° °

આજનું ઇ-પેપર
Friday, 12 August, 2022


મફત લહાણી માટે રાજકીય પક્ષો કરદાતાઓનાં નાણાં વાપરી શકે?

06 August, 2022 12:07 PM IST | Mumbai
Varsha Chitaliya | varsha.chitaliya@mid-day.com

કોઈ પણ પક્ષે જાહેરાત કરતાં પહેલાં મૅનિફેસ્ટો રજૂ કરવો જોઈએ. જોકે આ વાત ખરેખર કેટલી પ્રૅક્ટિકલ છે અને આ સંદર્ભે જુદાં જુદાં ક્ષેત્રના ટૅક્સપેયર્સ શું વિચારે છે એ જાણીએ

મફત લહાણી માટે રાજકીય પક્ષો કરદાતાઓનાં નાણાં વાપરી શકે? શું કહો છો?

મફત લહાણી માટે રાજકીય પક્ષો કરદાતાઓનાં નાણાં વાપરી શકે?

રાજકીય પક્ષો દ્વારા આપવામાં આવતી મફત લહાણીઓ સામે કરદાતાઓએ સોશ્યલ મીડિયા પર આક્રોશ ઠાલવવાનું શરૂ કરી દીધું છે. ઑલ ઇન્ડિયા ઑર્ગેનાઇઝેશન ઑફ ટૅક્સપેયર્સની રચના કરવાની વાતો પણ થઈ રહી છે. દેશના વિકાસ માટે પ્રામાણિકતાથી આવકવેરો ભરતા કરદાતાઓની માગ છે કે કોઈ પણ પક્ષે જાહેરાત કરતાં પહેલાં મૅનિફેસ્ટો રજૂ કરવો જોઈએ. જોકે આ વાત ખરેખર કેટલી પ્રૅક્ટિકલ છે અને આ સંદર્ભે જુદાં જુદાં ક્ષેત્રના ટૅક્સપેયર્સ શું વિચારે છે એ જાણીએ

ચૂંટણીના ડંકા વાગે એટલે રાજકીય પક્ષો જાત-જાતની મફત વિતરણયોજનાઓની જાહેરાત દ્વારા મતદારોને રીઝવવાનો પ્રયાસ કરે છે. મફત પાણી, મફત વીજળી, લોનમાફી વગેરે લહાણીઓ શું જે તે સરકાર પોતાના ખિસ્સામાંથી આપવાની છે? રાજકીય પક્ષો મતબૅન્ક માટે મફતમાં વહેંચણી કરી આમજનતાને લલચાવતા રહે અને કરદાતાઓનાં નાણાં આડેધડ લાભો આપવામાં વાપરી નાખે એવું હવે નહીં ચાલે. આવકવેરાની રકમનો ઉપયોગ કઈ રીતે થવો જોઈએ એનો નિર્ણય લેવા ઑલ ઇન્ડિયા ઑર્ગેનાઇઝેશન ઑફ ટૅક્સપેયર્સની રચના થવી જોઈએ એવા મેસેજ સોશ્યલ મીડિયા પર વાઇરલ છે. કરદાતાઓનું કહેવું છે કે મફત વિતરણની જાહેરાત કરતાં પહેલાં એની બ્લુપ્રિન્ટ સબમિટ કરી મંજૂરી લેવી જોઈએ. સંગઠનની રચના શક્ય છે? ફ્રીબિઝને રિકૉલ કરવાનો અધિકાર લાગુ થવો જોઈએ? આ સંદર્ભે જુદાં જુદાં ક્ષેત્રના કરદાતાઓ સાથે ચર્ચા કરીએ. 
કરદાતાઓમાં ફાટફૂટ પડશે
સંગઠનની રચના કરવાની માગ કરનારા મધ્યમ વર્ગના કરદાતાઓએ ફ્રીબિઝના કન્સેપ્ટને ઊંડાણપૂર્વક સમજવો જરૂરી છે એવો મત વ્યક્ત કરતાં કપોળ અને ‘કપોળ મિત્ર’ના તંત્રી અને બિઝનેસમૅન ગોપાલ પારેખ કહે છે, ‘મફતમાં કોઈને કશું જ આપવું ન જોઈએ. દરેક ભારતીય નાગરિકે પોતાની મહેનતથી આગળ વધી દેશના વિકાસમાં ફાળો આપવો જોઈએ. મોટા ભાગના કરદાતાઓ એવું માનતા હોય છે કે મફતની લહાણી આર્થિક રીતે પછાત વર્ગને જ આપવામાં આવી રહી છે, પણ સાવ એવું નથી. આ લહાણીથી અનેક ઉદ્યોગોને ફાયદો થાય છે. કરદાતાઓના લિસ્ટમાં ટોચનું સ્થાન ધરાવતા ઉદ્યોગપતિઓને સરકાર દ્વારા આપવામાં આવતી મફત વીજળી અથવા સબસિડીથી લાભ થતો હોય તો તેઓ શું કામ વિરોધ નોંધાવે? સૌથી પહેલાં તો સંગઠનની રચના શક્ય નથી. કદાચિત બની જાય તો એમાં સામાન્ય કરદાતાઓની સાથે જુદાં-જુદાં ક્ષેત્રના ઉદ્યોગપતિઓ પણ સભ્ય બનશે. મફત યોજનાથી જેમને લાભ થતો હશે તેઓ સપોર્ટ કરશે અને બાકીના વિરોધ નોંધાવશે. આમ અંદરોઅંદર ફાટફૂટ પડશે. વ્યાવસાયિક લાભો અને વોટબૅન્કની આ સઘળી રમત છે. જોકે, કરદાતાઓએ ઝુંબેશ જારી રાખવી જોઈએ. તેમનો અવાજ દિલ્હી સુધી પહોંચશે તો વહેલીમોડી એની અસર દેખાશે.’
આદત પડી જશે
પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલાં બિઝનેસવુમન જાહ્‍નવી સંઘવી ચર્ચામાં ભાગ લેતાં કહે છે, ‘મફત વિતરણની ફેવર હું પણ નથી કરતી. ફ્રીબિઝના લીધે અમુક વર્ગ કામચોર બની જાય છે. તાજેતરમાં એક રાજકીય પાર્ટીએ બેરોજગાર યુવાનોને ત્રણ હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી હતી. શા માટે આપવા છે? પૈસા આપીને તેમની આદતો બગાડવા કરતાં રોજગાર ઊભો કરો. મફત આપી દેશો તો એ પોતાનું જીવનધોરણ ઉપર લાવવાનો પ્રયત્ન નહીં કરે. યુવાનોનું ભવિષ્ય બગડશે અને દેશની ઇકૉનૉમીને પણ ફટકો પડશે. શ્રીલંકાનો દાખલો આપણી સમક્ષ છે. મફતની યોજના લૉન્ગ ટર્મ માટે દેશને બરબાદી તરફ લઈ જશે. થોડા સમય અગાઉ સુપ્રીમ કોર્ટે પણ સણસણતો સવાલ કર્યો હતો કે મફત વિતરણ માટે પૈસા ક્યાંથી લાવશો? સંગઠનની રચના કરવાની જે માગણી છે એ પ્રૅક્ટિકલી પૉસિબલ નથી, પરંતુ આજના સમયમાં સોશ્યલ મીડિયાની તાકાતને ઓછી ન આંકી શકાય. આ એક ડ્રાઇવ છે જેને કરદાતાઓએ આગળ લઈ જવી જોઈએ. સોશ્યલ મીડિયા જનજાગૃતિનું કામ કરશે. એક તબક્કો આવશે જ્યારે કોર્ટ રાજકીય પક્ષો પાસે જવાબ માગશે અને જે તે સરકારને કરદાતાઓનાં નાણાં યોગ્ય જગ્યાએ વાપરવાની ફરજ પડશે.’ 
કામ દેખાવું જોઈએ
ફ્રીબિઝના કારણે આવકવેરો ભરવાનો ખરો હેતુ સાઇડ ટ્રૅક થઈ જાય છે તેથી કરદાતાઓમાં નારાજગી પ્રવર્તે છે એવો અભિપ્રાય આપતાં આર્કિટેક્ટ સ્નેહા છાડવા ગડા કહે છે, ‘ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સારી સવલતો માટે આપણે આવકવેરો ભરીએ છીએ. ડેવલપમેન્ટ ક્ષેત્રે કામ થતું નથી અને લાભ થર્ડ પાર્ટી લઈ જાય ત્યારે સ્વાભાવિક છે ટૅક્સપેયર્સ સવાલ ઉઠાવશે. લાંબા સમયથી રાજકીય પક્ષો પોતાની વોટબૅન્કને સાચવવા કરદાતાઓનાં નાણાંનો ઉપયોગ કરે છે. પછાત વર્ગને ઊંચા લાવવા રોજગાર ઊભો કરો, મફત આપવાની શું જરૂર છે? હું કરની ચુકવણી કરું છું તો સુવિધા માગવાનો મને પૂરો અધિકાર છે. સામાન્ય દાખલો લઈએ, મુંબઈના ટ્રાફિકમાં કલાકો સુધી ફસાયેલા રહેવું, રોડ પર ખાડા-ટેકરા હોય એનો મતલબ ઇન્ફ્રા ક્ષેત્રે કામ નથી થઈ રહ્યું. પછાત વર્ગ માટેની અમુક યોજના પાછળ ખર્ચ કરવામાં વાંધો નથી, પરંતુ અમારા ટૅક્સનાં ચાલીસ ટકા નાણાં સાચી જગ્યાએ ખર્ચાઈ રહ્યાં છે એવું દેખાવું જોઈએ. કરદાતાઓને બેઝિક ફૅસિલિટી આપવામાં નિષ્ફળ જનારા રાજકીય પક્ષો મફત વિતરણની જાહેરાત કરે ત્યારે અવાજ ઊઠવાનો જ.’ 
ટ્રાન્સપરન્સી લાવો
જરૂરિયાતમંદ પરિવારને સરકાર ફ્રીબિઝ આપે એમાં ખોટું નથી. આર્થિક રીતે પછાત વર્ગને સારું જીવન મળે, તેમનાં સંતાનો શિ​ક્ષિત થાય એમાં કરદાતાઓ હૅપી જ છે, પણ કોણ ડિઝર્વ કરે છે એ સ્પષ્ટ થતું નથી ત્યાં વિરોધનો સૂર નીકળે છે. ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ મનીષ શાહ પોતાના વિચારો રજૂ કરતાં કહે છે, ‘ભારતના દરેક નાગરિકનું જીવનધોરણ ઊંચું આવે એવા પ્રયાસો આવકાર્ય છે, પરંતુ મફત યોજનાઓની જાહેરાત કરનારા રાજકીય પક્ષોએ ફ્રીબિઝનું કૅલ્ક્યુલેશન કરીને આંકડા રજૂ કરવા જોઈએ. એમાં તેમનું કૉન્ટ્રિબ્યુશન કેટલું હશે એની માહિતી વેબસાઇટ પર મૂકો. નેતાઓએ પોતાની કમાણીનો પચાસ ટકા હિસ્સો આપવો જોઈએ. ઇમ્પ્લિમેન્ટ થયું કે નહીં એ જણાવો. જો કામ નથી થયું તો પેનલ્ટીનો ક્લોઝ રાખો. ચૂંટણીપ્રચારમાં વચનો આપી દેવાથી ન ચાલે, મૅનિફેસ્ટો જેવું કંઈક હોવું જોઈએ. આમજનતાની જેમ સંસદસભ્યો અને ધારાસભ્યોનાં પણ ઇન્કમ ટૅક્સ રિટર્ન ફાઇલ થતાં હોય છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી આપણી ફાઇલ જોઈ શકે તો આમજનતાને પણ તેમની દેખાવી જોઈએ. પબ્લિક ડોમિનમાં તેમને મૂકવામાં આવે તો ખબર પડે કે એ લોકો કેટલા અકાઉન્ટેબલ છે. ડિજિટલ પ્લૅટફૉર્મના માધ્યમથી ટ્રાન્સપરન્સી આવે તો સિનારિયો ચેન્જ થઈ જાય. રાજકીય પક્ષોનું કમિટમેન્ટ હશે પછી કરદાતાઓને પોતાનાં નાણાંની દેખરેખ રાખવાની આવશ્યકતા નહીં રહે.’

 સંગઠનની રચના કરવાનું પ્રૅક્ટિકલી પૉસિબલ નથી, પરંતુ આજના સમયમાં સોશ્યલ મીડિયાની તાકાતને ઓછી ન આંકી શકાય. આ ડ્રાઇવને કરદાતાઓએ આગળ લઈ જવી જોઈએ.
જાહ્‍નવી સંઘવી, બિઝનેસવુમન

માપદંડ નક્કી કરો
કચ્છી વીસા ઓસવાળ સ્થાનકવાસી જૈન મહાજનના પ્રમુખ અને વ્યવસાયે ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ વિજ્ઞેશ ભેદા કહે છે, ‘રાજ્ય સરકારો મફતમાં ઘણી બધી ચીજોનું વિતરણ કરે છે. કશું પણ ફ્રીમાં આપવાની જાહેરાત પહેલાં સરકાર કરદાતાઓના અસોસિએશનને વિશ્વાસમાં લઈ આગળ વધે એવી વ્યવસ્થા હોવી જોઈએ. મફત વિતરણનાં પણ બે પાસાં છે. ભારતની કુલ વસ્તીના અંદાજે ચાર ટકા લોકો આવકવેરો ભરતા હશે. મતલબ એક એવો વર્ગ છે જે સાધનસંપન્ન છે અને સારું જીવન જીવે છે. બીજો વર્ગ એવો છે જે પોતાના કુટુંબનું ભરણપોષણ કરવા સક્ષમ નથી. આ બીજા વર્ગને મફતમાં અનાજ, શિક્ષણ કે વીજળી આપવા માટે કરદાતાઓનાં નાણાં વપરાય એમાં વાંધો ન હોવો જોઈએ. જોકે એકસરખા માપદંડમાં બધાને હાંકવામાં આવે છે એની સામે વિરોધ નોંધાવી શકાય, જેમ કે ખેડૂતને ૩૦૦ યુનિટ વીજળી મફતમાં આપવામાં આવે છે. એ જ ખેડૂત કરોડોની કમાણી કરીને આવકવેરો ભરતો નથી. આવા ખેડૂતોને મફત વીજળી આપવી વાજબી નથી. કૅટેગરીમાં ફિટ બેસે એટલે આપી દેવું એના કરતાં ખરેખર જરૂર છે એવા પરિવારને ૩૦૦ની જગ્યાએ ૪૦૦ યુનિટ આપો. ફ્રી ડિસ્ટ્રિબ્યુશનના માપદંડ નક્કી કરવા જોઈએ. વળી, મફતમાં મળતી વસ્તુની કિંમત નથી હોતી અને એનો વેડફાટ પણ થતો હોય છે. તેમ છતાં મારું માનવું છે કે કરદાતાઓએ વિરોધનો ઝંડો લઈને નીકળવાની જરૂર નથી. આવક સારી હોય ત્યારે સમાજ અને દેશને પાછું આપવાની ભાવના રાખવી જોઈએ.’

સરકાર જો આપણી ઇન્કમ ટૅક્સ ફાઇલ જોઈ શકે તો આમજનતાને પણ સરકારની બૅલૅન્સશીટ દેખાય એવી ટ્રાન્સપરન્સી લાવવી જોઈએ કે નહીં?

06 August, 2022 12:07 PM IST | Mumbai | Varsha Chitaliya

અન્ય લેખો

૬૭ વર્ષે પણ અકબંધ છે સ્કૂલવાલી દોસ્તી

બાળપણમાં ભુજની શાળામાં સાથે અભ્યાસ કરનારા ૪૦ જેટલા વડીલોની મિત્રતા એવી જબરદસ્ત કે બાળપણનાં સંસ્મરણોને તાજાં કરવા દર બે મહિને હરવા-ફરવા ઊપડી જાય

10 August, 2022 04:05 IST | Mumbai | Varsha Chitaliya

મેડલની સેન્ચુરી ફટકારી લીધી છે આ લિટલ સ્કેટરે

માત્ર ૧૨ વર્ષની ઉંમરે ઇનલાઇન સ્કેટિંગમાં ૧૦૩ વિનિંગ મેડલ જીતનારા બોરીવલીના ક્રિશ શાહને આ અસાધારણ સિદ્ધિ હાંસલ કરવા માટે સુવર્ણલક્ષ્ય નૅશનલ સ્પોર્ટ અવૉર્ડ મળ્યો છે

05 August, 2022 08:46 IST | Mumbai | Varsha Chitaliya

વન ઇઝ ઓકે ફૉર અસ!

બેસ્ટ લાઇફસ્ટાઇલની ડિમાન્ડને પહોંચી વળવા અને સંતાનને દુનિયાની શ્રેષ્ઠ સુવિધા આપવાના ઇરાદાથી આજનાં યુગલોએ ડબલ ઇન્કમ સિંગલ કિડ કન્સેપ્ટને અપનાવી લીધો છે ત્યારે આ માઇન્ડસેટને સમજવાનો પ્રયાસ કરીએ

05 August, 2022 05:20 IST | Mumbai | Varsha Chitaliya

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK