Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ચાલો બચ્ચાંપાર્ટીએ બનાવેલા નાસ્તા-પાણી ખાવા

ચાલો બચ્ચાંપાર્ટીએ બનાવેલા નાસ્તા-પાણી ખાવા

14 November, 2020 01:34 PM IST | Mumbai
Bhakti D Desai

ચાલો બચ્ચાંપાર્ટીએ બનાવેલા નાસ્તા-પાણી ખાવા

ચાલો બચ્ચાંપાર્ટીએ બનાવેલા નાસ્તા-પાણી ખાવા


આ વખતે લગભગ અડધોઅડધ વર્ષ બાળકોએ ઘરમાં જ કાઢ્યું છે. આખો દિવસ ભણવા, રમવા અને ઇતર પ્રવૃત્તિઓમાં ઑલરાઉન્ડર થવામાં વ્યસ્ત રહેતા બાળપણને આ વખતે એક નવો આયામ મળ્યો છે. એ છે કિચનમાં કંઈક અવનવું બનાવવાનો જુવાળ. ઘરકામમાં મમ્મીને મદદ કરવાની અને કિચનમાં પોતાના નાનાં હાથો વડે કરતબો બતાવવાનો આ ટ્રેન્ડ નેક્સ્ટ જનરેશનને તહેવારો અને ટ્રેડિશનની વધુ નજીક લઈ જઈ રહ્યા છે. દિવાળીમાં બહારથી તૈયાર ફેન્સી નાસ્તાઓ લાવવાને બદલે બાળકોએ જાતે ટ્રેડિશનલ વાનગીઓમાં ટ્રેન્ડી ટ્વિસ્ટ આપીને પોતાની અંદરના લિટલ શેફને જગાડવાનું શરૂ કર્યું છે. ચાલો, આજે બાળદિન નિમિત્તે મળીએ મુંબઈ શહેરના એવા બાળકોને જેમણે ઘરમાં દિવાળીના નાસ્તા-મીઠાઈઓ બનાવીને પહેલાં જેવી દિવાળી માણવાનો આનંદ ઉઠાવ્યો છે

મેં રોઝ બૉલની મીઠાઈ આ દિવાળીમાં બનાવી અને બધાને જ બહુ ભાવી : ઝિયા ગડા



દિવાળીની મીઠાઈઓમાં રોઝ બૉલની બજારમાં ઘણી માગ હોય છે. આવી જ સુંદર મીઠાઈ બનાવનાર પરેલમાં રહેનાર દસ વર્ષની ઝિયા ગડા કહે છે, ‘મારી મમ્મી મીઠાઈઓ ખૂબ સરસ બનાવે છે અને લૉકડાઉન દરમ્યાન તેણે ઘણી મીઠાઈઓ બનાવી હતી. મને એ સમયે મમ્મી પાસેથી આ બધું જોઈને શીખવાનો ઘણો સમય મળ્યો અને થયું કે હું પણ કંઈક બનાવું. તેથી મેં રોઝ બૉલની મીઠાઈ આ દિવાળીમાં બનાવી અને બધાને જ બહુ ભાવી. આવી જ રીતે મેં બધાથી પ્રેરિત થઈને ચૉકલેટ બૉલ્સ પણ બનાવ્યા અને એ બધા સબંધીઓએ ખૂબ વખાણ્યા. આને મેં સરસ રીતે બૉક્સમાં પેકિંગ કરીને બધાંને ઘરે મોકલવાનું શરુ કર્યું અને આમ આ વખતે દિવાળી માટે બહારથી કોઈ જ મીઠાઈઓ લેવાની જરૂર ન પડી. આમાં અમને કોવિડથી પણ બચવું હતું જેથી અમે એક સુરક્ષિત દિવાળી મનાવી શકીએ અને બહારથી વધારે વસ્તુઓ ન લાવીએ. હવે મને કેટલી સાકર, માવો, ગુલાબની પાંદડી લેવાની એનું માપ બરાબર સમજાઈ ગયું છે અને મારો હાથ બેસી ગયો છે. મારી મમ્મી કહે છે કે હું હજી નાની છું એટલે ગૅસ પર કામ કરવાનું હમણાં ટાળવું જોઈએ, પણ બે-ત્રણ વર્ષમાં તેની દેખરેખ હેઠળ મને બીજા નાસ્તાઓ અને મીઠાઈઓ બનાવતાં તેઓ શીખવી દેશે. હવે મને આ વિષયમાં રુચિ વધી ગઈ છે.’


ઘૂઘરા કેવી રીતે વાળવા જોઈએ એની ડિઝાઇન મમ્મી પાસેથી શીખ્યો : પરમ જોટાણિયા

મલાડમાં રહેતો ૧૧ વર્ષનો કામગરા સ્વભાવનો અને ઉત્સાહી પરમ જોટાણિયા ઘરમાં તેની મમ્મીને ઘરના કામમાં તો મદદ કરે છે અને હવે તેણે રસોઈનું કામ શીખવાનું બીડું પણ ઝડપ્યું છે. તે કહે છે, ‘મેં મૅગી અને સૅન્ડવિચ બનાવવાથી શરૂઆત કરી. આ નવરાત્રિમાં હું મોલ્ડમાં નાખીને ચૉકલેટ બનાવતાં શીખ્યો. હજી ગૅસ પર કામ કરવા માટે મમ્મી ના પાડે છે તેથી દિવાળીમાં મેં મમ્મીને પૂરીઓ વણીને આપી. મને ગોળ પૂરી બનાવતાં નથી આવડતી, પણ મેં એને ગોળ વાટકીથી કાપીને આકાર આપ્યો. હું પૂરી થાળી પર વણું છું. મને પૂરી તળતાં શીખવું છે, પણ મમ્મીએ આ વર્ષે મને તળવાની પરવાનગી નથી આપી. હવે નવરાશ મળશે ત્યારે હું લોટ બાંધતા શીખીશ. આ સિવાય મેં મમ્મીને શક્કરપારા બનાવવામાં થોડી મદદ કરી અને ઘૂઘરા કેવી રીતે વાળવા જોઈએ એની ડિઝાઇન મમ્મી પાસેથી શીખી. એનું પણ મશીન અમારી પાસે છે, પણ હાથેથી વાળવાની મજા આવી. આ બધું મેં પહેલી જ વાર કર્યું છે તો મને સમય પણ બહુ વધારે લાગે છે. મમ્મી પાંચ પૂરી વણે ત્યારે હું એક વણી લઉં અને બીજા કામમાં પણ એવું જ થાય છે. હવે આની આદત કરવા મેં મમ્મીને કહ્યું છે કે મને રોજ રોટલી કે પૂરી વણવા આપે. મીઠાઈ માટે આ વખતે પણ મેં ચૉકલેટ બનાવી છે.’


tvisha

ફ્યુઝન અને ફૅન્સી મીઠાઈઓ મેં બનાવી જે બધાને ભાવી : ત્વિશા શાહ

અંધેરીમાં રહેતી મીઠીબાઈ કૉલેજની ૧૭ વર્ષની સ્ટુડન્ટ ત્વિશા શાહે આ દિવાળીની પહેલાંથી જ વિવિધ ફ્યુઝન આઇટમ્સ બનાવવાની શરૂઆત કરી દીધી હતી અને લોકોને એટલી ભાવી કે તેના સંબંધીઓએ તેને ઑર્ડર પણ આપ્યા. ત્વિશા પોતાના આ નવા શોખ માટે કહે છે, ‘મેં શરૂઆત કેકથી કરી હતી, પણ આપણે ત્યાં દિવાળીમાં પારંપરિક મીઠાઈઓનું વધારે મહત્ત્વ છે તેથી મેં મોતીચૂર લાડવા અને કેકનું ફ્યુઝન બનાવી મોતીચૂર કેક તૈયાર કરી. લોકોને દિવાળીમાં રોઝ બૉલ જેવી મીઠાઈ ગમતી હોય છે તો તેના માટે મેં ગુલાબની પાંદડીવાળી કેક બનાવી, પછી મેં મારા કૉમ્બિનેશનની પ્રતિભાનો ઉપયોગ કરી પેડા કુકીઝ બનાવી. દૂરથી કોઈ પણ જુએ તો આ પેંડા જ દેખાય, પણ હાથમાં લઈને ખાય તો અને એની સપાટીમાં નીચે જુએ તો સમજાય કે નીચેથી ચૉકલેટી રંગની સપાટીવાળી મોઢામાં નાખતાંની સાથે ઓગળી જાય અને પેંડા અને કુકીઝ બન્નેનો આનંદ આમાં લઈ શકાય એવી આ જુદી જ આઇટમ છે. આવી જ રીતે કાજુકતરી કુકીઝ પણ બનાવી. મેં દસમા પછી વિવિધ વ્યંજનો બનાવવાનું શરૂ કર્યું અને મને ખ્યાલ આવ્યો કે લોકોને દિવાળીમાં હવે ઇન્ડો-વેસ્ટર્નની જેમ ફ્યુઝન અને ફૅન્સી મીઠાઈઓની જરૂર છે, જે મેં કરી અને બધાને એ ભાવી.’

કાજુકતરી, ફરસી પૂરી, સૂકો ચેવડો, કૉર્ન ચેવડો બનાવ્યાં : તાશુ વોરા

મહાવીરનગરમાં રહેતી ૧૬ વર્ષની તાશુ વોરા ભવિષ્યમાં શેફ બનવાની ઇચ્છા ધરાવે છે અને આ વર્ષે પહેલી વાર દિવાળીના નાસ્તા પર હાથ અજમાવ્યો છે, તે કહે છે, ‘હું નાનપણથી જ મારી મમ્મીને ખૂબ જ ધ્યાનથી રસોઈ અને દિવાળીના નાસ્તાઓ બનાવતાં જોતી હતી અને તેની પાસેથી જ પ્રેરણા લઈને હું જ્યારે આઠમા ધોરણમાં આવી ત્યારે એક નિર્ણય લીધો કે મારે શેફ બનવું છે. ધીરે-ધીરે મેં થોડી રસોઈ શીખવાનું અને બનાવવાનું શરૂ કર્યું અને કેક-બેકિંગ પણ કર્યું. આ વિષયમાં મને આટલો રસ છે એ જોઈને મારી મમ્મીએ લૉકડાઉનમાં અમને ઑનલાઇન મીઠાઈ શીખવાના ક્લાસ કરાવ્યા અને મને કાજુકતરી બનાવતાં આવડી ગઈ. આ દિવાળી માટે મેં કાજુકતરી અને વિવિધ ફળના આકારમાં એ બનાવી. મને પીચનો આકાર બહુ ગમે છે તેથી એ બનાવી છે. નમકીનમાં મમ્મી જેમ સૂચના આપતી ગઈ તેમ-તેમ હું કડક પૂરી પણ બનાવતી ગઈ. મને પૂરી ગોળ બનાવતાં નથી આવડતી તેથી હું કટરથી પૂરી ગોળ કાપી લઉં છું. આ સાથે જ ફરસી પૂરી, સૂકો ચેવડો, કૉર્ન ચેવડો વગેરે નાસ્તાઓ પહેલી વાર બનાવ્યા. આ મારો પહેલો અનુભવ છે. મને લાગ્યું હતું કે ખૂબ સહેલું છે, પણ આમાં તો ખૂબ મહેનત છે. નવું શીખવા મળ્યું એટલે મને મજા આવી.’

પહેલી વાર અમે દિવાળીના નાસ્તા બનાવવાનું કામ કર્યું : ધૃતિ અને ધ્રુવી માનસેતા

ઘાટકોપરમાં રહેતી ધૃતિ અને ધ્રુવી માનસેતા આ બાર વર્ષની જુડવા બહેનોએ પ્રથમ વાર દિવાળીમાં નાસ્તા અને વિવિધ વ્યંજનો બનાવ્યાં. ધૃતિ આ વિશે ઉત્સાહથી કહે છે, ‘મને રસોઈનો ખૂબ શોખ છે અને લૉકડાઉનમાં અમે મમ્મીને કહ્યું કે અમારે હવે નવી-નવી વસ્તુઓ બનાવતાં શીખવી છે. દિવાળીમાં નાસ્તા અને કેક અથવા ચૉકલેટ બનાવવાનો પણ મારો વિચાર હતો જ તેથી અમે આ વિષય પર ખૂબ વિડિયોઝ જોયા. આ વર્ષે પહેલી વાર મેં દિવાળીના નાસ્તા બનાવવાનું કામ કર્યું. અમે પારંપરિક મીઠાઈઓ ખાતાં જ નથી, કારણ કે કોઈને મીઠું નથી ભાવતું પણ કેક અને ચૉકલેટ્સ બધાંને ભાવે છે તેથી મેં ચૉકલેટ્સ બનાવી અને કેક તો હવે લગભગ બે દિવસે એક વાર એમ દરરોજ હું બનાવું જ છું. અમારે ત્યાં સાતપડી એટલે કે એક પ્રકારની ફરસી પૂરી દિવાળી માટે નાસ્તામાં ખાસ બનાવાય છે. આમાં સાત સ્તર હોય છે. અમે આટલાં વર્ષોથી મમ્મીને આ પૂરી બનાવતાં જોઈએ છીએ તેથી આને કેવી રીતે વણવી એનો થોડો અંદાજ મને હતો અને ઇચ્છા પણ હતી કે મારે આ બનાવવી છે. સૌથી મોટો ફાયદો એ થયો કે હવે સ્કૂલમાં જવાનું નથી હોતું તેથી નવરાશ મળી ગઈ અને મેં સાતપડી આ દિવાળી માટે બનાવી. આમાં મમ્મીએ પાંચ સ્તરનો એક ગોળ રોટલો બનાવી આપ્યો અને તેને વાળીને બીજી વાર બે વેલણ તેની પર ફેરવવાનાં હોય તે મેં કર્યું. મને હજી ગોળ રોટલી કે રોટલો બનાવતાં નથી આવડતું. મેં ચકરી પણ શીખી લીધી અને એને સંચામાંથી ગોળ-ગોળ પાડવાનું કામ મને સૌથી વધારે ગમ્યું.’

ધ્રુવી પોતાના અનુભવ વિશે કહે છે, ‘મારા પપ્પાનો જન્મદિવસ હતો ત્યારે મેં સરપ્રાઇઝ આપવા ચીઝ-કૉર્ન બેલ બનાવ્યા હતા. પૂરી બનાવવામાં મેં મદદ કરી અને ચકરી સંચામાં ભર્યા પછી મેં એ પાડી આપી. બીજા નાસ્તા અમારે ત્યાં બહુ નથી ખવાતા. દિવાળીમાં જ્યારે નાસ્તા બનતા હતા ત્યારે મેં રસોઈ બનાવવા પર ધ્યાન આપ્યું અને નવી-નવી વાનગીઓ બનાવી. અમે મારાં ફોઈને ઘરે રોકાવા ગયાં હતાં ત્યાં પંદર જણ માટે ધૃતિએ અને મેં મળીને પીત્ઝા પફ બનાવ્યાં હતાં અને આમ આ આખી દિવાળીમાં અમે રોજ નવાં વ્યંજનો, નાસ્તા, ચૉકલેટ્સ અને કેક બનાવીને ખૂબ મજા કરી અને હજી કરી રહ્યાં છીએ. હવે તો મમ્મી બહાર જાય તો શું બનાવીને જોઈએ છે તેની ફરમાઈશ પણ કરતી જાય અને અમે અલાદ્દીનના જાદુઈ ચિરાગની જેમ ‘જો હુકમ મેરે આકા’ એમ કહી તે ઘરે પાછી આવે ત્યારે એ ડિશ તૈયાર રાખીએ છીએ.’

મને ગર્વ છે કે મેં મારા હાથે ખૂબ જ સરસ ચેવડો બનાવ્યો છે: કેવલ ગાલા

સાંતાક્રુઝમાં રહેતો રસોઈ બનાવવાનો શોખીન ૧૫ વર્ષનો કેવલ પોતાના આ એક અવનવા અનુભવ વિશે કહે છે, ‘મેં એક વાર લૉકડાઉનમાં ચેવડો બનાવ્યો, જે બરાબર બન્યો નહોતો અને તેથી વિચાર્યું કે દિવાળીમાં તો હું બરાબર બનાવતાં શીખીને જ રહીશ. આ વખતે મેં મારી મમ્મીને ચેવડો બનાવતી વખતે મારી બાજુમાં ઊભી રાખી અને મારું માર્ગદર્શન પણ કરવા કહ્યું. કઈ વસ્તુ કેટલી શેકવી જોઈએ અને બધી વસ્તુનું પ્રમાણ કેટલું હોવું જોઈએ એ મમ્મી કહેતી ગઈ અને હું તેની સૂચના મુજબ કરતો ગયો. મને ગર્વ છે કે મેં મારા હાથે ખૂબ જ સરસ ચેવડો બનાવ્યો છે. હું પાસ્તા અને પીત્ઝા, નૂડલ્સ, ફ્રૅન્કી બનાવું છું, મને રોટલી પણ આવડે છે જે કોઈ પણ આકારની બને છે. મારું ખાવાનું બનાવી શકું એટલી રસોઈ મને આવડી ગઈ છે. દિવાળીની મીઠાઈ માટે ડ્રાયફ્રૂટ્સ નાખીને ફ્રૂટ ઍન્ડ નટ ચૉકલેટ પણ મેં બનાવી છે. મારાં બા સાથે હલવો બનાવ્યો હતો. મમ્મીને ઘૂઘરા બનાવવામાં મદદ કરી અને એ કેવી રીતે બનાવાય એ શીખી લીધું. જમવાનું બનાવવું સહેલું છે, પણ દિવાળીના નાસ્તા થોડા અઘરા છે તેથી મમ્મી અને બા પાસેથી એક-એક આઇટમ બનાવતાં શીખી રહ્યો છું.’

હરવીએ અને મેં મળીને નાસ્તામાં કેળાની વેફર્સ પણ બનાવી છે : દર્શી ગાલા

બોરીવલીમાં રહેતી ૧૪ વર્ષની દર્શી ગાલા કહે છે, ‘હું દર વખતે મારી મમ્મીને સુખડી કરતાં જોઉં છું અને મને ઇચ્છા હતી કે હું મારા હાથે બનાવું. દિવાળીમાં અને બેસતા વર્ષે અમારે ત્યાં મીઠાઈમાં પણ સુખડી બનતી હોય છે, પણ દર વર્ષે મને આના માટે સમય મળતો જ નહોતો. સવારે સાત વાગ્યે સ્કૂલ રહેતી અને હું રાત સુધી વ્યસ્ત હોઉં. હવે મને તો એવું જ લાગે છે જાણે આઠ મહિનાથી મારું વેકેશન જ ચાલી રહ્યું છે. જોકે હમણાં મારી સ્કૂલની પરીક્ષા પણ ચાલી રહી છે‍ છતાં મને સમય મળી રહે છે એટલે હું દિવાળીનાં વ્યંજનો શીખીને બનાવી રહી છું. મેં સુખડી બનાવી. પછી મારી મમ્મી ખૂબ સરસ નાનખટાઈ બનાવે છે તો તેની પાસે નાનખટાઈ શીખીને મારે હાથે દિવાળી માટે બનાવી છે. હવે મને એની રેસિપી પણ મોઢે થઈ ગઈ છે. પૂરી બનાવવામાં મદદ કરી. સાચું કહું તો આ વખતે મને આ બધું બનાવવાની મજા પડી ગઈ છે. મારી નાની બહેન હરવી ફક્ત ૮ જ વર્ષની છે, તેને પણ રસોઈમાં મારા કરતાં વધારે રસ છે અને તેણે આ વર્ષે ચકરી બનાવવામાં મદદ કરી છે. ચકરી સંચામાં નાખીને તે પેપર પર પાડી આપે. હરવીએ અને મેં મળીને નાસ્તામાં કેળાની વેફર્સ પણ બનાવી છે, જેમાં કેળાં છોલવાથી લઈને બીજાં બધાં જ કામ અમે લોકોએ હળીમળીને કર્યાં અને સ્વાદિષ્ટ ચિપ્સ બનાવી.’

દિવાળી માટે ચૉકલેટ બૉલ્સ અને કોકોનટ લડ્ડુ બનાવી એને સ્ટિકથી ખાઈ શકાય તેમ સર્વ કર્યા : હીર શાહ

જુહુ સ્કીમમાં રહેતી મીઠાઈ બનાવવાની શોખીન ૧૧ વર્ષની હીર શાહ કહે છે, ‘દિવાળીમાં આ વખતે અમે ઘરમાં જ સરસ જમવાનું બનાવ્યું અને જમ્યા પછી ડીઝર્ટ વગર ન ગમે તેથી મેં બધાંને મજા આવે એટલે જેલી શૉટ બનાવી. મીઠાઈમાં હવે ચૉકલેટ ફ્લેવર વધારે ચાલે છે તેથી ચૉકલેટ બૉલ્સ બનાવ્યા. પછી કોકોનટ લડ્ડુ બનાવી એને સ્ટિકથી ખાઈ શકાય એવી રીતે એક પ્લેટમાં ડેકોરેટ કર્યા અને બધાને સર્વ કર્યા. હવે રવા લડ્ડુમાં ચૉકલેટ અને પીચ ફ્લેવર પણ મને બનાવતા આવડી ગયા છે અને એ પણ દિવાળી માટે ખાસ બનાવ્યા છે. આ સિવાય નો-બેક ચૉકલેટ કેક પણ બનાવી છે. છેલ્લા છ મહિનામાં મને સમય મળ્યો અને મેં ઑનલાઇન ઘણી વર્કશૉપ્સમાંથી વિવિધ મીઠાઈઓ, કેક અને વ્યંજનો શીખ્યાં. રક્ષાબંધનમાં મારી મમ્મીએ ઘરે જ અમુક સ્વીટ આઇટમ્સ ઘરે બનાવી એ મેં ખૂબ ધ્યાનથી જોઈ અને દિવાળી માટે મારે મારા હાથે મારે કંઈક બનાવવું છે એમ મેં મમ્મીને કહ્યું તો મમ્મીએ મને હવે ગૅસ પર કામ કરવાની પણ છૂટ આપી છે અને કહ્યું છે કે તેની હાજરીમાં જ ગૅસ પર કામ કરવાનું. હવે હું મિક્સર ચલાવતાં વ્યવસ્થિત શીખી ગઈ છું અને એ કામ માટે મારે મમ્મીની જરૂર નથી પડતી. બહુ જલદી મને બીજી મીઠાઈઓ પણ આવડી જશે, કારણ કે હવે મારે કુકિંગ કરતાં રહેવું છે.’

નમકીનમાં મમ્મીની સાથે રહીને મેં ચકરી શીખી અને બનાવી : સોનિયા અને રણવીર અરોરા

વિદ્યાવિહારમાં રહેતી ૧૪ વર્ષની સોનિયા અરોરાનાં મમ્મી ગુજરાતી છે અને એટલે દિવાળીનો તહેવાર અહીં એકદમ ટિપિકલ ગુજરાતી સ્ટાઇલમાં મનાવાય છે. સોનિયા કહે છે, ‘મારા ભાઈ રણવીરને અને મને બન્નેને રસોઈ બનાવવી ખૂબ ગમે છે. આ વર્ષે દિવાળીની મીઠાઈ માટે મેં ચૉકલેટ શીરો બનાવ્યો અને રણવીરે સૌથી પહેલાં ગણપતિ વખતે મોદક બનાવ્યા હતા. તેથી આ વખતે પાછા બનાવ્યા અને પછી ખજૂર પાક પહેલી વાર મીઠાઈમાં બનાવ્યો. મેં મારી મમ્મીને સરપ્રાઇઝ આપવા ગયા વર્ષે રસોઈની શરૂઆત કરી હતી જ્યારે મારી મમ્મી ઘરમાં નહોતી. એક ફૂડ બ્લૉગ પરથી કપ બ્રાઉની બનાવવાની રેસિપી શોધી અને ઘરમાં બધો સામાન હતો તેથી એ બનાવી. મમ્મીને ઘરે આવતાં જ બ્રાઉનીની એટલી સરસ સુગંધ આવી કે તેને આશ્ચર્ય થયું કે શું અમે બહારથી બ્રાઉની ઑર્ડર કરી છે? તેણે ક્યારેય વિચાર્યું નહોતું કે મેં ઘરે બ્રાઉની બનાવી હશે. દિવાળી માટે પણ મારે બ્રાઉની બનાવવી હતી, પણ મમ્મીએ કહ્યું કે પરંપરાગત મીઠાઈઓમાં આનો સમાવેશ નથી થતો તેથી મારે શીરો બનાવવો જોઈએ અને મને ચૉકલેટ ફ્લેવર ખૂબ ભાવે છે તેથી મેં એ બનાવ્યો. નમકીનમાં મમ્મીની સાથે રહીને મેં ચકરી શીખી અને બનાવી, જે ખૂબ સહેલી છે. અમે બન્ને ભાઈ-બહેન રસોઈ શીખી રહ્યાં છીએ અને આવતા વર્ષ સુધીમાં ઘણી મીઠાઈઓ અને નાસ્તાઓ બનાવતાં અમે શીખી જઈશું.’

Whatsapp-channel Whatsapp-channel

14 November, 2020 01:34 PM IST | Mumbai | Bhakti D Desai

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK