Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > કૅપ્ટન અમેરિકા અને હલ્ક : અર્જુન અને ભીમ

કૅપ્ટન અમેરિકા અને હલ્ક : અર્જુન અને ભીમ

24 April, 2022 11:16 AM IST | Mumbai
Bhavya Gandhi | feedbackgmd@mid-day.com

આ સામ્ય સાવ ખોટું નથી. એક વખત આપણાં આ પાત્રોની કૅરૅક્ટરિસ્ટિક જોઈ લેશો તો તમને સમજાશે કે સુપરહીરોની દુનિયા તો આપણી પાસે પણ અદ્ભુત છે

પ્રતીકાત્મક તસવીર

આરંભ હૈ પ્રચંડ

પ્રતીકાત્મક તસવીર


હલ્ક અને ભીમ વચ્ચે કોઈ ફરક નથી. કૅપ્ટન અમેરિકાનું અચૂક નિશાન આજે પણ અજુર્નનું પાત્ર યાદ કરાવે છે. થોરનો વજનદાર હથોડો અને ભીમની વજનદાર ગદા વચ્ચે સામ્ય છે. જેમ ભીમની ગદા તેના સિવાય કોઈ ઊંચકી નહોતું શકતું એવું જ થોરના હથોડા સાથે છે. હનુમાનજી ઊડી શકતા અને સુપરમૅન પણ ઊડે છે. 

આપણી પાસે સુપરહીરો કેટલા છે?



જો હું તમને આ સવાલ પૂછું કે તરત તમે જવાબ આપશો કે આર્યનમૅન, કૅપ્ટન અમેરિકા, સ્પાઇડરમૅન, બ્લૅક પૅન્થર, બૅટમૅન અને થોર. જોકે મારો સવાલ હજી પણ એમ જ અકબંધ છે.


આપણી પાસે સુપરહીરો કેટલા છે? હું ઇન્ડિયન સુપરહીરોની વાત કરું છું. તમને અત્યારે કેટલા ઇન્ડિયન સુપરહીરોનાં નામ યાદ છે? બહુ યાદ કરવાની કોશિશ કરશો તો તમને હૃતિક રોશન બન્યો હતો એ ક્રિશનું નામ યાદ આવશે અને જો તમારી મેમરી બહુ સારી હશે તો તમે શક્તિમાન યાદ કરાવશો. બસ, વાત અહીં પૂરી. બહુ ટ્રાય કરશો તો પણ તમને ત્રીજું નામ યાદ નહીં આવે, કારણ કે આપણી પાસે ખરેખર સુપરહીરો બહુ ઓછા છે અને હું તો કહીશ કે આપણી પાસે સુપરહીરો છે જ નહીં અને આપણા ટૉપિકની શરૂઆત પણ અહીંથી જ થાય છે કે તમે ક્યારેય વિચાર કર્યો કે આપણી પાસે સુપરહીરો શું કામ નથી? શું આપણી પાસે એ સુપરહીરોને લાયક સ્ટોરી નથી કે પછી આપણી પાસે સુપરહીરો કૅરૅક્ટર ડેવલપ કરવાની ક્ષમતા નથી, ક્રીએટિવિટી નથી? આપણે શું કામ અમેરિકાની માર્વેલ કે ડીસી કૉમિક્સની જેમ ફ્રૅન્ચાઇઝી ન બનાવી શકીએ? આપણે શું કામ સુપરહીરો તૈયાર ન કરી શકીએ? આપણે કરી શકવાને કૅપેબલ છીએ એ પછી પણ કેમ આપણે સુપરહીરો ડિઝાઇન નથી કરતા?

આ અને આ સિવાયના તમામ સવાલોના જવાબો જાણવા અને સમજવા જેવા છે.


સૌથી પહેલાં આપણે સમજવું પડે કે સુપરહીરોની જરૂર કયારે પડે, શું કામ પડે અને આ સુપરહીરોની કૅપેસિટી શું? આ સુપરહીરોની પોતાની જવાબદારી પણ છે અને સુપરહીરોની મૉરલિટી પણ છે. તમે અમેરિકન એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીને જોશો તો તમને દેખાશે કે દુનિયામાં સૌથી વધુ સુપરહીરો અમેરિકાએ બનાવ્યા છે. એવું થવાનું કારણ પણ છે. સાવ એમ જ અમેરિકા સુપરહીરોની દુનિયામાં ઘૂસ્યું નથી.

અમેરિકા અત્યાર સુધીમાં બે વર્લ્ડ વૉર લડ્યું છે. અમેરિકા વિશ્વની એવી મહાસત્તા છે જેની સામે કોઈ માથું ઊંચું કરીને જોઈ શકે એમ નથી એટલે એ હવે દુશ્મન વિનાનો દેશ થઈ ગયો છે. કોઈ આવીને લડે નહીં, કોઈ હેરાનગતિ કરે નહીં, કોઈ વિરોધ પણ કરે નહીં એટલે અમેરિકાએ કૃત્રિમ ડરને શોધવાનું શરૂ કર્યું. અહીં સાઇકોલૉજી બહુ ઇમ્પોર્ટન્ટ છે. જો ડર હોય તો તમે એની સામે લડવાની સક્ષમતા કેળવો, કૅપેસિટી કેળવો. અમેરિકા સામે રિયલ ડર કોઈ રહ્યો નહીં એટલે એણે આર્ટિફિશ્યલ ફિયરની શોધ શરૂ કરી, જેને લીધે અમેરિકન રાઇટરોએ પરગ્રહવાસીઓના હુમલાઓ શોધવાનું શરૂ કર્યું, અજાણી બીમારીના જોરે ઝૉમ્બી પણ બનાવ્યા અને એ બધાની સામે જેને હીરો બનાવવામાં આવ્યા એ બન્યા સુપરહીરો. સુપરવિલન પણ આવ્યા અને એની સામે લડવા માટે સુપરહીરો પણ આવ્યા. તમને કહ્યું એમ અમેરિકા સામે કોઈ દુશ્મન હતું નહીં એટલે દુશ્મન તરીકે એલિયનને લાવવામાં આવ્યા.

બહારથી વિલન આવ્યા એટલે એમની સામે લડવા માટે પણ અદૃશ્ય તાકાત ધરાવતા હીરોનું સર્જન થયું અને એ લગાતાર ચાલતું ગયું. અમેરિકન સાઇકોલૉજી જુઓ તો તમને સમજાશે કે અમેરિકાને આમ પણ લાર્જર ધેન લાઇફ લાઇફસ્ટાઇલ અને એવા હીરો જ ગમ્યા છે. સુપરમૅને અને સ્પાઇડરમૅને બચ્ચાંઓને તો મજા કરાવી, પણ સાથોસાથ એ સુપરહીરોએ એલ્ડર્સને પણ મજા કરાવી અને એને લીધે અમેરિકાએ સુપરહીરોની લાઇન લગાવી દીધી. સુપરવિલન અને સુપરહીરો બનતા ગયા અને લોકો એનો આનંદ લેતા ગયા. અમેરિકનોની એક વાત કહું તમને.

અમેરિકાને હંમેશાં શક્તિશાળી અને હિંમતવાળી પર્સનાલિટી જ ગમી છે. બાયલા, રોતલ અને બે હાથ જોડીને ભગવાન પાસે હેલ્પ માગે એ આ પ્રજાને ક્યારેય ગમ્યું નથી. એ માને છે કે બધી તાકાત તમારી અંદર ભરી છે અને તમારે જ બધા માટે લડવાનું છે. આ બેઝિક વાતને અમેરિકન સર્જકોએ ખૂબ જ સારી રીતે પકડી લીધી અને સુપરહીરોનો ઢગલો કરી દીધો. તમે જુઓ તો ખરા. આજે અમેરિકામાં જેટલી રિયલિસ્ટિક ફિલ્મ રિલીઝ થાય છે એના કરતાં ઑલમોસ્ટ ડબલ કહેવાય એટલી તો આ પ્રકારના સુપરહીરોની ફિલ્મો બને છે અને બજેટ પણ કેવું તોતિંગ હોય છે. સલમાન અને શાહરુખની દસ ફિલ્મો બની જાય એના કરતાં પણ વધારે બજેટની આ સુપરહીરો ફિલ્મો હોય છે.

આપણે ત્યાં ગુજરાતી ફિલ્મ બે-અઢી કરોડની બને, જ્યારે હૉલીવુડની સુપરહીરો ફિલ્મના વીએફએક્સમાં ટાઇટલ બનાવવાનું બજેટ આટલા રૂપિયા હોય છે. જરા વિચારો કે આ જ વાસ્તવિકતા હોય તો પછી એ ફિલ્મો કયા સ્તર પર રિયલિસ્ટિક લાગતી હશે.

આપણે બે-ચાર સુપરહીરો બનાવવાની કોશિશ કરી, પણ એ પૉપ્યુલર થયા નહીં. એવું શું કામ બન્યું એ સમજવા તમારે થોડી હિસ્ટરી ચેક કરવી પડે.

આપણે હંમેશાં દુશ્મનોથી ઘેરાયેલો રહ્યા છીએ. જેની પાસે વાસ્તવમાં દુશ્મનોનો ઢગલો હોય એ કેવી રીતે કાલ્પનિક દુશ્મનોનો વિચાર પણ કરવાનો. આઝાદી પહેલાં સાડાત્રણસો વર્ષ આપણે અંગ્રેજોની દુશ્મની જોઈ અને આઝાદી પછી પણ આપણી પાસે અઢળક દુશ્મનો રહ્યા. આપણે મહાસત્તા પણ ક્યારેય રહ્યા નથી કે ન તો આપણે દુનિયાની આગેવાની લેવા સુધી પહોંચ્યા. આપણી પાસે જો કંઈ હતું તો એ હતી ગરીબી, ભૂખમરો અને અજ્ઞાનતા. આવા તો અનેક પ્રશ્નો હતા જેની સામે આપણે આગળ વધવાનું હતું અને એ જ કારણ હશે જેને લીધે આપણે હંમેશાં વાસ્તવિકતા સાથે લડતા રહ્યા. કદાચ એટલે જ આપણે એલિયન સાથે લડી શકાય એવા સુપરહીરો વિશે વિચાર્યું નહીં. આ સિવાયની પણ એક વાત છે.

અમેરિકા પાસે પોતાનું કલ્ચર, પોતાનો ઇતિહાસ નથી; પણ એની સામે આપણી પાસે આપણો પોતાનો ઇતિહાસ છે અને એ ઇતિહાસ પાસે કૃષ્ણ, ભીમ, અર્જુન, હનુમાન જેવાં પાત્રો છે જેમની શૌર્યગાથા આજે પણ આપણી આંખો આંજી દે છે. આપણે આ બધાં પાત્રોને ધાર્મિકતા સાથે જોડી દીધાં કે હવે એ બધાની સાથે શ્રદ્ધા જોડાઈ ગઈ. આપણે એ બધાને સુપરહીરો તરીકે પ્રેઝન્ટ કર્યા હોત તો આખો સિનારિયો જુદો હોત. જો એવું બન્યું હોત તો આપણી પાસે સુપરહીરોની આખી ફ્રૅન્ચાઇઝી હોત અને અમેરિકા આપણી પાસે પાણી ભરતું હોત. જોકે આપણી માનસિકતા અને આપણી વાસ્તવિકતાને કારણે એ દિશામાં કામ થયું નહીં, પણ આપણે કામ કરી શકીએ છીએ. હું આજે પણ જ્યારે હલ્કને જોઉં ત્યારે મને આપણો ભીમ જ યાદ આવે. આજે પણ જ્યારે કૅપ્ટન અમેરિકાનું અચૂક નિશાન દેખાય ત્યારે મને એમાં અજુર્નનું પાત્ર જ દેખાય. થોરનો હથોડો અને ભીમની ગદા વચ્ચે ભારોભાર સામ્ય છે. એવું કહેવાતું કે ભીમની ગદા તેના સિવાય કોઈ ઊંચકી નહોતું શકતું અને થોર માટે પણ આ જ વાત લાગુ પડે છે.

આપણે હવે એ દિશામાં વિચારવાની જરૂર છે. પંદર વર્ષ પહેલાં આવેલી ‘અવતાર’ નામની હૉલીવુડની ફિલ્મના લીડ ઍક્ટરને જુઓ તો તમને એમાં કૃષ્ણની ઝાંખી જ નજરે પડે. જો આ બધું તમારી પાસેથી એ લોકો લઈ જતા હોય તો તમારે જાગી જવાની જરૂર છે. હું તો કહીશ કે બીજું કશું ન થાય તો કંઈ નહીં, ઍટ લીસ્ટ ફરી વખત આ રામાયણ અને મહાભારતનાં પાત્રોની ગ્રાફિક બુક્સ માર્કેટમાં મળે એવું તો કરવું જ જોઈએ, કારણ કે એ જ સાચી દુનિયા હતી અને એ જ સાચી દુનિયા છે અને આપણી એ દુનિયા આજે બધા કૅપ્ટન અમેરિકા અને થોરના નામે જોઈ રહ્યા છે.

 

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝ પેપરનાં નહીં.)

Whatsapp-channel Whatsapp-channel

24 April, 2022 11:16 AM IST | Mumbai | Bhavya Gandhi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK