અમદાવાદથી મુંબઈ જવા નીકળેલા ભદ્રંભદ્ર અને BBCI રેલવેની અમદાવાદની ટિકિટ બારી પરના પારસી સોરાબજી વચ્ચેના ‘સંવાદ’ના આ શબ્દો લખાયા છે ‘ભદ્રંભદ્ર’ નામની નવલકથાની શરૂઆતમાં. લેખક રમણભાઈ મહીપતરામ નીલકંઠ.
કોલાબા સ્ટેશન ઈ. સ. ૧૯૦૦માં
શ્રી મોહમયીની બે મૂલ્યપત્રિકા આપો.
સું બકેચ? આય તો તીકીટ ઑફિસ છે.
યવન! તેથી હું અજ્ઞ નથી. મારે મોહમયીની બે મૂલ્યપત્રિકાની આવશ્યકતા છે. તેનું વિતરણ કરવું એ તવ કર્તવ્ય છે.
સોરાબજી, એને ગ્રાન્ટ રોડની બે ટિકિટ આપો.
સાલો કંઈ મેદ થયેલોચ. હું તો સમજતો જ નહીં, કે એ સુ બકેચ.
દુષ્ટ યવન! તારી ભ્રષ્ટ વાસનાને લીધે તું અજ્ઞાન રહ્યો છે. મૂર્ખ...
અમદાવાદથી મુંબઈ જવા નીકળેલા ભદ્રંભદ્ર અને BBCI રેલવેની અમદાવાદની ટિકિટ બારી પરના પારસી સોરાબજી વચ્ચેના ‘સંવાદ’ના આ શબ્દો લખાયા છે ‘ભદ્રંભદ્ર’ નામની નવલકથાની શરૂઆતમાં. લેખક રમણભાઈ મહીપતરામ નીલકંઠ. આ શબ્દો પુસ્તકરૂપે છપાયા એને આ વર્ષે સવાસો વર્ષ થયાં છે. રમણભાઈ અને ભદ્રંભદ્ર ભલે અમદાવાદના, પણ આ નવલકથાના કેન્દ્રમાં જે શહેર છે એ તો છે મોહમયી મુંબઈ.
ADVERTISEMENT
ચતુર સુજાણ વાચકોના મનમાં જરૂર સવાલ થયો હશે : અમદાવાદથી મુંબઈ આવતી ટ્રેનમાં ગ્રાન્ટ રોડ સ્ટેશન વળી કઈ રીતે આવે? એ ટ્રેનો તો બૉમ્બે સેન્ટ્રલ પૂરી થઈ જાય. હા જી, આજે એમ જ થાય છે. પણ બૉમ્બે સેન્ટ્રલ સ્ટેશન તો છેક ૧૯૩૦ના ડિસેમ્બરની ૧૮મી તારીખે ખુલ્લું મુકાયું. BBCI (આજની વેસ્ટર્ન) રેલવેની બહારગામની તેમ જ લોકલ ટ્રેનોનું ટર્મિનસ અગાઉ કોલાબા હતું પણ બહારગામની ટ્રેનો સુધ્ધાં ગ્રાન્ટ રોડ અને ચર્ની રોડ સ્ટેશને ઊભી રહેતી. ૧૯૦૭ની શરૂઆતમાં કનૈયાલાલ મુનશી LLBનો અભ્યાસ કરવા ભરૂચથી મુંબઈ આવ્યા ત્યારે ચર્ની રોડ સ્ટેશને ઊતર્યા હતા. પીપલ વાડીમાંની એક ચાલની ડબલ રૂમમાં રહેતા સાવકા મામાઓને ત્યાં જવાના વિક્ટોરિયા (ઘોડાગાડી)ના બાર આના ખરચવાનું પોસાય એમ નહોતું એટલે એક મજૂરને માથે સામાન ઉપડાવીને ચાલતાં તેમના ઘરે ગયા હતા. એ જ રીતે ભદ્રંભદ્ર ગ્રાન્ટ રોડ સ્ટેશને ઊતર્યા હતા.
૧૮૩૫થી ૧૮૩૯ સુધી મુંબઈના ગવર્નર રહેલા સર રોબર્ટ ગ્રાન્ટના નામ પરથી જેનું નામ પડ્યું છે એ આ સ્ટેશન તો બૉમ્બે સેન્ટ્રલ અને કોલાબા કરતાંય વધુ જૂનું. ૧૮૫૯માં એ કામ કરતું થયું પણ ત્યારે એનું નામ હતું ‘બૉમ્બે ટર્મિનસ.’ કોલાબા અને બૉમ્બે સેન્ટ્રલ પહેલાં ગુજરાત આવતી-જતી ટ્રેનોનું ટર્મિનસ હતું આ બૉમ્બે ટર્મિનસ ઉર્ફે ગ્રાન્ટ રોડ. ૧૮૬૪ના નવેમ્બરની ૨૮મી તારીખે મુંબઈ-અમદાવાદ વચ્ચેનો ટ્રેન-વ્યવહાર આ બૉમ્બે ટર્મિનસ ઉર્ફે ગ્રાન્ટ રોડ સ્ટેશનથી જ શરૂ થયેલો. પણ બૉમ્બે સેન્ટ્રલ સ્ટેશન શરૂ થયા પછી ગ્રાન્ટ રોડ ગરીબડું બની ગયું. બહારગામની ટ્રેનો માટે જે જગ્યા હતી ત્યાં બન્યું માલસામાન માટેનું ગુડ્ઝ યાર્ડ.
કોલાબા સ્ટેશન શરૂ થયું હતું ૧૮૭૩માં. ૧૮૯૬માં આ સ્ટેશનનું મકાન નવેસરથી બંધાયું. આ સ્ટેશન બાંધવા માટેની જગ્યા સરકારે BBCI રેલવેને આપી ત્યારે જ શરત મૂકી હતી કે ભવિષ્યમાં સરકારને આ જગ્યાની જરૂર પડે તો રેલવે કંપની તે પાછી આપી દેશે. વખત જતાં મુંબઈનો વિકાસ થતો ગયો. જમીનની ખેંચ વર્તાવા લાગી. એટલે મુંબઈ સરકારે રેલવે કંપની પાસે કોલાબા સ્ટેશનની જમીન પાછી માગી એટલું જ નહીં, ચર્ચગેટ અને કોલાબા વચ્ચેની રેલવે લાઇન બંધ કરીને એના પાટા ઉખેડી નાખવા જણાવ્યું. સરકાર સાથે વાટાઘાટમાં અને નવા સ્ટેશન માટેની જમીન શોધવામાં થોડાં વર્ષ લાગ્યાં. પછી આજના બૉમ્બે સેન્ટ્રલ સ્ટેશનનું બાંધકામ શરૂ થયું. ૧૯૨૮ના માર્ચની ૧૧મી તારીખે BBCI રેલવે કંપનીના જનરલ મૅનેજર સર અર્નેસ્ટ જૅક્સને એનો પાયો નાખ્યો. સ્ટેશનનો પ્લાન બ્રિટિશ સ્થપતિ ક્લોડ બેટ્ટીએ બનાવ્યો હતો અને એ પ્રમાણેનું બાંધકામ માત્ર ૨૧ મહિનામાં પૂરું કર્યું હતું શાપુરજી પાલનજીની કંપનીએ. ૧૯૩૦ના ડિસેમ્બરની ૧૮મી તારીખે આ નવા સ્ટેશનનું ઉદ્ઘાટન થયું.
આ સ્ટેશન બંધાતું હતું ત્યારે મરાઠીભાષીઓ કહે તેમ ‘એક ગમ્મત ઝાલી.’ મુંબઈનાં ઘણાં રેલવે-સ્ટેશનનાં નામ આસપાસના કોઈ વિસ્તાર પરથી પાડવામાં આવ્યાં છે. એટલે ટાઇમ્સ ઑફ ઇન્ડિયાએ જાહેરમાં સૂચન કર્યું કે આ નવા સ્ટેશનનું નામ ‘ફોરાસ રોડ સ્ટેશન’ પાડવું જોઈએ અને તરત જ એ સૂચનનો ઉગ્ર વિરોધ થયો. કેમ? કારણ એ વખતે પણ ફોરાસ રોડ રેડ લાઇટ એરિયા તરીકે કુખ્યાત હતો. ટાઇમ્સને પત્રો લખીને લોકોએ પૂછ્યું: ‘કોઈ અમને પૂછે કે ક્યાં જાઓ છો તો અમારે શું કહેવું? ફોરાસ રોડ જઈએ છીએ એમ કહેવું? અને આવા સવાલનો જવાબ સારા ઘરનાં બૈરાં (એ વખતે સ્ત્રીઓ માટે વપરાતો શબ્દ) તો આપી જ કઈ રીતે શકે?’ એટલે પછી એ નામ પડતું મુકાયું અને નામ પડ્યું ‘બૉમ્બે સેન્ટ્રલ.’
આજે પણ હકીકતમાં બે બૉમ્બે સેન્ટ્રલ સ્ટેશન છે. એક બહારગામની ટ્રેનો માટેનું અને બીજું ‘બૉમ્બે સેન્ટ્રલ, લોકલ.’ આ લોકલ માટેનું સ્ટેશન ઘણું વધારે જૂનું પણ પહેલાં એનું નામ હતું બેલાસિસ રોડ સ્ટેશન. પરેલ રોડથી બેલાસિસ બ્રિજ સુધીના રસ્તાનું નામ હતું બેલાસિસ રોડ. ગયા વર્ષે તોડી પાડવામાં આવેલા બેલાસિસ બ્રિજનું નવું નામ હજી જાહેર થયું નથી. બેલાસિસ બ્રિજના એક છેડે લગાવેલી તકતીમાં જણાવ્યા પ્રમાણે આ બેલાસિસ રોડ ઈ. સ. ૧૭૯૩માં (હા, જી. આ છાપભૂલ નથી) બંધાયો હતો. એ અરસામાં આજના દક્ષિણ ગુજરાતમાં જબરો દુકાળ પડ્યો હતો. એટલે સુરતના ઘણા ગરીબ લોકો મજૂરીની શોધમાં મુંબઈ આવ્યા હતા. તેમને રોજગાર મળી રહે એવા ઉદ્દેશથી આ બેલાસિસ રોડ બંધાયો હતો. પણ આ રસ્તો બાંધવાના ખર્ચના પૈસા સરકારે નહોતા આપ્યા પણ લોકોએ જાહેર ભરણું કરીને જરૂરી રકમ ભેગી કરી હતી. આ જૉન બેલાસિસ હતા મુંબઈમાંના કંપની સરકારના લશ્કરના કમાન્ડિંગ ઑફિસર. તેમનો જન્મ ૧૭૪૩ના જુલાઈની ૧૬મી તારીખે. ૧૭૬૩માં હિન્દુસ્તાન આવ્યા. ૧૭૬૯માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીના લશ્કરમાં જોડાયા. અવસાન થયું મુંબઈમાં ૧૮૦૮ના ફેબ્રુઆરીની ૧૧મી તારીખે.
અઢારમી સદીની શરૂઆતમાં આપણે ત્યાં છાપકામ આવ્યું સાથે પુસ્તકો, અખબારો, સામયિકો લાવ્યું. અંગ્રેજી પદ્ધતિનું શિક્ષણ આપતી સ્કૂલ અને પછી કૉલેજ મુંબઈમાં ખૂલી. અને પછી એ પ્રકારનું શિક્ષણ આપતી સ્કૂલ-કૉલેજ આજના મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ફેલાઈ. આ નવા યુગનાં કિરણો જોઈને કવિ નર્મદે ગાયું : ‘દીપે અરુણું પરભાત.’ આ ‘પરભાત’ હકીકતમાં હતું નવી જાગૃતિનું, નવા જીવનનું, નવાં સપનાંઓનું. પણ આપણે ત્યાં એ જમાનાને ‘સુધારક યુગ’ તરીકે ઓળખાવવાનો ચાલ પડી ગયો છે. સમાજ સુધારો એ આ નવા યુગનું મુખ્ય પરિબળ ખરું, પણ એ એકમાત્ર પરિબળ નહીં. આંખો સામે પહેલી વાર ઊઘડતા નવા જગત માટે નવો માનવ સર્જવાનું ધ્યેય હતું આ જમાના પાસે. ફરી કવિ નર્મદ યાદ આવે. તેણે કહેલું : ‘ઝટ્ટ ડોળી નાખો રે, મન-જળ થંભ થયેલું.’ હકીકતમાં ‘સુધારો’ એ થંભી ગયેલાં અને તેથી વાસી બની ગયેલાં મન-જળને ડહોળી નાખવા માટેનું એક સાધન હતો.
તો આ મન-જળ ડહોળી નાખવા સામેના પ્રત્યાઘાતરૂપે વિપક્ષી જૂથ ઊભું થયું, જેનો મંત્ર હતો: ‘પ્રભુ! જેવું હતું એવું ફરી ભારત બનાવી દો!’ એ જૂથના લોકો થંભ થયેલાં મન-જળને યથાતથ રાખવા માગતા હતા. કોઈ એને ડહોળી નાખે એ માટે તૈયાર નહોતા. એ જળને દિવ્ય, પવિત્ર માનીને આંખે અડાડવામાં અને માથે ચડાવવામાં માનતા હતા. આપણે ત્યાં, ખાસ કરીને ગુજરાતમાં, ૧૯મી સદીની છેલ્લી પચીસી દરમ્યાન આ બે વિચારધારાઓ વચ્ચેનો વિવાદ-વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો હતો. અને એ જ વખતે રમણભાઈએ ભદ્રંભદ્ર નવલકથા દ્વારા ‘જૈસે થે’ની સ્થિતિના સમર્થકો પર ઠઠ્ઠા, મશ્કરી, ઉપહાસનાં જીવલેણ બાણ છોડ્યાં હતાં. રૂઢિવાદી આચાર-વિચાર-વ્યવહારના સમર્થકોનાં વાણી અને વર્તન પર ભદ્રંભદ્રના લેખકે જનોઈવઢ ઘા કર્યા છે. સળંગ હાસ્યરસની આપણી ભાષાની પહેલી નવલકથા છે આ ભદ્રંભદ્ર.
એ પુસ્તકરૂપે પહેલી વાર પ્રગટ થઈ ઈ. સ. ૧૯૦૦ના સપ્ટેમ્બરમાં પણ એનું હપ્તાવાર પ્રકાશન તો શરૂ થયું હતું છેક ૧૮૯૨માં. રમણભાઈ જેના તંત્રી હતા એ ‘જ્ઞાનસુધા’ સામયિકના એપ્રિલ ૧૮૯૨ના અંકમાં છપાયો હતો ભદ્રંભદ્રનો પહેલો હપતો. સાથે નહોતું છાપ્યું લેખકનું નામ કે નહોતું જણાવ્યું કે આ નવલકથા છે. અને છેલ્લો હપતો છપાયો એ જ સામયિકના ૧૯૦૦ના જાન્યુઆરી-જૂનના સંયુક્ત અંકમાં! પુસ્તક જુઓ તો છે ૩૨૭ પાનાંનું. તો પછી આટલો લાંબો સમય કેમ લાગ્યો હપ્તાવાર પ્રકાશનને? કારણ એક તો જ્ઞાનસુધાનું પ્રકાશન બહુ જ અનિયમિત હતું. તો કેટલાક અંકમાં આ નવલકથાનો હપતો છપાયો જ ન હોય એવું પણ બનતું. એ વખતે પ્રકરણો પાડ્યાં નહોતાં. લખાણ સળંગ પ્રગટ થતું. કેટલીક વાર દોઢ-બે પાનાંનો જ હપતો છપાતો. લખાણ સાથે નામ ભલે છપાતું નહોતું, પણ એના લેખકનું નામ ઝાઝો વખત છૂપું રહ્યું નહોતું. ભાષાશૈલી, હાસ્ય રમૂજ અને ખાસ તો સુધારાના વિરોધીઓ પરના આકરા – ક્યારેક કડવા પણ – પ્રહારોને કારણે સમજુ વાચકો સમજી ગયા હતા કે આ કલમ છે રમણભાઈ નીલકંઠની. અને એટલે હપ્તાવાર પ્રકાશન દરમ્યાન જ એની પ્રશંસા અને એનો વિરોધ શરૂ થઈ ગયાં હતાં.
આ કથાના મુખ્ય પાત્રનું મૂળ નામ તો દોલતશંકર પણ પછી એક વાર સપનામાં આવીને ભગવાન શંકરે ઊધડો લીધો: ‘મારા પવિત્ર નામ સાથે ‘દોલત’ જેવો યાવની ભાષાનો શબ્દ જોડીને તેં મહાપાતક વહોરી લીધું છે.’ અને એટલે દોલતશંકરે એ નામ ત્યજીને નવું નામ રાખ્યું ભદ્રંભદ્ર. પણ ભદ્રંભદ્ર અમદાવાદથી મુંબઈ ગયા શા માટે? કારણ તેમને ખબર મળેલા કે મુંબઈમાં સુધારા વિરોધી મોટી સભા ભરાવાની છે. અને આવી સભામાં ભદ્રંભદ્ર જેવા સનાતની હાજર ન રહે એ તો બને જ કેમ? અને આ સભા ભરાવાની હતી મુંબઈના માધવબાગમાં. ઘણો રોમાંચક અને રસિક ઇતિહાસ છે આ માધવબાગનો. હવે પછી ગ્રાન્ટ રોડ સ્ટેશને ઊતરીને આપણે પણ ભદ્રંભદ્ર સાથે જશું માધવ બાગ.


