Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > નૂપુર શર્માનું સસ્પેન્શન વહેતા જખમ પર બૅન્ડેડ સમાન છે

નૂપુર શર્માનું સસ્પેન્શન વહેતા જખમ પર બૅન્ડેડ સમાન છે

12 June, 2022 02:45 PM IST | Mumbai
Raj Goswami

વારાફરતી કુલ ૧૬ દેશો અને ૫૭ દેશોના ઑર્ગેનાઇઝેશન ઑફ ઇસ્લામિક કો-ઑપરેશને ભારતની નિંદા કરી અને નૂપુર તેમ જ જિંદલ સામે કડક પગલાં ભરવાની માગણી કરી

નૂપુર શર્માનાં બહિષ્કારની માગણી

નૂપુર શર્માનાં બહિષ્કારની માગણી


ભારતને એ ખબર ન પડી કે મધ્યપૂર્વ અને વેસ્ટ એશિયાનાં વિવિધ ઇસ્લામિક રાષ્ટ્રોમાં પયગંબરને લઈને થયેલી અભદ્ર ટિપ્પણીને કારણે જબરદસ્ત ગુસ્સો ભરાઈ રહ્યો હતો. અમુક રાષ્ટ્રોમાં તો ભારતીય સામાનનો બહિષ્કાર પણ શરૂ થયો હતો. વારાફરતી કુલ ૧૬ દેશો અને ૫૭ દેશોના ઑર્ગેનાઇઝેશન ઑફ ઇસ્લામિક કો-ઑપરેશને ભારતની નિંદા કરી અને નૂપુર તેમ જ જિંદલ સામે કડક પગલાં ભરવાની માગણી કરી. અધૂરામાં પૂરું, આતંકના વૈશ્વિક સંગઠન અલ-કાયદાએ ગુજરાત, મુંબઈ અને ઉત્તર પ્રદેશમાં આત્મઘાતી હુમલાની ધમકી જારી કરી

કોઈ પણ દેશના રાજદૂતોને સાગમટે કામ કરવાનું ત્યારે જ આવે જ્યારે તેમનો દેશ બીજા કોઈ દેશ સાથે યુદ્ધમાં સામેલ થયો હોય. જેમ કે રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું ત્યારે એ બંને દેશોની દુનિયાભરની રાજધાનીઓમાં પથરાયેલી એલચી કચેરીઓમાં કામ વધી ગયું હતું. એકસાથે તમામ રાજદૂતોઓએ યુદ્ધમાં તેમના યજમાન દેશોનું સમર્થન મેળવવા માટે અધરાતે-મધરાતે દીવા બાળવા પડ્યા હતા.



કંઈક એવી જ હાલત ખાડી દેશોમાં ભારતની એલચી કચેરીઓની પાંચમી અને છઠ્ઠી જૂને થઈ હતી. એ કોઈ યુદ્ધનો માહોલ તો નહોતો; પરંતુ કતાર, ઓમાન, કુવૈત, જૉર્ડન, સાઉદી અરેબિયા, ઈરાન, યુએઈ, બાહરિન, ઈરાન, લિબિયા, તુર્કી અને આ તરફ અફઘાનિસ્તાન, પાકિસ્તાન, મૉલદીવ્ઝ તેમ જ ઇન્ડોનેશિયાના વિદેશ વિભાગોએ ભારતીય એલચીઓને બોલાવીને કે એમનાં કાર્યાલયોમાં બયાનો જારી કરીને જે રીતે ભારતીય અધિકારીઓને જવાબો કે સ્પષ્ટતાઓ આપવાની ફરજ પાડી એ એક નાનકડી લડાઈથી ઓછું નહોતું.


નજીકના ભવિષ્યમાં આવું પહેલી વાર બન્યું હતું. છેલ્લે કદાચ ૧૯૯૯માં કારગિલ યુદ્ધ વેળા ભારતીય એલચીઓને સાગમટે વિદેશી રાષ્ટ્રો સમક્ષ ભારતનો પક્ષ રજૂ કરવાનું બન્યું હતું. એ પછી આ અઠવાડિયે એકસાથે આટલા બધા ભારતીય એલચીઓએ મુસ્લિમ દેશોમાં લાગેલી ડિપ્લોમૅટિક આગને ઠંડી પાડવાનું ભગીરથ કામ કરવાનું આવ્યું હતું. કેમ?

ભારતમાં સત્તાધારી ભારતીય જનતા પાર્ટીની (હવે ભૂતપૂર્વ) રાષ્ટ્રીય પ્રવક્તા નૂપુર શર્મા અને દિલ્હી બીજેપીના પ્રવક્તા નવીનકુમાર જિન્દલે મોહમ્મદ પયગંબરને લઈને કરેલી એક અભદ્ર ટિપ્પણીના પગલે મુસ્લિમ દેશોમાં ભડકો થયો હતો. નૂપુર શર્માએ ૨૭ મેના રોજ ટાઇમ્સ નાઓ ચૅનલ પર જ્ઞાનવાપી મસ્જિદ વિષય પરની એક ડિબેટ દરમિયાન પયગંબરના અંગત જીવનને લઈને બેજવાબદાર ટિપ્પણી કરી હતી. એ ડિબેટની એક વિડિયો-ક્લિપ સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ હતી.


ફેક ન્યુઝ પર ફૅક્ટ-ચેકિંગ કરતી ‘ઑલ્ટન્યુઝ’ નામની વેબસાઇટના પત્રકાર મોહમ્મદ ઝુબેરે ટ્વિટર પર સૌપહેલાં નૂપુર શર્માની આ ભડકાઉ ટિપ્પણી પર લોકોનું અને ખાસ તો દિલ્હી પોલીસનું ધ્યાન ખેંચ્યું હતું. પાછળથી નવીનકુમાર જિન્દલે પણ પયગંબરનું અપમાન થાય એવી ટ્વીટ કરીને બળતામાં ઘી હોમ્યું હતું. એમાં નૂપુર શર્માએ ‘મને મારી નાખવાની ધમકીઓ મળી રહી છે’ એવું કહીને મોહમ્મદ ઝુબેર સામે પોલીસ કાર્યવાહી કરવાની માગણી કરીને ટ્વીટમાં એવો દાવો કર્યો હતો કે તેના ઇન્ટરવ્યુને એડિટ કરીને મૂકવામાં આવ્યો છે. વધારામાં, નૂપુરે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહપ્રધાન અમિત શાહ અને બીજેપીના અધ્યક્ષ જે. પી. નડ્ડાને પણ ટૅગ કર્યા હતા.

દેખીતી રીતે જ ઝુબેર પરનો એ આરોપ ખોટો હતો, કારણ કે ત્યાં સુધીમાં તો ચૅનલ પરની આખી ડિબેટનો વિડિયો વાઇરલ થઈ ગયો હતો જેમાં સ્પષ્ટ રીતે જ નૂપુર જે બોલી હતી એ જ સંભળાતું હતું. બીજી બાજુ નૂપુર સામે અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં ફરિયાદ દર્જ કરવામાં આવી હતી. ત્રણ દિવસ પછી તેને મદદ કરવા માટે ગોઠવાયેલા એક ઇન્ટરવ્યુમાં નૂપુરે કહ્યું હતું કે વડા પ્રધાનની ઑફિસ, ગૃહપ્રધાનની ઑફિસ અને પાર્ટી અધ્યક્ષની ઑફિસનો તેને ટેકો છે.

મુસીબત શરૂ થઈ ત્રીજી જૂને. એ દિવસે વડા પ્રધાન મોદી, રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ અને મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ ત્રણે કાનપુર ગ્રામ્યમાં રાષ્ટ્રપતિના વતનના એક કાર્યક્રમમાં ઉપસ્થિત હતા. એ જ વખતે શુક્રવારની નમાજ પછી કાનપુર શહેરમાં નૂપુર શર્માની ટિપ્પણીને લઈને તોફાનો ફાટી નીકળ્યાં. ટ્વિટર પર એને લઈને માહોલ ગરમ હતો ત્યારે જ દેશના અને રાજ્યના ત્રણ સર્વોચ્ચ વડાની હાજરીમાં તોફાનો થાય એ હકીકતની ઉપેક્ષા થાય એવું નહોતું.

વિશ્વનું ધ્યાન ખેંચાયું
નૂપુર શર્મા અને બીજેપી આ વિવાદથી પીછો છોડાવવા મથી રહ્યાં હતાં, પણ મેળ ન પડ્યો. જે નુકસાન થવાનું હતું એ થઈ ચૂક્યું હતું. બીજેપી કે સરકારને કંઈ સમજાય એ પહેલાં આંતરરાષ્ટ્રીય સ્તરે તાબડતોબ નૂપુરના બયાનના પડઘા પડ્યા. સૌથી પહેલાં ઓમાન સલ્તનતના વરિષ્ઠ મુફ્તી અહમદ બિન હમાદ અલ ખલીલીએ આકરો પ્રત્યાઘાત આપીને કહ્યું કે બીજેપીની પ્રવક્તાની ટિપ્પણી ‘પ્રત્યેક મુસ્લિમ સામે યુદ્ધ’ છે. એના પગલે ખાડીના દેશો પણ જાગ્યા અને એક પછી એક તેમણે નૂપુરના બયાનને વખોડતાં નિવેદનો બહાર પાડ્યાં અને ભારતના એલચીઓને બોલાવીને ઠપકો આપ્યો. કુવૈતે તો માગણી કરી કે ભારત સરકાર આ ટિપ્પણી બદલ માફી માગે.

ભારતને એ ખબર ન પડી કે મધ્યપૂર્વ અને વેસ્ટ એશિયાનાં વિવિધ ઇસ્લામિક રાષ્ટ્રોમાં પયગંબરને લઈને થયેલી અભદ્ર ટિપ્પણીને કારણે જબરદસ્ત ગુસ્સો ભરાઈ રહ્યો હતો. અમુક રાષ્ટ્રોમાં તો ભારતીય સામાનનો બહિષ્કાર પણ શરૂ થયો હતો. વારાફરતી કુલ ૧૬ દેશો અને ૫૭ દેશોના ઑર્ગેનાઇઝેશન ઑફ ઇસ્લામિક કો-ઑપરેશને ભારતની નિંદા કરી અને નૂપુર તેમ જ જિંદલ સામે કડક પગલાંની માગણી કરી. અધૂરામાં પૂરું, આતંકના વૈશ્વિક સંગઠન અલ-કાયદાએ પયગંબરની માન-મર્યાદાની રક્ષા કરવા માટે ગુજરાત, મુંબઈ અને ઉત્તર પ્રદેશમાં આત્મઘાતી હુમલાની ધમકી જારી કરી.

ભારત માટે એક જબ્બર ડિપ્લોમૅટિક સંકટ સર્જાયું હતું. મોટા ભાગના મુસ્લિમ દેશો સાથે ભારતના અત્યંત મધુર સંબંધો છે. જે કુવૈતે ભારત પાસે માફીની માગણી કરી હતી ત્યાં મહેમાન બનેલા મોદીએ તો એવું કહ્યું હતું કે ‘કુવૈત મારું બીજું ઘર છે.’ ખાડીના દેશોમાં કુલ ૮૯ લાખ ભારતીયો નોકરી-ધંધો કરે છે. આ દેશોના સૌથી મોટા રીટેલ સ્ટોર્સ અને રેસ્ટોરાં ભારતીયોની માલિકીનાં છે. એકલા સંયુક્ત આરબ અમીરાતની કુલ આયાતમાં ભારતનો હિસ્સો ૯૨ ટકા છે. ભારતનું અડધોઅડધ રેમિટન્સ યુએઈ, સાઉદી અરેબિયા, કતાર, કુવૈત અને ઓમાનમાંથી આવે છે. ભારતનું ૬૦ ટકા ક્રૂડ ઑઇલ ખાડી દેશોમાંથી આવે છે.

ભારતમાં છેલ્લા ઘણા વખતથી ટેલિવિઝનની ડિબેટોમાં કે જાહેર રાજકીય-ધાર્મિક કાર્યક્રમોમાં મુસલમાનો વિરુદ્ધ બેરોકટોક ગમેતેમ બોલવામાં આવતું હતું. ખાસ કરીને જ્યારે પણ કોઈ ચૂંટણી હોય ત્યારે ધાર્મિક ઉન્માદ જગાવવામાં આવતો હતો. ત્યાં સુધી કે કોણ વધુ કટ્ટર છે એની જાણે હરીફાઈ થતી હોય એવાં બયાનો કરવામાં આવતાં હતાં. એમાં ન્યુઝચૅનલોને ટીઆરપી દેખાતી હતી એટલે ડિબેટો જ એવી રીતે ગોઠવવામાં આવતી કે અભિવ્યક્તિની આઝાદીના નામે હિન્દુ-મુસ્લિમ ધર્મના કથિત ‘રખેવાળો’ ગમે તે હદ સુધી જતા હતા. નૂપુર શર્મા અને જિંદલે ‘વહાલા’ થવાની હરીફાઈમાં એવું નિવેદન કર્યું હતું જે બદનસીબે ભારતમાં મુસ્લિમો પૂરતું સીમિત રહે એવું નહોતું. શિવલિંગના વિવાદમાં પયગંબરને ઢસડવા જતાં મુસ્લિમ દેશો ઊભા થઈ જશે એવું બંનેએ વિચાર્યું નહીં હોય અને વિચાર્યું હોય તો પણ ‘ઉપરથી ટેકો છે’ એવો આત્મવિશ્વાસ પણ હશે.

સરકાર અને ભારતીય જનતા પાર્ટી માટે આ વણજોઈતી મુસીબત હતી. એક અઠવાડિયા પહેલાં જ બીજેપીની સરકારનાં આઠ વર્ષ થયાં એનો ઉલ્લેખ કરીને વડા પ્રધાન મોદીએ રાજકોટમાં ગૌરવ સાથે કહ્યું હતું કે આઠ વર્ષમાં તેમણે એક પણ કામ એવું નથી કર્યું કે ભારતનું માથું શરમથી ઝૂકી જાય અને અહીં એકસાથે ૧૬ દેશો ભારતની નિંદા કરી રહ્યા હતા અને માફી માગી રહ્યા હતા. સરકાર સ્વીકારે કે ના સ્વીકારે, પણ નૂપુર શર્માના એક બયાને શરમજનક સ્થિતિ ઊભી કરી હતી.

દસ દિવસ સુધી નૂપુર શર્માના નિવેદન સામે આંખ આડા કાન કર્યા પછી મુસ્લિમ દેશોના દબાવમાં આવીને આખરે બીજેપી અને સરકારે નિર્ણાયક કદમ ઉપાડવું પડ્યું. પહેલાં તો પાર્ટીએ બયાન જારી કરીને નૂપુર શર્મા અને નવીનકુમાર જિંદલની ટિપ્પણીથી ખુદને અલગ કરી. એ પછી એક બીજું બયાન જારી કરીને નૂપુર શર્માને છ વર્ષ માટે અને જિંદલને કાયમ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યાં.

પાર્ટીએ કોઈ નામ લીધા વિના કહ્યું કે ‘બીજેપી કોઈ પણ ધર્મના વડાના અપમાનને સખત શબ્દોમાં વખોડે છે. બીજેપી કોઈ પણ ધર્મ કે સમુદાયનું અપમાન કરે એવી વિચારધારાની વિરુદ્ધમાં છે. બીજેપી આવા વિચારો કે વ્યક્તિઓને પ્રોત્સાહન આપતી નથી. અમુક ‘ફ્રિન્જ તત્ત્વો’ની ટિપ્પણીઓ ભારત સરકારનો મત નથી.’ વળતાંમાં, નૂપુર અને નવીનને પણ તેમની બયાનબાજીની ગંભીરતા સમજાતાં માફી માગી અને પાર્ટીના નિર્ણયને માથે ચડાવ્યો.

હવે શું?
રાજકીય વિચારકો માને છે કે ભારત અને મુસ્લિમ દેશોના સંબંધો પરસ્પર સ્વાર્થઆધારિત છે એટલે આ બંને પ્રવક્તાઓ સામે લેવાયેલાં પગલાંથી વિવાદ શાંત થઈ જવો જોઈએ. ભારત માટે ખાડી દેશોમાં મોટી સંખ્યામાં રહેતા ભારતીયોની સલામતી અગત્યની છે. એ દેશોને પણ ભારતીયોની અને ભારતમાંથી ચીજવસ્તુઓની આયાતની જરૂર છે. ખુદ મોદી અનેક દેશોમાં જઈને આ આર્થિક સંબંધો મજબૂત કરી આવ્યા છે. બંને પ્રવક્તાઓ પર તલવાર વીંઝાઈ એનાથી એ દેશોને સંતોષ થશે અને બીજેપીએ પણ સરકારની શાખ બચાવવા માટે બંનેનો ભોગ લેવામાં મોડું ન કર્યું.

સરકારના સ્તરે આ દેશો હવે કોઈ ફરિયાદ નહીં કરે, પરંતુ એક બાબત સ્પષ્ટ છે કે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં ભારત કેટલો વિભાજિત દેશ છે એની ખબર વિશ્વને ખબર પડી ગઈ છે. મોદી જ્યારે પણ વિદેશ જાય છે ત્યારે ગાંધી અને બુદ્ધની, અહિંસા અને સર્વધર્મ સમભાવની, શાંતિ અને સહિષ્ણુતાની વાતો કરતા હોય છે. ભારતમાં હિન્દુ-મુસ્લિમના ધ્રુવીકરણના સમાચારો દેશ-દરાજ જતા તો હતા, પણ એને આંતરિક મામલો ગણીને વિશ્વ ધ્યાન આપતું નહોતું.

જોકે પયગંબરને નિશાન બનાવીને ભારતે તેની જાંઘને ખુલ્લી કરી નાખી છે. મંચ પરથી થતાં ભાષણો અને જમીન પરની હકીકતમાં કેટલો વિરોધાભાસ છે એ વાત હવે દુનિયાની નજર બહાર નહીં જાય. અત્યાર સુધી હેટ સ્પીચ ભારતના શ્રોતાઓના કાન પૂરતી સીમિત હતી. પહેલી વાર એના શબ્દો દુનિયાના શ્રોતાઓના કાને વાગ્યા.

વિડંબના એ છે કે ભારતને આ વખતે અમેરિકા જેવાં પશ્ચિમી રાષ્ટ્રોએ માનવાધિકારનું લેક્ચર આપ્યું નહોતું (હજી આ અઠવાડિયે જ અમેરિકાએ જારી કરેલા આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વાતંત્ર્યના રિપોર્ટમાં ભારતમાં ધાર્મિક સ્થળો અને માણસો પર વધતા જતા હુમલાઓની ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી). આ વખતે ભારતને એની ઉદારતા અને સર્વધર્મ સમભાવની ભવ્ય પરંપરાની યાદ અપાવનારાં એ રાષ્ટ્રો હતાં જે ખુદ અનુદાર અને ધાર્મિક છે.

ભારતના રાજકીય પક્ષો અને પ્રબુદ્ધ નાગરિકો સમય-સમય પર નફરતી ભાષણોથી દેશને અને સરકારને ચેતવતા હતા, પરંતુ તેમને સાંભળવાને બદલે તેમને જ દેશદ્રોહીનાં લેબલ ચીટકાડીને કલંકિત કરવામાં આવ્યા હતા. આજે વિશ્વના દેશોએ એ જ નફરત સામે અવાજ ઉઠાવ્યો તો બીજેપીએ એના અધિકૃત પ્રવક્તાઓ વિરુદ્ધ તાબડતોબ કાર્યવાહી કરી એટલું જ નહીં, એણે તેના પ્રવક્તાઓ અને નેતાઓએ હવે પછી શું બોલવું અને ના બોલવું એની ગાઇડલાઇન્સ જારી કરી છે.

સસ્પેન્શન અને ગાઇડલાઇન્સ બંને આવકારદાયક કદમ છે, પણ એ પૂરતાં છે? દુનિયામાં ભારતની નિંદા થઈ એના બીજા દિવસના સંપાદકીય લેખમાં ‘ધી ઇન્ડિયન એક્સપ્રેસ’ અખબારે સં​િક્ષપ્તમાં પણ માર્મિક રીતે એનો જવાબ આપ્યો હતો. એ લખે છે, ‘દુનિયાને બતાવવા માટે થઈને નફરતી બયાનની ટીકા કરવી એ વહેતા જખમ પર બેન્ડેડ ચોંટાડવા જેવું છે. સરકાર જો એમ માનતી હોય કે (ટીવી પર) બે સાઉન્ડ-બાઇટ્સ એ સમસ્યા છે અને બે સસ્પેન્શન એનું સમાધાન છે તો તે ભૂલે છે. લઘુમતીઓને નિશાન બનાવતા શાસક પક્ષના સભ્યોના મોઢામાંથી આવતાં નફરતી ભાષણો જ અસ્વીકાર્ય છે. એનાથી ખતરનાક વિભાજન ઊભું થાય છે અને એમાં દેશનું અહિત છે. આવો સંદેશો (પાર્ટીમાં) છેક ઉપરથી આવવો જોઈએ. એના માટે ખાડીના કોઈ દેશની જરૂર નથી.’

 

Whatsapp-channel Whatsapp-channel

12 June, 2022 02:45 PM IST | Mumbai | Raj Goswami

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK