Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ક્લાઇમેટ અને ક્લાઇમૅક્સ:શિયાળામાં ચોમાસાની અસર સમજાવે છે કે હજી પણ સુધરી જાઓ

ક્લાઇમેટ અને ક્લાઇમૅક્સ:શિયાળામાં ચોમાસાની અસર સમજાવે છે કે હજી પણ સુધરી જાઓ

24 November, 2021 10:27 AM IST | Mumbai
Manoj Joshi | manoj.joshi@mid-day.com

સમજણની આ ગાડીમાં કોઈ ચડતું નથી એટલે જ વાતાવરણ સમયાંતરે પોતાનો પરચો બતાવીને અલાર્મ વગાડી જાય છે, પણ કહ્યું એમ, પરિણામ શૂન્ય.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ગયા વીકમાં અચાનક જ વરસાદી માહોલ માણવા મળ્યો. કારતક માસના મધ્યમાં અષાઢની અસર જોઈ અને ગોરંભાયેલું આસમાન વરસતું જોયું, પણ એનું કારણ શું એના વિશે કોઈએ કશું લખ્યું નહીં. લખે પણ ક્યાંથી. હકીકત તો એ છે કે બધા જાણે છે કે આ જેકંઈ કુદરત પરચા દેખાડે છે એની પાછળ વાંક તો એનો પોતાનો છે. નેચરને એની ઓરિજિનલ અવસ્થામાં રહેવા નથી દીધું એટલે તો કારતકમાં અષાઢ અને અષાઢમાં ચૈત્રના તડકાની અસર દેખાતી રહી છે. કોવિડ પણ ક્યાંક ને ક્યાંક એ જ દુનિયાની વાત કરી ગયો અને એ પછી પણ આપણામાં સમજણ આવી નહીં. જો સ્વીકાર્ય ન હોય તો કહો એક વાર તમે કે કોવિડ પછી તમારી લાઇફસ્ટાઇલમાં શું ફરક આવ્યો અને કેટલો ફરક તમે સ્વીકાર્યો?
વેહિકલ વાપરવાનું ઓછું કર્યું ખરું? ના, ઊલટું વેહિકલનું પ્રમાણ વધારી દીધું. પારકી રિક્ષા કે ટૅક્સીમાં બેસવું ન પડે એટલે વાહન લેનારાઓ વધ્યા. અરે, જેને ગાડી ફાવતી નહોતી એવી કન્યાઓએ બાઇક લઈ લીધી અને આમ વેહિકલમાં વધારો થયો. માનવામાં ન આવતું હોય તો જઈને આંકડા ચેક કરી આવો. લૉકડાઉન ખૂલ્યા પછી પર્સનલ વેહિકલ ઇન્ડસ્ટ્રીમાં ૧૮ ટકા જેટલું વેચાણ વધ્યું છે. નિયમિત ટ્રાવેલિંગ કરવાનું છે એવા લોકો કોવિડ વચ્ચે એવી સમજણ પાળી નથી શક્યા કે નેચરને સાચવવું છે અને નેચરની રક્ષા કરવાની છે. ના, એ સમજણ બાજુવાળો રાખે અને બાજુવાળો કહેશે કે એ સમજણ એની બાજુવાળો રાખે. સમજણની આ ગાડીમાં કોઈ ચડતું નથી એટલે જ વાતાવરણ સમયાંતરે પોતાનો પરચો બતાવીને અલાર્મ વગાડી જાય છે, પણ કહ્યું એમ, પરિણામ શૂન્ય.
ક્લાઇમેટનો ક્લાઇમૅક્સ જે સમયે આકરો થશે, જે સમયે ભયાનક રૂપ લેશે એ સમયે એ કોઈ અણસાર નહીં આપે, પણ તાઉ-તે બનીને ત્રાટકશે અને એ ત્રાટકશે ત્યારે આપણામાં ઊભા થવાની પણ ક્ષમતા નહીં રહે. એવું નથી કે આપણે માત્ર ને માત્ર પૃથ્વીનાં બાહ્ય તત્ત્વો સાથે જ રમત કરીએ છીએ. ના, આપણે તો પેટાળ સાથે પણ એટલી જ રમતો કર્યા કરીએ છીએ. જરા વિચાર તો કરો કે જમીનની છાતી પર કાણાં પાડીને આપણે સદીઓથી ક્રૂડ ખેંચ્યા કરીએ છીએ. પર્વતો ચીરીને આપણે રસ્તા બનાવીએ છીએ અને પૃથ્વી સોંસરવી ટનલ બનાવીને એમાંથી કોલસો અને બીજાં ખનિજ લઈ આવવાનું કામ કરીએ છીએ. આ જે આખી પ્રક્રિયા ચાલે છે એ પ્રક્રિયાની સાથોસાથ આપણે પૃથ્વીને મજબૂત કરવાનું કોઈ કાર્ય કરતા નથી. નથી પૉલ્યુશન ઓછું કરવાની દિશામાં ચાલતા કે નથી આપણે ચાલતા પૉલ્યુશન કન્ટ્રોલ કરે એને માટે પ્લાન્ટેશન કરવાની દિશામાં. નથી જંગલ બચાવવા આપણે મથતા કે નથી આપણે નદી અને દરિયાની ઉપર ધરતી બનાવવાનું કામ રોકતા. આવી અવસ્થા વચ્ચે એક જ ઘટના બને ભાઈ, ક્લાઇમેટ ક્લાઇમૅક્સના મૂડમાં જ આવે અને એ મૂડ એનો આવ્યો ત્યારે કોરોના જેવી ઘટના ઘટી. કોરોના આપણે માટે આંખ ખોલનારી ઘટના હતી, પણ જો એ પછી પણ આપણી આંખો ન ખૂલી હોય તો મે મહિનામાં મુંબઈનું લઘુતમ તાપમાન ૭ ડિગ્રીએ પહોંચે અને કાશ્મીરનું મહત્તમ તાપમાન ૪પ ડિગ્રી હોય એ દિવસો જોવાની તૈયારી રાખવી પડે.


Whatsapp-channel Whatsapp-channel

24 November, 2021 10:27 AM IST | Mumbai | Manoj Joshi

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK