દુર્ઘટના બને પછી તંત્ર સફાળું જાગે છે. જવાબદારોને સજા થાય (કે ન થાય)! પરંતુ પરિવારોએ ગુમાવેલા સ્વજનો પાછા આવવાના નથી
પ્રતીકાત્મક તસવીર
એક યુવતી બ્યુટી પાર્લરમાં એક નાનકડી કૅબિનમાં ચહેરા પર બ્યુટી પૅક લગાવીને સાંકડા બેડ પર સૂતી છે. તેની આંખો પર ભીના રૂનાં પૅડ્સ મૂકેલાં છે. ‘ચહેરા પર પૅક ૨૦ મિનિટ રાખવાનો છે’ કહીને બ્યુટિશ્યન કૅબિનની બહાર જવા ઊભી થાય છે. યુવતીને વિચાર આવે છે કે આ અજાણી જગ્યામાં હું આમ બંધ આંખે પડી હોઉં અને અહીં કોઈ પણ ગૅજેટમાં કંઈક ખામી આવે કે મૅલ-ફંક્શનિંગ થાય કે શૉર્ટ સર્કિટ થાય તો? અરે, અચાનક વીજળી ચાલી જાય તો! અને તે બ્યુટિશ્યનને ત્યાં જ રહેવા વિનંતી કરે છે જેથી એવી કોઈ ઇમર્જન્સી આવે તો બહાર નીકળવામાં આસાની રહે.
તાજેતરમાં દિલ્હીમાં કોચિંગ ક્લાસમાં વરસાદને કારણે સર્જાયેલા જળભરાવની દુર્ઘટનામાં ત્રણ તેજસ્વી યુવા જિંદગીઓ ખુવાર થયાના સમાચાર વાંચતાં-જોતાં એ ઘટના યાદ આવી ગઈ. IASની હોનહાર કારકિર્દી બનાવવાનાં સપનાં જોતી છ આંખો હંમેશને માટે મીંચાઈ ગઈ. પાર્કિંગ માટે વપરાય એવા બેઝમેન્ટની લાઇબ્રેરીમાં વાંચતી વખતે વિદ્યાર્થીઓને ક્યારેય પેલી યુવતી જેવો વિચાર આવ્યો હશે?
ADVERTISEMENT
થોડા સમય પહેલાં આ જ દિલ્હીમાં એક નર્સિંગ હોમમાં લાગેલી આગમાં ભડથું થઈ ગયેલાં સાત નવજાત શિશુઓનાં માતા-પિતાને પણ પોતાનાં બીમાર બાળકને સારવાર અપાવવા એ નર્સિંગ હોમમાં દાખલ કરતી વખતે એ જગ્યાની સલામતી વિશે કોઈ વિચાર આવ્યો હશે?
ઉનાળાની રજાઓમાં રાજકોટના ગેમિંગ-ઝોનમાં પોતાનાં બાળકોને લઈને પહોંચેલાં પેરન્ટ્સને ત્યાંની વ્યવસ્થામાં પાયાની સલામતીનું ધ્યાન રખાયું છે કે કેમ? એવો સવાલ થયો હશે?
કદાચ નહીં જ થયો હોય, કેમ કે આટલી મોંઘી ફી ભરીને મહામુશ્કેલીથી એ સ્થાનોમાં પ્રવેશ મેળવતા માણસો માની લે છે કે પાયાની સલામતીનાં નિયમો અને જરૂરિયાતોનું ધ્યાન તો રખાયું જ હોયને? એ વિના આવી સેવાઓ ચલાવવાની પરવાનગી ક્યાંથી મળે? પરંતુ આપણે અવારનવાર જોયું છે કે સલામતીનાં ધોરણો, પાયાની સુવિધાઓના નિયમો અને અનિવાર્ય કાળજીના નોર્મ્સની લેશમાત્ર પણ દરકાર નથી હોતી. તેમની લાપરવાહીને પરિણામે નિર્દોષ જિંદગીઓ ખાખ થઈ જાય છે એ સૌથી વધુ ખૂંચે છે.
દુર્ઘટના બને પછી તંત્ર સફાળું જાગે છે. જવાબદારોને સજા થાય (કે ન થાય)! પરંતુ પરિવારોએ ગુમાવેલા સ્વજનો પાછા આવવાના નથી. માટે જ ઇચ્છીએ કે આવા એકમો માટેના ક્રાઇટેરિયા માનવજીવનની મહત્તાને ધ્યાનમાં રાખીને આકરામાં આકરા બનાવવામાં આવે અને નિયમો ચાતરનારા અને તેમને સાથ આપનારા માટે એવી ભયંકર આકરી સજાની જોગવાઈ હોય કે એમ કરવાનો વિચાર કરતાં ભલભલા પણ ફફડી ઊઠે...
- તરુ મેઘાણી કજારિયા (પત્રકારત્વ માટે લાઇફ-ટાઇમ અચીવમેન્ટ અવૉર્ડથી નવાજાયેલાં લેખિકા તરુ મેઘાણી કજારિયાએ અભિનય ક્ષેત્રે પણ કામ કર્યું છે.)

