Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > રાજ કપૂર જાણે ચાહકોને કહેતા હતા, ‘જાઇએગા નહીં, મેરા તમાશા અભી ખત્મ નહીં હુઆ’

રાજ કપૂર જાણે ચાહકોને કહેતા હતા, ‘જાઇએગા નહીં, મેરા તમાશા અભી ખત્મ નહીં હુઆ’

06 August, 2022 12:43 PM IST | Mumbai
Rajani Mehta | rajnimehta45@gmail.com

પ્રેક્ષકોની માગને વશ થવાને બદલે તેમને ‘ઇન્સપાયર’ કરે એવી ફિલ્મો બનાવવાની હથોટી રાજ કપૂર પાસે હતી. એમ છતાં ‘મેરા નામ જોકર’ નિષ્ફળ ગઈ એનું બીજું એક મોટું કારણ હતું પ્રેક્ષકો. 

બની અને ક્રિષ્ના રુબેન, રાજ કપૂર અને ક્રિષ્ણા કપૂરની સાથે.

વો જબ યાદ આએ

બની અને ક્રિષ્ના રુબેન, રાજ કપૂર અને ક્રિષ્ણા કપૂરની સાથે.


Tell the audience what you are going to say, say it; then tell them what you have said.
--- Dale Carnegie [American writer]
ડિરેક્ટરનું પહેલું કામ એ છે કે તેને પ્રેક્ષકોને કહેવું પડે છે કે હું શું કહેવા માગું છું. એટલું જ નહીં; ત્યાર બાદ પોતે શું કહ્યું છે એની જાણ કરવી પણ જરૂરી છે, કારણ કે જો ઑડિયન્સને ખબર હોત કે એને શું જોઈએ છે; તો પછી એ ઑડિયન્સ નહીં, પણ કલાકાર હોત. સૌથી અગત્યની વાત એ ધ્યાનમાં રાખવાની છે કે તમારા ઑડિયન્સને જાણવું. એક ક્વોટેશન યાદ આવે છે, ‘Don’t cater to the audience, inspire them. પ્રેક્ષકોની માગને વશ થવાને બદલે તેમને ‘ઇન્સપાયર’ કરે એવી ફિલ્મો બનાવવાની હથોટી રાજ કપૂર પાસે હતી. એમ છતાં ‘મેરા નામ જોકર’ નિષ્ફળ ગઈ એનું બીજું એક મોટું કારણ હતું પ્રેક્ષકો. 
ઘણી વાર એવું બનતું હોય છે કે ફિલ્મ નિષ્ફળ નથી જતી, પ્રેક્ષકો નિષ્ફળ જાય છે. ‘મેરા નામ જોકર’ની નિષ્ફળતાનો પૂરો દોષ રાજ કપૂરને આપવો એ તેમને અન્યાય કરવા બરાબર હશે. પ્રેક્ષકો પણ એ માટે ઓછા જવાબદાર નહોતા. દરેક પ્રેક્ષક જ્યારે ફિલ્મ (કે નાટક કે પછી સંગીતનો કોઈ કાર્યક્રમ) જોવા જાય ત્યારે એની અપેક્ષા એ હોય કે કલાકાર તેનું ૧૦૦ ટકા યોગદાન એ ‘પર્ફોર્મન્સ’માં આપે. સામે પક્ષે તેની ફરજ બની રહે છે કે એક પ્રેક્ષક તરીકે તે ઊણો ન ઊતરે. ક્યાંક વાંચ્યું હતું, ‘Unless You bring some poetry within yourself, poetry will not come to you.’ માનસિક રીતે પ્રેક્ષકોની આવી સજ્જતા ન હોય, તો પછી કલાકારને દોષ આપવાનો તેને કોઈ હક નથી હોતો. 
‘મેરા નામ જોકર’ રિલીઝ થતાં જ એની પર એક ‘ફ્લોપ’ ફિલ્મનું લેબલ લાગી ગયું, પણ આજે એની ગણના એક ‘ માસ્ટરપીસ’ ફિલ્મ તરીકે થાય છે. ફિલ્મ તરીકે એ નબળી ફિલ્મ નહોતી. એની રજૂઆત અને માવજત અદ્ભુત હતી, પરંતુ રાજ કપૂરની મોટામાં મોટી ભૂલ એ થઈ કે ‘આવારા’થી શરૂ કરીને તેમની બાકીની દરેક ફિલ્મના કેન્દ્રમાં એક સામાન્ય માનવીની વેદના અને સંવેદનાની વાતો હતી. એટલું જ નહીં, આર. કે.ની બહારની ફિલ્મોમાં પણ મોટા ભાગે રાજ કપૂરે પોતાની એ ઇમેજનો સફ્ળતાપૂર્વક ઉપયોગ કર્યો. 
૧૯૫૦થી શરૂ થયેલી આ પ્રક્રિયા ૧૯૭૦ સુધીમાં ચવાઈને ચુથ્થો થઈ ચૂકી હતી. ભારતની આર્થિક અને સામાજિક વ્યવસ્થા સાથે લોકોની માનસિકતામાં ઘણો બદલાવ આવી ચૂક્યો હતો. નીતિનિયમોનાં ધોરણ કથળતા જતાં હતા. ફિલ્મોમાં રોમાન્સની વ્યાખ્યા બદલાઈ ચૂકી હતી. ભાગેડુ ફિલ્મોની રજૂઆત, જેમાં મારધાડનું પ્રમાણ વધારે હોય, એવી ફિલ્મોનો યુગ શરૂ થઈ ચૂક્યો હતો. 
આ તો થઈ સમાજનાં બદલાતાં મૂલ્યોની વાત, જે ફિલ્મની નિષ્ફળતાનાં અનેક કારણોમાંનાં થોડાં કારણો હતાં. ફિલ્મનું સંગીત ભલે લોકપ્રિય થયું પરંતુ શંકર-જયકિશન તેમનું સર્વોત્તમ આપી ચૂક્યા હતા. બંને વચ્ચે ૧૯૬૫માં મનદુખ થયું એટલે તેઓ સ્વતંત્ર સંગીતકાર તરીકે કામ કરતા હતા. (એમ છતાં બંનેએ નક્કી કર્યું કે સંગીતકાર તરીકે શંકર–જયકિશન નામ જ ટાઇટલમાં આવશે. છૂટા પડ્યા બાદ સંગીતકાર તરીકે જયકિશનની પહેલી ફિલ્મ હતી રામાનંદ સાગરની ‘આરઝુ’. ફિલ્મ માટે જયકિશને પાંચ લાખ રૂપિયા માગ્યા, કારણ કે રાજેન્દ્ર કુમારને પણ એટલા જ પૈસા મળ્યા હતા. ફિલ્મની એક કવ્વાલી ‘જબ ઇશ્ક કહીં હો જાતા હૈ, તબ ઐસી હાલત હોતી હૈ’ માટે જયકિશનના સૂચન પર શંકરે ૨૫,૦૦૦ રૂપિયા લઈને ગીત સ્વરબદ્ધ કર્યું હતું. આર. કે. સાથેના ભાવનાત્મક સંબંધોને કારણે બંનેએ ‘મેરા નામ જોકર’ ફિલ્મ સાઇન કરી હતી.) 
એ સમયે ફિલ્મોમાં અમિતાભ બચ્ચન અને રાજેશ ખન્નાનો ઉદય થયો અને હિન્દી ફિલ્મો ‘ઍક્શન’ અને રોમૅન્ટિક’ એમ બે મુખ્ય ધારામાં વહેંચાઈ ગઈ. એ સાથે સંગીતના સુવર્ણ યુગનો સંધિકાળ આવ્યો. ફિલ્મસંગીતમાં કેવળ ‘મેલડી’ની જગ્યાએ ‘રિધમ’ને પણ એટલું જ મહત્ત્વ અપાવા લાગ્યું. ધુરંધર સંગીતકાર સચિન દેવ બર્મન, ઓ. પી. નય્યર, શંકર-જયકિશન, મદન મોહન, કલ્યાણજી-આણંદજીની સામે આર. ડી. બર્મન, લક્ષ્મીકાન્ત-પ્યારેલાલ અને અન્ય સંગીતકારોનો ઉદય થયો. આમ સમગ્રપણે મનોરંજનની વ્યાખ્યા બદલાઈ ગઈ. 
એ દિવસોમાં ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં એક નવો ટ્રેન્ડ શરૂ થયો હતો. અહીં જૂથબંધીની શરૂઆત થઈ હતી અને હરીફ પ્રોડ્યુસર્સની ફિલ્મોની ‘નેગેટિવ પબ્લિસિટી’ કરવા માટે સાગમટે ટિકિટો ખરીદવામાં આવતી. અડધી ફિલ્મમાં ‘ભાડૂતી’ પ્રેક્ષકો મોટા અવાજે ટીકા કરતાં થિયેટરમાંથી બહાર નીકળતા જાય. ‘મેરા નામ જોકર’ આ જૂથબંદીનો ભોગ બની. આવાં અનેક કારણો ફિલ્મની નિષ્ફળતા માટે જવાબદાર હતાં એ વાતનો કોઈ ઇનકાર ન કરી શકે. 
એમ છતાં ૭૦ના દાયકામાં વિદેશોમાં ‘મેરા નામ જોકર’ ખૂબ જ સફળ રહી. લૅટિન અમેરિકા, પેરુ, બ્રાઝિલ, આર્જેન્ટિના અને દક્ષિણ આફ્રિકના અનેક દેશોમાં ફિલ્મે બૉક્સ-ઑફિસ કલેક્શનના અનેક રેકૉર્ડ તોડ્યા. જોકે રશિયામાં આ ફિલ્મ તે દિવસોમાં ૧૫ લાખ રૂપિયાની રેકૉર્ડ કિંમતે વેચાઈ હોવા છતાં ‘આવારા’ અને ‘શ્રી ૪૨૦’ જેટલી લોકપ્રિય ન થઈ. 
 ૮૦ના દાયકામાં જ્યારે જ્યારે ટૂંક સમય માટે, કે પછી ફિલ્મ-ફેસ્ટિવલ માટે ફિલ્મ થિયેટરમાં રિલીઝ થતી ત્યારે હાઉસફુલ થઈ જતી. ત્યાર બાદ વિડિયો સર્કિટમાં પણ આ ફિલ્મ એટલી જ લોકપ્રિય હતી. જોકે એ સમયે ફરી એક વાર રાજ કપૂરે એનું ‘રી-એડિટિંગ’ કરીને લંબાઈ ઓછી કરી નાખી હતી. 
વિચાર કરો, દરેક એડિટિંગ વખતે ફિલ્મનાં કેટલાંય અગત્યનાં દૃશ્યો પર કાતર ફરી હશે? ફિલ્મનું દરેક ચૅપ્ટર એક અલગ ફિલ્મ બની શકે એટલું લાંબું હતું. ત્રણ ફિલ્મોને એડિટ કરીને એક ફિલ્મમાં સમાવવી એ કામ શક્ય જ નહોતું. એમ છતાં જો એ ફિલ્મ પાછલાં વર્ષોમાં લોકપ્રિય થઈ હોય તો એ કલ્પના જ કરવી રહી કે અનેક યાદગાર દૃશ્યો દર્શકો જોઈ ન શક્યા. 
‘મેરા નામ જોકર’ની નિષ્ફળતા રાજ કપૂરને લાંબા સમય સુધી વ્યથિત કરતી રહી. રણધીર કપૂર એક ઇન્ટરવ્યુમાં કહે છે, ‘એક પત્રકારે રાજસાબને પૂછ્યું, ‘તમે અનેક ફિલ્મો બનાવી. એમાંની કઈ ફિલ્મ તમારા દિલની સૌથી નજીક છે?’
તેમનો જવાબ હતો, ‘મેરા નામ જોકર’.
પત્રકારે કહ્યું, ‘એ તો તમારા જીવનની ‘બિગેસ્ટ ફ્લોપ’ હતી.’ 
રાજસાબે કહ્યું, ‘મા બાપને દરેક સંતાન વહાલું હોય છે, પરંતુ જે સંતાનમાં થોડી ખોડખાંપણ હોય, તેના માટે વિશેષ લગાવ હોય છે. ‘મેરા નામ જોકર’ એક એવી ફિલ્મ હતી કે મારી લાખ કોશિશ બાદ એમાં ઘણી ઊણપ રહી ગઈ હતી. કાશ, હું તેની વધુ સારી રીતે માવજત કરી શક્યો હોત.’ 
પત્રકાર બની રુબેન એક ઇન્ટરવ્યુમાં કહે છે, ‘ફિલ્મનાં અનેક યાદગાર દૃશ્યો એડિટિંગ ટેબલ પર કપાઈ ગયાં એનું મને પણ દુખ હતું. થોડાં વર્ષો પહેલાં ચેમ્બુરના કૉટેજમાં અમે બેઠા હતા ત્યારે મેં રાજ કપૂરને એક પ્રશ્ન કર્યો, ‘દરેક ફિલ્મ માટે તમે ‘ઓવરશૂટ’ કરો છો એ તમારી જૂની આદત છે. મને લાગે છે દરેક ફિલ્મનાં ઓછામાં ઓછાં બે ગીત અને અમુક પ્રસંગો તમે એડિટિંગમાં કટ કરો છો. ‘મેરા નામ જોકર’માં તમે સર્કસનાં જાનવરો સાથેનાં અનેક રમૂજી દૃશ્યો અને ખેલાડીઓનાં દિલધડક કારનામાંઓ ફિલ્મમાં સામેલ નથી કર્યાં. ‘સંગમ’, ‘બૉબી’, ‘સત્યમ્ શિવમ્ સુંદરમ્’, ‘પ્રેમરોગ’, ‘રામ તેરી ગંગા મૈલી’; દરેક ફિલ્મનાં એડિટ કરેલાં ગીત અને દૃશ્યો તમારી પાસે છે. એ દરેકનું સંકલન કરીને, તમારી ‘રનિંગ કૉમેન્ટરી’ સાથેની એક ડૉક્યુમેન્ટરી ફિલ્મ બનાવો, જેમાં તમે પરદા પર આવીને પ્રેક્ષકોને એ પડદા પાછળની રોમાંચક વાતો કરો તો દર્શકો માટે એક અનોખો અનુભવ બની રહેશે. એટલું જ નહીં, ડિસ્ટ્રિબ્યુટર્સ પણ આ પ્રોજેક્ટ માટે તમને મોંમાગી કિંમત આપશે.’
ફિલ્મી દુનિયાના એક મહાન ‘શોમૅન’ બેચેન થઈને થોડી ક્ષણો મારી સામે જોઈ રહ્યા. તેમના ચહેરાના હાવભાવ એટલા દયામણા હતા કે હું એ નક્કી નહોતો કરી શકતો કે એ ‘સેલ્ફ પીટી’ હતી કે અફસોસ? તેમનો જવાબ હતો. ‘મારી પાસે કોઈ ‘ફુટેજ’ નથી. જગ્યાની તંગીને કારણે ફિલ્મોમાંથી કાપી નાખેલાં દૃશ્યોનું ‘ફુટેજ’ ભંગારમાં વેચી દેવામાં આવતું.’
‘મેરા નામ જોકર’ની નિષ્ફળતા પછીનો સમય રાજ કપૂર માટે આત્મનિરીક્ષણનો સમય હતો. એક અભિનેતા અને પ્રોડ્યુસર-ડિરેક્ટર તરીકે તે કારકિર્દીના ‘ક્રૉસ રોડ’ પર ઊભા હતા. હૉલીવુડની ફિલ્મોમાં કેરી ગ્રાન્ટ, જેમ્સ સ્ટુઅર્ટ અને હમ્ફ્રી બોગાર્ટ જેવા કલાકારો ૬૦ વર્ષ બાદ પણ હીરોના રોલ કરતા. આ તો બૉલીવુડ હતું. એક વાત નક્કી હતી. હીરો તરીકે તેમની કારકિર્દી પૂરી થઈ ગઈ હતી. એ સિવાય ત્યાં સુધીના રાજ કપૂરના જીવનનું સરવૈયું કાઢીએ તો તેમણે અનેક ચીજ ગુમાવી હતી. ‘પ્રોફેશનલ’ અને ‘પર્સનલ’ લાઇફના ખાતામાં જમા કરતાં ઉધારનું લિસ્ટ લાંબું હતું. આર. કે. ફિલ્મ્સના લેબલની વિશ્વસનીયતા સામે અનેક પ્રશ્નો ઊભા હતા. 
જેમ ફિલ્મમાં ઇન્ટરવલ આવે એમ રાજ કપૂરના જીવનનો આ તબક્કો ઇન્ટરવલનો હતો. ‘આગ’થી ‘મેરા નામ જોકર’ એ રાજ કપૂરની કારકિર્દીની ફિલ્મોગ્રાફીનો ઇન્ટરવલ એટલા માટે કહેવાય કે રાજ કપૂર ફરી પાછા તેમની બીજી ઇનિંગ્સની તૈયારી કરવા બેચેન હતા. એ પોતાના ચાહકોને કહેતા હતા. ‘જાઇએગા નહીં, મેરા તમાશા અભી ખત્મ નહીં હુઆ.’ 
જેને જાતમાં શ્રદ્ધા હોય એ વિપરીત પરિસ્થિતિઓમાં પણ મનોમન એમ જ કહે છે:
કહો દુશ્મનને દરિયાની જેમ હું 
પાછો જરૂર આવીશ 
એ મારી ઓટ જોઈને 
કિનારે ઘર બનાવે છે 
મરીઝ


Whatsapp-channel Whatsapp-channel

06 August, 2022 12:43 PM IST | Mumbai | Rajani Mehta

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK