ચર્ની રોડમાં રહેતા હિતેન શેઠ કોરોનાગ્રસ્ત થયેલા ત્યારે માણાવદરમાં ગાયના સાંનિધ્યમાં રહ્યા પછી શરૂ થઈ ગીર ગાયોના સંવર્ધનની યાત્રા : બે ગાયોથી શરૂઆત કરેલી અને આજે ૨૭૯ છે એમાં ફૅમિલીનો ફુલ સપોર્ટ છે
હિતેન શેઠ
કી હાઇલાઇટ્સ
- સુરતમાં રહેતા એક ભાઈ હરેશ શેઠ ગૌશાળાનું સંચાલન કરે છે
- હૉન્ગકૉન્ગમાં રહેતા વિજય શેઠ ત્યાંથી CCTV કૅમેરા દ્વારા મૉનિટરિંગ કરે છે
- આ ગૌધામને લીધે આખો પરિવાર નજીક આવ્યો છે
તમે જો ગાયની સંગતમાં રહો તો કેવો સુભગ સમન્વય સર્જાય અને માનવતાની ધૂણી પ્રજ્વલે એની દાસ્તાન ચર્ની રોડમાં રહેતા કપલ હિતેન શેઠ અને મેઘના શેઠની સાથે આખી શેઠ ફૅમિલી પાસેથી જાણવા જેવી છે.
કેવી રીતે ગીર ગાયોના સંવર્ધનની સદ્કાર્યયાત્રા શરૂ થઈ એની વાત કરતાં બાવન વર્ષના આર્કિટેક્ટ હિતેન શેઠ કહે છે, ‘કોરોનાની બીજી વેવમાં મને કોરોના થઈ ગયો હતો. એ સમયે હું મારા વતન માણાવદર આવી ગયો હતો. ત્યાં બે ગાયના સાંનિધ્યમાં એક મહિનો રહેવાનું થયું. હું કોરોનામુક્ત થયો, પણ મેં આ દરમ્યાન જોયું કે ગાયની સાથે રહેતાં-રહેતાં મને પૉઝિટિવ ફીલિંગ આવવા લાગી હતી. ત્યારે મને થયું કે ગાયો માટે કંઈક કરવું જોઈએ. આ માટે હૉન્ગકૉન્ગમાં રહેતા મારા મોટા ભાઈ વિજયભાઈને વાત કરી. આપણને ઘણી વખત રસ્તે રખડતી ગાયો જોવા મળે છે એની પાછળનું કારણ શોધ્યું તો અમને ખબર પડી કે ગાયો દૂધ ઓછું આપે કે પછી ન આપે અને રખડતી થઈ જાય, ઘણી ગાયો બીમાર અને અશક્ત જણાઈ આવી. મને થયું કે ગાયોના સંવર્ધન માટે કંઈક કરવું જોઈએ અને ગાયો દૂધ આપતી બને, ઓરિજિનલ ગીર ગાયોની નસલ સચવાઈ રહે એટલે અમે ગીર ગાયોના સંવર્ધન માટે કાર્ય કરવા તરફ આગળ વધીને ગૌશાળા શરૂ કરવાનું વિચાર્યું. વર્ષો પહેલાં અમારા જન્મસ્થળ માણાવદરમાં મારા પિતાજી ચંદુભાઈ શેઠ કપાસની મિલ ચલાવતા હતા. જોકે એ બંધ થઈ જતાં એ જગ્યા ખાલી પડી હતી. અહીં ત્રણ પેઢીથી લોકો અમારે ત્યાં કામ કરતા હતા. આ લોકોને પણ અમે મદદ કરતા હતા અને તેઓ પણ કહેતા કે અમને કંઈક કામ આપો. એટલે ખાલી પડેલી એ જગ્યામાં ગૌધામ શરૂ કરવાનું નક્કી કર્યું અને અમારાં માતા અનસૂયાબહેનના નામે વતનમાં અનસૂયા ગૌધામ શરૂ કર્યું. પહેલાં તો અમારી પાસે બે ગાય હતી. ત્યાર બાદ ગાયોના સંવર્ધન માટે અમે પ્યૉર ગીર ગાયો તેમ જ નંદી પણ ખરીદીને લાવ્યા અને ધીરે-ધીરે ગાયોની સંખ્યા વધતી ગઈ અને આજે ૨૭૯ ગીર ગાયો થઈ ગઈ છે.’
ADVERTISEMENT
ગૌશાળાનું સંચાલન
ગૌધામમાં ગાયોની સંભાળ માટે કરેલા આયોજનની વાત કરતાં હિતેનભાઈ કહે છે, ‘અમારા મોટા ભાઈ દિનેશ શેઠ કોરોનામાં મૃત્યુ પામ્યા હતા. બીજા એક ભાઈ હરેશભાઈ સુરતમાં રહે છે, તેઓ હાલ ગૌશાળાનું સંચાલન કરે છે; જેમ કે ગાયો તથા નંદીના વંશવેલાની માહિતી સાથે કઈ ગાય કેટલું દૂધ આપશે, તેમનું સ્વાસ્થ્ય કેવું રહે છે, કેવો ખોરાક આપવો વગેરે. ગાયો, વાછરડાં અને નંદીની સંભાળ રાખવા માટે ૩ ડૉક્ટરો સહિત ૩૦ જણનો સ્ટાફ છે. આ ઉપરાંત બહાર રખડતી હોય કે ગામની બીજી ગાયો હોય, એ બીમાર પડે તો એના માટે અલગ જગ્યા ઊભી કરીને એની સારવાર કરીએ છીએ અને જરૂર પડે તો ઑપરેશન પણ કરીએ છીએ. અહીંનો તમામ ખર્ચ અમારી ફૅમિલી જ ઉઠાવે છે અને અમે ડોનેશન નથી લેતા.’
હૉન્ગકૉન્ગથી મૉનિટરિંગ
હૉન્ગકૉન્ગમાં બેઠાં-બેઠાં CCTV કૅમેરાની મદદથી ગૌધામનું મૉનિટરિંગ કરતા વિજય શેઠ કહે છે, ‘આપણા ધર્મમાં ગૌસેવાને ઉત્તમ સેવા કહેવાય છે. ગૌધામમાં ગૌસેવા કરીને એક રીતે અમને સેલ્ફ-સૅટિસ્ફેક્શન મળે છે. આ કામ અમે આત્મસંતોષ માટે કરીએ છીએ. આ કામ અમે પૈસા કમાવા કે દૂધ-ઘી વેચવા નથી કરતા, પણ ગીરની ગાયોને સાચવવા અને ઉત્તમ નસલની ગાયો માટે આ ગૌશાળા કરી છે અને બ્રીડિંગ પણ કરીએ છીએ. ગૌધામની હું દોઢ-બે મહિને વિઝિટ કરું છું ત્યારે ત્યાં એક અઠવાડિયું રહું છું. બધી ગાયો વિશે માહિતી મેળવું છું. ગૌધામમાં ૩૨ CCTV કૅમેરા લગાવ્યા છે એટલે હૉન્ગકૉન્ગમાં રહીને ગૌધામમાં શું થાય છે, શું ચાલે છે એ જોઈ શકું છું અને મૉનિટરિંગ પણ કરું છું. આપણે ત્યાં ગાયોનું એક વિશેષ મહત્ત્વ છે એટલે હું કહીશ કે જે લોકો સક્ષમ હોય તો તેમણે ગાયો રાખવી જોઈએ. ગીર ગાય માયાળુ છે. આમ તો આ ખર્ચાળ પ્રવૃત્તિ છે, પરંતુ ગાયોની સેવા કરી શકાય છે.’
પરિવારમાં બૉન્ડિંગ વધ્યું
ગાયોની સંખ્યા જેમ-જેમ ગૌધામમાં વધતી ગઈ તેમ-તેમ ગાયોના પગલે શેઠ પરિવારનું બૉન્ડિંગ વધ્યું છે. મહિનામાં દર અઠવાડિયે માદરેવતન આંટો મારવા જતા હિતેન શેઠની સાથે તેમનાં વાઇફ મેઘના પણ મુંબઈથી માણાવદર જાય છે અને ફૅમિલીના સભ્યો એકબીજા સાથે હવે મળી શકે છે. એ વિશે વાત કરતાં હિતેન શેઠ કહે છે, ‘હું જાઉં ત્યારે મારી વાઇફ મેઘના મારી સાથે આવે છે. તે ભલે મુંબઈમાં ઊછરી હોય, પણ ગાયોની સેવાચાકરી કરવી તેને ગમે છે. આ ગૌધામને કારણે અમારી ફૅમિલી નજીક આવી છે. હું મુંબઈમાં રહું છું, મારા મોટા ભાઈ હૉન્ગકૉન્ગમાં રહે છે, બીજા એક ભાઈ સુરત રહે છે અને બહેન અમદાવાદ રહે છે એટલે રૅર કેસમાં કે પછી પ્રસંગોપાત્ ફૅમિલીના સભ્યોને મળવાનું થતું; પરંતુ ગૌધામ બન્યા પછી બધા ભાઈઓ અહીં ધીરે-ધીરે આવતા થયા અને દિવાળીમાં આખી ફૅમિલી ગૌશાળામાં હોય છે. એટલે ગાય માતાએ અમારી ફૅમિલીને નજીક લાવી દીધી છે અને વર્ષમાં ઘણી વખત મળવાનું થાય છે.’
માત્ર ગૌસેવા નહીં
શેઠ ફૅમિલી માત્ર ગૌસેવા કરીને અટકી નથી. ગામમાં આવેલી હૉસ્પિટલમાં ડિલિવરી માટે આવેલી જરૂરિયાતમંદ મહિલાઓને ડિલિવરી બાદ વસાણું પણ બંધાવી આપે છે એની વાત કરતાં હિતેન શેઠ કહે છે, ‘સરકારી હૉસ્પિટલમાં જરૂરિયાતમંદ મહિલાની ડિલિવરી બાદ તેમને પાક ખવડાવીએ છીએ. લાડવા બાંધી આપીએ છીએ. ડિસ્ચાર્જ કર્યા બાદ તે મહિલાને આઠ દિવસનું વસાણું ડબ્બામાં પૅક કરીને આપીએ છીએ.’
માણાવદરમાં અન્નસેવા પણ કરે છે મેઘના શેઠ
ઘાટકોપરની કૉલેજનાં એક સમયનાં લેક્ચરર મેઘના શેઠ મુંબઈથી માણાવદર જઈને માત્ર ગાયની સેવા કરે છે એવું નથી, ગામમાં ફરતાં-ફરતાં લોકોના સંપર્કમાં આવ્યા બાદ તેમણે ગૌસેવાની સાથે-સાથે ગામની મહિલાઓને આર્થિક રીતે પગભર બનાવવા સાથે અન્નસેવા શરૂ કરી છે.
ગામની મહિલાઓને ટેકો કરવાની ઇચ્છા ધરાવતાં મેઘના શેઠ કહે છે, ‘મુંબઈથી મહિનામાં દસ-પંદર દિવસ ગૌધામમાં આવું છું. ગાયોની દેખભાળ રાખું, ડૉક્ટરો સાથે ગાયોના સ્વાસ્થ્ય વિશે વાત કરીને તેમના ખબરઅંતર પૂછું છું, પરંતુ અહીં ગામમાં ઘણા લોકોનો સંપર્ક થયો ત્યારે થયું કે ગામની મહિલાઓને મારે સપોર્ટ કરવો જોઈએ. ગામમાં આવતાં-જતાં જોવા અને જાણવા મળ્યું કે ઘણા એવા લોકો પણ છે જેઓ અશક્ત છે અને એકલવાયું જીવન જીવે છે. તેમના માટે ભોજનનો પ્રબંધ કરાવવાનો વિચાર આવ્યો. મહિલાઓને મદદ કરવાનું વિચારતી જ હતી કે તેમને કોઈ ને કોઈ રોજગારી આપું તો તેમના ઘરમાં એટલો આર્થિક ટેકો મળી રહે અને તેમની ફૅમિલી આગળ વધે. એટલે ગામની સાતેક
જેટલી મહિલાઓને સ્વરોજગાર આપવાના વિચાર સાથે છેલ્લા
એક વર્ષથી અન્નક્ષેત્ર શરૂ કર્યું છે. અમે ગામમાંથી એવા લોકોને શોધ્યા કે જેઓ એકલવાયું જીવન જીવતા હોય કે પછી અશક્ત હોય. એવી જરૂરિયાતમંદ ૧૫૦ વ્યક્તિઓ માટે મહિલાઓ રોજ સાંજે ગરમાગરમ ભોજન બનાવે છે અને અમે તેમને સ્વમાનભેર જમાડીએ છીએ. આ વ્યક્તિઓને તેમના ઘરે જઈને ટિફિન પહોંચાડીએ છીએ એટલે તેમને અમારે ત્યાં ટિફિન લેવા આવવાનો ધક્કો રહેતો નથી. અમે રોટલી બનાવવા માટે મશીન લાવ્યાં છીએ અને તાજી શાકભાજી અને અનાજ-કઠોળ લાવીને રસોઈ બનાવીએ છીએ. ખાસ વાત એ છે કે અમે જે વ્યક્તિને ટિફિન આપીએ તેઓ મોટા ભાગે મોટી ઉંમરના છે એટલે રસોઈમાં તીખું, મીઠું કે અન્ય મરી-મસાલા બાબતે જમવાનું કેવું છે એ તેમને પૂછીએ છીએ અને કોઈ ફેરફાર કરવાનો હોય તો રસોઈમાં એ મુજબ ફેરફાર પણ કરીએ છીએ. અઠવાડિયે એક વાર સ્વીટ પણ આપીએ છીએ, જેમાં અમે પહેલાંથી જ બધાને પૂછી લઈએ છીએ કે આ વખતે સ્વીટમાં શું આપીએ. પછી જે સ્વીટની મૅજોરિટી આવે એ બનાવીને આપીએ છીએ.’
મુંબઈથી માણાવદર જઈને ગાયોની સાથે રહેવું અને ટિફિન બનાવવાના કામમાં કંટાળો નથી આવતો એવું જ્યારે પૂછ્યું તો મેઘના શેઠ કહે છે, ‘ઍક્ચ્યુઅલીમેં સોશ્યોલૉજીના સબ્જેક્ટ સાથે MA કર્યું છે અને ઘાટકોપરમાં આવેલી પી. એન. દોશી વિમેન્સ કૉલેજમાં સોશ્યોલૉજી સબ્જેક્ટની લેક્ચરર હતી. મેં ત્રણેક વર્ષ લેક્ચરર તરીકે કામ કર્યું. હવે હું કૉલેજ નથી જતી, લેક્ચરરની જૉબ છોડી દીધી છે; પણ વતનમાં ગૌધામમાં અચૂક જાઉં છું, કેમ કે હું માનું છું કે માનવસેવા એ સૌથી મોટો ધર્મ છે અને હિન્દુ ધર્મમાં ગૌસેવા શ્રેષ્ઠ ગણાવી છે. ભગવાનની ઇચ્છા વગર કશું થતું નથી એટલે હું માનું છું કે પ્રભુની ઇચ્છાથી આ સેવા અમે કરી રહ્યા છીએ. પૈસા તો બધા કમાય છે, પણ સેવામાં કે જરૂરિયાતમંદ માટે વપરાય તો એ યોગ્ય લેખાશે.’

