Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > માસિક ધર્મની માન્યતાઓની કલ, આજ ઔર કલ

માસિક ધર્મની માન્યતાઓની કલ, આજ ઔર કલ

16 August, 2022 03:32 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સમય બદલાયો છે ત્યારે હવે જાણીએ કે પિરિયડ્સને લઈને મૉડર્ન મહિલાઓ શું વિચારે છે? અને સાથે જ પરંપરાગત વિચારોનો સામનો કરવા માટે કેવા ઉપાય અજમાવે છે?

પ્રતીકાત્મક તસવીર પર્સનલ ટૉક

પ્રતીકાત્મક તસવીર


મોટા ભાગની મહિલાઓએ પિરિયડ્સની પીડાનો સામનો કરવો જ પડતો હોય છે, એમાં પાછું અનેક માન્યતા અને ગેરમાન્યતાઓનો પણ તેમણે સામનો કરવો પડતો હોય છે. સમય બદલાયો છે ત્યારે હવે જાણીએ કે પિરિયડ્સને લઈને મૉડર્ન મહિલાઓ શું વિચારે છે? અને સાથે જ પરંપરાગત વિચારોનો સામનો કરવા માટે કેવા ઉપાય અજમાવે છે?

પિરિયડ્સ દરમ્યાનની પીડા વિશે હવે સ્ત્રીઓ છૂટથી બોલતી થઈ છે, પણ એને લગતી આભડછેટની માન્યતા અને અંધશ્રદ્ધાઓનો સામનો મૉડર્ન યુગની મહિલાઓએ પણ કરવો પડે છે. અભિનેત્રી સોનમ કપૂર પણ કહે છે કે એ દિવસોમાં દાદી તેને મંદિર કે રસોડામાં જવા દેતી નહોતી. એ વખતે અથાણાંને પણ અડવા દેતી નહીં. આલિયા ભટ્ટે પણ સવાલ ઉઠાવેલો કે કેમ મહિલાઓને પિરિયડ્સ દરમ્યાન મંદિરમાં જવા દેવામાં નથી આવતી? કરીના કપૂરે પણ કહેલું કે મેન્સ્ટ્રુએશન દરમ્યાન આવતાં મૂડ સ્વિંગ્સ અને પેઇન વખતે પ્રોડક્શન-હાઉસે પણ થોડા કન્સિડરેટ થવું જોઈએ. તાપસી પન્નુએ એક વાર કહેલું કે પિરિયડ્સની પીડા ક્યારેક હાર્ટ-અટૅક જેટલી સિવિયર હોય છે. આ તો ઉદાહરણ છે. કેટલીક એવી મહિલાઓ છે જે પોતાની મરજી મુજબનું જીવન જીવી શકે એવી છૂટ ધરાવે છે, પણ આમ મહિલાઓ આ બાબતે ઝાઝું બોલી નથી શકતી. પીડાના એ દિવસોમાં આજે પણ અંધશ્રદ્ધા અને આભડછેટની માન્યતાઓનો સામનો કરીને એમાંથી વચલો માર્ગ કાઢવો આજે પણ કેટલો મુશ્કેલ છે એ સમજવાની કોશિશ કરીએ. 



વિજ્ઞાન ભુલાઈ ગયું છે કાંદિવલીમાં રહેતાં બ્રાહ્મણ મારવાડી લાંચી વોરા હોલમુખેને હૉર્મોનલ ઇમ્બૅલૅન્સની ગંભીર સમસ્યા છે, જેને પગલે તેમણે મહિનાના પંદર-પંદર દિવસ માસિક સંબંધી પીડાનો સામનો કરવો પડે છે. તેઓ કહે છે, ‘સામાન્ય સ્ત્રીઓને વધુમાં વધુ પિરિયડ્સના પહેલા ત્રણ દિવસ પેટમાં કે કમરમાં દુખાવો રહે છે, પરંતુ મારે તો આ સમસ્યાનો સામનો માસિક શરૂ થાય એના પંદર દિવસ પહેલાંથી જ કરવો પડે છે, જેનો અંત પિરિયડ્સ શરૂ થાય ત્યારે આવે છે. હું રોજેરોજ કસરત કરું તો થોડી નિરાંત રહે અન્યથા મારે મૅગ્નેટિક પેઇન બેલ્ટ તથા હીટિંગ પૅડનો ઉપયોગ કરતા રહેવું પડે છે.’


લાંચી વિભક્ત કુટુંબમાં રહેતાં હોવાથી તેમના માથે ઘર અને બાળકને પણ એકલા હાથે સંભાળવાની જવાબદારી છે. તેઓ કહે છે, ‘વાસ્તવમાં મહિનાના એ ત્રણ દિવસ સ્ત્રીઓને ક્યાંય અડવા ન દેવા કે પછી કોઈ કામ કરવા ન દેવા પાછળનું વૈજ્ઞાનિક કારણ તેમને આરામ આપવાનું છે, પરંતુ આપણા ભારતીય સમાજમાં એની સાથે એટલી બધી ગેરમાન્યતા જોડાઈ ગઈ છે કે એની પાછળનો ઉદાત્ત ઉદ્દેશ જ ભુલાઈ ગયો છે.’

આટલું કહી લાંચી વધુમાં ઉમેરે છે, ‘લગ્ન પહેલાં સુધી મારા પિયરમાં મારી પાસે પણ આ પ્રથા પળાવવામાં આવતી હતી. વળી પાછું આવું શા માટે કરવાનું છે એનું કોઈ લૉજિકલ કારણ પણ આપવામાં આવતું નહીં. પરિણામે બાળપણમાં આ રિવાજ સામે મારા મનમાં બહુ ગુસ્સો અને અકળામણ હતાં. ઉપરાંત નાના હોઈએ ત્યારે શરીરને આરામની ખાસ આવશ્યક્તા પણ ન હોય, એથી ગમતાં કામ કે પ્રવૃત્તિઓથી દૂર રહેવાનું આકરું લાગતું. બીજી બાજુ, ઉંમરના આ તબક્કે હવે જ્યારે શરીરને ખરેખર રોજિંદા કામમાંથી બ્રેકની આવશ્યક્તા હોય છે ત્યારે જવાબદારીઓને પગલે યેનકેન પ્રકારેણ બધું જ કરવું પડતું હોવાથી વધુ તકલીફ થાય છે.’


એમ છતાં લાંચી સ્ત્રીશરીરના આ કુદરતી ક્રમની સરાહના કરે છે અને કહે છે, ‘હવે હું મારા શરીરની બાયોલૉજિકલ સાઇકલને સમજું છું. સમજું છું કે એમાં કશું જ ગંદું નથી. બલકે સ્ત્રીશરીરને અંદરથી સાફ કરતી આ એક નૈસર્ગિક પ્રક્રિયા છે, જે તેને મા બનવામાં પણ સહાયક થાય છે. એથી હું એનું સન્માન કરું છું. બલકે એમ કહી શકાય કે આઇ લુક ફૉર્વર્ડ ટુ ઇટ.’
રોજિંદા જીવનનો બ્રેક આવકાર્ય પ્રિન્સેસ સ્ટ્રીટમાં રહેતાં નેહલ દવે ફાઇનૅન્સ કંપનીમાં કામ કરે છે. ગુજરાતના પંચમહાલ જિલ્લાના ઝારોળા બ્રાહ્મણ નેહલ કહે છે, ‘હું જૉબ કરતી હોવા ઉપરાંત મારા પતિ, બાળક અને સાસુ-સસરા સાથેના સંયુક્ત પરિવારમાં રહું છું. પરિણામે સ્વાભાવિક રીતે જ કામ અને જવાબદારીઓનો ભાર વધુ રહે છે. આવામાં અમારા ઘરમાં એ ત્રણ દિવસ કશું જ ન અડવાની જે પ્રથા છે એની હું સરાહના કરું છું, કારણ કે મહિનાના એ ત્રણ જ દિવસ એવા હોય છે જ્યારે મને થોડો આરામ મળી રહે છે. અન્યથા મેં જોયું છે કે જે મહિલાઓના ઘરે આ પ્રથા પાળવામાં આવતી નથી તેમણે પરાણે ઢસડાઈને પણ કામ કરવાં પડે છે, જે તેમના શરીર ઉપરાંત માનસિક સ્વાસ્થ્ય માટે પણ સારું નથી. એથી હું તો માનું છું કે પિરિયડ્સ સ્ત્રીઓની સમસ્યા નથી, બલકે રોજિંદા કામમાંથી બ્રેક લેવા માટે ભગવાને સામે ચાલીને આપેલું આ કારણ છે.’

ઘરની મહિલાને આરામ મળી રહે એ માટે તેમના સસરા અને પતિ પ્રીતેશ ઉપરાંત ૧૨ વર્ષના દીકરા નિર્મિતે પણ જમવાનું બનાવવાનું શીખી લીધું છે. અહીં નેહલ કહે છે, ‘મારા સસરાની રસોઈ મારા કરતાં સારી બને છે એવું કહેવામાં અતિશયોક્તિ નથી, હસબન્ડ પણ મગ-ભાત, દાળ-ભાત જેવું બનાવી લે છે. તેમનું જોઈને મારા દીકરાએ શીખી લીધું.’

અલબત્ત, નેહલ એ દિવસોમાં મંદિર કે દેરાસર જેવાં ધર્મસ્થાનોથી દૂર રહેવાની માન્યતામાં પૂર્ણ શ્રદ્ધા ધરાવે છે. તેનું કહેવું છે કે ‘જેમ પગ કાદવમાં પડી જાય તો આપણે એને સાફ કર્યા બાદ જ મંદિરમાં પગ મૂકીએ છીએ. એવી જ રીતે પિરિયડ્સ દરમ્યાન હજી સ્ત્રીનું શરીર સફાઈની પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યું હોય છે. જ્યાં સુધી આપણે પૂર્ણપણે શુદ્ધ ન થઈ જઈએ ત્યાં સુધી જે શુદ્ધતાનું પ્રતીક છે એવા ભગવાન પાસે કેવી રીતે જઈ શકાય? એથી એ દિવસો દરમ્યાન ભગવાનની નજીક જવા માટે મારું મન માનતું નથી.’

હવે સમય બદલાઈ રહ્યો છે ચર્ની રોડમાં રહેતાં ૪૩ વર્ષનાં વિશાખા શાહ પોતાના અંગત અનુભવોની વાત કરતાં કહે છે, ‘જૈન પરિવારમાં જન્મેલી હોવાથી મારા ઘરે પણ પિરિયડ્સ દરમ્યાન પૂજાસ્થાનને અડવાની કે રસોડામાં જવાની પરવાનગી નહોતી, પરંતુ એ સિવાય ઘરમાં બીજે બધે અડવાની છૂટ હતી. અલબત્ત, ગુજરાતમાં રહેતી મારી પિતરાઈ બહેનોને તેમના ઘરે આવી છૂટ મળતી નહીં. પરિણામે તેઓમાંનું કોઈ ક્યારેક મારા ઘરે આવ્યું હોય તો મારે પણ મારો પલંગ છોડીને જમીન પર સૂઈ જવું પડતું. માનસિક રીતે મને એ બહુ આઘાતજનક લાગતું. અલબત્ત, મોટા થયા બાદ જ્યારે મેં નોકરી કરવાની શરૂઆત કરી ત્યારે સમજાયું કે હવે સમય બદલાઈ રહ્યો છે. લોકો માસિક દરમ્યાન સ્ત્રીઓને થતી સમસ્યાઓ પ્રત્યે સંવેદનશીલ બન્યા છે. અનેક કંપનીઓમાં સ્ત્રીઓ ઇચ્છે તો કોઈ પણ પ્રકારના છોછ વિના પિરિયડ્સનું સાચું કારણ આપીને રજા લઈ શકે છે.’

મૂળ સુરતનાં શ્વેતામ્બર જૈન વિશાખાનું કહેવું છે કે ‘જૈન ધર્મ અનુસાર પિરિયડ્સ દરમ્યાન જે માસિક સ્રાવ થાય છે એમાં શરીરની અંદર રહેલાં અનેક માઇક્રો ઑર્ગેનિઝમ્સનો નાશ થાય છે, જેને પગલે સ્ત્રીને પારાવાર શારીરિક તથા માનસિક થાકનો અનુભવ થાય છે. આ જ કારણ છે કે સ્ત્રીઓને આ ત્રણ દિવસ દરમ્યાન ધાર્મિક કાર્યથી દૂર રહેવાની અને આરામ કરવાની સલાહ આપવામાં આવે છે, પરંતુ લોકોએ આ વૈજ્ઞાનિક કારણ પર અંધશ્રદ્ધાનો લેપ લગાડીને સ્ત્રીઓને આ સમય દરમ્યાન અશુદ્ધ અને અછૂત બનાવી દીધી.’

આટલું કહી વિશાખા ઉમેરે છે, ‘મોટા થયા બાદ મને સમજાયું કે વાસ્તવમાં એ દિવસો દરમ્યાન સ્ત્રીશરીરનું એનર્જી-લેવલ ઓછું હોય છે, જે પૂજાસ્થાનના હાઈ એનર્જી-લેવલ સાથે મળતું ન હોવાથી તેમને ભગવાનથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે, પરંતુ જો કોઈ સ્ત્રી શરીર અને મનથી સંપૂર્ણપણે સ્વસ્થ હોવાનો અનુભવ કરતી હોય તો મારા મતે તેણે મંદિરમાં જતાં પણ ગભરાવાની જરૂર નથી. અલબત્ત, અંગત રીતે હું પોતે એવું કરતી નથી, કારણ કે હું મારા વડીલો, ગુરુજનો કે સામાજિક માન્યતાને ઠેસ પહોંચાડવા માગતી નથી.’

એ દિવસો દરમ્યાન સ્ત્રીશરીરનું એનર્જી-લેવલ ઓછું હોય છે, જે પૂજાસ્થાનના હાઈ એનર્જી-લેવલ સાથે મળતું ન હોવાથી તેમને ભગવાનથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે, પરંતુ જો કોઈ સ્ત્રી શરીર અને મનથી સંપૂર્ણપણે સ્વસ્થ હોય તો મંદિરમાં જતાં ગભરાવાની જરૂર નથી. : વિશાખા શાહ

Whatsapp-channel Whatsapp-channel

16 August, 2022 03:32 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK