Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > સ્ટાર વૉર્સ ગ્લૅમર વર્લ્ડના માફિયાઓની ક્રાઇમ-ગેમ (પ્રકરણ ૧૪)

સ્ટાર વૉર્સ ગ્લૅમર વર્લ્ડના માફિયાઓની ક્રાઇમ-ગેમ (પ્રકરણ ૧૪)

21 January, 2023 07:16 AM IST | Mumbai
Aashu Patel | feedbackgmd@mid-day.com

‘ભાઈ, અભી અભી મુઝે એક પોલીસ ઑફિસર દોસ્તને કૉલ કિયા કિ આપ કે શૂટર લોગને મેરા નામ દે દિયા હૈ કિ શાહનવાઝને પૃથ્વીરાજ કો મારને કે લિએ સુપારી દી થી! મેરે લિએ તો બહોત બડા પ્રૉબ્લેમ ખડા હો ગયા હૈ ભાઈ’

સ્ટાર વૉર્સ ગ્લૅમર વર્લ્ડના માફિયાઓની ક્રાઇમ-ગેમ

સ્ટાર વૉર્સ ગ્લૅમર વર્લ્ડના માફિયાઓની ક્રાઇમ-ગેમ


‘પ્રતાપસિંહજીએ કહ્યું છે કે હવે શાહનવાઝને માત્ર ફાયરિંગથી ડરાવવાનો નથી, પરંતુ શાહનવાઝને ગોળી વાગવી જોઈએ. તેને મારી નથી નાખવાનો, પરંતુ તેને ગોળી વાગવી જોઈએ,’ જનસેવા પાર્ટીના નેતા તિવારીએ ડૉન રઘુને કહ્યું.
તિવારીના એ શબ્દો સાંભળીને રઘુને પરસેવો વળી ગયો.
તેણે કહ્યું, ‘લેકિન...’
‘પ્રતાપસિંહજી કી યે કન્ડિશન હૈ,’ તિવારીએ ભારપૂર્વક કહ્યું.
રઘુના મોંમાંથી ગાળ નીકળતાં-નીકળતાં રહી ગઈ, પણ તેના પર અત્યારે વિશાલ સિંહનું પ્રચંડ દબાણ હતું. વિશાલ સિંહ સંખ્યાબંધ પોલીસ કર્મચારીઓ સાથે તેના બંગલોને ચારે બાજુથી ઘેરીને ઊભો હતો એટલે તેની પાસે બીજો કોઈ છૂટકો નહોતો. તેણે વિચાર્યું કે અત્યારે એક વખત વિશાલ સિંહને પાછો વાળી શકાય તો પછી જોયું જશે. તેણે કહ્યું, ‘ઠીક છે, હું પ્રતાપસિંહજીની શરતનું પાલન કરવા માટે તૈયાર છું,પણ આ સિંહને પાછો વાળી દો, પ્લીઝ.’

તિવારીએ કહ્યું, ‘હું હમણાં જ પ્રતાપસિંહજીને રિક્વેસ્ટ કરીને વિશાલ સિંહને પાછો વાળવાની કોશિશ કરું છું.’
‘કોશિશ નહીં, કોઈ પણ રીતે તેને પાછો વાળી દો, પ્લીઝ. તમારો આ ઉપકાર જિંદગીભર નહીં ભૂલું.’



પોતાના માણસો સામે ઊભા હોવા છતાં રઘુએ અહંકાર, શરમ અને ક્ષોભ બધું છોડીને તિવારીને આજીજીભર્યા સ્વરે કહ્યું. મૃત્યુનો ખોફ ભલભલા માણસોને ડરાવી દેતો હોય છે. જેના નામથી આખું લખનઉ ધ્રૂજતું હતું એવો રઘુ પણ અત્યારે એન્કાઉન્ટરના ડરથી ફફડી રહ્યો હતો. તેનો ફફડાટ જોઈને તેના ગુંડાઓ પણ ભયથી કાંપી રહ્યા હતા.
lll
પૃથ્વીરાજ ગોળીના જખમને કારણે થયેલી વેદના કરતાં વધુ તો આઘાતને કારણે થોડી વાર માટે બેહોશ થઈ ગયો હતો. તેને મોત નજર સામે દેખાઈ ગયું હતું. સોફિયા પણ થોડી સેકન્ડ માટે હતપ્રભ બની ગઈ હતી. જોકે થોડી સેકન્ડ્સ પછી તેણે ચીસાચીસ કરી મૂકી હતી.


પૃથ્વીરાજની કારની બાજુમાં પોલીસ વૅન આવી પહોંચી હતી. કેટલાક પોલીસમેન કાર તરફ દોડ્યા હતા તો કેટલાક ચિકના અને યેડાને પકડવા દોડ્યા હતા. એ દરમિયાન તમાશો જોવા ધસી આવેલા માણસો પૈકી કેટલાક બોનેટ પર ઝૂકીને અને સોફિયા બેઠી હતી એ બાજુથી પોતાના મોબાઇલ ફોનથી ફોટોઝ અને વિડિયોઝ લેવા માંડ્યા હતા.

એમાંથી કોઈ યુવાન ઓળખી ગયો કે આ તો સોફિયા અને પૃથ્વીરાજ છે. તેણે બૂમ પાડી કે ‘કારમાં ફિલ્મ સ્ટાર્સ પૃથ્વીરાજ અને સોફિયા છે!’
એ સાથે એકઠા થયેલા માણસોમાં વધુ ઉત્તેજના ફેલાઈ ગઈ. એક ઉત્સાહી યુવાને ફેસબુક લાઇવ શરૂ કરીને અવાજ ફાટી જાય એ રીતે કોમેન્ટ્રી આપવા માંડી કે ‘આપ દેખ સકતે હૈં કિ યહાં સુપર સ્ટાર પૃથ્વીરાજ ઔર ઉસ કી ગર્લફ્રેન્ડ ઍક્ટ્રેસ સોફિયા પર અટૅક હુઆ હૈ. પૃથ્વીરાજ કો ગોલી લગી હૈ ઔર સોફિયા ચીખ રહી હૈ. પૃથ્વીરાજ કો ગોલી મારનેવાલે દો ગુંડોં કો પુલીસ પકડ ચૂકી હૈ...’


આ બાજુ સોફિયા ચીસો પાડતાં-પાડતાં પૃથ્વીરાજના ગાલ થપથપાવીને તેને હોશમાં લાવવાની કોશિશ કરી રહી હતી. એ દરમિયાન ચિકના અને યેડા પકડાઈ ચૂક્યા હતા એટલે સોફિયાનો ડ્રાઇવર પૃથ્વીની કાર નજીક દોડી ગયો હતો. તેણે જોયું કે પૃથ્વીનું માથું સોફિયાના ખભા પર ઝૂકેલું હતું અને સોફિયા બેબાકળી બનીને ‘પૃથ્વી, પૃથ્વી...’ એવી બૂમો પાડી રહી હતી. આ સ્થિતિમાં શું કરવું એ તેને ન સમજાયું. તેણે બૂમ પાડી, ‘મૅડમ મૈં પાની લાતા હૂં.’

તે પાણી લેવા માટે સોફિયાની કાર તરફ દોડ્યો. તે પાછો આવ્યો એ દરમિયાન પોલીસમેન પૃથ્વીની કાર પાસે એકઠી થયેલી ભીડ હટાવવાના કામે લાગી ગઈ હતી. ભીડ વધી રહી હતી એટલે અસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર જાધવે લાઠીચાર્જ કરવાનો આદેશ આપવો પડ્યો. પૃથ્વીનો અંગત સહાયક અને ડ્રાઇવર પણ કારની નજીક પહોંચ્યા હતા, પણ પોલીસે તેમનેય દૂર ભગાવી દીધા.    
થોડી વારમાં આખા દેશમાં એ વાત ફેલાઈ ગઈ કે પૃથ્વીરાજ અને સોફિયા પનવેલ નજીક હાઇવે પર કારમાં રોમૅન્સ કરી રહ્યા હતા એ દરમિયાન તેમની હત્યાની કોશિશ થઈ હતી અને તેમના પર ફાયરિંગ કરનારા બે ગુંડાઓની ધરપકડ પોલીસે કરી લીધી છે.
lll
‘ભાઈ, એક પ્રૉબ્લેમ હો ગયા હૈ, અપને બચ્ચોંને પૃથ્વીરાજ પે ફાયરિંગ કી લેકિન થોડી ગડબડ હો ગઈ હૈ. પૃથ્વીરાજ કો ગોલી લગ ગઈ હૈ ઔર અપને દોનોં બચ્ચે પુલીસ કે હાથ લગ ગએ હૈં...’
ફરીદ ગભરાયેલા અવાજે હૈદરને કહી રહ્યો હતો.
હૈદરે ઊંચા અવાજે કહ્યું, ‘તુમ લોગોં સે એક કામ ભી ઠીક સે નહીં હો પા રહા હૈ? મૈંને સિર્ફ ફાયરિંગ કરને 
કે લિએ કહા થા, ગોલી મારને કો નહીં!’
‘મૈંને ચિકના કો બહોત સમઝા કે ભેજા થા ભાઈ.’ ફરીદે બચાવની કોશિશ કરી. 
‘હો ગયા સો હો ગયા. અબ સૂન...’ હૈદરે સૂચના આપતાં કહ્યું.
‘જી, ભાઈ. સમઝ ગયા.’ હૈદરે વાત પૂરી કરી એટલે ફરીદે કહ્યું.
lll
‘ચાલો ફટાફટ બોલવા માંડો, મને થર્ડ ડિગ્રી અજમાવવાનો કોઈ શોખ નથી!’
અસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેક્ટર જાધવ પનવેલ પોલીસ સ્ટેશનમાં તેમની કૅબિનમાં જમીન પર બેઠેલા ચિકના અને યેડાને કહી રહ્યા હતા.
ચિકનાએ કહ્યું, ‘પૃથ્વીરાજે ભૂતકાળમાં મારું અપમાન કર્યું હતું એટલે મેં તેનો બદલો લેવા માટે તેના પર ફાયરિંગ કર્યું.’
એ સાથે જ જાધવે તેને પૂરી તાકાતથી લાત મારી. ચિકના થોડા ફુટ પાછળ ફંગોળાયો અને તેનું માથું દીવાલમાં અથડાયું. જાધવ તેની પાસે ધસી ગયા. તેમણે પોતાની પ્રાઇવેટ પિસ્ટલ તેના લમણે  મૂકીને કહ્યું, ‘આ પિસ્ટલમાં જે ગોળીઓ છે એનો હિસાબ મારે ડિપાર્ટમેન્ટને કે સરકારને નથી આપવો પડતો!’
ચિકના શાર્પશૂટર હતો અને ઘણા પોલીસવાળાઓ જોડે તેનો પનારો પડી ચૂક્યો હતો. તે તો આના માટે માનસિક રીતે તૈયાર હતો, પરંતુ જાધવે તેને લાત મારીને તેના લમણે જે રીતે પિસ્ટલ ધરી દીધી એ જોઈને યેડાનું પૅન્ટ ભીંજાઈ ગયું. તેણે કહ્યું, ‘મૈં બતાતા હૂં, મૈં બતાતા હૂં.’
ચિકનાએ યેડા સામે જોઈને તેને અટકાવવાની કોશિશ કરી, પરંતુ જાદવે તેને ફરી વાર લાત મારી અને યેડાને ઇશારો કર્યો કે બોલવા માંડ.

યેડાએ કહ્યું, ‘શાહનવાઝને પૃથ્વીરાજ કી સુપારી દી થી ઇસ લિયે હૈદરભાઈને પૃથ્વીરાજ કો મારને કા ઑર્ડર દિયા થા. મૈં તો પહલી બાર ઐસે ઑપરેશન પે નિકલા થા. મુઝે તો સિર્ફ બાઇક ચલાને કે લિએ દસ હજાર રૂપિયા મિલેગા ઐસા યે ચિકનાને કહા થા. સા’બ મુઝે મત મારના. મેરી પિછલે સાલ હી શાદી હુઈ હૈ. મેરા છોટા બચ્ચા હૈ, સા’બ...’
lll
‘ભાઈ, અભી અભી મુઝે એક પોલીસ ઑફિસર દોસ્તને કૉલ કિયા કિ આપ કે શૂટર લોગને મેરા નામ દે દિયા હૈ કિ શાહનવાઝને પૃથ્વીરાજ કો મારને કે લિએ સુપારી દી થી! મેરે લિએ તો બહોત બડા પ્રૉબ્લેમ ખડા હો ગયા હૈ ભાઈ,’
શાહનવાઝ ગભરાયેલા અવાજે હૈદરને ફોન પર કહી રહ્યો હતો.
‘પ્રૉબ્લેમ તો તુને મેરે લિએ ખડી કર દી હૈ, @&#$% !’ હૈદરે જિંદગીમાં પહેલી વાર શાહનવાઝને ગાળ આપી દીધી!
‘ભાઈ, પ્લીઝ આપ કા બચ્ચા સમઝ કે માફ કર દો મુઝે. લેકિન કુછ કરો, પ્લીઝ. મુઝે માલૂમ હૈ કિ આપ કુછ રાસ્તા નિકાલ સકતે હો...’
‘એટલે જ હું તને ના પાડતો હતો કે પૃથ્વીરાજને મારવાનો વિચાર પડતો મૂકી દે. આવા ઑપરેશનમાં થોડું પણ મિસફાયર થાય તો મોટી ધમાલ થઈ જાય. આ તો સારું થયું કે પૃથ્વીરાજ બચી ગયો, નહીં તો તારે આખી જિંદગી જેલમાં વિતાવવી પડી હોત.’ હૈદર શાહનવાઝ પર ભડકી ગયો.
‘લેકિન ભાઈ અભી મેરે લિએ...’
શાહનવાઝની વાત કાપતાં હૈદરે ઊંચા અવાજે કહ્યું, ‘તારાથી વધુ નુકસાન તો મારું થયું છે. તારી જીદને કારણે મેં પૃથ્વીરાજ પર હાથ નાખવાની ભૂલ કરી છે એટલે હવે પોલીસ નકલી એન્કાઉન્ટરમાં મારા બીજા બે-ચાર શૂટર્સને મારી નાખશે. મેં તને કેટલો સમજાવ્યો હતો, પણ તું કોઈ વાત માનવા તૈયાર નહોતો. તારી બેવકૂફીની સજા મારે ચૂકવવી પડશે. પૃથ્વીરાજનો બાપ કેટલો પાવરફુલ છે એની તને ખબર છે? તારી જીદ મને બહુ મોંઘી પાડવાની છે.’
‘ભાઈ, હવે હું શું કરું?’ શાહનવાઝનો અવાજ ધ્રૂજી રહ્યો હતો.
‘તારે જે કરવું હોય એ કર હવે! મારી સલાહ તેં ન માની એનું પરિણામ આ આવ્યું. મારું પણ દિમાગ ખરાબ થઈ ગયું હતું કે મેં તારી વાત માની લીધી! હવે તને ઠીક લાગે એમ કર,’ હૈદરે કહી દીધું.
‘ભાઈ..’
શાહનવાઝ આગળ બોલવા ગયો, પણ હૈદરે કૉલ ડિસકનેક્ટ કરી નાખ્યો. એ પછી તેણે તેની સામે બેઠેલા તેના નાના ભાઈ યાસીન સામે જોઈને લુચ્ચું સ્મિત કર્યું!
lll
‘રઘુ મૈં તુમ કો આખરી બાર ચેતાવની દે રહા હૂં. સરન્ડર હો જાઓ વરના આગે જો ભી હોગા ઉસકે લિએ પુલીસ જિમ્મેદાર નહીં હોગી.’ આઇપીએસ વિશાલ સિંહ લાઉડસ્પીકર પર વૉર્નિંગ આપી રહ્યા હતા.
રઘુ નિઃસહાય બનીને તિવારીના ફોનની રાહ જોઈ રહ્યો હતો.
lll
‘સર, વો પૂરી તરહ સે ઘબરા ગયા હૈ ઔર અબ હમ જો બોલેંગે વહી વો કરેગા.’
તિવારી પ્રતાપરાજને કહી રહ્યો હતો.
પ્રતાપરાજે કહ્યું, ‘ઠીક છે, હું હમણાં તેને આદેશ અપાવું છું.’
તેમણે લખનઉના પોલીસ કમિશનરને કૉલ કરવા માટે મોબાઇલ ફોન હાથમાં લીધો. એ જ વખતે તેમના ફોન પર મુંબઈથી કોઈનો કૉલ આવ્યો. તેમણે કૉલ રિસીવ કર્યો અને ફોન કાને માંડ્યો.
કૉલ કરનારે ઉતાવળે અને ગભરાયેલા અવાજે કહ્યું, ‘પૃથ્વીરાજ પર ગોળીબાર થયો છે.’
પ્રતાપસિંહ ઝટકા સાથે ઊભા 
થઈ ગયા. તેમણે પ્રશ્નોની ઝડી વરસાવી દીધી, ‘કબ? કહાં? કૈસા હૈ પૃથ્વી?’
તિવારીના ચહેરા પર પણ ટેન્શન આવી ગયું.
સામે છેડેથી કોઈએ વાત પૂરી કરી એટલે પ્રતાપસિંહે કૉલ ડિસ્કનેક્ટ કર્યો અને તિવારી સામે જોઈને કહ્યું, ‘કોઈએ પૃથ્વીને ગોળી મારી છે. હું હમણાં જ મુંબઈ જવા નીકળું છે. તું પણ સાથે આવે છે.’
પ્રતાપરાજે પ્લેનની વ્યવસ્થા કરવા માટે કૉલ લગાવવા માટે તેમના અંગત સહાયકને આદેશ આપ્યો. અને પછી તેમણે તિવારી તરફ ફરીને કહ્યું, ‘પેલા હરામખોર રઘુને કહી દે કે તે ચોવીસ કલાકમાં શાહનવાઝને મારી નાખવા તૈયાર હોય તો જ વિશાલ સિંહથી બચી શકશે. નહીં તો હું વિશાલ સિંહને કહીને હમણાં જ તેને એન્કાઉન્ટરમાં ઉડાવી દેવાનો આદેશ આપું છું!’

આ પણ વાંચો: સ્ટાર વૉર્સ ગ્લૅમર વર્લ્ડના માફિયાઓની ક્રાઇમ-ગેમ (પ્રકરણ ૧૩)

વધુ આવતા શનિવારે...

Whatsapp-channel Whatsapp-channel

21 January, 2023 07:16 AM IST | Mumbai | Aashu Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK