Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > યુરોપ-અમેરિકા કરતાં પહેલાં કૉફી આવી હિન્દુસ્તાનમાં

યુરોપ-અમેરિકા કરતાં પહેલાં કૉફી આવી હિન્દુસ્તાનમાં

03 December, 2022 09:50 PM IST | Mumbai
Deepak Mehta | deepakbmehta@gmail.com

દેશમાં પહેલવહેલી વાર જ્યાં કૉફીના છોડ ઉગાડવામાં આવ્યા એ ચિકમગલુર એટલે આપણા દેશની કૉફીનું પિયર. અહીં એક સૂફી સંત યમનથી દાઢીમાં છુપાવીને કૉફીનાં લીલાં બીજ લાવ્યાં હતાં

 ગઈ સદીના મધ્ય ભાગ સુધી મધ્યમ વર્ગનાં ગુજરાતી-મરાઠી ઘરોમાં કૉફીનો વપરાશ ભાગ્યે જ થતો. ઘણાં ઘરોમાં તો એવી માન્યતા કે કૉફી તો માંદા માણસને અપાય. એ કાંઈ સાજાસારાનું પીણું નહીં.

ઊઘાડી બારી

ગઈ સદીના મધ્ય ભાગ સુધી મધ્યમ વર્ગનાં ગુજરાતી-મરાઠી ઘરોમાં કૉફીનો વપરાશ ભાગ્યે જ થતો. ઘણાં ઘરોમાં તો એવી માન્યતા કે કૉફી તો માંદા માણસને અપાય. એ કાંઈ સાજાસારાનું પીણું નહીં.


ગઈ સદીના મધ્ય ભાગ સુધી મધ્યમ વર્ગનાં ગુજરાતી-મરાઠી ઘરોમાં કૉફીનો વપરાશ ભાગ્યે જ થતો. ઘણાં ઘરોમાં તો એવી માન્યતા કે કૉફી તો માંદા માણસને અપાય. એ કાંઈ સાજાસારાનું પીણું નહીં.

આ વાત છે એક બાબાની. ના, ના, બેબી-બાબાવાળા બાબાની નહીં હોં, પણ એક સૂફી સંત બાબાની. તેમનું નામ બાબા બુદાન. કહે છે કે હિન્દુ અને મુસ્લિમ બન્ને કોમના લોકોને તેમનામાં અપાર શ્રદ્ધા. બાબા ગયા હજ કરવા. મક્કા શરીફથી પાછા ફરતાં ગયા યમન. અને ત્યાં તેમણે એક અજબગજબનું પીણું પહેલી વાર પીધું. પીધું અને એના ચાહક બની ગયા. થોડા દિવસ યમનમાં રહ્યા ત્યાં સુધી તો સવાર, બપોર, સાંજ, બસ એક જ ધૂન, પેલા પીણાની. ગરમ-ગરમ પીઓ તો દિલ ને દિમાગ તરબતર થઈ જાય. 
પણ પછી માદરે વતન પાછા ફરવાનો વખત આવી પૂગ્યો. ત્યારે બાબાના મનમાં એક જ વાત ઘૂંટાયા કરે : માદરે વતન તો જઈશ, પણ ત્યાં તો આવું પીણું કોઈએ જોયું-જાણ્યું નથી. એના વગર કેમ રહેવાશે? છેવટે સંત-બાબાને ન છાજે એવો નિર્ણય લીધો : આ પીણું જેમાંથી બને છે એનાં સાત બીજ સાથે લઈ જાઉં. મારા ઘર પાસે એક ટેકરી છે એના પર એ બીજ વાવી દઈશ. બસ, પછી તો રોજેરોજ મારું મનગમતું પીણું હાજર! પણ સાત બીજ લઈ જવાં કેવી રીતે? એ છોડનાં બીજ યમનની બહાર લઈ જવા પર તો આકરો પ્રતિબંધ હતો. કોઈ પકડાય તો તેને તાબડતોબ મળે સઝા-એ-મૌત! 
એવું તે શું હતું એ બીજમાં? એ બીજમાંથી જે પીણું બનતું એ આખી દુનિયામાં બીજે ક્યાંય થતું નહીં. હા, તમે એ બીજને શેકીને, ભરડીને ભૂકો કરીને દેશની બહાર લઈ જઈ શકો. બલકે એવો ભૂકો આસપાસના દેશોમાં મોકલવાનો તો અહીં ધીકતો ધંધો ચાલતો હતો. હા, યુરોપ-અમેરિકા કે એશિયાના દેશો સુધી એ પહોંચ્યો નહોતો. એ ભૂકાની નિકાસમાંથી પુષ્કળ કમાણી થતી. એટલે બીજા કોઈ દેશમાં એ છોડ ઉગાડીને એનો ભૂકો બનાવે કે વેચે નહીં એટલા માટે એનાં બીજને દેશની બહાર લઈ જવા સામે મનાઈ હુકમ.
ઘણી ગડમથલ પછી બાબાએ મનોમન ગાંઠ વાળી : પરવરદિગાર, તારે આશરે છું. આ છોડનાં સાત લીલાં બીજ મારી લાંબી દાઢીમાં છુપાવીને માદરેવતન લઈ જઈશ. મારા પર રહેમ નજર રાખજે અલ્લા! અને તેમની બંદગી ફળી. એક તો સૂફી સંત બાબા. લાંબી દાઢી તેમને ન હોય તો કોને હોય? બંદર પરના ચોકિયાતોને કાંઈ વહેમ પડ્યો નહીં. અને પેલાં સાત બીજ લઈને બાબા સુખરૂપ આવી ગયા પોતાને વતન : આજના કર્ણાટક રાજ્યના ચિકમગલુર ગામે. ત્યાં એક ટેકરીની તળેટીમાં બાબાનો વાસ. બાબા ગયા પાસેની ટેકરી પર અને પેલાં સાતે બીજ વાવી દીધાં ત્યાંની ફળદ્રુપ જમીનમાં. જોતજોતામાં સાત છોડ ઊગી નીકળ્યા. અને પોતાના મનને લોભાવનારું ગરમાગરમ પીણું બાબા દિવસમાં બે-ત્રણ વાર પીવા લાગ્યા, રોજ. આડોશપડોશનાંને પણ પીવા આપે. બધા ખુશ-ખુશ. કેટલાક તો બાબા પાસેથી માગીને એ છોડનાં બીજ લઈ ગયા અને પોતાની ભોમકામાં વાવ્યાં. અને રોજ મન ભરીને એનું પીણું પીતા જાય અને સંત બાબાને દુઆ દેતા જાય. 
એ પીણું તે કૉફી. દેશમાં પહેલવહેલી વાર જ્યાં કૉફીના છોડ ઉગાડવામાં આવ્યા એ ચિકમગલુર એટલે આપણા દેશની કૉફીનું પિયર. આજે અહીં જ આવેલું છે સેન્ટ્રલ કૉફી રીસર્ચ ઇન્સ્ટિટ્યુશન, જેની સ્થાપના છેક ૧૯૨૫માં ડૉ. લેસ્લી કોલમને કરી હતી. 
યુરોપ-અમેરિકામાં કૉફી પહોંચી એ પહેલાં, છેક સોળમી સદીમાં કૉફી આવી ગઈ હતી હિન્દુસ્તાનમાં. અને એનું પહેલું થાણું હતું ચિકમગલુર. એના નામનો અર્થ થાય છે ‘નાની દીકરીનું ગામ.’ નજીકની એક ટેકરીનું નામ છે બાબા બુધન ટેકરી. અને એની તળેટીમાં આવેલી ગુફામાં બાબાનું થાનક આવેલું છે. ૧૯૭૮ના ઑક્ટોબરમાં આ જ ગામે દેશના ઇતિહાસમાં એક નવું પાનું ઉમેર્યું. કટોકટી કાળ પછીની ચૂંટણીમાં ઇન્દિરા ગાંધી હારી ગયેલાં. ૧૯૭૮ની ચિકમગલુરની પેટા ચૂંટણીમાં પ્રચાર કરવા માટે ગયાં ત્યારે બાબાની 
ગુફામાં જતાં પહેલાં ઇન્દિરાજીએ પગમાં પહેરેલાં હવાઈ ચંપલ પણ આગ્રહપૂર્વક કાઢી નાખેલાં. ચૂંટણીમાં ૭૦ હજાર મતની સરસાઈથી તેઓ જીત્યાં. અને એ પછી તો અંગ્રેજીમાં કહે છે તેમ The rest is history. 
પ્રિય વાચક! તમને થતું હશે કે આજે આ મુંબઈ નગરીની ગાડી કર્ણાટક તરફ કેમ દોડી રહી છે? એનું કારણ છે આ : અઢારમી અને ઓગણીસમી સદીમાં જેમ-જેમ મુંબઈમાં વેપાર-ધંધા ફૂલતા ફાલતા ગયા તેમ-તેમ મુંબઈ બહારથી કામદારોનાં, ગુમાસ્તાઓનાં, મજૂરોનાં ટોળેટોળાં મુંબઈમાં ઠલવાતાં ગયાં. અને આ લોકો પોતાની ટેવો, પોતાના ગમાઅણગમા, પોતાની ખાસિયતો સાથે લેતા આવ્યા. જ્યાં-જ્યાં ગુજરાત કે મહારાષ્ટ્રના અંતરિયાળ ભાગોમાંથી લોકો મુંબઈ આવતા ગયા ત્યાં-ત્યાં ચાની દુકાનો શરૂ થઈ, ખાણાવળ કે વીશીઓ શરૂ થઈ. તેમ દક્ષિણ ભારતના લોકો આવીને જ્યાં વસ્યા ત્યાં, ખાસ કરીને માટુંગામાં, કૉફીની દુકાનો શરૂ થઈ. મુંબઈની સૌથી જૂની સાઉથ ઇન્ડિયન હોટેલ માટુંગામાં શરૂ થઈ એ કાંઈ અકસ્માત નહોતો. 
અને યાદ રહે કે આજના કર્ણાટક રાજ્યનો કેટલોક ભાગ અગાઉ બૉમ્બે પ્રેસિડન્સીમાં હતો. એટલે આજના કર્ણાટક સાથે એ વખતે મુંબઈ શહેરને ઘરોબો. હજારો લોકો વતન કર્ણાટક છોડી મુંબઈ આવ્યા અને સાથે પોતાની ખાણીપીણીની વસ્તુઓ, રસમો લેતા આવ્યા. અને છતાં ચાનો પ્રચાર અને પ્રસાર જેટલી ઝડપથી થયો એટલી ઝડપથી કૉફીનો ન થયો. હજી ગઈ સદીના મધ્ય ભાગ સુધી મધ્યમ વર્ગનાં ગુજરાતી-મરાઠી ઘરોમાં કૉફીનો વપરાશ ભાગ્યે જ થતો. ઘણાં ઘરોમાં તો એવી માન્યતા કે કૉફી તો માંદા માણસને અપાય. એ કાંઈ સાજાસારાનું પીણું નહીં. 
કૉફી લેવા અગાઉ તો કૉફીની દુકાને જવું પડતું. ત્યાં કૉફીનાં ભૂંજેલાં બીજ અથવા બુંદ શણની નાની-નાની ગૂણોમાં ભરેલાં પડ્યાં હોય. દુકાનમાં હોય કૉફી દળવાનું મશીન. પહેલાં તો આ મશીન હાથથી જ ચલાવવાં પડતાં. પછીથી ઇલેક્ટ્રિક મશીન આવ્યાં. ઘરાક બુંદ પસંદ કરે એટલે દુકાનદાર જરૂરી બુંદને કૉફી ગ્રાઇન્ડરમાં ઉપરથી ઓરે. પછી હાથ વડે હૅન્ડલ ચલાવીને બુંદને દળે. સાહેબ! આ રીતે બુંદ દળાતાં હોય ત્યારે શી એની સુગંધ! બ્રાઉન પેપરની કોથળીમાં ભરેલી કૉફી લઈને ઘરે પહોંચો ત્યારે આખું ઘર કૉફીની માદક મહેકથી છલકાઈ જાય! 
પણ એ કાંઈ આજની ઇન્સ્ટન્ટ કૉફી નહીં હો. એકલા દૂધમાં કે દૂધ-પાણીમાં ઉકાળવાની. આપણને ખાંડ વગર તો ચાલે જ નહીં એટલે ખાંડ પધરાવવાની. ચાની જેમ ગળણીથી ગાળીને કપમાં રેડવાની. ના જી. ત્યારે હજી જાતભાતના આકારના નાના-મોટા કૉફી મગનું ચલણ નહીં. એટલે કપમાં જ પીવાય. કોઈના ઘરે જાઓ અને કહો કે હું ચા નથી પીતો, કૉફી જ પીઉં છું તો-તો છાકો પડી જાય. કોઈ વળી ઉકાળતી વખતે તજ કે લવિંગનો ભૂકો થોડો ઉમેરે, પણ એકંદરે કૉફી લજામણીના છોડ જેવી. બીજું કશું અડકે તો એનો સવાદ સોસવાઈ જાય. 
આપણા દેશમાં કૉફીની બાબતમાં ૧૯૬૮ની આસપાસ મોટું પરિવર્તન આવ્યું – ઇન્સ્ટન્ટ કૉફી. હવે બુંદ દળાવીને ઘરે લાવવાની જરૂર નહીં. કૉફી ઉકાળવાની માથાકૂટ નહીં. કપ કે મગમાં – હા, ત્યાં સુધીમાં કૉફી મગનું ચલણ શરૂ થઈ ગયું હતું – જરૂર પ્રમાણે પાઉડર નાખો. ઉપરથી રેડો ગરમ-ગરમ દૂધ કે દૂધ-પાણી કે એકલું પાણી. ખરા ખાનદાન શોખીનો કૉફીમાં ખાંડ ક્યારેય ન નાખે. પણ આપણે તો ચમચી-બે ચમચી ઠઠાડી દઈએ. માનશો? આ ઇન્સ્ટન્ટ કૉફી અસ્તિત્વમાં આવી બીજા વિશ્વયુદ્ધને કારણે, એ યુદ્ધ દરમ્યાન. રણમોરચે લડતા સૈનિકોને કૉફી વગર તો કેમ ચાલે? પણ દળેલી કૉફી, ખાંડ, દૂધનો પાઉડર, બધું જુદું-જુદું પહોંચાડવાનું ઘણું મુશ્કેલ અને ખર્ચાળ. પહોંચાડતાં ટાઇમ પણ ખાસ્સો લાગે. તો કરવું શું? આ બધું ભેગું કરી બનાવો એનો કાઢો. ગરમાગરમ, ગોળ-ગોળ ફરતા ડ્રમ પર છાંટો એ કાઢો. મળે એકદમ બારીક ભૂકી. વજન પણ ઘણું ઘટી જાય. એ ભૂકો મોકલાય રણમેદાન પર. સૈનિકો એમાં ગરમ-ગરમ પાણી ઉમેરે એટલે મજ્જાની કૉફી તૈયાર. આ રીતે લશ્કર માટે શોધાયેલી કૉફી પછી તો લોકોની પણ ફાવતી અને મનભાવતી બની ગઈ. કેટલાંય વરસ સુધી આપણા દેશમાં માત્ર બે વિદેશી કંપની જ આવી કૉફી બનાવતી. હવે બીજી સ્વદેશી કંપનીઓ પણ બનાવે છે. આ કૉફીમાં પણ હવે વિવિધતા જોવા મળે : ચિકોરી ઉમેરેલી, પાઉડર કે ગ્રૅન્યુલેટેડ વગેરે. બીજા કેટલાક દેશોમાં આવી કૉફીમાં દૂધનો પાઉડર પણ ઉમેરેલો હોય છે. આપણે ત્યાં એવી કૉફી પ્રચલિત થઈ નથી.
ભક્ત કવિ દયારામે ગયું છે : ‘એક વર્યો ગોપીજનવલ્લભ, નહીં સ્વામી બીજો.’ દક્ષિણ ભારતમાં જ નહીં, આખા દેશમાં લાખો લોકો એવા હશે કે જે મદ્રાસ ફિલ્ટર કૉફી સિવાયની બીજી કોઈ પણ કૉફીને કહેતા હોય : એક વર્યો હું ફિલ્ટર કૉફી, નહીં કૉફી બીજી.’ દક્ષિણ ભારતની ખાસિયત જેવી આ કૉફીને દેશમાં લોકપ્રિય બનાવવાનું કામ કર્યું ૧૯૪૦ના અરસામાં શરૂ થયેલા ઇન્ડિયા કૉફી બોર્ડનાં ઠેર ઠેર શરૂ થયેલાં ઇન્ડિયા કૉફી હાઉસે. આ ફિલ્ટર કૉફી પછી ગઈ મલેશિયા અને સિંગાપોર. આજે તો યુરપ-અમેરિકામાં પણ શોધો તો ફિલ્ટર કૉફી મળી રહે. 
અંગ્રેજીમાં કૉફી શબ્દ પહેલી વાર વપરાયો ૧૫૮૨માં. મૂળ શબ્દ અરબી ભાષાનો ‘કાહવા.’ ટર્કિશમાં એ બન્યો કાહવે. આપણી ભાષામાં ‘કાવો’ શબ્દ ઉકાળો, કાઢો, કવાથના અર્થમાં વપરાય છે. ભગવદ્ગોમંડળ કોશ એક અર્થ આ પણ નોંધે છે : ‘બુંદદાણાનો કાઢો, મીઠું નાખીને તૈયાર કરેલું પીણું.’ અને છેલ્લી એક વાત : ગ્રેટ બ્રિટનના સામ્રાજ્યવાદ કે અમેરિકાના મૂડીવાદના દુશ્મનો પણ કશા ક્ષોભ-સંકોચ વગર ચા-કૉફી પી શકે તેમ છે, કારણ કે એ બન્ને આપણા દેશમાં બ્રિટન-અમેરિકાથી આવ્યાં નથી, ચીન અને અરબસ્તાનથી આવ્યાં છે. વધુ પીણાંની વધુ વાતો હવે પછી.


Whatsapp-channel Whatsapp-channel

03 December, 2022 09:50 PM IST | Mumbai | Deepak Mehta

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK