Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > કમાન્ડર નાણાવટીનો ખટલો બૉમ્બે હાઈ કોર્ટથી પહોંચ્યો સુપ્રીમ કોર્ટમાં

કમાન્ડર નાણાવટીનો ખટલો બૉમ્બે હાઈ કોર્ટથી પહોંચ્યો સુપ્રીમ કોર્ટમાં

Published : 20 September, 2025 11:25 AM | IST | Mumbai
Deepak Mehta | deepakbmehta@gmail.com

લાલ પોશાકવાળો ચોપદાર જમણા હાથમાં સોનેરી મૂઠવાળો ન્યાયદંડ લઈને દાખલ થાય છે અને એ સાથે જ કોર્ટ રૂમમાં હાજર રહેલા સૌકોઈ ઊભા થાય છે. એ વખતનાં છાપાંનો પ્રિય શબ્દ વાપરીને કહીએ તો આજે આ કોર્ટ રૂમ ‘હકડે ઠઠ’ ભરાઈ ગયો છે.

સુપ્રીમ કોર્ટના ઉદ્ઘાટનનો અખબારી અહેવાલ

ચલ મન મુંબઈનગરી

સુપ્રીમ કોર્ટના ઉદ્ઘાટનનો અખબારી અહેવાલ


સ્થળ: બૉમ્બે હાઈ કોર્ટના ચીફ જસ્ટિસનો કોર્ટ રૂમ.
સમય: સવારના અગિયાર.

લાલ પોશાકવાળો ચોપદાર જમણા હાથમાં સોનેરી મૂઠવાળો ન્યાયદંડ લઈને દાખલ થાય છે અને એ સાથે જ કોર્ટ રૂમમાં હાજર રહેલા સૌકોઈ ઊભા થાય છે. એ વખતનાં છાપાંનો પ્રિય શબ્દ વાપરીને કહીએ તો આજે આ કોર્ટ રૂમ ‘હકડે ઠઠ’ ભરાઈ ગયો છે. બૉમ્બે હાઈ કોર્ટની ફુલ બેન્ચના નામદાર ન્યાયાધીશો છેલ્લા કેટલાક દિવસથી જુદા-જુદા પક્ષોની રજૂઆત સાંભળી રહ્યા હતા. સુનાવણી પૂરી થઈ ગઈ હતી અને આજે બૉમ્બે હાઈ કોર્ટની ફુલ બેન્ચનો ચુકાદો જાહેર થવાનો હતો. કોર્ટ રૂમમાં એક પછી એક દાખલ થયા મિસ્ટર જસ્ટિસ જે. આર. મુધોલકર, મિસ્ટર જસ્ટિસ એસ. ટી. દેસાઈ, મિસ્ટર જસ્ટિસ કે. ટી. દેસાઈ અને મિસ્ટર જસ્ટિસ બી. એન. ગોખલે. સૌથી છેલ્લે દાખલ થયા બૉમ્બે હાઈ કોર્ટના ઑનરેબલ ચીફ જસ્ટિસ એચ. કે. ચૈનાની. 
૧૯૫૮માં નીમાનાર ઑનરેબલ મિસ્ટર હશમતરાય ખૂબચંદ ચૈનાની બૉમ્બે હાઈ કોર્ટના ૧૪મા ચીફ જસ્ટિસ હતા. તેઓ ઑનરેબલ ચીફ જસ્ટિસ એમ. સી. ચાગલાના અનુગામી હતા. આઇ.સી.એસ. કેડરની વ્યક્તિની નિમણૂક બૉમ્બે હાઈ કોર્ટના ચીફ જસ્ટિસ તરીકે થઈ હોય એવો આ પહેલો જ દાખલો હતો. જન્મ ૧૯૦૪ના ફેબ્રુઆરીની ૨૯ તારીખે. ૧૯૨૫માં ગ્રેટ બ્રિટનથી બી.એ. ૧૯૨૬માં આઇ.સી.એસ.ની પરીક્ષામાં સફળતા. ૧૯૨૭માં સ્વદેશ પાછા ફર્યા પછી સોલાપુર, નાશિક, ખાનદેશ, પુણેના અસિસ્ટન્ટ કલેક્ટર. પછી ૧૯૩૩માં તેમની બદલી જુડિશ્યલ ડિપાર્ટમેન્ટમાં થઈ અને પુણેના અસિસ્ટન્ટ જજ નિમાયા. વચમાં બીજા કેટલાક સરકારી હોદ્દા પર કામ કર્યા પછી ૧૯૪૮ના ઑગસ્ટની ૨૮મી તારીખે તેમની નિમણૂક બૉમ્બે હાઈ કોર્ટના એક જજ તરીકે થઈ. ૧૯૫૮માં તેઓ બૉમ્બે હાઈ કોર્ટના ચીફ જસ્ટિસ બન્યા. ૧૯૬૫ના નવેમ્બરની ૨૮મી તારીખે તેમનું અવસાન થયું. 



મુંબઈની એલ્ફિન્સ્ટન સ્કૂલ અને એલ્ફિન્સ્ટન કૉલેજના વિદ્યાર્થી જનાર્દન રઘુનાથ મુધોલકર આગળ જતાં બાર-ઍટ-લૉ થયા હતા. ૧૯૫૬થી ૧૯૬૦ સુધી તેઓ બૉમ્બે હાઈ કોર્ટના જજ હતા. ૧૯૬૦ના ઑક્ટોબરની ત્રીજીથી ૧૯૬૪ના ડિસેમ્બરની ૧૪મી સુધી તેઓ સુપ્રીમ કોર્ટ ઑફ ઇન્ડિયાના જજ બન્યા હતા. ૧૯૮૩ના જુલાઈની ૨૭મી તારીખે તેમનું અવસાન થયું. તેમના પિતા રાવ બહાદુર રઘુનાથ નરસિંહ મુધોલકર ઇન્ડિયન નૅશનલ કૉન્ગ્રેસના ૧૯૧૨માં બાંકીપુર ખાતે ભરાયેલા અધિવેશનના પ્રમુખપદે બિરાજ્યા હતા. 


સુંદરલાલ ત્રિકમલાલ દેસાઈ ૧૯૫૨થી ૧૯૬૦ના એપ્રિલની ૩૦મી સુધી બૉમ્બે હાઈ કોર્ટના જજ હતા. મહારાષ્ટ્ર અને ગુજરાતનાં અલગ રાજ્યોની સ્થાપના થતાં ૧૯૬૦ના મેની પહેલી તારીખથી તેમની નિમણૂક નવી સ્થપાયેલી ગુજરાત હાઈ કોર્ટના ચીફ જસ્ટિસ તરીકે થઈ હતી. ૧૯૬૧ના જાન્યુઆરીની ૨૫મી સુધી તેઓ આ પદે રહ્યા. ૧૯૯૨ના એપ્રિલની ૧૨મી તારીખે તેમનું અવસાન થયું. જસ્ટિસ બી. એન. ગોખલે ૧૯૫૫થી ૧૯૬૧ સુધી બૉમ્બે હાઈ કોર્ટના જજ હતા.   

ચીફ જસ્ટિસ ચૈનાની બોલવાનું શરૂ કરે એ પહેલાં કોર્ટ રૂમમાં હાજર રહેલા લોકોમાં ધક્કામુક્કી અને બોલચાલ થઈ હતી. પરિસ્થિતિને થાળે પાડતાં પાંચેક મિનિટ લાગી. કોર્ટના માર્શલ્સને બોલાવીને કોર્ટ રૂમની બહારની લૉબીમાં તૈયાર રાખવામાં આવ્યા હતા. સલામતીની મુશ્કેલી ધ્યાનમાં રાખીને કમાન્ડરને કોર્ટમાં હાજર રાખવામાં આવ્યા નહોતા. કોર્ટ રૂમમાં શાંતિ સ્થપાયા પછી ચીફ જસ્ટિસ ચૈનાનીએ બૉમ્બે હાઈ કોર્ટની ફુલ બેન્ચનો ચુકાદો આપવાનું શરૂ કર્યું. તેમણે સૌથી પહેલાં કહ્યું કે આ કેસના ચુકાદાની બાબતમાં ફુલ બેન્ચના પાંચે જજ વચ્ચે સહમતી સાધી શકાઈ નથી. મારા વિદ્વાન સાથીઓ મિસ્ટર જસ્ટિસ મુધોલકર, મિસ્ટર જસ્ટિસ એસ. ટી. દેસાઈ, અને મિસ્ટર જસ્ટિસ બી.એન. ગોખલે એવા નિર્ણય પર આવ્યા છે કે કમાન્ડર નાણાવટીને આર્થર રોડ જેલને બદલે નેવલ કસ્ટડીમાં રાખવાનો આદેશ આપતો ગવર્નરનો વટ હુકમ ગેરકાયદે કે અવૈધ છે એમ કહી શકાય તેમ નથી. જ્યારે હું (એટલે કે ચીફ જસ્ટિસ ચૈનાની) અને જસ્ટિસ એસ. ટી. દેસાઈ એવા નિર્ણય પર આવ્યા છીએ કે ગવર્નરના વટહુકમમાં જે શરત મૂકવામાં આવી છે એ તથા ખુદ વટહુકમ પોતે પણ કાયદા દ્વારા ગવર્નરને અપાયેલી સત્તાની ઉપરવટ જાય છે અને તેથી એ બન્ને અવૈધ ઠરે છે અને તેથી રદબાતલ થવા લાયક છે. 


આટલું સાંભળતાં જ કોર્ટ રૂમમાં હાજર રહેલા કેટલાક લોકો અકળાઈને ઘોંઘાટ કરવા લાગ્યા. 

બહાર ઊભેલા માર્શલે કોર્ટ રૂમમાં દાખલ થઈને હાજર રહેલા લોકોને મૂંગા રહેવાની ફરજ પાડી. ચીફ જસ્ટિસે પોતાનું વક્તવ્ય આગળ ચલાવ્યું. મારા સાથી મિસ્ટર જસ્ટિસ એસ. ટી. દેસાઈને અને મને પોતાને અમારા ત્રણે સાથી જજની કાયદાની જાણકારી અને તટસ્થ તથા નિષ્પક્ષપાત નિર્ણયશક્તિ માટે પૂરેપૂરું માન છે. વળી એવો સ્થાપિત નિયમ છે કે જ્યારે બે મત જુદા પડતા હોય ત્યારે સંબંધિત વ્યક્તિની તરફેણમાં હોય એ મત સ્વીકારવો જોઈએ. એટલે મારા સાથી જસ્ટિસ એસ. ટી. દેસાઈએ અને મેં પોતે નક્કી કર્યું છે કે આ કોર્ટના બહુમતી જજના ચુકાદાથી અમે બન્ને જુદા પડીને અમારો અલગ ચુકાદો નહીં આપીએ. એટલે બૉમ્બે હાઈ કોર્ટની આ ફુલ બેન્ચ એવા નિર્ણય પર આવી છે કે મુંબઈના ગવર્નરનો વટહુકમ કે એમાંની શરતો ગેરકાનૂની કે અવૈધ હોવાનું પુરવાર થતું નથી. અમારા પાંચ જજની બનેલી ફુલ બેન્ચનો આ સર્વાનુમતિ ચુકાદો છે. જોકે અમે સાથોસાથ એ પણ જણાવવા માગીએ છીએ કે બંધારણની કલમ ૧૬૧ દ્વારા રાજ્યના ગવર્નરને અપાયેલી સત્તા કે વિશેષાધિકાર કેવળ અસાધારણ સંજોગોમાં અને પૂરેપૂરી તટસ્થ અને ન્યાયબુદ્ધિ પૂર્વક જ વાપરવા જોઈએ. આ વિશેષાધિકાર આપવા પાછળનો હેતુ ન્યાયની પ્રક્રિયાને વધુ સુદૃઢ બનાવવાનો છે અને એનો ઉપયોગ ન્યાય અને અદાલતોની ઉપરવટ જઈને કરવો ન જોઈએ. અમે એમ પણ માનીએ છીએ કે કમાન્ડર નાણાવટીને રાહત આપવા માટે વટહુકમ ઉપરાંત બીજા માર્ગો પણ હતા અને એનો લાભ લેવાનું પણ વિચારી શકાયું હોત. અમે એમ પણ માનીએ છીએ કે આ કિસ્સામાં નામદાર ગવર્નરે જે રીતે તેમને બંધારણની કલમ ૧૬૧ નીચે મળેલી સત્તાનો ઉપયોગ કર્યો એ રીત અસાધારણ છે અને એનો આ રીતે ઉપયોગ અગાઉ ક્યારેય થયો હોવાનું જાણમાં નથી. છતાં અમે એવા નિર્ણય પર આવ્યા છીએ કે ગવર્નરનો વટહુકમ ગેરબંધારણીય કે દેશના કાયદાથી વિરુદ્ધનો હતો એવું સિદ્ધ થતું નથી. અને એટલે અમે એમાં કોઈ રીતે દખલ કરવાનું જરૂરી કે યોગ્ય માનતા નથી.

lll

પણ હવે થોડી વાર માટે જઈએ મુંબઈથી દિલ્હી.

બોમ્બે હાઈ કોર્ટની સરખામણીમાં સુપ્રીમ કોર્ટ ઑફ ઇન્ડિયા ઉંમરમાં તો ઘણી નાની. પણ આખા દેશની એ સર્વોચ્ચ અદાલત. સુપ્રીમ કોર્ટની સ્થાપના થઈ આપણા દેશના બંધારણની ૧૨૪મી કલમ દ્વારા. અને એ બંધારણ અમલમાં આવ્યું ૨૬ જાન્યુઆરી, ૧૯૫૦ના દિવસે. એટલે પ્રજાસત્તાક ભારતનો જન્મદિવસ એ જ સુપ્રીમ કોર્ટ ઑફ ઇન્ડિયાનો પણ જન્મદિવસ. જન્મ ૧૯૫૦માં થયો, પણ છેક ૧૯૫૮ સુધી સુપ્રીમ કોર્ટને પોતાનું મકાન નહોતું. એટલે એ એ વખતના પાર્લમેન્ટ હાઉસના મકાનમાં બેસતી. સુપ્રીમ કોર્ટની વિધિવત્ શરૂઆત ૧૯૫૦ના જાન્યુઆરીની ૨૮મી તારીખે સવારે પોણાદસ વાગ્યે થઈ હતી. એ વખતે દેશના પહેલવહેલા ચીફ જસ્ટિસ હતા હરિલાલ જે. કણિયા. શરૂઆતનાં વરસોમાં સુપ્રીમ કોર્ટને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો. બંધારણમાં માત્ર આઠ જજની નિમણૂકની જ જોગવાઈ હતી. આ આઠ જજ પણ કેસની સુનાવણી માટે વર્ષમાં માત્ર ૨૮ દિવસ જ બેસતા અને એ પણ દિવસના ફક્ત ચાર કલાક! આજે સુપ્રીમ કોર્ટમાં ૩૪ જજ છે અને તેઓ વર્ષના ૧૯૦ દિવસ કામ કરે છે. અને છતાં ચુકાદાની રાહ જોતાં સેંકડો કેસ વર્ષો સુધી પડ્યા રહે છે.  

ગવર્નરના વટહુકમને પ્રતાપે કમાન્ડર નાણાવટી જેલમાં જવામાંથી તો બચ્યા પણ હજી બૉમ્બે હાઈ કોર્ટે કરેલી આજીવન કેદની સજાને કારણે આર્થર રોડ જેલ તો ગુનેગાર કેદીની રાહ જોતી જ હતી. એટલે કમાન્ડર નાણાવટીએ ધા નાખી સુપ્રીમ કોર્ટ ઑફ ઇન્ડિયામાં. કાયદાની બારીકીઓ, આંટીઘૂંટી, નીચલી અદાલતોએ જે કર્યું કે ન કર્યું એની કાનૂની યોગ્યાયોગ્યતા, વગેરે વિશે ત્યાં લાંબી ચર્ચાઓ ચાલી. ૧૯૫૯ના કેસ-નંબર ૧૫૯ની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં શરૂ થઈ ત્યારે બન્ને પક્ષે અત્યંત નામાંકિત વકીલોની ફોજ ખડી થઈ ગઈ હતી. કમાન્ડર નાણાવટી તરફથી: જી. એસ. પાઠક, એસ. જી. પટવર્ધન, બૅરિસ્ટર રજની પટેલ, પોરસ એ. મહેતા, જે. બી. દાદાચાનજી, રવીન્દ્ર નારાયણ અને ઓ. સી. માથુર.

તો સામે પક્ષે ઊભા હતા: ઍટર્ની જનરલ ઑફ ઇન્ડિયા એમ. સી. સેતલવડ, સી. એમ. ત્રિવેદી, વી. એચ. ગુમાસ્તે, બી.આર.જી.કે. આચર અને આર. એચ. ઢેબર.

અને સુપ્રીમ કોર્ટના ન્યાયાસને બિરાજ્યા હતા ઑનરેબલ જસ્ટિસ કોકા સુબ્બા રાવ, ઑનરેબલ જસ્ટિસ એસ. કે. દાસ, અને ઑનરેબલ જસ્ટિસ રઘુવર દયાળ.  

જસ્ટિસ કોકા સુબ્બા રાવ (૧૯૦૨-૧૯૭૬) અગાઉ આંધ્ર પ્રદેશ હાઈ કોર્ટના ચીફ જસ્ટિસ હતા. સસરા પી. વેંકટ રમણ રાવની ઑફિસથી તેમની કારકિર્દી શરૂ થઈ. આંધ્ર પ્રદેશનું અલગ રાજ્ય સ્થપાયું ત્યારે એની હાઈ કોર્ટના પહેલા ચીફ જસ્ટિસ બન્યા સુબ્બા રાવ. ૧૯૫૮માં તેઓ સુપ્રીમ કોર્ટના જજ બન્યા. ૩૦ જૂન ૧૯૬૬ના દિવસે તેઓ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ બન્યા. પણ ૧૯૬૭ના એપ્રિલની ૧૧મી તારીખે એ પદેથી રાજીનામું આપી ભારતના રાષ્ટ્રપતિ માટેની ચૂંટણીમાં વિરોધ પક્ષોના ઉમેદવાર તરીકે ઝંપલાવ્યું. પણ ડૉ. ઝાકિર હુસેન સામે તેઓ હારી ગયા. નાણાવટી કેસ ઉપરાંત તેમણે આપેલા મહત્ત્વના ચુકાદાઓમાં ગોલકનાથ કેસનો સમાવેશ થાય છે. 

પટના હાઈ કોર્ટના ચીફ જસ્ટિસ સુધાંશુ કુમાર દાસ (૧૮૯૮)ની નિમણૂક સુપ્રીમ કોર્ટના જજ તરીકે ૩૦ એપ્રિલ, ૧૯૫૬ના દિવસે થઈ. ૧૯૬૩ના ઑગસ્ટથી તેમણે સુપ્રીમ કોર્ટના ઍક્ટિંગ ચીફ જસ્ટિસ તરીકે કામ કર્યું. રઘુવર દયાળ ૧૯૬૦થી ૧૯૬૬ સુધી સુપ્રીમ કોર્ટના જજ હતા. 

બે ન્યાયાધીશોની બનેલી બૉમ્બે હાઈ કોર્ટની બેન્ચે પ્રેમ આહુજાના ખૂન માટે કમાન્ડર નાણાવટીને આજીવન કેદની સજા કરેલી. ગવર્નરના વટહુકમને કારણે નાણાવટીને કામચલાઉ  રાહત મળેલી. પણ હાઈ કોર્ટની ડિવિઝન બેન્ચે કરેલી સજાની તલવાર તો માથે લટકતી જ હતી. એટલે બૉમ્બે હાઈ કોર્ટના ચુકાદા સામે નાણાવટીએ સુપ્રીમ કોર્ટને કરેલી આ અપીલની સુનાવણીમાં ફરી ઘણાબધા કાનૂની મુદ્દા વિશે ચર્ચા થઈ અને એ ચર્ચાને અંતે સુપ્રીમ કોર્ટના માનનીય ન્યાયાધીશોએ પોતાનો ચુકાદો જાહેર કર્યો.
એ ચુકાદાની વાત હવે પછી.

Whatsapp-channel Whatsapp-channel

20 September, 2025 11:25 AM IST | Mumbai | Deepak Mehta

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK