Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > 1971 અવિસ્મરણીય ખમીરની સત્યગાથા (પ્રકરણ-27)

1971 અવિસ્મરણીય ખમીરની સત્યગાથા (પ્રકરણ-27)

05 February, 2023 02:41 PM IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

કલેક્ટર ગોપાલસ્વામી પાસેથી જેવી ખબર પડી કે રનવે ક્યારે બનશે એનો કોઈ અંદાજ લગાવી શકાય એમ નથી કે તરત સન્નાટો પ્રસરી ગયો, પણ આ સન્નાટાને ચીરતો એક મહિલા સ્વર અચાનક સંભળાયો અને સૌકોઈનું ધ્યાન એ દિશામાં ખેંચાયું.

1971 અવિસ્મરણીય ખમીરની સત્યગાથા

1971 અવિસ્મરણીય ખમીરની સત્યગાથા


‘સાહેબ, એક વાત કહેશો...’ 
કલેક્ટર ગોપાલસ્વામી પાસેથી જેવી ખબર પડી કે રનવે ક્યારે બનશે એનો કોઈ અંદાજ લગાવી શકાય એમ નથી કે તરત સન્નાટો પ્રસરી ગયો, પણ આ સન્નાટાને ચીરતો એક મહિલા સ્વર અચાનક સંભળાયો અને સૌકોઈનું ધ્યાન એ દિશામાં ખેંચાયું. પૂછનારી વ્યક્તિ ધીમા પગલે આગળ આવી અને તેણે પ્રશ્ન કર્યો...
‘આ રનવે આપણે બનાવી કાઢીએ તો શું થાય?!’
ફરી એક વાર સન્નાટો અને પ્રસરેલા એ સન્નાટા વચ્ચે ગોપાલસ્વામીની આંખો પહોળી થઈ. 
યે બાત મેરે ઝહન મેં ક્યૂં નહીં આયી? અગર માન લો કિ યે કામ...
ગોપાલસ્વામીની આંખોમાં ચમક આવી ગઈ. ચમક પણ અને વર્ણવી ન શકાય એવો ઉત્સાહ પણ. અલબત્ત, એ ઉત્સાહ લાંબો ટકે કે પછી મનમાં જન્મેલા વિચારને કોઈ માર્ગ મળે એ પહેલાં અવરોધ સામે આવી ગયો.
‘સાંભળ હરદેવ... આંયા બધાય બાપ જેવડા ઊભા છે ને તોય તારી છોરીની લલૂડી મોઢામાં નથી રે’તી...’ ટોળાની પ્રથમ હરોળમાં ઊભેલા કાન્તિઅદાનો અવાજ તરડાયો, ‘આ જ સંસ્કાર આયપા છે એ’લા છોડીને...’
‘પણ કાકા...’
કુંદન સહેજ વધારે આગળ આવી, પણ આ વખતે હરદેવ ખત્રીએ દીકરીનો રસ્તો રોક્યો...
‘કુંદન, સાચું કહે છે કે કાન્તિઅદા...’ હરદેવના અવાજમાં સૌમ્યતા અકબંધ હતી, ‘છે વડીલ અહીં હાજર...’
‘હા, છે વડીલ હાજર એની હું ના નથી કહેતી, પણ બાપુ...’ કુંદન બાપુની નજીક આવી ગઈ હતી, ‘તમે જ કહ્યું છેને... મનમાં જન્મે એને ટકવા નહીં દેવાનું, પછી એ પ્રશ્ન હોય કે વલોપાત...’
હવે મૂંઝવણ બાપની વધી હતી. ઘરમાં દીકરીને આ શબ્દો તેણે જ કહ્યા હતા; પણ એ સમયે તેમને ખબર નહોતી કે પોતાના જ શબ્દો તેમણે જાહેરમાં, પાદર વચ્ચે સાંભળવા પડશે. મનમાં તો ક્યારનો એક જ વિચાર હતો કે અહીંથી નીકળવાની વાત આવે એટલે દીકરીને લઈને તેના સાસરે પહોંચી જવું. વેવિશાળ થયા પછી આમ પણ સતત એવું કહેવામાં આવતું હતું કે તમે અમારે ત્યાં આવતા નથી. થોડો સમય જમાઈના ઘરની આજુબાજુમાં ઘર ભાડે રાખીને રહેવું એટલે દીકરીના ઘરનું પાણી પણ પીવું ન પડે અને...
‘સુનો સબ...’ કલેક્ટરના અવાજે હરદેવ ખત્રીની વિચારધારા અટકાવી, ‘આમણે જે કહ્યું એ સાચું હોવાના... રનવે બનતાં કેટલી વાર લાગે એ તો ટેક્નિકલ પૉઇન્ટ છે; પણ જો એમાં માનવહાથ વધે, આપણા બધાનો સાથ મળે તો ટાઇમ ચોક્કસ બચવાના અને કામ પણ ફટાફટ થવાના...’
‘એ હેલો સાયબ...’ હવે શંકર સામે આવ્યો, ‘એય કુંદન... તમને બેયને સમજાતું નથી કે અત્યારે આ અખતરાનો સમય નથી.’
‘હા...’
‘સાચી વાત...’
શંકરની વાતમાં હોંકારો ભણતા કેટલાક છૂટાછવાયા ઉદ્ગારો કાને સંભળાયા એટલે શંકરના શબ્દોમાં જોર ઉમેરાયું...
‘જલદી અહીંથી નીકળી જવામાં માલ છે ને સાર પણ...’ શંકરે હવામાં હાથ ઊંચો કર્યો અને સ્વર પણ... ‘ખોટું હોય તો ક્યો તમે બધાય... ના.’
ફરી એક વાર ઑલમોસ્ટ તમામ ગામવાસીઓે સાથે જ જવાબ આપ્યો...
‘સાચી વાત...’
ફરી એક વાર કાન્તિઅદા આગળ આવ્યા...
‘ભલા મા’ણા સમજો તમે...’
જાણે કે કાન્તિઅદાની વાતમાં હોંકારો ભણવો હોય એમ એ જ સેકન્ડે આકાશ ગાજી ઊઠ્યું અને પાકિસ્તાનનાં ફાઇટર પ્લેન આકાશમાં દેખાયાં. માથા પરથી પસાર થતાં એ ફાઇટર પ્લેન અડધી મિનિટ સુધી એકધારાં જોઈ શકાય એવી ઓછી ઊંચાઈએ એની ઉડાન હતી અને એ ઉડાને ભલભલાને પરસેવો છોડાવવાનું કામ શરૂ કરી દીધું.
વાસ્તવ કરતાં પણ ભ્રમણા વધારે ભયાનક હોય છે અને અત્યારે એ જ થયું હતું.
ફાઇટર પ્લેન માથા પરથી પસાર થઈ ગયાં, પણ કોઈ હુમલો થયો ન હોવા છતાં ગામવાસીઓમાં દેકારો મચી ગયો.
નીચી ઉડાન, દુશ્મન દેશનું નિશાન અને વાતાવરણ નિઃશબ્દ કરી દે એવો અવાજ.
ગભરાટ વચ્ચે માધાપરના પાદરે ભાગાભાગી શરૂ થઈ ગઈ અને ભાગનારા લોકોએ જ્યાં જગ્યા મળી ત્યાં સંતાવાનું પણ શરૂ કરી દીધું. કેટલાક જઈને પોતાના ભૂંગામાં સંતાઈ ગયા, કેટલાક તો વળી ઝાડ નીચે જઈને એવી રીતે ઊભા રહી ગયા કે જાણે ઝાડ બૉમ્બાર્ડિંગથી રક્ષણ કરવાનું હોય.
ભાગનારાઓમાં કુંદન પણ હતી.
 
કુંદન તેનાં માબાપ સાથે ભાગી હતી. અચાનક આવેલા પ્લેનને કારણે હરદેવ ખત્રી અને કુંદનનાં બા તો રીતસર ગભરાઈ ગયાં હતાં, પણ એ ગભરાટ વચ્ચે કુંદને જ બાનો હાથ પકડીને બાને ખેંચ્યા હતાં.
‘પગ ઉપાડો જલ્દી...’
‘હેં!?! હા...’ બાએ પગ તો ઉપાડ્યા, પણ તરત જ તેને પતિ યાદ આવ્યા એટલે તેણે જ પતિનો હાથ પકડ્યો, ‘હાલો હવે...’
કાળમીંઢ પથ્થરોની આડશમાં સંતાયેલાં કુંદન અને તેનાં માબાપની ઉપરથી જ ફાઇટર પ્લેન બે વખત પસાર થયાં, પણ હરદેવ ખત્રીના મનમાં તો હજી પણ પાદર પર થયેલી ચર્ચા જ ગુંજતી હતી.
‘બેટા, છૂટ આપી એનો અર્થ એવો નથી કે તું જાહેરમાં અમારી બધાની આબરૂ કાઢે... ને એવી વાતું કરે જે શોભા ન દે.’
‘પણ બાપુ...’
‘પણ ને બણ...’ હરદેવ ખત્રીએ દીકરીના માથે હાથ મૂક્યો, ‘તારી વાત અમે સમજીએ, પણ એનો અર્થ એવો નથી કે ગામ પણ તને ને તારી વાતુંને સમજે...’
ફાઇટર પ્લેનનો અવાજ બંધ થઈ ગયો હતો અને હવે મા પણ બાપ-દીકરીની વાતો સાંભળતી હતી. 
‘સાચી વાત કહેવામાં ડરવાનું કોનાથી?’
‘તારે ડરવાનું નો હોય...’ કુંદનની બાએ કુંદન સામે હાથ જોડ્યા, ‘આમેય સમાજ આખો અમને ગાળું ભાંડે જ છે કે તને વધારે ભણાવીને અમે ખોટું કયરું. હવે જરાક લલુડી મોઢામાં રાખીને અમને વધારે ગાળ નો મળે એનું ધ્યાન દે તો વધારે સારું મારી મા...’
‘એવું તમને લાગે મા...’
અચાનક પાછળથી અવાજ આવ્યો એટલે કુંદન સહિત બા-બાપુજીનું ધ્યાન પણ પાછળ ગયું. તેમની પાછળ કલેક્ટર ગોપાલસ્વામી હતા.
‘દીકરીએ જે વાત કહી છે એ વાતથી ભલે અત્યારે ગામના ગાળો આપે, પણ જો એવું થયું અને દીકરીએ કરી દેખાડ્યું તો તમે માનશો નહીં પણ એક દિવસ એવો આવશે કે તમારી આ જ દીકરીએ ઇતિહાસમાં તમારા બધાનું નામ રોશન કર્યું હશે...’ 
કલેક્ટરની આંખોમાં અહોભાવ હતો, પણ એ અહોભાવને તોડવાનું કામ કુંદનની બાએ સુપેરે કર્યું.
‘દીકરી અમારા કુંટુબમાં નામ રોશન કરે તોય હાઉં છે સાયબ...’ બાનો અવાજ ગળગળો થવા માંડ્યો હતો, ‘અમને તો એટલી ખબર પડે કે વેલ ને ઢેલ બેય પારકા ફળિયે જ શોભે... ’
ગોપાલસ્વામીને આ શબ્દો બરાબર સમજાયા તો નહોતા, પણ તેમણે બાના ચહેરા પરથી ભાવ પકડી લીધો હતો એટલે તે ચૂપ રહ્યા અને જાણે કે આ ચુપકીદીમાં સથવારો આપવો હોય એ રીતે પાકિસ્તાની ફાઇટર્સ પાછાં જવા માટે નીકળી ગયાં અને વાતાવરણમાં સ્મશાનવત્ શાંતિ પ્રસરી ગઈ.
 
પાંચેક મિનિટના ઠહરાવ પછી ધીમે-ધીમે સૌ બહાર આવવાના શરૂ થયા. કુંદન પણ બહાર આવવા માટે ઊભી થઈ કે તરત જ તેની બાએ હાથ પકડી લીધો...
‘બેઠી રે... ક્યાંય નથી જાવું...’
‘પણ બા...’
‘મારા સમ... આં’યા રે ચૂપચાપ...’
કલેક્ટરને બહાર આવેલા જોઈને ધીમે-ધીમે સૌમાં હિંમત આવવી શરૂ થઈ, પણ હવે કોઈની પાસે વાતનો વિષય બાકી નહોતો રહ્યો. મોત સૌએ આંખ સામે જોયું હતું અને આંખ સામે દેખાયેલા મોતે સૌકોઈને વાસ્તવિકતાથી સભાન પણ કરી દીધા હતા.
ચુપકીદી સામે ઊભેલા સૌ સાથે વાત કરવાની શરૂઆત પણ કલેક્ટરે જ કરી. અલબત્ત, એના માટે તેમણે પણ ઊંડો શ્વાસ લઈને મનમાં હિંમત ભરવી પડી હતી.
‘આપણી વાત હતી રનવેની...’ કલેક્ટરે ધીમેકથી કહ્યું, ‘એ કેટલી વારમાં તૈયાર થવાના એની ટેક્નિકલ ડીટેલ તો મારી પાસે નહીં હોવાના, પણ... હા, બધા સાથે હશું તો રનવે વહેલો બનવાના એ તો કન્ફર્મ છે.’
કોઈ કશું બોલ્યું નહીં એટલે કલેક્ટરે જ નાછૂટકે વાત આગળ વધારી...
‘અત્યારે હરએક સેકન્ડની વૅલ્યુ છે... અને એવામાં નાનામાં નાની સેકન્ડ પણ બહુ ઇમ્પોર્ટન્ટ હોવાના...’ 
કલેક્ટરની આંખો કુંદનને શોધતી હતી, પણ કુંદન ક્યાંય દેખાતી નહોતી.
કોઈ એક સાથ આપનારું મળે તો ખરેખર ફરક પડે...
કલેક્ટરના મનમાં વિચાર ઝળકી ગયો. કુંદન સાથ આપે એમ હતી, પણ એ સાથ આપવા માટે કુંદનનું ત્યાં હોવું જરૂરી હતું.
ક્યાં ગઈ પેલી છોકરી?
પાણીની તરસ લાગી હોય એ રીતે કલેક્ટરે સાથે હતી એ પાણીની બૉટલ મોઢે માંડી, પણ હકીકત એ હતી કે તે અત્યારે માત્ર સમય ખરીદી રહ્યા હતા. તેમને ઇંતેજાર તો કુંદનનો જ હતો. મનમાં આશંકા પણ જાગી ગઈ હતી કે કદાચ કુંદન નહીં દેખાય અને હતું પણ એવું જ હતું. બાએ પોતાના સમ આપીને કુંદનની બા અને બાપુ બન્ને બહાર આવ્યાં હતાં અને ટોળામાં ઊભાં રહી ગયાં હતાં.
નિરાશ વદને કુંદનને શોધવાનો પ્રયાસ કર્યા પછી કલેક્ટરે નાછૂટકે વાત આગળ ધપાવવાનું શરૂ કરવાનું વિચાર્યું અને ત્યાં જ તેની નજર હરદેવ ખત્રી અને તેમનાં વાઇફ પર પડી.
હાશ...
જાણે કે બચાવદળ આવી ગયું હોય એવી રાહત ગોપાલસ્વામીને એ સમયે મનમાં થઈ હતી. 
‘તમારી દીકરીએ જે કામ કર્યા એ નાની વાત નહીં હોવાના...’ કલેક્ટર ગોપાલસ્વામીએ નજર હવે હરદેવ ખત્રી પર ઠેરવી, ‘એક વાત મને કહેવાના. આ વિચાર આવવા એ પણ બહુ મોટી વાત હોવાના... દીકરીની હિંમતને ખરેખર સાચી રીતે જોવાના અને એને ખિજાવાને બદલે વધારે હિંમતવાન બનાવવાના... હું આ ત્રણ દિવસમાં ઘણાને મળવા, ઘણાની સાથે મારે વાત થવા; પણ કોઈએ મને એવું નહીં પૂછવાના કે રનવે આપણે બનાવવીએ તો? આ પૂછવા માટે પણ દેશદાઝ હોવી જોઈએ અને એ તમારી દીકરીમાં હોવા... સૅલ્યુટ છે તમારા દીકરીને...’
હરદેવની આંખોમાં આવેલી ચમક પચ્ચીસ ફુટ દૂર ઊભેલા ગોપાલસ્વામીને દેખાઈ અને પહેલી વાર તેમના દિલમાંથી શબ્દો નીકળ્યા...
‘તમે મારી વાત નહીં માનવા, પણ... ખરું કહું તો આવી દીકરી ભાગ્યે જ ઘરમાં આવે. જો તમારી દીકરી જેવી મારી દીકરી હોત તો અને જો એવી વાત મારી દીકરીએ કરી હોત તો આજે હું તેને આમ છુપાવવાનું કામ કરવાને બદલે જાહેરમાં લઈ આવ્યો હોત અને ગર્વ સાથે કહ્યું હોત કે આ મારી દીકરી છે...’
કુંદનની મા ગોપાલસ્વામીને જોઈ રહી તો હરદેવ ખત્રીની નજર પણ કલેક્ટર પર ચોંટેલી હતી.
બાપની આંખોમાં ભીનાશ હતી અને બાની આંખોમાં આંસુ આવી ગયાં હતાં. જોકે એ પછી પણ જે હિંમત બાપે નહોતી કરી એ બાએ કરી નાખી...
‘કુંદન, બા’ર આવ...’ 
કુંદનની બાની નજર તો હજી પણ કલેક્ટર સામે જ હતી, પણ તેના કાન હવે કુંદનનો અવાજ સાંભળવા માટે તરસવા માંડ્યા હતા. 
થોડી સેકન્ડ પછી પણ અવાજ સંભળાયો નહીં એટલે બાએ ફરી બૂમ પાડી...
‘આવી જા બા’ર દીકરી. સમ કરતાંય મોટી વાત આ સાયબે કરી નાયખી છે...’
‘આવ છોડી આવ...’ જાણે કે બાનો ભેરુ બનવું હોય એમ માધવ દોડીને પાદર પર ચડી ગયો, ‘જો આંયા બધાય તારી રાહ જોવે છે...’ 
 
મક્કમ પગલે કુંદન ધીમેથી પથ્થરની પાછળથી બહાર નીકળી અને ધીમી ચાલે તે પાદર તરફ આગળ વધી. 
‘એ આયવી...’ પાદર પર ઊભેલા માધવે તાળીઓ પાડી, ‘આવ, આવ... જલ્દી આવ...’
માધવને કારણે સૌકોઈની નજર હવે કુંદન તરફ ખેંચાઈ હતી.
કેટલાકની આંખોમાં નવાઈ હતી તો કેટલાકની આંખોમાં ગુસ્સો આવી ગયો હતો. કેટલાકને કુંદન અત્યારે કણાની જેમ ખૂંચી હતી તો ગામ છોડીને જવાની તૈયારીઓ પૂરી કરી ચૂકેલા ગામવાસીઓને આ ક્ષણે કુંદન ભારેપગી લાગી હતી અને જો સરવાળો કરો તો ત્યાં હાજર હતી એમાંથી એક પણ વ્યક્તિ એવી નહોતી જે કુંદનના આગમનને વધાવવા રાજી થઈ હોય.
પાદરે પહોંચીને કુંદને કલેક્ટર સામે હાથ જોડ્યા અને કલેક્ટર તરત જ પાદર પરથી ઊતરીને કુંદન પાસે આવ્યા...
‘હાથ નહીં જોડવાના... હાથ તો મારે તમને...’
‘નહીં, એવું નહીં બોલો. તમે તો મારા બાપુની ઉંમરના...’
‘ઉંમર ઔર ઉમંગ કભી સાથ નહીં ચલતે...’ કલેક્ટર ગોપાલસ્વામીએ અહોભાવ સાથે કુંદનની સામે જોયું, ‘અત્યારે અહીં બધાને એમ લાગે છે કે તેં બહુ ખરાબ સવાલ પૂછ્યો, પણ સાચું કહું... બીજાને વાહિયાત લાગતા તારા સવાલે મારી આંખો ખોલવાના. મને સમજાયું કે તકલીફોથી ભાગવાને બદલે એનો સામનો કરવો જોઈએ...’
કુંદનના ચહેરા પર પહેલી વાર ચમક આવી.
‘રનવે ઍરફોર્સ બનાવશે એવી રાહ જોતા હું બેસી રહેવાના હોત, પણ તારા સવાલે મને સમજણ આપવાના કે મારે પ્રયાસ કરવાના અને પ્રયાસ કરીને આ કામમાં હું પણ બીજાને જોડી શકવાના...’
‘બીજાને નહીં, ત્રીજાને...’
કુંદનના જવાબે સન્નાટો તોડ્યો અને સન્નાટો તૂટવાની સાથે સૌકોઈની આંખનાં ભવાં પણ ખેંચાયાં.
‘એટલે?!’
ગોપાલસ્વામીને જવાબનો અંદેશો આવી ગયો હતો, પણ માણસ ઘણી વાર ખાતરીના હેતુથી પણ સંભળાયેલા શબ્દોને વણસાંભળ્યા કરી બેસતો હોય છે.
‘એટલે એમ કે સાહેબ...’ 
કુંદનના મનમાંથી ડર નીકળી ગયો હતો. તે ધીમી પણ મક્કમ ચાલે આગળ આવી.
‘એક તમે, બીજી હું...’ કુંદનની નજર ગોપાલસ્વામી પર હતી, ‘રનવે બનાવવામાં આપણે બે તો થઈ ગ્યા... પહેલાં તમારે બીજો શોધવાનો હતો, હવે આપણે બેયએ ત્રીજો શોધવાનો છે...’
કુંદન ધીમેકથી પાદર પર ચડી અને પહેલી વાર સામે ઊભેલા ટોળા સામે ઊભી રહી. તેની આંખો પહેલાં બા-બાપુ પર હતી. તે બન્નેના ચહેરા પર ખુશી હતી તો ખુશીની સાથોસાથ હવે ગર્વ પણ એમાં ઝળકતું હતું. જે બા વિરોધના સૂર સાથે આગળ વધી હતી એ જ બા કલેક્ટરના મોઢે દીકરીનાં વખાણ સાંભળીને એટલું તો સમજી ગઈ હતી કે દીકરીએ જે પગલું લીધું છે એનો જો ઉપકાર કલેક્ટરસાહેબ પણ માનતા હોય તો નક્કી દીકરીની વાતમાં દમ છે.
‘મારું નક્કી છે... ને આ કલેક્ટરસાહેબ...’ ટોળાની સામે જોતાં કુંદને કલેક્ટર તરફ હાથ કર્યો, ‘તેમનું પણ નક્કી છે. રનવે બનાવવામાં અમે બે છીએ... જો કોઈ ત્રીજાને...’
કુંદનનું વાક્ય પૂરું થાય એ પહેલાં ટોળા વચ્ચે સળવળાટ થયો અને લોકો વચ્ચેથી જગ્યા કરતો શ્યામ આગળ આવ્યો. પાદરના ઓટલે પહોંચેલા શ્યામે નીચે ઊભા-ઊભા જ કુંદન તરફ હાથ લંબાવ્યો અને કુંદને તેને ઉપર ખેંચી લીધો.
‘ત્રણ નહીં, ચોથાને...’ શ્યામે કુંદનની સામે જોયું, ‘ત્રીજો તો હું આવી ગ્યો તમારી ભેળો... હવે ચોથાને ગોતીએ આપણે...’
શ્યામના શબ્દોથી કુંદનની આંખોમાં હર્ષ અને કલેક્ટરની આંખોમાં ભીનાશ પ્રસરી ગઈ. કોણ કહે છે કે બહાદુરી દેખાડવા માટે છ હાથનું કદ અને પાંચ મણનું શરીર જોઈએ. શૌર્યનો ઉન્માદ તો હૈયામાં હોવો જોઈએ અને માધાપરમાં એ દિવસે આ વાત પુરવાર થઈ રહી હતી.

વધુ આવતા રવિવારે


Whatsapp-channel Whatsapp-channel

05 February, 2023 02:41 PM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK