પર
જ્યારે દવા કારગત ન નીવડે ત્યારે દુઆ કામ આવે. દુઆ ન કરો તો કાંઈ નહીં, પણ કોઈની બદદુઆ લેવી પડે એવાં કાર્યો શું કામ કરવાનાં. કોઈના માર્ગમાંથી કાંકરા વીણી ન શકીએ તો કાંઈ નહીં, કોઈના માર્ગમાં પથ્થર શું કામ ફેંકવા? ઉપદ્રવ ન કરવો એ પણ એક સમાજસેવા છે. વિરોધ અને ઉપદ્રવમાં ફેર છે. મજાક અને ઉપહાસમાં ફેર છે. સ્વતંત્રતા અને સ્વચ્છંદતામાં ફેર છે. ટકોર અને બફાટમાં ફેર છે. ધાર્મિક પરમાર આપણને વિચાર અને પ્રહાર વચ્ચેનો ભેદ સમજાવે છે... 
એના પ્રહારે છો અમારું કોડિયું તૂટી ગયું
શ્રદ્ધા નથી એ પી શક્યા, બસ તેલ આ ખૂટી ગયું
જીવી રહ્યો છે ગોખલો છપ્પનની છાતી લઈ હજી
ત્યાં તો હતું બસ તેજ, પાછું તેજીથી ફૂટી ગયું
ધર્મ માર્ગદર્શિકા છે. પરમની બંદગી અને પરમાર્થની શીખ આપે છે. આપણે કરીએ છીએ ઊલટું. બંદગીનું સ્થાન દરિંદગી લઈ લે અને પરમાર્થના સ્થાને સ્વાર્થ ગોઠવાઈ જાય. હવનમાં હાડકાં નાખનારાઓનાં બૅન્ક-ટ્રાન્ઝૅક્શન્સની તપાસ થાય ત્યારે મેલી મથરાવટી લોકો સમક્ષ છતી થાય. પરમશક્તિ સનાતન છે. એને આપણા વ્યક્તિગત વાદો, વામણા વિવાદો અને વિચિત્રવેડાઓથી ફેર પડવાનો નથી. મયુરિકા લેઉવા બૅન્કર અંતિમ સત્ય તરફ આપણું ધ્યાન દોરે છે...
ફૂલ જેવું કંઈ નથી, લોબાન જેવું કંઈ નથી
રાગ જેવું કંઈ નથી, ને ગાન જેવું કંઈ નથી
રો, કકળ કે કાઢ તીખાં વેણ પણ આ મૂર્તિને
માન જેવું કંઈ નથી, અપમાન જેવું કંઈ નથી
ક્યા બાત હૈ
રગેરગમાં શ્રદ્ધા બની જે વહે છે
બધા ધર્મમાં એ ગરિમા ભરે છે

ફરક કોઈ આખર ગણાવો તમે શું?
અહીં ભસ્મ અંગે, ત્યાં ચાદર ચડે છે



પગરખાં ઉપર કોઈ છાપે છે શ્રદ્ધા
પછી લોકજુવાળ ફાટી પડે છે


ન અપમાન કોઈ, ન હાંસી ઉડાવો
છે શ્રદ્ધેય સરખું, જ્યાં જીવન નમે છે

છે કાબા ને કાશી, બધું એકસરખું
અગમ તત્ત્વ સઘળી જગ્યાએ ફળે છે


જરા ઊંડું ઊતરી સમાધિ લગાવો
ખુદા હાથ જોડે ને ઈશ્વર લળે છે
મેધાવિની રાવલ હેલી

Whatsapp-channel Whatsapp-channel

17 July, 2022 09:24 AM IST | Mumbai | Hiten Anandpara

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK