° °

આજનું ઇ-પેપર
Tuesday, 11 May, 2021


આ કારણે બિલ્ડરની RTIએ કરી ટાંય-ટાંય ફીશ

21 November, 2020 07:14 PM IST | Mumbai | Dhiraj Rambhiya

આ કારણે બિલ્ડરની RTIએ કરી ટાંય-ટાંય ફીશ

પ્રતિકાત્મક તસવીર

પ્રતિકાત્મક તસવીર

મલાડ-વેસ્ટમાં રહેતા રાજેશ મહાજને ૧૯૯૪માં મીરા રોડના ગામ ઘોડબંદરમાં સૅટેલાઇટ પાર્કની ‘એ’ વિન્ગનો ફ્લૅટ નંબર-૫૦૪ ખરીદ્યો અને તેમની ૨૪ વર્ષની યાતનામય યાત્રા તથા આપણી પ્રેરણાદાયક કથાની શરૂઆત થઈ.

ઉપરોક્ત મકાન, મીરા-ભાઈંદર મહાનગરપાલિકા કાર્યક્ષેત્રમાં આવતું હોવાથી ફ્લૅટના મ્યુનિસિપલ ટૅક્સ નિયમિત રીતે રાજેશભાઈ દર ૬ મહિને ભરતા હતા. ૨૦૧૭ની ૧૨ જાન્યુઆરીએ ઘરપટ્ટી-હાઉસ ટૅક્સની રિસીટમાં પોતાનું નામ વાંચીને રસીદ ફાઇલ કરી દીધી. ૬ મહિના બાદ ફરીથી ઘરપટ્ટીની ૨૦૧૭ની ૨૧ જુલાઈની રિસીટ પર નામ વાંચતાં તેઓ ચમક્યા. રિસીટ પર મેસર્સ ગ્રેસ બિલ્ડર્સ ઍન્ડ ડેવલપર્સનું નામ હતું.

ક્ષણનો વિલંબ કર્યા વગર,કમિશનર, મીરા-ભાઈંદર મહાનગરપાલિકાને સંબોધીને ફરિયાદ-પત્ર બનાવ્યો જેમાં જણાવ્યું કે મારી સંમતિ અને જાણ વગર, મારી પીઠ પાછળ મારા ફ્લૅટના માલિક તરીકે મારા નામને બદલે મેસર્સ ગ્રેસ બિલ્ડર્સ ઍન્ડ ડેવલપર્સનું નામ બદલી કરી દેવામાં આવ્યું છે, જે મહાનગરપાલિકાના અધિકારીઓ સાથેની મિલીભગતથી બન્યુ હોવું જાઈએ. આ બાબતની તપાસ કરીને મહાનગરપાલિકાના ચોપડે ફ્લૅટ મારા નામે કરી ૨૦૧૭ની ૨૧ જુલાઈની નવી રિસીટ મારા નામે બનાવી અને જૂની રિસીટ રદબાતલ કરવી. આ સાથે બન્ને રિસીટની ફોટો-કૉપી આપની જાણ માટે તથા યથાયોગ્ય કરવા આ સાથે બીડું છું. આ કૌભાંડમાં સંકળાયેલા મહાનગરપાલિકાના કર્મચારીઓ સામે શિસ્તભંગનાં પગલાં ભરી નોકરીમાંથી પાણીચું આપવા વિનંતી.

ઉપરોક્ત પત્રની મૂળ પ્રત ૨૦૧૭ની ૨૭ નવેમ્બરે મીરા-ભાઈંદર મહાનગરપાલિકાના કાર્યાલયમાં આપી, ફોટો-કૉપી પર સહીસિક્કા કરાવીને પહોંચ લીધી.

ચાર મહિના ઉપરાંતનો સમય પસાર થઈ ગયો. મહાનગરપાલિકાના બાબુઓએ રાજેશભાઈના પત્ર પર ન તો કોઈ કાર્યવાહી કરી કે ન તો પત્રનો જવાબ આપવાનું સૌજન્ય દાખવ્યું. શું કરવું એની અવઢવમાં રાજેશભાઈ સરી પડયા. પોતાની મનોવ્યથાની વાત ગુજરાતી મિત્રને કરતાં તેમણે તરુણ મિત્ર મંડળ જનાધિકાર અભિયાનના મલાડ-વેસ્ટ કેન્દ્રની માહિતી આપી અને કેન્દ્રની મદદ તથા માર્ગદર્શન મેળવવાની સલાહ આપી.

મલાડ સેવા કેન્દ્રના મળેલા સંપર્ક-નંબર પર ફોન કરી, અપૉઇન્ટમેન્ટ મેળવી ૨૦૧૮ની બીજી એપ્રિલે કેન્દ્ર પર પહોંચ્યા, જ્યાં તેમનો ભેટો સેવાભાવી પ્રફુલભાઈ સાથે થયો. રાજેશભાઈની વિટંબણાની વાત શાંતિથી સાંભળી, લાવ્યા હતા એ ફાઇલનો અભ્યાસ કરી મીરા-ભાઈંદર મહાનગરપાલિકા જન માહિતી અધિકારી પર RTI કાયદા હેઠળની ૦૨-૦૪-૨૦૧૮ તારીખની પ્રથમ અરજી બનાવી આપી, જેમાં નીચેની વિગતે માહિતી માગવામાં આવીઃ

૧. મીરા-ભાઈંદર મહાનગરપાલિકા કમિશનરને લખેલો ૨૦૧૭ની ૨૭ નવેમ્બરના મારા ફરિયાદ-પત્ર પર કરવામાં આવેલી કાર્યવાહીની ક્રમબદ્ધ માહિતી આપશો તથા એની સાંપ્રત સ્થિતિની જાણકારી આપશો.

૨. મારા પત્ર પર કાર્યવાહી ન કરવામાં આવી હોય કે અધૂરી કાર્યવાહી કરવામાં આવી હોય તો એ માટે નોંધાયેલ કારણો જણાવશો.

૩. મારા પત્ર પર કાર્યવાહી કરવાની જવાબદારી ધરાવનાર અધિકારીનું નામ, હોદ્દો તથા તેમના સંપર્ક-નંબર જણાવશો.

૪. જવાબદાર અધિકારીએ કાર્યવાહી કરી જ ન હોય કે અધૂરી કાર્યવાહી કરી હોય તો તેમના પર લેવામાં આવેલાં શિક્ષાત્મક પગલાંની વિગતવાર માહિતી આપશો.

૫. કસૂરવાર અધિકારી પર કાર્યવાહી કરવાની જવાબદારી ધરાવનાર વરિષ્ઠ અધિકારીનું નામ, હોદ્દો, તેમના સંપર્ક-નંબર તથા કાર્યાલયનું પૂર્ણ સરનામું જણાવશો.

૬. આપના વિભાગના સિટિઝન ચાર્ટર મુજબ મારા પત્ર પર કાર્યવાહી પૂર્ણ કરવાની સમયમર્યાદા જણાવશો.

૭. મેસર્સ ગ્રેસ બિલ્ડર્સ ઍન્ડ ડેવલપર્સના નામે માલમતા-ક્રમાંક ૦૦૨૦૦ ૧૫૮૦૫૦૩૦/૫૦૪ હેઠળની પ્રૉપર્ટી ટાન્સફર કરવા માટે રજૂ કરવામાં આવેલા દસ્તાવેજો તથા ટ્રાન્સફર-ઑર્ડરની કૉપી આપશો.

૮. સંકળાયેલી પાર્ટીઓને આપેલી નોટિસની ફોટો-કૉપી આપશો અને નોટિસ ન આપવામાં આવી હોય તો એ માટે નોંધાયેલાં કારણો જણાવશો.

૯. ઉપરોક્ત બાબતને લગતા દસ્તાવેજો, પત્રો-કાગળો કે ફાઇલ ગુમ થઈ હોય તો એ સર્વેની વિગતવાર માહિતી આપશો તથા એ માટે કરેલા FIR (ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ)ની કૉપી આપશો. જો પોલીસ-ફરિયાદ નોંધાવવામાં ન આવી હોય તો એ માટે નોંધાયેલાં કારણો જણાવશો.

૧૦. ઉપરોક્ત બાબતને લગતી અન્ય કોઈ સંલગ્ન અને સંબંધિત માહિતી હોય તો એ અચૂક આપશો.

૧૧. આ અરજીનો આપ જવાબ ન આપો, અધૂરો આપો કે ૩૦ દિવસના સમય-બંધનની અંદર ન આપો તો RTI કાયદા હેઠળનો અપીલ કરવાનો મારો અધિકાર પ્રસ્થાપિત કરી શકું એ માટે આપના વિભાગના FAO (ર્ફ્સ્ટ અપેલેટ ઑથોરિટી)નું નામ, હોદ્દો, સંપર્ક-નંબર તથા તેમના કાર્યાલયનું પૂર્ણ સરનામું જણાવશો.

RTI કાયદા હેઠળની ધારદાર અરજી મળતાં બાબુઓમાં સોપો પડી ગયો. નાગરિકને ગોળ-ગોળ ફેરવવામાં માહેર લુચ્ચા બાબુઓએ ‘નરો વા કુંજરો વા’ જેવો જવાબ ૨૦૧૮ની ૨૯મી મેના પત્ર દ્વારા આપતાં જણાવ્યું કે...

૧. માલમત્તા-ક્રમાંક ઓ. ૦૨૦૦ ૧૫૮૦ ૫૦૩૦નું નામ બદલી થયાની બાબતમાં તપાસ ચાલી રહી છે.

૨. ઉપરોક્ત બાબતની મૂળ ફાઇલ ઉપલબ્ધ થતાં આપને એમાંનાં કાગળ-પત્રોની સત્યપ્રત ત્વરિત આપવામાં આવશે.

૩. ઉપરોક્ત માહિતી બાબતમાં આપને અપીલ કરવી હોય તો...

મા. ઉપાયુક્ત (કર) તથા પ્રથમ અપીલીય અધિકારી, મીરા-ભાઈંદર મહાનગરપાલિકા મુખ્ય કાર્યાલય, ભાઈંદર-વેસ્ટને ૩૦ દિવસની અંદર કરવાની રહેશે.

ઉપરોક્ત પત્રની સાથોસાથ એ જ તારીખનો (૨૯-૦૫-૨૦૧૮) પત્ર મેસર્સ ગ્રેસ બિલ્ડર્સ ઍન્ડ ડેવલપર્સને મોકલાયો, જેમાં જણાવવામાં આવ્યું કે...

૧. માલમત્તા-ક્રમાંક ઓ ૦૨૦૦ ૧૫૮૦ ૫૦૩માં મેસર્સ બિલ્ડર્સના નામની નોંધણી થઈ એ પહેલાં રાજેશ કે. મહાજનના નામની નોંધ છે.

૨. નામ-બદલીની કાર્યવાહીના બે માલિક થવાને કારણે આપને આ પત્ર મળ્યાના ૪૮ કલાકમાં આપના માલિકી હક્કનાં કાગળ-પત્રો-દસ્તાવેજો રજૂ કરવાં અન્યથા આપને કાંઈ કહેવું નથી એમ ગૃહીત ધરીને આગળની ઉચિત કાર્યવાહી કરવામાં આવશે.

૨૦૧૮ની ૧૧ જૂનના પત્ર દ્વારા મીરા-ભાઈંદર મહાનગરપાલિકા વૉર્ડ-ઑફિસરે મેસર્સ ગ્રેસ બિલ્ડર્સ ઍન્ડ ડેવલપર્સને જણાવ્યું કે...

૧. માલમત્તા-ક્રમાંક ઓ ૦૨૦૦ ૧૫૮૦૫૦૩૦માં આપના નામની નોંધણી પહેલાં રાજેશ કે. મહાજનના નામની નોંધણી થઈ છે.

૨. રાજેશ કે. મહાજને નામ બદલીનો અને બીજા નામની નોંધણીનો વિરોધ કર્યો છે.

૩. અત: એક જ મિલકતના બે માલિક થવાથી માલિકી હક્કનો વિવાદ નિર્માણ થયો છે.

૪. ઉપરોક્ત તકરારના નિવારણ માટે તા. ૧૫-૦૬-૨૦૧૮ના રોજ સવારે ૧૧ વાગ્યે મારી ચેમ્બરમાં સુનાવણી માટે ઉપસ્થિત રહેવું.

૫. સુનાવણી માટે માલિકી હક્કનાં કાગળ-પત્રો-દસ્તાવેજની બે પ્રતો લઈ આવવી.

૬. સુનાવણીમાં હાજર ન રહેતાં, આપને કાંઈ કહેવું નથી એમ ધારીને એકતરફી નિર્ણય લેવામાં આવશે એ આપને બંધનકર્તા રહેશે.

RTI કાયદા હેઠળની પ્રથમ અરજીમાં માગેલી માહિતી તા. ૨૧-૦૫-૨૦૧૮ સુધી ન મળતાં રાજેશભાઈએ સેવા કેન્દ્રમાં ફોન કરી અપૉઇન્ટમેન્ટ મેળવી એ જ દિવસે પ્રફુલભાઈને મળતાં તેમણે RTI કાયદા હેઠળની પ્રથમ અપીલ FAA (ર્ફ્સ્ટ અપેલેટ ઑથોરિટી)ના નામે બનાવી આપી જેના પ્રત્યુત્તરમાં ૨૦૧૮ની ૩૧ મેના પત્ર દ્વારા FAAએ સુનાવણી માટે ૨૦૧૮ની ૮ જૂને બપોરે ૧૨ વાગ્યે તેમના કાર્યાલયમાં હાજર રહેવાની સૂચના આપી.

સુનાવણીમાં કઈ-કઈ રજૂઆતો કેવી રીતે કરવી એની પૂર્ણ સમજ અને માર્ગદર્શન રાજેશભાઈને પ્રફુલભાઈએ આપી તથા પુરાવાના બધા મૂળ દસ્તાવેજો તથા મિલકતવેરો  ભર્યાની રિસીટ્સ લઈને સમયસર હાજર રહેવાની સૂચના આપી.

રાજેશભાઈએ મળેલા માર્ગદર્શન મુજબ FAA સમક્ષ રજૂઆતો કરી. પ્રતિપક્ષ/પ્રતિવાદી તરફથી બિલ્ડરનો કર્મચારી હાજર રહ્યો. FAAએ માલિકી હક્કના પુરાવા રજૂ કરવા જણાવતાં પ્રતિવાદીની ટાંય-ટાંય ફીશ થઈ ગઈ. પ્રતિવાદી પાસે કોઈ જ દસ્તાવેજી પુરાવા ન હોવાથી  FAA ફ્લૅટ પરનો માલિકી હક્ક રાજેશભાઈનો હોવાનો ચુકાદો આપ્યો તથા કર નિર્ધારક તથા સંકલકને માલમતા કરનાં બિલ રાજેશ કે. મહાજનના નામે તરત બદલી કરી આપવાનું જણાવ્યું.

આ આદેશ સાથે રાજેશભાઈની ૧૫ મહિનાની યાતના તથા દોડધામનો પ્રફુલભાઈ શાહ તથા સાથીઓની કર્તવ્યનિષ્ઠાથી સુખદ અંત આવ્યો અને ફાઇટ ફૉર યૉર રાઇટની જુસ્સેદાર  વિભાવનાનાનો વિજય અને જયજયકાર થયો.

સેવાકેન્દ્રની હેલ્પલાઇન

• કેન્દ્રનું સરનામું : તરુણ મિત્ર મંડળ C/0 શ્રી મલાડ કચ્છી જૈન યુવક સમાજ, મામલતદાર વાડી, રોડ નંબર-૩, કડિયાવાડીની સામે, મલાડ (વેસ્ટ), મુંબઈ-૪૦૦ ૦૬૪

• સેવાભાવીઓના સંપર્ક-નંબર, જેનો ઉપયોગ માત્ર અપૉઇન્ટમેન્ટ મેળવવા જ કરવો.

• કેન્દ્ર નિયામક : અમિત શાહ/ગડા - ૯૮૬૯૪ ૧૪૮૩૬

આજના કથાનાયક : પ્રફુલ શાહ/માલદે - ૯૩૨૧૦ ૧૪૪૮૮: 

ભારતી દેઢિયા - ૯૯૬૯૨ ૫૪૫૬૩:  હેમલ પારીખ - ૯૮૨૦૧ ૬૮૬૩૪ :  ઉમેશ બારોટ - ૯૮૯૨૧ ૭૧૨૫૪

• કેન્દ્ર પ્રત્યેક શનિવારે સાંજે ૭.૩૦થી રાતે ૯.૩૦ વાગ્યા દરમ્યાન કાર્યરત હોય છે.

: મુખવાસ :

‘ઇતિહાસ યાદ રખેગા ઇસ દિન કો,

જબ પૂરા સંસાર ડગમગા રહા થા તબ હિન્દુસ્તાન ઝગમગા રહા થા....’

21 November, 2020 07:14 PM IST | Mumbai | Dhiraj Rambhiya

અન્ય લેખો

ઓહ, સૉરી... બસ, એમ કહી અમિતાભ બહાર નીકળી જાય

ઓહ, સૉરી... બસ, એમ કહી અમિતાભ બહાર નીકળી જાય

15 March, 2021 01:24 IST | Mumbai | Sanjay Goradia

જોગાનુજોગ

જોગાનુજોગ

15 March, 2021 01:06 IST | Mumbai | Samit purvesh Shroff

બે સેક્સ-સાઇકલ વચ્ચે કેટલું અંતર હોવું જોઈએ?

બે સેક્સ-સાઇકલ વચ્ચે કેટલું અંતર હોવું જોઈએ?

15 March, 2021 01:04 IST | Mumbai | Dr. Mukul Choksi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK