‘જો સમાજને આપણે ગણકારતા જ ન હોઈએ, જો સમાજને આપણે કન્સિડર જ ન કરતા હોઈએ તો પછી એ સમાજ પાસેથી અપ્રૂવલ શું કામ માગવું જોઈએ? એક બાજુ આપણે એમ બોલીએ કે આ સમાજ સામે અમને વાંધો છે, આ સમાજથી અમને કોઈ ફેર નથી પડતો અને બીજી બાજુ એમ કહીએ કે આ સમાજ અમને સ્વીકારે.
બારીમાં આખ્ખું આકાશ! (પ્રકરણ - ૨૦) પિતા-પુત્રીના લાગણીસભર સંબંધોની સપ્તરંગી કથા
જીવન અટકતું નથી, એ વહ્યા કરે છે સતત. સમય આપણી સંવેદનાને અને આપણને અપડેટ કરે છે સતત. કોઈ એક પીડા, અભાવ કે તૂટેલા સંબંધના નામનું આપણે ખૂણામાં બેસીને રડ્યા કરીએ તો જીવન ઊભું નથી રહી જતું. તમે ઇચ્છો કે ન ઇચ્છો, જીવન તમારી આંગળી પકડી તમને પરાણે એ ખૂણામાંથી બહાર કાઢશે અને એના સંગાથે દોડાવશે. માણસનાં દુ:ખો અને તીવ્રતમ ફરિયાદો પર સમય મલમ લગાડે છે કારણ કે જિંદગી ચક્ર છે, એને અટકવાની સમજ નથી. તમે હો કે ન હો, એ તો ચાલ્યા જ કરશે.
શક્ય છે કે આજે જે અતિપ્રિય છે એ આગળ જતાં માત્ર પ્રિય રહે અથવા અપ્રિય બની જાય. બિલકુલ શક્ય છે કે આજે જે નથી ગમી રહ્યું એ બધું આવતી કાલે તમને તમારા જીવ જેટલું વહાલું હોય. ગમા-અણગમા શાશ્વત નથી એ જ રીતે માન્યતા અને પૂર્વધારણા પણ શાશ્વત નથી.
ADVERTISEMENT
હિમાચલના પહાડો છોડીને મુંબઈ આવેલા મેજર રણજિત એક બહુ મોટી યાત્રા કરી ચૂક્યા હતા. જીવનના સિત્તેરમા વર્ષે એક નવી દુનિયા જોઈ. ન માત્ર જોઈ, એને ખૂબ નજીકથી જાણી.
‘પણ કેટલી સ્વીકારી?’
આવો પ્રશ્ન સમાજ કે સમય તેમની પાસે કરે તો રણજિત પાસે એનો એક જવાબ છે. સેક્સોલૉજિસ્ટ ડૉ. આદિત્ય કશ્યપ પાસેથી આ જવાબ મળેલો. તેમની કૅબિનમાં બેઠા હતા ત્યારે આ મુદ્દો નીકળેલો. એક સાંજે ટેબલ પર ખડકાયેલાં પુસ્તકોના ઢગલાને હળવેથી ધક્કો મારીને મેજર રણજિત બોલ્યા હતા, ‘ડૉક્ટર, હું આ ગે અને લેસ્બિયન લોકોને ન સ્વીકારું તો?’
એક ક્ષણની રાહ જોયા વિના ડૉ. આદિત્ય કશ્યપે કૂંડામાં ઊગેલા છોડનાં પીળાં પાનને તોડતાં જવાબ આપેલો, ‘તો કંઈ જ નહીં. ગુડ ફૉર યુ અને બેટર ફૉર ધેમ. કોઈ તમને સ્વીકારે એ ચૉઇસ હોઈ શકે, ફરજ નથી.’
મેજર રણજિતે આ જવાબને મનમાં બરાબર ઘૂંટ્યો અને પછી ડૉ. આદિત્યના હાથમાં રહેલા પીળાં પાંદડાંઓને જોઈને કહ્યું, ‘અને હું એ બધાને સ્વીકારી લઉં તો? મારી દીકરી લેસ્બિયન છે એનાથી મને હવે કોઈ વાંધો ન હોય તો?’
ડૉ. આદિત્ય કશ્યપે પીળાં પાંદડાંઓને બરાબરનાં મસળ્યાં અને પછી મસળેલાં પાંદડાંઓને ફરી એ જ કૂંડામાં નાખ્યાં અને સ્મિત સાથે જવાબ આપ્યો, ‘અગેઇન તો પણ કંઈ જ નહીં. ગુડ ફૉર યુ અને બેટર ફૉર હર. અહીં તમે સ્વીકારો છો એ તમારી સમજ છે, ઉપકાર નહીં.’
ડૉ. આદિત્ય કશ્યપની આ વાતને મેજર રણજિત ક્યાંય સુધી ગંભીરતાથી વિચારતા હતા. છેલ્લા એક અઠવાડિયાથી વધેલી પોતાની સફેદ દાઢીને તે વાતો કરતાં-કરતાં પંપાળી રહ્યા હતા. સાંજ ઢળી ચૂકી હતી. ડૉ. આદિત્ય કશ્યપે પોતાની કૅબિનની બારી ખોલી. મેજર રણજિત ખુરસી પરથી ઊભા થયા અને ડૉ. આદિત્યની પાસે ઊભા રહીને અંધારું ઘોળતા આકાશને જોઈ રહ્યા હતા. વાતાવરણ પ્રમાણમાં થોડું ચોખ્ખું હતું. દરિયાની ઉપર તોળાતા એ આકાશમાં અમુક તારાઓ ટમટમી રહ્યા હતા.
‘મેજર, તમે તો આકાશદર્શન ખૂબ કરો છોને?’
‘હા, નાનપણથી મને એમાં ખૂબ રસ છે. વર્ષો સુધી અભ્યાસ કર્યો છે ને હજીયે ફંફોસ્યા કરું છું.’
આ કહેતી વખતે આકાશમાં દેખાતા એકલદોકલ તારાઓ તરફ નાના બાળકની જેમ તે જોઈ રહ્યા હતા. ડૉ. આદિત્ય કશ્યપે એ તારાઓ તરફ જોયું અને સસ્મિત પૂછ્યું, ‘તો-તો આકાશમાં જેટલા પણ તારાઓ છે એ બધાને તમે ઓળખતા હશોને મેજર રણજિત?’
‘સૉરી? આ કેવી સ્ટુપિડ વાત છે ડૉક્ટર. એવું તો કેવી રીતે શક્ય હોય કે મને બધા જ તારાઓ વિશે ખબર હોય?’
‘અરે પણ તમે તો નાનપણથી અભ્યાસ કરો છો.’
‘તો શું થઈ ગયું? બહુ બધા એવા તારાઓ છે જે અજાણ્યા છે.’
ડૉ. આદિત્ય કશ્યપે પોતાની આંખ ઝીણી કરી અને ઉત્સુકતા બતાવતાં પૂછ્યું, ‘તો પછી આપણું રિસર્ચ અને નૉલેજ ટૂંકું પડ્યું કે આપણે બધા તારાઓ સુધી નથી પહોંચ્યા, રાઇટ મેજર?’ મેજર રણજિત એકદમ દૃઢ વિશ્વાસ સાથે બોલ્યા, ‘ઍબ્સોલ્યુટ્લી યેસ.’
ડૉ. આદિત્ય કશ્યપ ખુરસી પર બેઠા અને બન્ને હાથની આંગળીઓને પંજામાં પરોવી એના ટેકે પોતાનો ચહેરો ગોઠવીને બોલ્યા, ‘તો માત્ર આપણને ખબર નથી એથી એ તારાઓનું અસ્તિત્વ જ ન હોય એવું બને ખરું?’
‘મૂર્ખામી ભરેલી વાત છે ડૉક્ટર. આપણને ખબર હોય કે ન હોય, એ તારાઓ તો એ સ્થાને હતા, છે અને કાયમ રહેશે. એ અજાણ્યા તારાઓ આપણને સમજ પડે એની રાહ નથી જોતા. પોતાની જગ્યાએ રહી પોતાની શરતે એ તો ચમક્યા કરે છે. એટલે...’
અને મેજર રણજિત બોલતાં-બોલતાં અટકી ગયા હતા. તેમને સમજાઈ ગયું કે ડૉક્ટર શું કહેવા માગતા હતા. ડૉ. આદિત્ય કશ્યપના ચહેરા પર બહુ મોટું સ્મિત હતું.
‘મેજર રણજિત, તમે બરાબર સમજ્યા છો. તમારા એ અજાણ્યા તારાઓની જેમ જ આ ગે, લેસ્બિયન કે બીજી ઘણી સેક્સ્યુઆલિટીવાળા લોકો હતા, છે અને કાયમ રહેશે. માત્ર આપણને તેમના વિશે સમજ નથી એથી તેમનું અસ્તિત્વ ભૂંસાઈ નથી જતું. આપણા સ્વીકાર કે અસ્વીકારની પેલે પાર એ લોકો વિશાળ આકાશમાં પથરાયેલા અનેક તારાઓની જેમ જ આ ધરતી પર ધબકે છે આપણી વચ્ચે. તારાઓની જેમ પોતાની શરતે ઝબૂકે કે વાદળની આડશમાં સંતાઈને જીવે છે. જીવન વિશાળ છે, જીવનની લીલા અનંત છે. મારી-તમારી સમજથી પરે છે, પણ છે!’
આ હવે રણજિતને મળેલો સૌથી ઉત્તમ જવાબ હતો!
lll
રણજિતનો સામાન સંકેલાઈ રહ્યો હતો. સંજના ડાઇનિંગ ટેબલની ખુરસી પર બેસીને કૉફી પી રહી હતી. ઑફવાઇટ ચૂડીદારમાં સુંદર લાગતી સંજના જોઈ રહી હતી કે અનિકા અને મેજર રણજિત સામાન સંગાથે સંવાદો પણ સંકેલી રહ્યા હતા. અનિકા પોતાના બાબાને સામાન પૅક કરાવવામાં મદદ કરી રહી હતી. તેણે પોતાના ખુલ્લા વાળને અંબોડામાં કસકસાવી બાંધ્યા હતા. કૉટનની ગુલાબી સાડી, ઇન્ડિગો બ્લુ રંગનું ઑફશોલ્ડર બ્લાઉઝ અને ગળામાં સફેદ મોતીઓની ઝીણી માળા. અનિકા ફ્રેશ લાગવાનો પ્રયત્ન કરી રહી હતી પણ તેના વર્તનમાં અને ઘાટ્ટું કાજળ કરેલી આંખમાં વિખૂટા પડવાની વેળાનું વજન વર્તાતું હતું. નજર નીચી રાખીને બાબાનાં કપડાં સંકેલતી હતી, જાણે સામું જોવાઈ જશે તો આંખ છલકાઈ જશે. ચિકન વર્કના ઑફવાઇટ કુરતા-પાયજામામાં સજ્જ મેજર રણજિત સોફા પર બેઠા હતા, જાણે તેમણે અહીંથી સ્મૃતિઓ સિવાય કશું લઈ નથી જવાનું. અનિકા તેમના માટે બહુ શૉપિંગ કરીને આવી હતી. બૅગ ભરીને સૂકો નાસ્તો, ડ્રાયફ્રૂટ્સ, નવાં ગરમ કપડાં, નવાં શૂઝ, બાબાના કૅફે મિત્ર માણિક શર્મા માટે ઘડિયાળ, શેરા-શિઝુકા માટે કલરફુલ ડૉગ કૅપ, બાબાને ગમે એવાં ક્રાઇમ ફિક્શનનાં કેટલાંક પુસ્તકો, થોડાં નવાં વાસણો... બધું બંધાઈ રહ્યું હતું. હાથમાં કૉફીનો કપ લઈને મેજર રણજિત ટગર-ટગર દીકરીને જોયા કરતા હતા.
‘બાબા, તમે દિલ્હીની ટિકિટ કેમ કરાવી?’
‘કેમ કે કલ્યાણીને મળવું છે.’
‘ક્યાં રોકાશો બાબા? ઘરે?’
‘ત્યાં ઘર ક્યાં છે અનિકા? હોટેલમાં નાઇટ-સ્ટે કરીને વહેલી સવારની ફ્લાઇટમાં હિમાચલ.’
‘માને મળવું જરૂરી છે?’
‘તેના ફોનને બહુ અવૉઇડ કર્યા મેં. તારી પાસેથી શીખ્યો છું કે ચર્ચા પૂરી કરો. ચર્ચાથી ભાગીએ એમ એ વધુ ગૂંચવાઈને વધુ લંબાય.’
‘મા નારાજ છેને?’
‘તે છેલ્લે રાજી ક્યારે હતી?’
‘તમે તેને મનાવશો કઈ રીતે?’
‘એ જ ફિગર આઉટ કરવાનું બાકી છે, પણ ફ્લાઇટમાં બેઠા પછી વાદળાંઓને જોઈ-જોઈને કોઈ તોડ તો મળી જ જશે.’
અનિકાએ સ્મિત આપવાનો પ્રયત્ન કર્યો પણ તોય આંખો છલકાઈ ગઈ. મેજર રણજિતે તરત વાત બદલવાનો પ્રયત્ન કર્યો.
‘અનિકા, તેં તો બહુ બધો સામાન બાંધી દીધો. મારે ફ્લાઇટમાં એક્સ્ટ્રા લગેજના પૈસા આપવા પડશે.’
‘હા તો આપી દેજો. તમે કંઈ દર વખતે આવવાના નથી.’
‘પણ તને દર વખતે બોલાવવાનો છું.’
અનિકા એકીટશે બાબાની સામે જોઈ રહી.
‘હા બેટા, મુંબઈ સિવાય તારું એક સરનામું તારા બાબા પણ છે. દરિયાથી થાકે ત્યારે પહાડ પાસે આવજે. તારા મનમાં જેટલો ભાર હશે એ બધો ભાર પહાડ ખાળી નાખશે. શૂન્ય અવસ્થા પહાડ પાસે સમજાય એવી બીજે ક્યાંય ન સમજાય. ડૉ. આદિત્ય કશ્યપે પણ પ્રૉમિસ આપ્યું છે કે ઉનાળામાં તે ખાસ પહાડોમાં રહેવા ધરમશાલા આવશે. બધા આવે તો મારી દીકરી કેમ નહીં? શેરા-શિઝુકા, માણિક બધા બહુ રાજી થશે. તને ધરમશાલા અને એનાં નાનાં પહાડી ગામડાંઓ બહુ ગમશે.’
અનિકાને થયું કે આ ક્ષણે ઊભી થઈ બાબાને ભેટી શકાય તો કેટલું સારું!
પણ તેને હિંમત ન થઈ.
છ-સાત મહિને બાબાના ખભે માથું મૂકવા જેટલી આત્મીયતા જ તે કેળવી શકી.
સંજનાએ જાણીજોઈને એટલો મોટેથી ખોંખારો ખાધો કે બાપ-દીકરીએ એ તરફ જોયું.
‘રણજિત, મને મૂકીને તમે તો આખા મુંબઈને ઇન્વિટેશન આપી દીધું.’
મેજર રણજિતના ચહેરા પર સ્મિત આવ્યું, ‘અરે, ઘરના લોકોને અલગથી આમંત્રણ ન હોય. આ બધા આવશે ત્યારે મારો ટેકો તો તું જ હોઈશને.’
સંજના ખડખડાટ હસી, ‘છ-સાત મહિનામાં જબરા જવાબો શીખી ગયા રણજિત.’
‘એ પણ તારી પાસેથી જ શીખ્યો છું.’
જવાબમાં સંજનાએ હાથ જોડ્યા અને મેજર રણજિત ખડખડાટ હસી પડ્યા. મેજર રણજિત ઊભા થયા અને પોતાના ઓરડામાંથી બે મોટી બૅગ લઈ આવ્યા.
‘અનિકા, સંજના. તમારા માટે એક સરપ્રાઇઝ ગિફ્ટ છે.’
અનિકા અને સંજના બન્ને જાણે અચાનક નાની છોકરીઓ બની ગઈ. સંજના કૉફીનો કપ ટેબલ પર મૂકીને સોફા પાસે દોડતી આવી. મેજર રણજિતે બન્ને છોકરીઓના હાથમાં એક-એક બૅગ મૂકી. બન્ને છોકરીઓ ભારે ઉત્સાહથી બૅગની અંદર રહેલું મોટું બૉક્સ ખોલવા લાગી. બૉક્સમાંથી નીકળ્યું સાત રંગનું એક-એક ટી-શર્ટ, રેઇન્બો થીમની કૅપ, સાત રંગના પટ્ટાવાળા શૂઝ, રેઇન્બો થીમની ઘડિયાળ, રેઇન્બો થીમનો ફ્લૅગ અને રેઇન્બો થીમનું ફોનકવર. મેજર રણજિત ભારે ઉત્સાહથી સંજના અને અનિકાના ચહેરા તરફ જોવા લાગ્યા. જીવનમાં પહેલી વાર તેમણે આ રીતે કોઈના માટે ગિફ્ટ ખરીદી હતી. વળી આ ભેટ બહુ ખાસ હતી કેમ કે દીકરી માટે પહેલી વાર કશું ખરીદ્યું હતું. સંજના તો ઉત્સાહમાં ઊછળી પડી. તેના ચહેરા પર મોટું સ્મિત અને આંખમાં આંસુ. તેના અંતરમનમાં રાજીપો એવો તો છલકાયો કે સંજના રણજિતને ભેટી પડી. રણજિત મૂંઝાયા. તેમણે સંજનાના માથા પર હાથ મૂક્યો. સંજના એટલીબધી હરખાઈ કે રડી પડી. તે રણજિતની હથેળીને ચૂમી રહી હતી.
‘સો થૉટફુલ રણજિત. તમે અમને લોકોને પ્રાઇડ પરેડ થીમનાં આઉટફિટ્સ ગિફ્ટ કર્યાં.’
‘હા, જૂન મહિનામાં આવશેને તમારી પ્રાઇડ પરેડ. મેં વાંચ્યું હતું. મને ખબર છે કે LGBTQA+ સમુદાયના લોકો રસ્તામાં સરઘસ કાઢતા હોય છે એને પ્રાઇડ પરેડ કહેવાય છે. હું તો હાજર નહીં હોઉં, પણ થયું કે મારો પ્રેમ તમને બન્નેને આ રીતે...’ બોલતાં-બોલતાં રણજિત અટક્યા. તેમણે નોંધ્યું કે અનિકાના ચહેરા પર કોઈ ભાવ ખાસ કંઈ બદલાયા નહીં. તેણે પ્રાઇડ પરેડના સાતરંગી ટી-શર્ટને હાથમાં લઈને પાછું મૂકી દીધું હતું. બાબાએ આપેલા રેઇન્બો થીમની ગિફ્ટના બૉક્સને તેણે એટલી સિફતથી બંધ કર્યું જાણે કશું ખાસ હતું નહીં આખી વાતમાં.
‘અનિકા, તને મારી ગિફ્ટ ન ગમી બેટા?’
‘તમને એવું કેમ લાગ્યું કે મને ગમશે બાબા?’
‘મેં તો ગૂગલમાં વાંચેલું કે...’
‘બધા જવાબો ગૂગલ પાસે નથી હોતા બાબા. માણસને પૂછવાના પ્રશ્નોના જવાબો મશીન પાસે માગો છો તમે.’
મેજર રણજિત ગૂંચવાયા.
‘હું બેટા, તારી વાત સમજ્યો નહીં અનિકા.’
‘સૉરી બાબા, પણ હું આમાં નથી માનતી.’
‘એટલે?’
હવે ચોંકવાનો વારો રણજિતનો હતો.
‘પ્રાઇડ પરેડ તો LGBTQA+ સમુદાયના અધિકારો માટે જ હોય છેને.’
‘હશે, પણ મને હવેના દિવસોમાં એમાં કોઈ વજૂદ લાગતું નથી બાબા.’
સંજના અકળાઈ, ‘લીવ ઇટ રણજિત. અનિકાનું આ દર વર્ષનું છે. પ્રાઇડ મન્થ કે પ્રાઇડ પરેડનું તે વારંવાર ઇન્સલ્ટ કરે છે. એક લેસ્બિયન તરીકે જો એ અમારો રિસ્પેક્ટ...’
‘ઓહ રિયલી સંજના? રિસ્પેક્ટ?’
અચાનક અનિકાનો અવાજ બદલાયો. રણજિતે નોંધ્યું કે અનિકાના અવાજમાં અકળામણ ભળી. તે અનિકાને રોકે એ પહેલાં અનિકા એકદમ સંજના તરફ ફરી અને એકીશ્વાસે બોલવા લાગી, ‘જરા કહીશ તું મને કે કેવી રીતે રિસ્પેક્ટ આપવાનો હોય? ઇન્સ્ટાગ્રામનું પ્રોફાઇલ પિક DP સેવન કલરનું રાખવાનું, વૉલપેપર બદલી નાખવાનું, પ્રાઇડ પરેડનું સૉન્ગ કે સ્લોગન પોસ્ટ કરી દેવાનું, એક-બે રીલ પોસ્ટ કરી દેવાની કે પછી કોઈ LGBTQA+ સમુદાયના કલાકાર, સ્ટારનો ક્વોટ સેવન કલરની થીમવાળા વૉલપેપરમાં છાપી નાખવાનું. પણ વેઇટ, આ બધું કરતાં પહેલાં પણ અવેર રહો થોડા. હા, ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પોસ્ટ કરો તો સેટિંગમાં જઈને ઓન્લી ફ્રેન્ડ્સ મોડ ઑન રાખવાનું, પોસ્ટ કરો તો પણ ગ્રીન ફૉર્મેટ આપણા પસંદગીના લોકોને જ દેખાવી જોઈએ આ પોસ્ટ, પ્રાઇડ પરેડમાં જવાનું તો દેકારો કરી દેવાનો. મારામારી પર ઊતરી આવવાનું, અધિકારોના નામે અર્ધનગ્ન થઈ નાચવાનું, વળી ચહેરો ઢાંકી રાખવાનો. મૂળ લડાઈ ઓળખ માટેની છે પણ એ ઓળખ માટેની પરેડમાં ચહેરો તો સંતાડીને જ રાખવાનો. આ છે આપણું સેલિબ્રેશન અને સન્માન?’
સંજનાનો ચહેરો તપી ગયો. તેની આંખોમાં લાલાશ ઊતરી આવી. હોઠ ભીંસીને તે બોલી, ‘લિસન અનિકા, કમ આઉટ થવું, પોતાની ઓળખ રજૂ કરવી, પોતાની સેક્સ્યુઆલિટી વિશે જાહેરમાં વાત કરવી એ ચૉઇસ છે, કોઈ દબાણ કે મજબૂરી ન હોઈ શકે. તું પણ જાણે છે કે પરિવારના લોકો પ્રતિષ્ઠાના નામે LGBTQA+ સમુદાયમાં જોડાયેલાં હોય એવાં પોતાનાં બાળકોની શું હાલત કરે છે. કોઈનાં બળજબરીથી લગ્ન થઈ જાય છે તો કોઈની હત્યા. આપણી કમ્યુનિટીના લોકો ક્યાંય સુખી નથી.’
‘સુખી નથી કે તેમને સુખ જોઈતું નથી સંજના? સુખની ડેફિનિશન પણ સૌની પોતપોતાની છે. લૉયલ્ટીનો ઇશ્યુ માત્ર સ્ટ્રેટ હેટરોસેક્સ્યુઅલ લોકોમાં નથી, આપણા લોકોમાં પણ છે જ. પ્રેમ એક્સપ્લોર કરવાના બહાને આપણા સમુદાયના લોકો મલ્ટિપલ પાર્ટનર્સ સાથે સંબંધ રાખે છે. ‘હું કોઈ એક વ્યક્તિ સાથે કેવી રીતે જીવી શકું જ્યારે સમાજ મને અનુમતિ નથી આપતો’, ‘મારી પાસે બહુ બધા ચાઇલ્ડહુડ ટ્રૉમા છે’, ‘મને લોકો પર ભરોસો નથી’, ‘મને લગ્નસંસ્થા સામે વાંધો છે’ એવાં સ્ટેટમેન્ટની આડશે કે બહાને આપણે મલ્ટિપાર્ટનરવાળી આખી ઘટનાને નૉર્મલાઇઝ કરવાનો પ્રયત્ન કરીએ છીએ.’
સંજનાએ ઊંડો શ્વાસ લીધો. જાણે તે આખી વાતને ઠારવા મથતી હતી.
‘અનિકા, શું તું અને હું આપણે બન્ને એકબીજા સાથે લૉયલ રિલેશનશિપમાં નથી? તું બધાને એક કાટલે કેવી રીતે તોલી શકે? તારા પેરન્ટ્સ ભલે સેપરેટેડ છે પણ જ્યાં સુધી સાથે હતાં ત્યાં સુધી તેમની વચ્ચે લૉયલ્ટીના પ્રશ્નો તો ક્યારેય નથી આવ્યા. બધું બ્લૅક ઍન્ડ વાઇટ નથી. તું બધી વાતોને આટલી જનરલાઇઝ કેવી રીતે કરી શકે?’
મેજર રણજિતને લાગ્યું કે આખી વાત વણસી રહી છે. તે આગળ આવ્યા અને બોલ્યા, ‘અનિકા, સંજના. ચાલો હવે આ વાત પૂરી કરો. કલાકમાં મારે નીકળવું પડશે. સાંજની ફ્લાઇટ છે મારી. તમે લોકો ચર્ચાને ક્યાંની ક્યાં લઈ ગયા.’
‘બાબા, મુદ્દો જ એ છે કે ચર્ચા આજ સુધી આ રીતે ખૂલીને થઈ જ નથી. સંજના, તારી આ પ્રાઇડ પરેડથી મને સૌથી મોટો એ વાંધો છે કે એ અધિકાર માગવાની જાગ્રત રૅલી ઓછી અને પ્રદર્શન કે શોરબકોર વધારે છે. દેખાડો વધી રહ્યો છે. ત્યાં આવતા લોકોને જાણે ખરેખર સંવાદમાં કોઈ રસ નથી. એ સૌકોઈ ચિલ્લાઈ-ચિલ્લાઈને કહી રહ્યા છે કે વી રિયલી ડોન્ટ કૅર અબાઉટ યુ.’
સંજના ટેબલ પર મુઠ્ઠી પછાડીને બોલી, ‘એક્ઝૅક્ટ્લી. વી રિયલી ડોન્ટ કૅર અબાઉટ સોસાયટી. આજ સુધી સમાજે આપણો વિચાર નથી કર્યો અનિકા. LGBTQA+ સમુદાયના લોકો અંધારામાં જીવ્યા છે. તેમણે અમાપ પીડા ભોગવી છે. મોતથી બદતર જિંદગી અને સજા મળી છે તેમને. પોતાની શરતે પોતાની ઇચ્છા મુજબ આ સમાજે આજ સુધી તેમની સાથે અમાનુષી વર્તન કર્યું છે.’
અનિકાએ માથું પકડ્યું અને નકારમાં ધુણાવ્યું, ‘સંજના, જેમણે અન્યાય કર્યો અને જેમણે અન્યાય સહ્યો એમાંનું કોઈ હાજર નથી. ભૂતકાળની ભૂલોનું પરિણામ વર્તમાન શું કામ ભોગવે?’
‘અનિકા, તને પ્રાઇડ પરેડથી આટલો વાંધો શું કામ છે? હવે તો ઇન્ટરનૅશનલ કંપનીઓ પણ પ્રાઇડ મન્થનું સેલિબ્રેશન કરે છે. તેમની પ્રોડક્ટના લોગોને આખા જૂન મહિનામાં રેઇન્બો થીમના કરી નાખે છે.’
‘વેલ, કૉન્ગ્રેચ્યુસલેશન્સ. અધિકાર માગવાની તમારી પરેડ હવે શો બિઝનેસનો ભાગ બની ગઈ છે. ફિલ્મો અને વેબ-સિરીઝમાં બળજબરીપૂર્વક ગે-લેસ્બિયન કે ટ્રાન્સના ટ્રૅક અને કૅરૅક્ટર એટલે આવી રહ્યા છે કેમ કે ઇન્ટરનૅશનલ કંપનીઓ અને સ્ટુડિયોઝ વી આર કૂલનો ભ્રમ જીવતો રાખી શકે. બ્લૅક, બ્રાઉન અને LGBTQA+ના લોકોને અમે સંવદેનશીલ છીએ એવો બિઝનેસ-દેખાડો છે સ્ટુડિયોઝનો. ધંધો છે. વર્ષના બાર મહિનામાં એક આખો મહિનો ‘વી સપોર્ટ LGBTQA+ કમ્યુનિટી’ એવું ગાણું ગાતી ઇન્ટરનૅશનલ કંપનીઓ બધાનું ધ્યાન ખેંચે છે પણ બાકીના અગિયાર મહિનામાં LGBTQA+ સમુદાયના લોકોને નોકરી નથી આપતા.’
સંજના ગુસ્સાથી કંપી રહી હતી.
‘અનિકા, ચેન્જ ધીમો હોય છે પણ મક્કમ ગતિએ બદલાવ થઈ રહ્યો છે. કૅફેમાં અને સેલ્સ ડિપાર્ટમેન્ટની નોકરીમાં ગે, લેસ્બિયન અને થર્ડ જેન્ડરને કામ કરતા હું જોઉં છું. સમસ્યા એ છે કે આ સમાજના લોકો એ નોકરી કરતા આપણી કમ્યુનિટીના લોકો સાથે ભેદભાવ રાખે છે. તેમની સાથે ડાયલૉગ નથી કરતા. કંપનીઓને મેઇલ કરે છે કે અમે તમારી ઑફિસ કે શૉપમાં LGBTQA+ સમુદાયના લોકો સાથે કમ્ફર્ટેબલ નથી. આવી ફરિયાદોના સૂર વચ્ચે આપણા લોકો નોકરી ગુમાવી રહ્યા છે.’
અનિકા પાસે સંજનાની આ વાતનો એકદમ નક્કર જવાબ હોય એમ તે સ્પષ્ટ અવાજે બોલી, ‘સામાન્ય જનસમાજ LGBTQA+ સમુદાયના લોકો સાથે વ્યવહાર કરવા માટે કેમ કમ્ફર્ટેબલ નથી ખબર છે સંજના? કેમ કે આપણે સંવાદની ભૂમિકા જ પતાવી દીધી છે. મને રંગો ગમે છે. સાત રંગોવાળા રેઇન્બો સાથે મને કોઈ વાંધો નથી. સમસ્યા મને અતિરેક સાથે છે. રેઇન્બોને બ્રહ્માસ્ત્રની જેમ વાપરવા લાગ્યા છીએ આપણે. પ્રાઇડ પરેડમાં જે નાચગાન અને બૂમાબૂમ છે એમાં રહેલા રંગો, ભપકો અને અતિરેક આપણી અને સમાજ વચ્ચેની ખાઈ મોટી કરે છે. તું સાત રંગનાં કપડાં, સાત રંગના વાળ, સાત રંગનાં પીંછાં અને સાત રંગનો વિચિત્ર મેકઅપ કરીને બજાર વચ્ચે નીકળે ત્યારે એવી અપેક્ષા કેવી રીતે રાખી શકે કે સમાજના લોકો તેનાં બાળકોને તારી પાસે આવવા દેશે. સામે ચાલીને આપણે આંખે ચડીએ છીએ કે અમે આવા જ છીએ અને આવા જ રહીશું, તમને ગમે કે ન ગમે. આ અધિકાર માગ્યો ન કહેવાય, આ વિસંવાદનાં બીજ રોપ્યાં કહેવાય. આ આપણે સ્ટૅન્ડ લીધું એમ ન કહેવાય પણ આપણા મીનિંગલેસ અહંકારનું પ્રદર્શન કહેવાય.’
રણજિતને લાગ્યું કે આ ચર્ચા બહુ લાંબી ચાલશે.
‘હું તમારા બન્ને માટે ચા બનાવું. આપણે સાથે બેસીને ચા પીએ. અનિકા ખાંડ કેટલી નાખું?’
બાબાનો સવાલ અધવચ્ચે રહ્યો અને અનિકા વૉશરૂમ તરફ મોં ધોવા આગળ વધી ગઈ. સંજના દાઢમાંથી બોલી, ‘ખાંડ નાખજો જેટલી નાખી શકો એટલી રણજિત. સમાજ પાસેથી કડવાશ સિવાય આમ પણ કંઈ મળવાનું નથી.’
અનિકાના પગ એકદમથી અટકી ગયા. તેણે પાછળ ફરી સંજના તરફ જોયું, ‘જો સમાજને આપણે ગણકારતા જ ન હોઈએ, જો સમાજને આપણે કન્સિડર જ ન કરતા હોઈએ તો પછી એ સમાજ પાસેથી અપ્રૂવલ શું કામ માગવું જોઈએ? એક બાજુ આપણે એમ બોલીએ કે આ સમાજ સામે અમને વાંધો છે, આ સમાજથી અમને કોઈ ફેર નથી પડતો અને બીજી બાજુ એમ કહીએ કે આ સમાજ અમને સ્વીકારે. આ આપણું સહિયારું ડબલ સ્ટાન્ડર્ડ નથી? જોઈએ છે શું?’
‘જોઈએ છે રાઇટ્સ. ગમતી વ્યક્તિ સાથે સારી રીતે જીવી શકીએ એવા અધિકાર. આ માગણી પણ વધુ પડતી છે અનિકા?’
‘તો સમાજ પાસે તારા આ પ્રશ્નનો પણ જવાબ છે કે LGBTQA+ સમુદાયના લોકો પાસે હવે તો ઘણા અધિકાર છે. સમલૈંગિકતા એક કાનૂની અપરાધ હતો પણ સર્વોચ્ચ અદાલતના હુકમથી જાણે ગમતી વ્યક્તિને પ્રેમ કરવાનું આપણને અભય વરદાન મળ્યું. જૉઇન્ટ બૅન્ક અકાઉન્ટ, જૉઇન્ટ ઇન્શ્યૉરન્સ, સંગાથે પ્રૉપર્ટી ખરીદવાનો અધિકાર, હેલ્થકૅર રાઇટ્સ...નથી મળ્યો તો એ છે લગ્નનો અધિકાર. પણ લાંબું વિચારીશ તો સમજાશે કે લગ્ન થકી જે પ્રાપ્ત થાય એ તમામ અધિકારો લગ્ન વગર પણ આ દેશના કાયદાએ આપણને આપી દીધા છે. તો લગ્નનું બહાનું આગળ કરીને દેકારો કરવો એ વાત મને સ્ટુપિડ લાગે છે. આમ પણ લગ્ન કરીને કયું સુખ સ્ટ્રેટ સમાજના લોકોએ ભોગવી લીધું જેનાથી આજ સુધી આપણે વંચિત હતા?’
‘અનિકા, આ તારું સત્ય છે. તારી સમજ છે. મને ઇમોશનલ સિક્યૉરિટી માટે લગ્ન જોઈએ છે. મારે તારી સાથે એટલે લગ્ન કરવાં છે કેમ કે મારા માટે લગ્ન બહુ પવિત્ર ઘટના છે. લગ્ન આશીર્વાદ છે અને મને એ જોઈએ છે. લગ્નની સાથે આવતા તમામ અધિકાર મને કુદરતની અને સમાજની બક્ષિસ લાગે છે. રહી વાત પરેડની તો હું કૉલેજમાં આવી ત્યાં સુધી મારી સેક્સ્યુઆલિટીને લઈને બહુ પરેશાન હતી. સેલ્ફ-ડાઉટમાં જીવતી. કોઈ મિત્રો નહોતા મારે. છોકરાઓ સાથે ફૅમિલી પ્રેશરના કારણે મિત્રતા થઈ નહીં અને છોકરીઓની વાતો ક્યારેય ગમી નહીં, છતાં આકર્ષણ સ્ત્રીઓ માટે જ થતું. પણ હું મારી અંદરની ઊથલપાથલને સમજી નહોતી શકતી. મને આજે પણ એ દિવસ યાદ છે જ્યારે મેં જીવન ટૂંકાવવાનો નિર્ણય લીધો હતો. મેં નક્કી કરેલું કે લોકલ ટ્રેનના પાટા પર પડતું મૂકીશ. એ દિવસે સ્ટેશન જતા પહેલાં મેં પહેલી વાર જૂન મહિનાની પ્રાઇડ પરેડ જોઈ. અધિકાર માગતા, પોતાની સેક્સ્યુઆલિટીની વાતોને સ્લોગનની જેમ ગાતા-નાચતા લોકોને મેં પહેલી વાર જોયા. હું થીજી ગઈ. મને પહેલી વાર ખબર પડી કે હું એકલી નથી. એ પરેડમાંથી એક છોકરી મારા સુધી આવી અને મારા માથે હાથ મૂક્યો. તે મારો ચહેરો જોઈને ક્ષણમાં બધું પામી ગઈ. એ અજાણી છોકરી એવું બોલી હતી કે તને જીવવાનો અધિકાર છે. પ્રાઇડ પરેડ તમને જીવનમાં ગૌરવપૂર્વક જીવવાની હિંમત આપે છે. આપણે એકલા નથી એ લાગણી બહુ મોટી છે અનિકા!’
અનિકા સંજનાની પાસે આવી. સંજનાનો હાથ પ્રેમથી પકડીને તેની બાજુમાં બેસી ગઈ. રણજિતને ડર લાગ્યો કે આ ચર્ચા હવે કઈ દિશામાં આગળ વધશે?
‘સંજના, તારી હિંમતને સલામ. તું બિન્દાસ છે. જીવન ખૂલીને જીવે છે. મને કાયમ અભિવ્યક્ત થવા સમજાવે છે પણ મારા એક પ્રશ્નનો સાચો જવાબ આપજે. શું તું ખરેખર ખૂલીને જીવે છે ખરી? જો હા, તો તારી આ પ્રાઇડ પરેડમાં જઈને તું કેમ તારા ચહેરા પર માસ્ક લગાવે છે? મેં તો મારા બાબાને આપણા સંબંધ વિશે ખૂલીને વાત કરી દીધી. તારામાં છે હિંમત તારાં પોતાનાં માબાપ આગળ પોતાના સત્ય વિશે વાત કરવાની? દુનિયા સામે આપણે નથી લડવું પણ તારા પોતાના લોકો સામે ટકી શકે છે? બોલ.’
સંજનાની આંખો છલકાઈ. પોતાનો હાથ તેણે અનિકાની હથેળીમાંથી સરકાવી લીધો. એક નજર તેણે રણજિત તરફ કરી ત્યાં સુધીમાં ગાલ પર આંસુ નીતરી ગયું. તેણે કશુંક બોલવાનો પ્રયત્ન કર્યો પણ રડી પડાશે એ ડરમાં ઉતાવળા પગે ઘરમાંથી બહાર નીકળી ગઈ.
ઘરમાં સન્નાટો પથરાયો. અનિકા નીચી નજર કરી ક્યાંય સુધી બેસી રહી. ઘડિયાળનો કાંટો દોડી રહ્યો હતો. રણજિત પાસે કોઈ શબ્દો બચ્યા નહોતા. જતાં-જતાં પણ આવા એક દૃશ્યના સાક્ષી બનવાનો વારો આવશે એવી કલ્પના તેમણે નહોતી કરી. મેજર રણજિત ધ્રૂજતા પગે અનિકા પાસે આવ્યા અને અનિકાના ખભે હાથ મૂક્યો, ‘બાબા, તમારી ટૅક્સી આવી ગઈ છે. તમારી ફ્લાઇટ સમયસર છે. તમે જાઓ. હું મને સંભાળી લઈશ, ટેવ પડી ગઈ છે મને.’
અનિકાએ બાબાની પૈડાંવાળી બૅગ ઊંચકી અને ટૅક્સી તરફ ચાલી.
મેજર રણજિત અધવચ્ચે ઊભા હતા, અસ્થિર!
(ક્રમશ:)


