Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > સત્ય વચન : બદલાવ અનિવાર્ય છે અને એને આવકારવાની તૈયારી સૌકોઈએ રાખવી જોઈએ

સત્ય વચન : બદલાવ અનિવાર્ય છે અને એને આવકારવાની તૈયારી સૌકોઈએ રાખવી જોઈએ

19 September, 2021 12:44 PM IST | Mumbai
Manoj Joshi | manoj.joshi@mid-day.com

નવી શરૂઆતની નિશાની હશે અને કોરોના દરમ્યાન જીવનમાં આવેલું ચેન્જ પણ બદલાવનું ચિહ્ન છે. બદલાવ અનિવાર્ય છે, આવશ્યક છે. એને આવકારવાની તૈયારી સૌકોઈએ રાખવી પડે, રાખવી જોઈએ. 

મિડ-ડે લોગો

મિડ-ડે લોગો


તમે કેવા માણસ છો? શું બદલાવ તમે સ્વીકારી શકો છો, ચેન્જ આવે એ સ્વીકારવાની તમારી માનસિક તૈયારી હોય છે ખરી? શું તમે આવેલા ચેન્જને સહજતા સાથે સ્વીકારીને એ ચેન્જને અપનાવી શકો ખરા?
પૂછજો આ વાત તમારી જાતને અને જો જવાબ હકારાત્મકતા સાથે મળે તો માનજો કે તમે આજના સમયમાં રહેવા માટે પૂરતી રીતે સક્ષમ છો. બદલાવ જરૂરી છે અને એ આવવો જ જોઈએ, થવો જ જોઈએ. બદલાવ વિના અસ્તિત્વ શક્ય નથી અને બદલાવ વિના વાસ્તવિકતા આગળ વધતી નથી. ગુજરાતમાં આવેલું રાજકીય ચેન્જ પણ એ બદલાવની ન‌િશાની છે અને કોરોના પણ બદલાવની નિશાની છે. કોરોના પછીનો નવો સમય જે હશે એ પણ નવી શરૂઆતની નિશાની હશે અને કોરોના દરમ્યાન જીવનમાં આવેલું ચેન્જ પણ બદલાવનું ચિહ્ન છે. બદલાવ અનિવાર્ય છે, આવશ્યક છે. એને આવકારવાની તૈયારી સૌકોઈએ રાખવી પડે, રાખવી જોઈએ. 
જ્યારે પણ બદલાવને સ્વીકારવામાં નથી આવ્યો, જ્યારે પણ એનો વિરોધ કરવામાં આવ્યો છે ત્યારે જે ઘર્ષણ ઊભું થયું છે એ ઘર્ષણે માત્ર અને માત્ર સંઘર્ષ આપ્યો છે અને સંઘર્ષ ન જોઈતો હોય તો ચેન્જને આવકારવાની પૂરતી તૈયારી કરી લેવાની છે. ચેન્જ આવી રહ્યું છે અને એ પણ બહુ મોટા પાયે આવી રહ્યું છે. આ હકીકત છે. કોરોનાને કારણે જે ચેન્જ આવવાનું હતું એ આવ્યું, હવે કોરોના ગયા પછીનું ચેન્જ આવશે અને એ ચેન્જ ખરેખર પરીક્ષા લેનારું પુરવાર થશે. સૌકોઈએ એને માટે પૂરતી તૈયારી રાખવી પડશે અને એ તૈયારી વચ્ચે સૌકોઈએ સમજવું પડશે કે જો એનો વિરોધ કરવા ગયા તો હેરાનગતિમાં ઉમેરો થશે.
કોરોનાને કારણે હવે મેળવડા નથી થઈ શકવાના. મિનિમમ આવતાં ત્રણેક વર્ષ સુધી તો એ નથી જ થઈ શકવાના અને એને માટેની માનસિક તૈયારીઓ બનાવી લેવી પડશે. વિશ્વઆખું સૌકોઈ માટે ખુલ્લું મુકાય એવું પણ આવતાં ત્રણેક વર્ષ સુધી દેખાતું નથી એટલે એ પણ તૈયારી રાખવાની છે. ઑનલાઇન એજ્યુકેશનનું મહત્ત્વ વધવાનું છે અને એ એજ્યુકેશનને પણ મહત્ત્વ આપવાની સાથોસાથ એનો પણ સ્વીકાર કરતા જવાનો છે. તમે કલ્પના પણ નહીં કરી હોય, પણ અમેરિકાએ તો આ ઑનલાઇન એજ્યુકેશનને જીવનનું સૌથી મહત્ત્વનું પાસું ગણી લીધું છે અને કેટલીક યુનિવર્સ‌િટીએ ઑફલાઇન એજ્યુકેશન બંધ કરવાનું જ નહીં, પણ પ્ર‌િમાઇસ પણ વેચવાનું નક્કી કરી લીધું છે. એ પ્રિમાઇસ આપવામાં આવશે તો ઑટોમૅટિક આવેલી એ રકમથી બીજી ઇન્કમ ઊભી કરવાનું વિચારવામાં આવશે અને એ વિચારવામાં આવશે તો આપોઆપ એજ્યુકેશનલ ફી પણ ઓછી થશે. તમને અને મને એ ફી ઓછી નથી લાગવાની, પણ એનું કારણ બીજું છે. ડૉલર મજબૂત છે, યુરો મજબૂત છે એટલે આપણને એ ફીમાં આવેલો ઘટાડો બહુ નાનો લાગશે, પણ એ ઘટાડો ત્યાંની સ્થાનિક પ્રજા અને અન્ય મજબૂત કરન્સીવાળા દેશોને મોટો લાગશે. ચેન્જ તમામ ક્ષેત્રમાં દેખાવાનું છે અને એ દેખાશે જ. તમારે એને માટે તૈયારી રાખવાની છે, એનો સ્વીકાર કરવાનો છે અને એને આવકારવાનું છે. જો આવકારી શકશો તો ચોક્કસપણે હિતમાં રહેશો.


Whatsapp-channel Whatsapp-channel

19 September, 2021 12:44 PM IST | Mumbai | Manoj Joshi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK