Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > બ્રાઝિલમાં પણ ટ્રમ્પવાળી થઈ : વિશ્વમાં લોકશાહીનાં વળતાં પાણી

બ્રાઝિલમાં પણ ટ્રમ્પવાળી થઈ : વિશ્વમાં લોકશાહીનાં વળતાં પાણી

15 January, 2023 03:06 PM IST | Mumbai
Raj Goswami

આખી દુનિયામાં ઉદાર લોકશાહી (લિબરલ ડેમોક્રસી)નાં વળતાં પાણી છે. આપખુદ શાસકો સત્તામાં રહેવા માટે લોકવાદનો સહારો લઈ રહ્યા છે, કાનૂનના રાજની ઐસીતૈસી કરી રહ્યા છે, મીડિયાને પક્ષપાતી બનાવીને પોતાના સમર્થનમાં એનો ઉપયોગ કરી રહ્યા છે

બ્રાઝિલમાં પણ ટ્રમ્પવાળી થઈ : વિશ્વમાં લોકશાહીનાં વળતાં પાણી

ક્રૉસલાઇન

બ્રાઝિલમાં પણ ટ્રમ્પવાળી થઈ : વિશ્વમાં લોકશાહીનાં વળતાં પાણી


આખી દુનિયામાં ઉદાર લોકશાહી (લિબરલ ડેમોક્રસી)નાં વળતાં પાણી છે. આપખુદ શાસકો સત્તામાં રહેવા માટે લોકવાદનો સહારો લઈ રહ્યા છે, કાનૂનના રાજની ઐસીતૈસી કરી રહ્યા છે, મીડિયાને પક્ષપાતી બનાવીને પોતાના સમર્થનમાં એનો ઉપયોગ કરી રહ્યા છે, વિરોધીઓ પર પોલીસની ધોંસ જમાવી રહ્યા છે, બોલવાના મૌલિક અધિકારને કચડી રહ્યા છે અને મતાધિકારને છીનવી રહ્યા છે

અમેરિકાના ઉદ્ધત પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પના સમર્થકોએ કૅપિટલ હિલ પર તોફાન કર્યું હતું એ યાદ છે? ૨૦૨૧માં અમેરિકાના ૪૬મા રાષ્ટ્રપતિની ચૂંટણીને આખરી મહોર (સર્ટિફિકેશન) મારવા માટે મળેલી અમેરિકાની પ્રતિનિધિસભાની બેઠક દરમિયાન ચૂંટણી હારી ગયેલા ટ્રમ્પના સમર્થકોએ રાજધાની વૉશિંગ્ટનમાં કૅપિટલ હિલ (સંસદભવન) પર ચડાઈ કરીને ચાર કલાક સુધી તોફાન મચાવ્યું હતું. એમાં ચાર લોકોનાં મોત પણ થઈ ગયાં હતાં.



રાષ્ટ્રપતિના ચૂંટણીપ્રચાર દરમિયાન ટ્રમ્પને એક પત્રકારે પૂછ્યું હતું કે ચૂંટણી પરિણામો પછી તમે શાંતિપૂર્ણ રીતે સત્તાના હસ્તાંતરણની ખાતરી આપશો? ત્યારે તેમણે કહ્યું હતું કે ‘એ તો જોવું પડશે. એમ હસ્તાંતરણ નહીં થાય. તમને તો ખબર જ છે કે ટપાલથી આવેલા મતો માટે મને વાંધો છે.’ કૅપિટલ હિલમાં દુનિયાએ જે દૃશ્યો જોયાં હતાં એ લોકશાહી માટે શરમજનક હતાં. નવનિર્વાચિત જો બાઇડેને ત્યારે કહ્યું હતું કે ‘આ વખતે આપણા લોકતંત્ર પર હુમલો થયો છે. મને આશા નહોતી કે અમેરિકાએ આવો દિવસ જોવો પડશે. સ્વતંત્રતાના ગઢ અને ગણતંત્રના મંદિર કૅપિટલ હિલ પર આવો હુમલો આધુનિક સમયમાં ક્યારેય જોવા નથી મળ્યો.’


હવે એવી જ ઘટનાનું પુનરાવર્તન બ્રાઝિલમાં થયું છે. ટ્રમ્પના જ ભાઈબંધ ગણાતા જમણેરી નેતા અને ભૂતપૂર્વ પ્રેસિડન્ટ જૈર બોલ્સોનારોના સેંકડો સમર્થકોએ ગયા રવિવારે બ્રાઝિલની કૉન્ગ્રેસ, રાષ્ટ્રપતિભવન અને સુપ્રીમ કોર્ટના બિલ્ડિંગ પર ધાવો બોલાવીને તોફાન મચાવ્યું હતું. મિલિટરી ઑફિસરમાંથી ૨૦૧૮માં પ્રેસિડન્ટ બનેલા બોલ્સોનારો ૨૦૨૨માં બ્રાઝિલની ચૂંટણી હારી ગયા હતા. તેમણે પણ એ પરિણામો સ્વીકારવાની ના પાડી દીધી હતી અને વખતોવખત સમર્થકોને ઉશ્કેરતા રહેતા હતા.

બોલ્સોનારોના હરીફ અને વર્તમાન ડાબેરી પ્રેસિડન્ટ લુઇઝ સિલ્વાએ આ હુમલાને ફાસિસ્ટ કટ્ટરવાદીઓનો હુમલો ગણાવ્યો છે. તેમણે આ તોફાનો માટે બોલ્સોનારોને જ જવાબદાર ઠેરવ્યા હતા અને કહ્યું હતું કે બધાને ખબર છે કે ભૂતપૂર્વ પ્રેસિડન્ટ તેમનાં અલગ-અલગ ભાષણોમાં લોકોને ચડાવી રહ્યા હતા. હુમલો એટલો બેધડક હતો કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિતના નેતાઓએ એની લોકશાહી પરના હુમલા તરીકે નિંદા કરી હતી.
સુપરપાવર અમેરિકા અને વિશ્વની છઠ્ઠી સૌથી મોટી અર્થવ્યવસ્થા બ્રાઝિલની આ ઘટનાઓ એક ઊંડી સમસ્યા તરફ ઇશારો કરે છે કે વિશ્વમાં લોકશાહીનું પતન થઈ રહ્યું છે. ચીન અને રશિયામાં એકહથ્થુ શાસન ચાલે છે. ઇઝરાયલમાં બેન્જામિન નેતન્યાહુની સરકાર લોકતાંત્રિક સંસ્થાઓની સ્વતંત્રતા ખતમ કરી રહી છે. ટ્રમ્પ બીજી ટર્મ લડવાની તૈયારી કરી રહ્યા છે.  
આખી દુનિયામાં ઉદાર લોકશાહી (લિબરલ ડેમોક્રસી)નાં વળતાં પાણી છે. આપખુદ શાસકો સત્તામાં રહેવા માટે લોકવાદનો સહારો લઈ રહ્યા છે, કાનૂનના રાજની ઐસીતૈસી કરી રહ્યા છે, મીડિયાને પક્ષપાતી બનાવીને પોતાના સમર્થનમાં એનો ઉપયોગ કરી રહ્યા છે, વિરોધીઓ પર પોલીસની ધોંસ જમાવી રહ્યા છે, બોલવાના મૌલિક અધિકારને કચડી રહ્યા છે અને મતાધિકારને છીનવી રહ્યા છે.


આમાં માત્ર સત્તાવાદી નેતાઓનો જ વાંક છે એવું નથી. લોકશાહી ‘ધાર્યું પરિણામ’ આપવામાં નિષ્ફળ ગઈ છે એવી લોકોમાં પણ માન્યતા બળવત્તર બની રહી છે. ૨૦૧૯માં રજૂ થયેલા એક અભ્યાસમાં અનુમાન કરવામાં આવ્યું હતું કે એની કેટલીક માળખાગત ખામીઓ અને મર્યાદાઓને કારણે લોકશાહી પોતાના ભારથી જ તૂટી પડવાની છે.

કૅલિફૉર્નિયા યુનિવર્સિટીમાં રાજકીય મનોવિજ્ઞાનના પ્રોફેસર શોન રોઝેન્બર્ગે ૨૦૧૯માં લિસ્બનમાં મળેલી ઇન્ટરનૅશનલ સોસાયટી ઑફ પૉલિટિકલ સાઇકોલૉજિસ્ટની વાર્ષિક મીટિંગમાં એક રિસર્ચ પેપર રજૂ કર્યું હતું : ડેમોક્રસી ડેવોરિંગ ઇટસેલ્ફ : ધ રાઇઝ ઑફ ઇન્કૉમ્પિટન્ટ સિટિઝન ઍન્ડ ધી અપીલ ઑફ રાઇટ વિંગ પૉપ્યુલિઝમ (લોકશાહી ખુદને જ ગળી રહી છે : અણઘડ નાગરિકનો ઉદય અને જમણેરી લોકવાદનું આકર્ષણ). એ પેપરમાં તેમણે લોકશાહીના પતન માટે આપખુદશાહી અને જમણેરી શાસકોને નહીં પણ નાગરિકોને જવાબદાર ઠેરવ્યા હતા.

રોઝેન્બર્ગનો તર્ક આ પ્રમાણે હતો : ‘લોકશાહીને જાળવવા માટે નાગરિકો પાસે જરૂરી બૌદ્ધિક અને ભાવનાત્મક ક્ષમતા નથી. આ ઊણપને મોટા ભાગના આધુનિક ઇતિહાસ દરમ્યાન રાજકીય ભદ્ર વર્ગે પૂરી કરી હતી, પણ આ વર્ગ ઉત્તરોતર હાંસિયામાં ધકેલાતો ગયો છે. પરિણામે અજ્ઞાની નાગરિકો નોધારા થઈ ગયા છે, જેને કારણે અમેરિકા અને વિશ્વમાં બીજે જમણેરી લોકવાદી સરકારો આવી છે. લોકવાદ ભાવનાત્મક રીતે વધુ સંતોષજનક હોય છે.’ લોકવાદ એટલે લોકોને ગમે એવી રીતે કામ કરવું અથવા બોલવું અને એનાં પરિણામોની ચિંતા ન કરવી એ (કારણ કે પરિણામોની જવાબદારી પણ નાગરિકોની જ રહે છે).
આ સમજવા જેવું છે. મોટા ભાગના સાધારણ નાગરિકોને સ્વતંત્રતા, સમાનતા, ન્યાય, માનવ અધિકાર જેવાં લોકતાંત્રિક મૂલ્યો ન તો સમજમાં આવે છે કે ન તો તેમના જીવનમાં એની પ્રાથમિકતા હોય છે. તેમને તો તેમના જીવનની બુનિયાદી જરૂરિયાતોની જ ચિંતા હોય છે. લોકશાહીનાં મૂલ્યોનું જતન કરવાની જવાબદારી હંમેશાં સમાજના મુઠ્ઠીભર રાજકીય બૌદ્ધિકોના હાથમાં રહી હતી અને તેઓ જ લોકશાહીનું શાસન ચલાવતા હતા.
આ મૂલ્યો એટલાં મહત્ત્વનાં બની ગયાં કે બહુમતી નાગરિકોમાં એવી લાગણી ઘર કરી ગઈ કે લોકશાહી વધારે પડતી ઉદાર છે અને ઉદારતાવાદી શાસકો સાધારણ માણસો અને તેમની ભાવનાથી તદ્દન કપાઈ ગયેલા છે. બીજા અર્થમાં કહીએ તો લોકોમાં એવી માન્યતા મજબૂત બની કે ‘લોકો માટેની’ લોકશાહી અમુક લોકો માટે જ છે. 
લોકવાદનો પ્રવેશ અહીંથી થાય છે. લોકવાદ લોકશાહીનું જ શીર્ષાસન છે. લોકશાહીમાં જે વાત મૂલ્યો અને સિદ્ધાંતો પર ખરી ઊતરે એનો જ અમલ કરવામાં આવે. લોકવાદમાં જે વાત લોકલાગણીઓ પર ખરી ઊતરે એનો અમલ કરવામાં આવે. 
વીસમી સદીનો ઉત્તરાર્ધ લોકશાહીનો સુવર્ણ યુગ હતો. એક સર્વે પ્રમાણે ૧૯૪૫માં પૂરા વિશ્વમાં માત્ર ૧૨ લોકશાહીઓ હતી. સદીના અંતે એની સંખ્યા ૮૭ની થઈ ગઈ હતી. એ પછી ઊલટો ઊથલો વાગ્યો. એકવીસમી સદીના પહેલા દાયકામાં લોકશાહીની આગેકૂચ અચાનક થંભી ગઈ અને પીછેહઠ શરૂ થઈ. અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, હંગેરી, બ્રાઝિલ અને પોલૅન્ડમાં જમણેરી નેતાઓ સત્તામાં આવી ગયા કે આવી રહ્યા છે. 
ઘણાં ઉદાહરણો છે જ્યાં લોકશાહીઓનું પતન થયું છે અને જે હયાત છે એના પાયા હચમચી રહ્યા છે. જનકલ્યાણના નામે શાસકોમાં અબાધિત સત્તાઓ હાથમાં લેવાનું વલણ વધતું જાય છે. અફઘાનિસ્તાનમાં લોકશાહીનું ૨૦ વર્ષમાં જ બાળમરણ થયું. અફઘાનિસ્તાન એક લેસન છે કે શા માટે લોકશાહીને સાચવવી જોઈએ, એને મજબૂત અને કાર્યક્ષમ બનાવવી જોઈએ. નહીં તો ૨૦૪૫ સુધીમાં દુનિયામાં એની સંખ્યા ૧૨થી નીચે આવી જશે. તાલિબાનો જુદા-જુદા રંગ, રૂપ અને કદમાં દરેક રાષ્ટ્રમાં છે.
રોઝેન્બર્ગ કહે છે કે લોકશાહીની જગ્યાએ એવી લોકવાદી જમણેરી સરકારો સત્તામાં આવશે જે લોકોને જટિલ સમસ્યાઓના સરળ ઉપાયો બતાવશે.
મુદ્દાની વાત અહીં જ છે. લોકશાહી પરિશ્રમથી ઊભી થયેલી વ્યવસ્થા છે. એના માટે નાગરિકોથી લઈને નેતાઓ સુધીના લોકોએ ઘણાબધા વિરોધાભાસો અને વિવિધતાઓ સાથે જીવવાનું શીખવું પડે છે. લોકશાહીમાં લોકોએ ભિન્ન મતને જગ્યા આપવી પડે છે, સચ્ચાઈ અને જૂઠમાં ફરક કરવો પડે છે, શિસ્ત અને તર્કનું સન્માન કરવું પડે છે અને આપણા જેવા ન હોય એવા લોકોને પણ સમાવવા પડે છે. આવા અભિગમો આધુનિક શિક્ષણ અને લોકતાંત્રિક વ્યવસ્થાઓમાંથી આવ્યા છે. માણસ જ્યારે કબીલામાં રહેતો હતો ત્યારે તેને ભિન્નતાની દરકાર કરવાની જરૂર નહોતી.
રોઝેન્બર્ગ મનોવિજ્ઞાનનો સહારો લઈને કહે છે કે બુનિયાદીરૂપે માણસ પૂર્વગ્રહવાળો છે. સદીઓથી માણસે તેનાથી ભિન્ન (રંગમાં, ભાષામાં, સંસ્કૃતિમાં, માન્યતાઓમાં) હોય એવા માણસો માટે આભડછેટ રાખી છે. ‘અમે અને તમે’ એ માણસનો મૂળભૂત સ્વભાવ રહ્યો છે અને એ વિવિધ રીતે તેની સામાજિક વ્યવસ્થામાં પડઘાતો રહ્યો છે. લોકશાહી આવા પૂર્વગ્રહો પરનો વિજય હતો; પરંતુ એ પૂર્વગ્રહો નાબૂદ થયા નહોતા, સુષુપ્ત અવસ્થામાં હતા. આધુનિક લોકશાહી માટે આ પૂર્વગ્રહો જોખમી બની રહ્યા છે. 
લોકોને તેમની સમસ્યાના સહેલા ઉપાયો જોઈએ છીએ, કારણ કે તેમને વોટ આપવા સિવાયની બીજી કોઈ બૌદ્ધિક બાબતોની સમજ નથી. પ્રાચીન ગ્રીક ચિંતક સૉક્રેટિસે સદીઓ પહેલાં કહ્યું હતું કે ‘લોકશાહીમાં લોકોને વિચાર કરીને મત આપવા માટે શીખવવું પડે, પણ લોકોમાં એટલી વિચારશક્તિ નથી એટલે લોકશાહી નહીં ચાલે.’
સૉક્રેટિસ અત્યારે જીવતો હોત તો હસ્યો હોત.

લાસ્ટ લાઇન

‘એમ તો ગટર પણ ખૂબસૂરત લાગે, પરંતુ એના માટે સૂવરની આંખ જોઈએ.’ 
ગુમનામ

Whatsapp-channel Whatsapp-channel

15 January, 2023 03:06 PM IST | Mumbai | Raj Goswami

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK