° °

આજનું ઇ-પેપર
Wednesday, 26 January, 2022


ચંદ્રવદન એક ચીજ, ગુજરાતે ના જડવી સ્હેલ

15 January, 2022 01:07 PM IST | Mumbai | Deepak Mehta

૧૯૩૮ની ૨૫ ફેબ્રુઆરીએ ચંદ્રવદન ચીમનલાલ મહેતા ઑલ ઇન્ડિયા રેડિયોના મુંબઈ સ્ટેશનની નોકરીમાં જોડાયા ત્યારથી ૧૯૫૨માં રેડિયો પરથી નિવૃત્ત થયા ત્યાં સુધી ચંચી મહેતાનું રેડિયો નાટકમાં એકચક્રી રાજ રહ્યું હતું

બુખારી અને ફિલ્ડન

બુખારી અને ફિલ્ડન

ચંદ્રવદન એક ચીજ 
ગુજરાતે ના જડવી સ્હેલ.
જ્યાં પેઠા ત્યાં ઊઘડે મહેફિલ.
એક અલકમલકની ચીજ 
ચંદ્રવદન તે ચંદ્રવદન તે ચંદ્રવદન... 
આપણા અગ્રણી કવિ ઉમાશંકર જોશીના આ શબ્દો ચંદ્રવદન મહેતાનો ટૂંકમાં પણ સાચો પરિચય આપે છે. કોઈ સીસી કહે, કોઈ ચંચી. કોઈના વળી ચાંદામામા. નામરૂપ જૂજવાં, અંતે તો હેમનું હેમ હોયે. ઑલ ઇન્ડિયા રેડિયોના મુંબઈ સ્ટેશનના ઘડતર અને ચણતરમાં જનાબ બુખારીસાહેબનો જેવો ફાળો એવો એના ગુજરાતી કાર્યક્રમોના આયોજન અને રજૂઆતમાં ચંદ્રવદનભાઈનો ફાળો. જોકે રેડિયોને ચંદ્રવદનભાઈ મળ્યા કેવી રીતે? અરજી કરેલી? ઇન્ટરવ્યુ આપેલા? અવાજની પરીક્ષા આપેલી? ના. એ વખતે જેનું નામ લૅમિંગ્ટન રોડ હતું એના પર સીસી ચાલતા જતા હતા. બેકાર હતા. એટલું જ નહીં, થોડીઘણી મૂડી હતી એ પણ શૅરબજારના સટ્ટામાં ગુમાવેલી. એક મોટર હળવેકથી સીસીની બાજુમાં ઊભી રહી. બારણું ખોલીને જનાબ બુખારી કહે : ‘બેસી જાઓ.’ અગાઉ બે-ત્રણ વાર સીસી રેડિયો પર પ્રોગ્રામ માટે ગયેલા એટલે આંખની ઓળખાણ. સાથે હતા લિયોનાલ્ડ ફીલ્ડન, દેશના પહેલા કન્ટ્રોલર ઑફ બ્રૉડકાસ્ટિંગ. સીધી ને સટ વાત : ‘કાલથી રેડિયોની નોકરીમાં જોડાઈ જાઓ.’ ખાદીની કફની અને ખાદીનું ધોતિયું. ૧૯૩૮ની ૨૫ ફેબ્રુઆરીએ ચંદ્રવદન ચીમનલાલ મહેતા ઑલ ઇન્ડિયા રેડિયોના મુંબઈ સ્ટેશનની નોકરીમાં જોડાયા. 
આ રીતે સામે ચાલીને કોઈને રેડિયોમાં લઈ આવવા એ જનાબ બુખારીની લાક્ષણિકતા. અગાઉ પ્રગટ થયેલા જનાબ બુખારી વિશેના લેખના અનુસંધાનમાં દિલ્હીથી દેવકુમાર ત્રિવેદીએ બુખારીનો એક પ્રસંગ લખી મોકલ્યો છે. દેવકુમારના પિતા પિનાકિન ત્રિવેદી (પિનુભાઈ) જાણીતા કવિ, સંગીતકાર, ગાયક. શાંતિનિકેતનમાં ગુરુદેવ ટાગોર પાસે ભણેલા. ટાગોરનાં ઘણાં ગીતોના સમગેય અનુવાદ કરેલા. એમાંના થોડા તેમના એકમાત્ર કાવ્યસંગ્રહ ‘પ્રસાદ’માં સમાવ્યા છે. વર્ષો સુધી ન્યુ ઈરા સ્કૂલમાં ગુજરાતી અને સંગીતના શિક્ષક રહ્યા (આ લખનારને ૧૦ વર્ષ સુધી તેમની પાસે ભણવાનો લાભ મળેલો). એક દિવસ અચાનક બુખારી પહોંચી ગયા પિનુભાઈના તાડદેવના ઘરે. કહે કે મને ખબર છે કે તમે બહુ સારા ગાયક છો, અમારા રેડિયો-સ્ટેશન પર ગાવા આવો. ૧૯૩૪માં રેડિયો સાથેનો પિનુભાઈનો સંબંધ શરૂ થયો એ છેક ૧૯૮૮ સુધી ચાલુ રહ્યો. પછી તો સંગીત ઉપરાંત વાર્તાલાપ, મુલાકાત, કાવ્યપઠન એમ જાતજાતના કાર્યક્રમો આપ્યા. ૧૯૭૨ની બીજી ઑક્ટોબરે દૂરદર્શનના મુંબઈ કેન્દ્રનું ઉદ્ઘાટન થયું એ જ દિવસે પિનુભાઈએ ગુજરાતી ભજનો રજૂ કર્યાં હતાં. આમ દૂરદર્શનના તેઓ પ્રથમ ગાયક બન્યા.  
પણ પાછા જઈએ ચંચી પાસે. એ વખતે રેડિયો પર બે મુખ્ય વિભાગ એ સ્પોકન વર્ડ અને સંગીત. ત્રીજો વિભાગ સમાચારોનો, પણ એ તો દિલ્હીમાં. ચંદ્રવદન સ્પોકન વર્ડના ખેરખાં. વાર્તાલાપો, નાટકો વગેરે તો ખરાં જ; પણ નવા-નવા અખતરા કરે, સફળતાથી - ચતુરનો ચોતરો, બુદ્ધિ ધાનશાક મંડળ. ક્રિકેટની રનિંગ કૉમેન્ટરીની જેમ મકરસંક્રાન્તિની સવારે સુરતથી પતંગની કૉમેન્ટરી. સાથે જોડાય આપણા અનન્ય હાસ્યકાર જ્યોતીન્દ્ર દવે. આ બન્ને વિશે સાચો બનેલો એક પ્રસંગ. સુરતની કોઈ સાહિત્યિક સંસ્થાનો કાર્યક્રમ. એના એક હોદ્દેદારે અતિથિવિશેષ તરીકે ચંદ્રવદનભાઈને આમંત્રણ આપ્યું તો બીજાએ જ્યોતીન્દ્રભાઈને. બન્ને કાર્યક્રમ માટે પહોંચ્યા ત્યારે ભૂલનો ખ્યાલ આવ્યો. હવે શું કરવું? બન્ને કહે : વાંધો નહીં, તમે બાજુ-બાજુમાં બે માઇક મૂકો, અમે વારાફરતી બોલીશું. એક વાક્ય સીસી બોલે, એક જ્યોતીન્દ્રભાઈ. બન્ને ખાસ્સું અડધો કલાક બોલ્યા!
પણ સીસીનું એકચક્રી રાજ એ તો રેડિયો નાટકમાં.
મૂળ રંગભૂમિનો જીવ. કેટલાંય નાટકો લખ્યાં, ભજવ્યાં. ૯૦ વર્ષની જિંદગીમાં ૧૦૧ પુસ્તકો લખ્યાં, જેમાંનાં સાત અંગ્રેજીમાં. પણ એ વખતે રંગભૂમિની પહોંચ મર્યાદિત. રેડિયો નાટકમાં ચંચીને મોકળું મેદાન મળ્યું. દરેક નાટકમાં કંઈક નવું નોખું, પણ લખ્યું એટલું સાચવ્યું નહીં. રેડિયો પર એ વખતે ‘લાઇવ’ કાર્યક્રમોનો જમાનો એટલે રેકૉર્ડિંગ પણ નહીં. એક બાજુ ‘અત્ર લુપ્તા સરસ્વતી’ જેવું છંદોબદ્ધ નાટક તો બીજી બાજુ ‘આઇએનએસ બેન્ગાલ’ જેવું દસ્તાવેજી રૂપક. ગાંધીજી અને સરદાર પટેલ વિશેની બે નાટ્યશ્રેણીઓ તો ‘અમરફળ’ જેવું પૌરાણિક નાટક. એક બાજુ ‘ખૂન’ નામનું નાટક તો બીજી બાજુ ‘પ્રીત ભઈ’. ચંચી મુઝફ્ફરશાહ વિશે પણ નાટક લખે અને શાંતિનિકેતન વિશે પણ લખે. વીર, શૃંગાર, હાસ્ય વગેરે રસોના કુશળ કસબી; પણ છેવટે ઠરે એ તો શાંત રસમાં. 
પણ આ લખનારને આજે પણ લગભગ આખેઆખું મોઢે છે સીસીનું એ ‘કન્યાવિદાય’. ‘અભિજ્ઞાન શાકુંતલ’ પર આધારિત આ સંગીત રૂપક જેટલું કાલિદાસનું છે એટલું જ ચંદ્રવદનભાઈનું છે. અનુવાદ નહીં, અનુસર્જન. આખેઆખું સંસ્કૃત છંદોમાં લખાયેલું. એ જમાનામાં એટલું પૉપ્યુલર કે દર બે-ચાર વર્ષે રેડિયો પર ફરી-ફરી ભજવાય. રેડિયોના સંગીત વિભાગમાં કામ કરતા અને આપણા જાણીતા કવિ, સંગીતકાર, ગાયક નીનુભાઈ મઝુમદારે સંગીતબદ્ધ કરેલું. કેવા-કેવા કલાકારો : નીનુભાઈ પોતે, પિનુભાઈ, ગિજુભાઈ વ્યાસ, સુષમાબહેન દિવેટિયા, વીણા મહેતા, અંજની મહેતા, કૌમુદી મુનશી. સીસી પોતે શરૂઆતમાં ભૂમિકા બાંધે. રેડિયો પર તો સાંભળેલું જ, પણ આ લખનાર ભણતો એ ન્યુ ઈરા સ્કૂલમાં પણ દર બે-ત્રણ વર્ષ આખા કાફલાને લઈને સીસી આવે. શનિવારની સવારે સ્કૂલના ઍસેમ્બલી હૉલમાં ‘કન્યાવિદાય’ રજૂ કરે. આ જ ‘કન્યાવિદાય’ અમદાવાદમાં સંગીત રૂપક તરીકે સ્ટેજ પરથી રજૂ થયેલું ત્યારે એને સંગીતબદ્ધ કરેલું આપણા અગ્રણી સંગીતકાર ક્ષેમુભાઈ દિવેટિયાએ અને એમાં શકુંતલાનું પાત્ર ભજવેલું આજનાં જાણીતાં અભિનેત્રી રૂપા દિવેટિયાએ. 
આ લખનારને ચંદ્રવદનભાઈનો અંગત પરિચય થયો એ પહેલાં તેમને જોયેલા અને જોયા એ પહેલાં સાંભળેલા રેડિયો પર. જોયેલા ન્યુ ઈરા સ્કૂલમાં. ક્લાસમાં બેઠો હોઉં. બહાર લૉબીમાંથી પસાર થતા દેખાય. ખાદીનાં કફની-ધોતિયું. વકીલો પહેરે છે એવી બે સફેદ પટ્ટી કફનીની વચમાં લટકતી હોય. ત્યારે તો સમજાતું નહીં કે આવી પટ્ટી કેમ? પછી જાણવા મળ્યું કે સીસી એકલ જીવ. કફનીનાં બટન તૂટી જાય તો કોણ ટાંકી આપે? એટલે બટન તૂટેલાં હોય તોય દેખાય નહીં એ માટે પેલી પટ્ટી. બેફિકર ચિત્તા જેવી ચાલ. મોઢા પર કુમાશ અને કરડાકીનું અજબ મિશ્રણ. જો છંછેડાય તો તેમનામાં ગૂંચળું વળીને બેઠેલો નાગ ફૂંફાડો મારે!    
અંગત પરિચય થયો એ પહેલાં તેમનો થોડો ડર લાગતો, પણ પછી તો કેટલીક વાર તેમની આંખોમાં માતાની મમતા જોવા મળી. ૧૯૫૨માં રેડિયો પરથી નિવૃત્ત થયા પછી સીસી વડોદરાવાસી બન્યા. ત્યાંની યુનિવર્સિટીમાં નાટ્ય શિક્ષણનો વિભાગ શરૂ કર્યો અને ૨૦ વર્ષ નાટકનું શિક્ષણ આપ્યું. યુનિવર્સિટીની હૉસ્ટેલની એક રૂમમાં રહેવાનું. સ્વયમપાકી. બીજા કોઈને તકલીફ ન પડે એટલા ખાતર પોતાના અંતિમ સંસ્કાર માટેનો બધો સામાન જાતે લાવીને એ રૂમના એક ખૂણામાં મૂકી રાખેલો. સરનામું ભલે યુનિવર્સિટીની હૉસ્ટેલનું, પણ ફરતા હોય આખી દુનિયામાં. સીસીએ જેટલી દુનિયા જોઈ એટલી બીજા કોઈ ગુજરાતી લેખકે જોઈ નહીં હોય.
વડોદરાથી મુંબઈ આવવાના હોય એ પહેલાં પોસ્ટકાર્ડ આવે. સંબોધન વગેરેની કડાકૂટ નહીં. ‘ફલાણી તારીખે બપોરે બે. ફાર્બસ પર મળો.’ વર્ષો સુધી મુંબઈ આવે ત્યારે ફાર્બસ ગુજરાતી સભાના લૅમિંગ્ટન રોડ પરના મકાનની એક રૂમમાં રહે. પાછલાં વર્ષોમાં ભાણેજ અરુણ શ્રોફના અંધેરીના ઘરમાં ઊતરે. ત્યારે પોસ્ટકાર્ડમાં લખે : ‘ફલાણી તારીખથી ફલાણી તારીખ સુધી અરુણના ઘરે છું.’ અગાઉથી ફોન કરીને જવાનું. સમયપાલનના ચુસ્ત આગ્રહી. જાતજાતની વાતોનો ખજાનો ખૂલતો જાય. છેલ્લી મુલાકાત કાયમ માટે યાદ રહી ગઈ છે. ૧૯૯૧ના એપ્રિલ મહિનાનો એક શનિવાર. અગાઉથી ફોન કરીને સવારે ૧૧ વાગ્યે મળવા ગયો. તબિયત જરા નરમ લાગતી હતી, પણ વાતોનો ધોધ તો હંમેશ જેવો જ. બે-એક કલાક એ ધોધમાં સ્નાન કર્યા પછી જવા નીકળ્યો. વળાવવા માટે લિફ્ટ સુધી આવ્યા. મેં વિવેક કર્યો : ‘નાહક તકલીફ શા માટે લો છો?’ તરત બંદૂકમાંથી ગોળી છૂટી : ‘કેમ? મને બુઢ્ઢો માનો છો?’ બીજા શનિવારે ફરી મળવાનું નક્કી કરેલું, પણ બે-ત્રણ દિવસ પછી અરુણભાઈનો ફોન આવ્યો : ‘મામાની તબિયત સારી નથી. તમે ન આવો તો સારું. આ રીતે ના પાડું એ તેમને તો ગમશે નહીં એટલે કહીશ કે તમારો ફોન હતો કે નહીં આવી શકું.’ બે-પાંચ દિવસ પછી ફરી અરુણભાઈને ફોન કર્યો ત્યારે કહે કે મામા તો એકાએક વડોદરા પાછા ગયા!’ જે હૉસ્ટેલની રૂમમાં વર્ષો સુધી રહ્યા એ જ રૂમમાં ૧૯૯૧ના મે મહિનાની ચોથી તારીખે ચંદ્રવદનભાઈના જીવનનાટકનો છેલ્લો અંક પૂરો થયો. 
ચંદ્રવદનભાઈ નાના હતા ત્યારે વડોદરામાં સયાજીરાવ ગાયકવાડની બે દીકરીઓ મેનાબાઈ અને ઇન્દિરા રાજે સાથે રમતા. એક વાર એ બન્ને બહેનોએ લાકડાના ખોખા પર બેસાડીને ચંદ્રવદનભાઈનો રાજ્યાભિષેક કરેલો. ઇન્દિરાબાઈએ પોતાની ફૂમતાવાળી ટોપી પહેરાવી. મેનાબાઈએ રાજતિલક કર્યું. જાંબુડાની સૂકી ડાળખીની તલવાર બનાવીને હાથમાં આપી, પણ પછી તો ફૂમતાવાળી ટોપીને બદલે ચંદ્રવદનભાઈને માથે મુકાયો ઑલ ઇન્ડિયા રેડિયોમાંની કામગીરીનાં ૧૪ વર્ષોનાં ૧૪ રત્નોવાળો તાજ. 
lll
વિશેષ નોંધ ઃ જનાબ ઝુલ્ફિકાર અલી બુખારી પરનું લખાણ વાંચ્યા પછી ઘણા વાચકોએ પૂછ્યું કે તેમનો અવાજ સાંભળવા મળે? હા, યુટ્યુબ પર તેમના નામથી સર્ચ કરશો તો તેમના કાવ્યપઠનનાં ૧૯૪૭ પછીનાં પાંચેક રેકૉર્ડિંગ જોવા-સાંભળવા મળશે.

deepakbmehta@gmail.com

ચંદ્રવદનભાઈ નાના હતા ત્યારે વડોદરામાં સયાજીરાવ ગાયકવાડની બે દીકરીઓ મેનાબાઈ અને ઇન્દિરા રાજે સાથે રમતા. 

15 January, 2022 01:07 PM IST | Mumbai | Deepak Mehta

અન્ય લેખો

બાળકોને ફૉરેન્સિક સાયન્સ શીખવે છે આ બહેન

ક્રાઇમના ઇન્વેસ્ટિગેશનમાં વપરાતા આ વિજ્ઞાનની ટ્રેઇનિંગ કિલનિકલ રિચર્સર અલોકી દોશી બાળકોને આપે છે જે તેમની નિરીક્ષણશક્તિ અને ક્રિટિકલ થિન્કિંગમાં જોરદાર ઉપયોગી સાબિત થઈ શકે એમ છે

25 January, 2022 05:47 IST | Mumbai | Ruchita Shah

ભાવતું ખાવું હોય તો એ ડાઇજેસ્ટ કરવાની તૈયારી રાખવાની

મન ભાવે એ બધું કૌશિકી ખાય છે એટલે જ દિવસમાં મિનિમમ બેથી અઢી કલાક વર્કઆઉટ કરે છે

25 January, 2022 05:27 IST | Mumbai | Rashmin Shah

હારી નહીં એટલે જીતી ગઈ

માત્ર દસમું ભણેલાં બોરીવલીનાં સિંગલ મધર રાજેશ્રી દાવડાએ બગીચાની બહાર હેલ્ધી જૂસ અને સૂપ વેચીને બે દીકરીઓને એમબીએ સુધી ભણાવી. કપરા સમયનો હિંમતભેર સામનો કરનારી આ મહિલાની દાસ્તાન પ્રેરણાદાયી છે

25 January, 2022 05:15 IST | Mumbai | Varsha Chitaliya

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK