° °

આજનું ઇ-પેપર
Wednesday, 26 January, 2022


ચિક્કી ચમકાવશે હેલ્થ

14 January, 2022 12:10 PM IST | Mumbai | Jigisha Jain

મૉડર્ન એનર્જી બાર તો હવે આવ્યા, પણ પહેલેથી જ આપણા વડવાઓ ચિક્કી ખાવાનું શીખવી ગયા છે. આજે જાણીએ કે ચિક્કી ખાવાની પરંપરા કઈ રીતે સુપર હેલ્ધી છે

ચિક્કી ચમકાવશે હેલ્થ Uttaran

ચિક્કી ચમકાવશે હેલ્થ

મકર સંક્રાન્તિ પર તલ અને ગોળ ખાવાની પરંપરા છે. પતંગ ચગાવતાં, ઠંડીમાં ઠૂંઠવાતાં, કટક-બટક કરવા માટે ચિક્કીથી બેસ્ટ કોઈ સ્નૅક્સ મળી શકે નહીં. મૉડર્ન એનર્જી બાર તો હવે આવ્યા, પણ પહેલેથી જ આપણા વડવાઓ ચિક્કી ખાવાનું શીખવી ગયા છે. આજે જાણીએ કે ચિક્કી ખાવાની પરંપરા કઈ રીતે સુપર હેલ્ધી છે

‘તિળગુડ ઘ્યા આણિ ગોડ-ગોડ બોલા’ કહીને આપણે જ્યારે કોઈના હાથમાં તલની નાનકડી લાડુડી પકડાવીએ છીએ ત્યારે આપણે આપણી વર્ષો જૂની પરંપરા નિભાવીએ છીએ. પરંતુ આ પરંપરાના નામે આપણે હેલ્થ વહેંચી રહ્યા છીએ એવો અહેસાસ આપણને થતો નથી. ચિક્કીનો ફક્ત સ્વાદ બેસ્ટ નથી હોતો, એ આપણી સેહતને પણ બેસ્ટ બનાવતી હોય છે. આપણે ત્યાં અઢળક પ્રકારની જુદી-જુદી ચિક્કીઓ મળતી હોય છે અને એ દરેક ચિક્કીની ખાસિયત જુદી છે. આખો શિયાળો આમ તો આપણે દિવસની એક ચિક્કી ખાઈએ તો આખા વર્ષની તાકાત શરીરમાં ભેગી કરીએ છીએ એમ સમજવું. હા, ચિક્કીના જમણ ન હોય એ વાત પણ અહીં ધ્યાન રાખવા જેવી છે. વળી એ જમવા સાથે નહીં, નાસ્તા કે કટક-બટક સમયે ખાવાની વસ્તુ છે. બાળકોને નાનપણથી ચિક્કી ખાવાની આદત પાડવામાં આવી હોય તો તેમનાં હાડકાં અને તેમનો બાંધો મજબૂત થાય છે. સ્ત્રીઓમાં એનીમિયાની તકલીફ દૂર થાય છે. પુરુષોની મજબૂતી માટે એ જરૂરી છે અને ઘડપણમાં શરીર લાંબો સમય સાથ આપે એ માટે ચિક્કી કામની છે. આમ દરેક ઉંમરની વ્યક્તિ ચિક્કી ખાઈ શકે છે એમ નહીં, દરેક ઉંમરની વ્યક્તિએ ચિક્કી ખાવી જ જોઈએ. 
આપણું શાણપણ 
ચિક્કી આપણે ત્યાં વર્ષો જૂનો ખોરાક છે, જેની પાછળ વડીલોનું કેટલું બધું શાણપણ છે એ વિશે વાત કરતાં હોમિયોપૅથ ડૉક્ટર અને ન્યુટ્રિશનિસ્ટ ડૉ. કોમલ ગાંધી કહે છે, ‘શિયાળામાં બધું થીજી જાય છે. શરીર પણ અને લાગણીઓ પણ. ચિક્કી વહેંચવાની પરંપરા ફક્ત શરીરને જ નહીં, મનને પણ ઉષ્મા આપે છે. લોકો એ બહાને એકબીજાને મળે છે. વળી ચિક્કી એક અતિ સરળ રીતે બનતો, જરાય મોંઘો ન કહી શકાય એવો ખોરાક છે; જેને લીધે એ ગરીબમાં ગરીબ વ્યક્તિ સુધી પોષણ પૂરું પાડતો પારંપરિક ખોરાક બને છે. જે લોકો એમ માને છે કે પૈસા વધુ ખર્ચ કરવાથી પોષણ મળે છે તેમણે આપણા પારંપરિક ફૂડ વિઝડમને સમજવું જોઈએ જેમાં દરેક વ્યક્તિ માટે સરળ રીતે પૂરતું પોષણ મળી રહે એવી વ્યવસ્થા બનાવવામાં આવી છે. ચિક્કી પણ આ વ્યવસ્થાનો જ એક ભાગ છે. એનર્જી બાર તો હવે આવ્યા, આપણા વડીલોએ વર્ષોથી આપણને ચિક્કીના સ્વરૂપે એનર્જી બાર બનાવીને ખાતાં શીખવ્યું છે.’
ચિક્કીના ઘટકોના ફાયદા
ન્યુટ્રિશનિસ્ટ કેજલ શેઠ પાસેથી જાણીએ ચિક્કીમાં નખાતાં જુદા-જુદા તત્ત્વોના ફાયદા 
શિંગ : શિંગને વર્ષોથી ગરીબોની બદામની ઉપમા આપવામાં આવે છે, કારણ કે બદામ જેવા જ ગુણો શિંગ સસ્તામાં આપણને આપતી હોય છે. હેલ્ધી ફૅટ્સમાં જેની ગણના થાય છે એવી શિંગ કે મગફળીમાં સારી ક્વૉલિટીનું પ્રોટીન હોય છે, જેમાં મિનરલ્સ અને વિટામિન્સ ભરપૂર માત્રામાં છે. 
રાજગરો : રાજગરામાં ભરપૂર કૅલ્શિયમ અને ફૉસ્ફરસ હોય છે, જેને લીધે હાડકાં મજબૂત બને છે અને ભવિષ્યમાં ઑસ્ટિયોપોરોસિસ થવાનું રિસ્ક ઘટે છે. 
નારિયેળ : નારિયેળમાં પણ ખૂબ સારા હેલ્ધી કહી શકાય એવા ફૅટ્સ હોય છે. એમાં પૉલીફીનોલ ઍન્ટિઑક્સિડન્ટ્સ રહેલાં છે જે ખૂબ ઉપયોગી છે જે ભવિષ્યમાં અઢળક બીમારીઓથી બચાવે છે. 
દાળિયા : દાળિયા ચણાને શેકીને બાનાવવામાં આવે છે. એ એક ધાન્ય છે જે શરીરને બ્લડ-પ્રેશર, ઓબેસિટી, હાઈ લેવલ ટ્રાઇગ્લિસરાઇડ્સથી બચાવવા માટે સક્ષમ છે. આ ઉપરાંત ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સથી પણ એ બચાવે છે. 
કાળા તલ : મહાદેવને ચડતાં કાળાં તલ સફેદ તલ કરતાં પણ વધુ પોષણયુક્ત માનવામાં આવે છે. તલની આ વરાઇટી ફક્ત એશિયામાં જોવા મળે છે. કાળાં તલમાં મૅક્રો અને માઇક્રો ન્યુટ્રિયન્ટ્સ રહેલાં છે. આ ઉપરાંત હેલ્ધી ફૅટ્સ છે જેને કારણે હાર્ટ ડિસીઝનું રિસ્ક ઘટે છે. 
સફેદ તલ : કોષોની કાર્યક્ષમતા અને મેટાબોલિઝમને બળ આપવાનું કામ સફેદ તલ કરે છે, કારણ કે એમાં થાયમીન, નિયાસીન અને વિટામિન B૬ બહોળી માત્રામાં છે. એ બ્લડ-પ્રેશર કન્ટ્રોલમાં રાખે છે, કારણ કે એમાં મૅગ્નેશિયમની માત્રા ઘણી વધુ છે. એમાં રહેલા ઍન્ટિઑક્સિડન્ટ્સ નળીમાં પ્લાકનું નિર્માણ રોકે છે. 
ખાંડ કરતાં ગોળની ચિક્કી વધુ 
સારી : ખાંડ અને ગોળ બન્ને વડે ચિક્કી બની શકે છે. બન્ને શેરડીમાંથી જ બને છે પરંતુ બન્નેની બનવાની રીતમાં ઘણો ફરક હોય છે. બન્નેમાંથી એકસરખી કૅલરીઝ મળે છે. એટલે કે એનર્જી એકસરખી મળે છે, જેમાં ખાંડ બનાવવા માટે પ્રોસેસ કરવી પડે છે જ્યારે ગોળ પ્રોસેસ્ડ નથી હોતો એટલે એનર્જી સિવાય ગોળમાંથી આયર્ન, ફાઇબર અને મિનરલ્સ મળે છે. જ્યારે ખાંડમાંથી ફક્ત કૅલરીઝ એટલે કે એનર્જી મળે છે. બજારની ચિક્કી કરતાં ઘરે ચિક્કી બનાવવાનો આગ્રહ પણ એટલે જ રાખવામાં આવે છે કે બજારમાં ખાંડની ચિક્કી મળતી હોય છે. 

આપણે ઘરે ગોળની ચિક્કી બનાવવી જોઈએ. 

ચિક્કી જાતે ઘરે બનાવો 

હેલ્ધી હોમમેડ પ્રોડક્ટ્સનો પ્રસાર કરનારાં નીલમ મહેતા પાસેથી જાણીએ કેટલીક ખાસ ચિક્કીઓની રેસિપી

સામગ્રી 
પોણો કપ સફેદ તલ, પા કપ કાળા તલ, અડધો કપ ગોળ, ૩ ચમચા પીસેલાં પિસ્તાં, ૧ ચમચી ઘી 
રીત 
એક પૅનમાં બન્ને તલને ધીમા તાપે શેકી લો જ્યાં સુધી એ ફૂટવા ન લાગે. એને એક પ્લેટમાં કાઢી એ જ પૅનમાં ગોળ નાખી એને મધ્યમ તાપે હલાવો. ગોળની આ પાઇ કેમ કરવી એ જ શીખવું મહત્ત્વનું છે. એ માટે એક વાટકીમાં પાણી લો અને ગરમ ગોળની પાઇનું એક ટીપું એ પાણીમાં નાખો. જો એ તૂટે નહીં, તોડવાથી પ્રૉપર એના બે ભાગ ન થયા અને ચીકાશ લાગે તો હજી એને પકવવાની જરૂર છે અને જો એ ભાંગી શકે તો એનો અર્થ એમ છે કે પાઇ તૈયાર છે. ગોળ પ્રમાણે આ પ્રોસેસમાં પાંચથી માંડીને દસ મિનિટ જેવો સમય લાગી શકે છે. પાઇ તૈયાર થાય એટલે એમાં તલ નાખો. તરત જ ઘીથી ગ્રીસ કરેલા બોર્ડ પર આ મિશ્રણ ફટાફટ પાથરવું, ઉપરથી પિસ્તાનો ભૂકો ભભરાવી વેલણની મદદથી વણી લેવું. મોટી છરીથી એના ટુકડા કે ચોસલાં બનાવવાં. આ આખી પ્રોસેસ મિશ્રણ ગરમ હોય ત્યારે જ કરવી. વેલણ, છરી બધા પર ઘીનું ગ્રીસિંગ જરૂરી છે. આ રીતે તૈયાર થયેલી ચિક્કીને ઠંડી કરીને ઍરટાઇટ ડબ્બામાં સાચવી 
શકાય.

શિંગ, પિસ્તાં અને ગુલાબની ચિક્કી

સામગ્રી 
બે કપ શિંગ, દોઢ કપ ગોળ, ૩ ચમચા પીસેલા (ભૂકો કરેલાં) પિસ્તાં, થોડી ગુલાબની સૂકી પાંદડીઓ, ૧ ચમચી ઘી 
રીત 
શિંગદાણાને શેકી લેવા અને એની ઉપરનાં ફોતરાં કાઢી નાખવાં. પછી એને થોડી આખી ભાંગી પીસી લેવાની. ગોળને એક પૅનમાં લઈને એની પાઇ બનાવવી. એક વાટકીમાં થોડું પાણી લઈને એ ગરમ ગોળની પાઇનું એક ટીપું એમાં નાખીએ તો એકદમ બરડ બની જવી જોઈએ. કટ અવાજ સાથે એ તૂટે એટલે સમજવું કે ગોળની પાઇ તૈયાર છે. આ પાઇમાં શિંગ ભેળવીને એને ગ્રીસ કરેલા બોર્ડ પર જલદીથી પાથરો, ગુલાબ પટ્ટી અને પિસ્તાં ઉપરથી ભભરાવીને વેલણથી થોડી પાતળી ચિક્કી વણી લો. ગ્રીસ કરેલી છરીથી એના ટુકડા કરો. ઠંડી કરી ઍરટાઇટ ડબ્બામાં ભરો.

14 January, 2022 12:10 PM IST | Mumbai | Jigisha Jain

અન્ય લેખો

તું પતંગ હું દોર

ઉતરાણમાં લોકોની નજર આકાશ પર મંડાયેલી હોય ત્યારે ધાબા પર પ્રેમીપંખીડાઓ વચ્ચે પ્રેમની પતંગ હિલોળા લેતી હોય એવા અઢળક કિસ્સાઓ છે. અગાસીમાં પતંગબાજીના શોખથી શરૂ થયેલી આવી જ સાચુકલી પ્રેમકહાણીને આજે માણીએ

14 January, 2022 12:13 IST | Mumbai | Varsha Chitaliya

આસમાં હૈ તેરા પ્યારે, હૌસલા બુલંદ કર

‘હમ દિલ દે ચુકે સનમ’ નું ‘કાઇપો છે...’ પહેલું એવું ગીત જેમાં ગુજરાતીત્વ ભારોભાર ભર્યું છે અને એ પછી પણ ક્યાંય ઉત્તરાયણને અને પતંગની ફિલોસૉફીને ભૂલવામાં નથી આવી

14 January, 2022 12:11 IST | Mumbai | RJ Dhvanit Thaker

અથશ્રી કાઇટ કથા

ઉત્તરાયણના દિવસે આપણે વાત પતંગના ઇતિહાસની કરવાની છે. તમને જાણીને નવાઈ લાગશે પણ આ ઇતિહાસ બસો-પાંચસો નહીં પણ ત્રણેક હજાર વર્ષ જૂનો છે

14 January, 2022 12:09 IST | Mumbai | Rashmin Shah

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK