Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > એ સમયે શ્રીમંત અને ઉમરાવ લોકો ઘરમાં હાઉસકોટ પહેરતા

એ સમયે શ્રીમંત અને ઉમરાવ લોકો ઘરમાં હાઉસકોટ પહેરતા

10 May, 2022 12:40 PM IST | Mumbai
Sarita Joshi | sarita.joshi@mid-day.com

માએ તો એવી રીતે તૈયારી ચાલુ કરી દીધી હતી જાણે તેના જીવનમાં બીજું કોઈ કામ જ ન હોય. મારા માટે તેણે ખાસ હાઉસકોટ કરાવ્યો. મારા ફાધર એ હાઉસકોટ પહેરીને ચીરૂટ પીતા આરામખુરસી પર બેસતા એ દૃશ્ય આજે પણ મને યાદ છે

એ સમયે શ્રીમંત અને ઉમરાવ લોકો ઘરમાં હાઉસકોટ પહેરતા એક માત્ર સરિતા

એ સમયે શ્રીમંત અને ઉમરાવ લોકો ઘરમાં હાઉસકોટ પહેરતા


સૌથી પહેલાં તો તમારા સૌનો ખૂબ, ખૂબ, ખૂબ આભાર કે તમે મારી આ યાત્રામાં જોડાયા છો અને મને નિયમિત પ્રતિસાદ આપો છો. ગયા અઠવાડિયે હું વિપુલ મહેતાની રિલીઝ થયેલી એક નવી ફિલ્મના પ્રીમિયરમાં ગઈ હતી. બહુ બધા મિત્રો, સાથી-કલાકારો અને બીજા લોકો મળ્યા. તેમની પાસેથી પણ જાણ્યું કે તેઓ સૌ નિયમિત આ કૉલમ વાંચે છે. અભિભૂત થઈ જવાય જ્યારે આવી વાત આપણને ખબર પડે ત્યારે. કેટલાક મિત્રોએ તો સામેથી એવી પણ તૈયારી દર્શાવી કે તેમની પાસે મારા અગાઉનાં નાટકોના ફોટોગ્રાફ હશે તો એ મોકલશે, તો કેટલાક મિત્રોએ એવી વાતો કરી જે વાતો તો હું ક્યાંય પાછળ છોડીને નીકળી ગઈ હતી. અમુક કિસ્સા પણ મને મારા જ નાટકના તેમણે યાદ કરાવ્યા અને અમુક કિસ્સા તેમને મળવાને કારણે મને યાદ આવી ગયા. સાહેબ, આ વાતો તમારી સાથે શૅર કરવાનું કારણ એ કે તમે અહીં પણ મને સ્વીકારી છે. તખ્તા પર પણ સ્વીકાર કર્યો અને કાગળ પર પણ મને આવકારી, બિરદાવી અને સરાહના કરી. આપનો ખૂબ ખૂબ આભાર. 
એક કલાકાર જેમ પ્રેક્ષક વિના ક્યારેય બને નહીં એવી જ રીતે એક લેખક પણ તેમના વાચકો વિના ક્યારેય પ્રસ્થાપિત ન થાય. આપ સૌ આમ જ મારી આ જર્નીમાં જોડાયેલા રહો અને આપણે ફરી વખત એ આખું જીવન વાગોળીએ જે આજે યાદો બનીને મારા માનસપટ પર રહી ગયું છે. એવી યાદો છે એ જે આંખોમાં પાણી પણ ભરી દે છે અને હોઠ પર સ્મિત પણ પાથરી દે છે. એવી યાદો છે એ જે શરીરમાં નવી ઊર્જા પણ ભરે છે અને મનમાં નવો ઓજસ પણ પાથરે છે. તમે આપેલો સાથ ક્યારેય એળે નહીં જાય એનો વિશ્વાસ રાખજો અને આમ જ વાંચતા રહેજો. વન્સ અગેઇન થૅન્ક યુ વેરી મચ અને હા, મને ઈ-મેઇલ કરતા રહેજો. હું અહીંથી જ તમને જવાબ આપતી રહીશ.
અગેઇન થૅન્ક યુ વેરી મચ.
હવે આવી જઈએ આપણી વાત પર.
વડોદરા, ચંપલ, કપડાં અને આઈનો એ પ્રેમ પણ એ વાતનું અનુસંધાન જોડતાં પહેલાં મારે ફરી એક વાર દિલ્હી વિશે વાત કરવી છે. જરૂરી છે એટલા માટે.
lll
આજે એક વાતનો પ્રેમપૂર્વક, આદરપૂર્વક હું સ્વીકાર કરું છું કે આજે મારું જે આ ઘડતર થયું છે એમાં અનેક લોકોનો ફાળો છે, હાથ છે. પ્રવીણનું નામ સૌથી પહેલું આવે, પણ હું કોઈ હિસાબે આઈ, પદ્‍મા કે શાલિનીદીદીને વીસરી ન શકું. શાલિનીદીદી સાથે દિલ્હીમાં પસાર કરેલા સમયે મને ખૂબ જ શીખવ્યું, સમજાવ્યું. શાલિનીદીદી મને પ્રેમ બહુ કરતી, ખવડાવતી-પિવડાવતી, સારાં-સારાં કપડાં લઈ આપતી અને સૌથી સારી રીતે રાખતી. તે મારી મોટી બહેન હતી અને કહે છેને, ‘પારકી મા કાન વીંધે.’ આ કહેવતનો અર્થ જરા પણ ખરાબ નથી. સમજો આ કહેવત તમે. પારકી મા શું કામ કાન વીંધે. એટલા માટે એ કામ પારકી મા જ કરી શકે કે તે બાળકને વેદના વચ્ચે પણ મન કઠણ રાખીને કાન વીંધાવી લે. સગી મા એવું ન કરી શકે. તેને તો એવું જ થયા કરે કે મારા બાળકને બહુ દુખશે અને એવા વિચારને લીધે તે કાન વીંધવાની પ્રક્રિયા પાછળ ઠેલ્યા કરે.
શાલિનીદીદીએ મને ઘણું શીખવ્યું, ઘણું સમજાવ્યું અને સાચું કહું તો તે પહેલેથી જ જરા આળસુ હતી. મારા ફાધરની લાડકી દીકરી એટલે સહેજ આળસ આપમેળે જ આવી જાય અને હું તો પહેલેથી એકલી રહેવા ટેવાયેલી એટલે કામ કરવાની બાબતમાં સહજપણે ચીવટ આવી ગઈ હતી. સ્વચ્છતાનો આગ્રહ પણ પહેલેથી, જેને વધારે મજબૂત કરવાનું કામ શાલિનીદીદીએ કર્યું અને એ માટે તેમનો ખૂબ ખૂબ આભાર. આજે પણ મારા જીવનમાં ચોખ્ખાઈને પહેલું સ્થાન છે. જો સર્વન્ટ ન હોય તો હું પોતે મારા હાથે એકેક કામ કરું અને ફર્નિચર પણ મારી જાતે સાફ કરું. મને કામનો ક્યારેય કંટાળો નથી આવ્યો, ક્યારેય નહીં. આ ગુણ મને નાનપણથી મળ્યા છે. આ ગુણ સાથે બીજો પણ એક ગુણ મારામાં નાનપણથી છે. નવું શીખવાનું આવે ત્યારે હું ખૂબ ઉત્સાહી થઈ જાઉં. શીખવાનું મને હંમેશાં ગમ્યું છે. તમે માનશો નહીં સાહેબ, પણ કોરોનાકાળમાં હું કેટકેટલું નવું શીખી. અરે, તમે કલ્પના પણ ન કરી હોય એટલું અને એવું-એવું હું શીખી છું. નવી-નવી વરાઇટી બનાવતાં પણ શીખી. શીખવું અને કામ કરતા રહેવું એ બે આદત મારા લોહીમાં છે, જે મને કોરોનાકાળમાં ખૂબ કામ લાગી. 
લોકો સર્વન્ટ વિના ટળવળતા. એવા અનેક લોકો મેં જોયા જેમણે ઘરને અઠવાડિયા સુધી સાફ ન કર્યું હોય, પણ હું તો એ કાળમાં પણ રાબેતા મુજબ જ, દિવસમાં બે વાર કચરા-પોતાંથી માંડીને બધી સફાઈ કરતી. સ્વચ્છતા અકબંધ રહે એ જોવાની જવાબદારી આપણા સૌની છે. આપણે ત્યાં કચરો લેવા આવે તેને ‘કચરાવાળો’ કહેવામાં આવે, પણ હકીકત તો એ છે કે તે સફાઈવાળો છે, કચરાવાળા તો આપણે છીએ. સ્વામી સચ્ચિદાનંદે બહુ સરસ વાત ‘મિડ-ડે’માં જ લખી હતી. સ્વચ્છતા સંસ્કાર છે અને આપણે એ સંસ્કાર આપવાની ચીવટ લેવાની જરૂર છે. ઍનીવેઝ, મારી કર્મયાત્રામાં સાથ આપવા બદલ શાલિનીદીદીનો ખૂબ ખૂબ આભાર અને શાલિનીદીદીના પરિવારમાં સૌ સુખી રહે એવી ઈશ્વરને પ્રાર્થના.
lll
હું ઍક્ટ્રેસ બનીને, હિરોઇન બનીને હવે લીડ રોલમાં દેખાવાની છું એ જાણ્યા પછી ઘરમાં બધાને બહુ ઉત્સાહ હતો, પણ આઈનો ઉત્સાહ તો આસમાને હતો. કપડાં, સાડી, ચંપલ સહિતની બધી આઇટમ મારી આઈએ મને આપી. અરે ગાઉન સુધ્ધાં તેણે આપ્યાં. આ ગાઉન એટલે શું એ તમને સમજાવું.
પહેલાંના સમયમાં ઉમરાવ લોકો ઘરમાં ગાઉન પહેરતા. બહાર જવાનાં કપડાં એમ જ પહેરેલાં હોય, પણ એની ઉપર ઘૂંટણ સુધીનો ગાઉન આવી જાય. એ ગાઉનને હાઉસકોટ પણ કહેવાય. મારા ફાધર ગાઉન પહેરીને ચીરૂટ પીતા બેઠા હોય એ દૃશ્ય આજે પણ મારી આંખ સામે તરવરે છે. 
મારી આઈએ મને હાઉસકોટ કરાવી આપ્યો. ફાધરની વિદાય પછી અમારા ઘરમાંથી હાઉસકોટની પ્રથા લગભગ ચાલી જ ગઈ હતી અને એ પછી સીધો હાઉસકોટ મેં, મારે માટે આઈ કરાવી લાવી ત્યારે જોયો.
‘ઇન્દુ, આ તું છેને મેકઅપ કરવા બેસે ત્યારે પહેરજે. તારાં કપડાં બગડે નહીં.’
હું આઈને જોતી રહી. આઈની આંખોમાં સહેજ પાણી આવી ગયું હતું. હું તેને તાકતી જોતી રહી એટલે આઈએ તરત નજર ફેરવી લીધી.
‘તું આ પહેરી જો, ફિટિંગ કરાવવાનું હશે તો અત્યારે જ થઈ જાય.’
‘આઈ, માપ તો તારી પાસે હોય જને મારું...’ મેં આઈને બેસાડીને પૂછ્યું, ‘આ હાઉસકોટ તને કેમ યાદ આવ્યો?’
‘એ તો મેં હમણાં એક પિક્ચરમાં જોયો હતો. ગાયત્રીદેવી પહેરે છે...’ આઈએ મહામહેનતે આંસુ રોક્યાં હતાં, ‘બહુ આગળ વધજે ઇન્દુ, ક્યાંય પાછી નહીં પડતી.’
અનાયાસ તો જુઓ સાહેબ, આ વાત લખું છું ત્યારે મધર્સ ડે છે. આઈનો ફોટો મારી સામે છે અને આજે મારી આંખમાં પાણી છે. મને અત્યારે પણ આઈનો અવાજ સંભળાય છે. એ દિવસે આઈ બહુ બધું બોલી હતી, પણ એક વાક્ય જે બોલી એ મારાથી ક્યારેય ભુલાવાનું નથી.
‘ભલે તને બધા સરિતા-સરિતા કરીને બોલાવે, પણ હું તો ત્યારે પણ તને ઇન્દુ જ કહેવાની છું... સરિતા તું બીજા માટે, મારે માટે તો મારી ઇન્દુ જ રહીશ...’
મિત્રો, સાવ સાચી વાત છે. બાબલો સાહેબ બની જાય તો પણ માબાપ માટે તો તે જિંદગીભર બાબલો જ રહે અને તેમની સામે બાબલા બની રહેવામાં જ સાર છે.

સ્વચ્છતા અકબંધ રહે એ જોવાની જવાબદારી આપણા સૌની છે. આપણે ત્યાં કચરો લેવા આવે તેને ‘કચરાવાળો’ કહેવામાં આવે, પણ હકીકત તો એ છે કે તે સફાઈવાળો છે, કચરાવાળા તો આપણે છીએ. સ્વામી સચ્ચિદાનંદે બહુ સરસ વાત ‘મિડ-ડે’માં કહી હતી. સ્વચ્છતા સંસ્કાર છે અને આપણે એ સંસ્કાર આપવાની ચીવટ લેવાની જરૂર છે.


Whatsapp-channel Whatsapp-channel

10 May, 2022 12:40 PM IST | Mumbai | Sarita Joshi

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK