Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > વાણી અને વર્તન જુદાં હોય એવા માણસનો ભરોસો કરાય?

વાણી અને વર્તન જુદાં હોય એવા માણસનો ભરોસો કરાય?

22 July, 2020 08:59 PM IST | Mumbai
Sejal Ponda

વાણી અને વર્તન જુદાં હોય એવા માણસનો ભરોસો કરાય?

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


દરેક શબ્દનો જુદો-જુદો અર્થ અને જુદી-જુદી કિંમત હોય છે. જુદા-જુદા શબ્દોથી વાક્ય બને છે અને એ વાક્ય આપણી વાણી બની જાય છે. એ વાણીને જો આપણે વર્તનમાં લઈ આવીએ તો આપણે જેવા છીએ એવા લોકો સમક્ષ આવી શકીએ છીએ.
લોકો આપણા વિશે શું વિચારે છે એનાથી આપણને ફરક ન પડવો જોઈએ એવું આપણે ઘણી વાર બોલીએ છીએ. કોઈકના ખરાબ શબ્દો, કોઈકનો આપણા માટેનો અભિપ્રાય આપણને કેટલી અસર કરવો જોઈએ? આ વ્યક્તિગત અને સંજોગો પ્રમાણેનો પ્રશ્ન બની જાય છે, કારણ કે જો આપણે ઈમાનદાર હોઈએ, ડેડિકેટેડ હોઈએ એ છતાં કોઈ આપણને કામચોર કહી જાય તો તેના શબ્દોની આપણી પર અસર પડવા દેવી કે નહીં એ આપણે વિચારવાનું. આપણને દુઃખ જરૂર થાય તો ઘણી વાર આપણે એવા લોકોના શબ્દો તરફ બેધ્યાન થઈ આપણું કામ કરવા લાગીએ. આનાથી વિપરીત આપણે કામચોર હોઈએ અને કોઈ આપણને કામચોર તરીકે સંબોધે અને ખરેખર તેના શબ્દોની અસર ન પડે એટલી બેફિકરાઈ જો આપણામાં હોય તો એનો અર્થ એ છે કે આપણે કામચોર છીએ છતાં
આપણને કોઈ ફરક નથી પડતો. જેમ સત્ય-અસત્ય માણસદીઠ જુદું-જુદું હોય એમ અમુક પ્રકારનાં વ્યવહાર અને વર્તન પણ માણસદીઠ ભિન્ન-ભિન્ન હોવાનાં.
થોડોક સમય જાતને ચકાસવાની છે. આપણે જે બોલીએ છીએ એ ખરેખર વર્તન અને વ્યવહારમાં લાવીએ છીએ ખરા?
સમજો કે આપણને આપણા ઉપરીએ કોઈ મહત્ત્વનું કામ સોંપ્યું છે અને આપણે ઉપરીને કહીએ છીએ કે સાહેબ, આ કામ તમે કહ્યું એ પ્રમાણે તમે આપેલા સમય પર ચોક્કસ થઈ જશે. આ જવાબદારી લીધા પછી આવા મીઠા શબ્દો બોલ્યા પછી શું આપણે એ કામને પૂરું કરવામાં તનતોડ મહેનત કરીએ છીએ? આપણે કહેલી વાણીને સાચી પાડવા કામે વળગીએ છીએ? જવાબ હા હોય તો આપણી વાણી અને વર્તન સરખાં કહેવાય. અને જવાબ ના હોય તો એનો અર્થ એ છે કે આપણે જે બોલીએ છીએ એ માત્ર બોલવા ખાતર બોલીએ છીએ.
આપણી બોલાયેલી વાણી પર સામેની વ્યક્તિ વિશ્વાસ મૂકે છે એટલે આપણી જવાબદારી વધી જતી હોય છે. એમાં બેદરકારી કે બેફિકરાઈ ન જ ચાલે, કારણ કે ઘણી વાર આપણને અંદાજો પણ નથી હોતો કે આપણી બોલાયેલી વાણી પર લોકો જ્યારે વિશ્વાસ મૂકે છે ત્યારે તેઓ તેમના તરફથી કામને સમયસર પૂરું કરવા પ્લાન બનાવતા હોય છે અને એ મુજબ કાર્ય થાય તો પૈસા, સમયની બરબાદીમાંથી બચી શકાશે એવી તેમની ધારણા હોય છે. એ લોકો જ્યારે આપણી પર ડિપેન્ડન્ટ હોય છે. આપણા કામ પછી જ તેમનું કામ આગળ વધી શકે એમ હોય અને બે દિવસ-ત્રણ દિવસ પછી આપણે જો એમ કહીએ કે સૉરી, હું બીજા કામમાં અટવાયેલો હતો. સૉરી, હું બીમાર હતી. સૉરી, હું અર્જન્ટ કામમાં ફસાયેલો હતો. આવા સમયે આપણી પર વિશ્વાસ મૂકનાર વ્યક્તિના શું હાલ થાય એનો વિચાર કરો. આપણે હા પાડ્યા પછી જો એ કામમાં આપણને કોઈ કઠણાઈ આવતી હોય તો તરત આપણે એ વ્યક્તિને ઇન્ફૉર્મ કરી આપણી અડચણો વિશે જણાવવું જોઈએ તો કોઈ સોલ્યુશન પણ મળી શકે અને આપણી સચ્ચાઈ પણ જળવાઈ રહે. પણ આપણે બે-ત્રણ દિવસ પછી કહીએ કે મારાથી આ કામ થઈ શક્યું નથી. અમુક-તમુક રીઝન આપીએ તો આપણાં વાણી અને વર્તન તદ્દન જુદાં છે. એ વ્યક્તિ તો આપણા ભરોસે હતી અને આપણે કામ ન કરીને છેક ત્રીજા દિવસે ઇન્ફૉર્મ કરીએ કે કામ નથી થયું તો એ વ્યક્તિએ બનાવેલો પ્લાન તો બરબાદ થઈ ગયો.
જવાબદારી અને ડિસિપ્લિન માત્ર વાણીમાં વર્તાય એનો કોઈ અર્થ નથી. જ્યારે લોકો આપણાં કામ પૂરાં થવા પર, આપણા ઓપિનિયન પર, આપણા ફીડબૅક પર, આપણા અપ્રૂવલ પર ડિપેન્ડન્ટ હોય ત્યારે આપણાં વાણી અને વર્તન સરખાં હોવાં જોઈએ. આપણે કહીએ કે થઈ જશે અને પછી આપણે એ કામ સમયસર ન કરી આપીએ તો આપણો વ્યવહાર જુદો થઈ ગયો કહેવાય.
સાથે કામ કરનારા લોકો માટે કમ્યુનિકેશન બહુ જ મહત્ત્વનું બની જાય છે. અડચણો, અણધારી આફતો દરેકના જીવનમાં આવે જ છે, પણ જ્યારે તમે ટીમમાં કામ કરો છો ત્યારે એકબીજા સાથેનો સંપર્ક ખૂબ અનિવાર્ય બની
જાય છે.
અંગત સંબંધોમાં જ્યારે આપણે કહીએ છીએ કે હું તને પ્રેમ કરું છું ત્યારે આપણી જવાબદારી વધારે હોય છે. માત્ર કહી દેવાથી પ્રેમ નથી સાબિત થતો, એ વ્યવહાર અને વર્તનમાં દેખાવો જોઈએ. હું તને પ્રેમ કરું છું એમ કહી આપણે ગમે ત્યારે એ વ્યક્તિનું અપમાન કરતા હોઈએ, તેને નિગ્લેક્ટ કરતા હોઈએ, જાણતાં-અજાણતાં તેને દુઃખ પહોંચાડતા હોઈએ તો આપણી વાણી ખોટી કહેવાય.
મિત્રો, શબ્દો બહુ કમાલનું કામ કરી શકે છે. જો એનો યોગ્ય ઉપયોગ થાય અને સમયસર એનો અમલ થાય તો. આપણી કથની અને કરણીમાં ફરક હોય તો બીજાની નજરમાં આપણે વિશ્વાસ ગુમાવીએ છીએ. બીજું એ કે આપણે આપણા જ પગ પર કુહાડો મારીએ છીએ, કારણ કે વારંવાર આપણી વાણી અને વર્તનમાં ફરક દેખાવાને કારણે લોકો આપણા વિશે ધારણા બાંધી લે છે કે આ માણસ તો બોલબચ્ચન છે, જે કહેશે એ કરશે નહીં. લોકો આપણા વિશે શું ધારે છે, શું વિચારે છે એનાથી આપણને જો ફરક ન પડતો હોય તો આપણું કંઈ ન થઈ શકે. કામચોરી કરવા છતાં જો આપણે આપણી જાતને મહાન ગણતા હોઈએ તો આપણે અહંકારમાં જીવીએ છીએ.
આપણી વાણી કોઈનો વિશ્વાસ બને છે, એ વિશ્વાસને જીવતો રાખવાની જવાબદારી આપણી છે.
સાથે કામ કરનારા લોકો માટે કમ્યુનિકેશન બહુ જ મહત્ત્વનું બની જાય છે. અડચણો, અણધારી આફતો દરેકના જીવનમાં આવે જ છે, પણ જ્યારે તમે ટીમમાં કામ કરો છો ત્યારે એકબીજા સાથેનો સંપર્ક ખૂબ અનિવાર્ય બની જાય છે. અંગત સંબંધોમાં જ્યારે આપણે કહીએ છીએ કે હું તને પ્રેમ કરું છું ત્યારે આપણી જવાબદારી વધારે હોય છે.

(આ લેખમાં રજૂ થયેલા મંતવ્યો  લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)


Whatsapp-channel Whatsapp-channel

22 July, 2020 08:59 PM IST | Mumbai | Sejal Ponda

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK