Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > કૅમેરાનો લેન્સ સેટ કરવાનો જુસ્સો ૮૫ વર્ષે ઓછો નથી થયો

કૅમેરાનો લેન્સ સેટ કરવાનો જુસ્સો ૮૫ વર્ષે ઓછો નથી થયો

17 August, 2022 02:31 PM IST | Mumbai
Varsha Chitaliya | varsha.chitaliya@mid-day.com

બર્ડ‍્સ ઍન્ડ બટરફ્લાયના ફોટાે પાડવા માટે ૭૦ના દાયકામાં મુંબઈના દૂરના પરા બોરીવલીમાં આવીને વસનારા ૮૫ વર્ષના અરવિંદ ભાટિયાએ ફોટોગ્રાફીના શોખને જીવંત રાખવા ભારતભરમાં ભ્રમણ કર્યું છે અને આ ઉંમરે પણ કૅમેરા લઈને બારી પાસે ગોઠવાઈ જાય છે

અરવિંદ ભાટિયા પૅશનપંતી

અરવિંદ ભાટિયા


૧૯૫૦ની સાલમાં ભારતના પ્રથમ પ્રજાસત્તાક દિવસે ધ્વજવંદન સમારોહની ક્ષણને કૅમેરામાં કૅપ્ચર કરવા ૧૧ વર્ષના બાળકે પોતાના બાપુજી પાસે કૅમેરા માગ્યો. બ્લૅક ઍન્ડ વાઇટના એ જમાનામાં પોતાનો અંગત કૅમેરા હોવો બહુ મોટી વાત હતી. એમાંય શાળામાં અભ્યાસ કરતો છોકરો એને હૅન્ડલ કરે ત્યારે જોનારાની આંખો પહોળી થઈ જાય. સમયના વહેણમાં ધ્વજવંદનનો ફોટોગ્રાફ ક્યાંક ખોવાઈ ગયો, પરંતુ આ શૉટથી ફોટોગ્રાફીની દુનિયામાં સફરની શરૂઆત કરનારા બોરીવલીમાં રહેતાં ૮૫ વર્ષના અરવિંદ ભાટિયા આજે પણ પોતાના પૅશનને વળગી રહ્યા છે. બ્લૅક ઍન્ડ વાઇટના જમાનાથી કલર ફોટોગ્રાફી સુધીની તેમની જર્ની વિશે આજે વાત કરીએ.

Picture Captured by Arvind Bhatia



ફ્લૅશબૅક
બાળપણની યાદોને તાજી કરતાં અરવિંદભાઈ કહે છે, ‘અમારો પરિવાર મહારાષ્ટ્રના જળગાંવ જિલ્લામાં આવેલા ધરણગાંવમાં રહેતો હતો. માંડ દસેક હજારની વસ્તી હશે. મારા પપ્પા પાસે બૉક્સ કૅમેરા હતો. એ જમાનામાં કાચ ઉપર ત્રણથી પાંચ ઇંચની સાઇઝની નેગેટિવ નીકળતી. કોડિંગ પણ જાતે કરતા. ધ્વજવંદનના દિવસે શાળામાં રમત-ગમતના કાર્યક્રમનું આયોજન કરેલું હતું. કાર્યક્રમના ફોટા ક્લિક કર્યા ત્યારે છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતો હતો અને મારી ઉંમર ૧૧ વર્ષની આસપાસ હતી. જોકે, આ ફોટા ક્યાં અને કઈ રીતે ખોવાઈ ગયા યાદ નથી. ફોટોગ્રાફીની કલા બૉક્સ કૅમેરામાં શીખ્યો. સ્કૂલ પછી ઉચ્ચ અભ્યાસ માટે મુંબઈ આવ્યો. પોદ્દાર કૉલેજમાંથી કૉમર્સમાં ગ્રૅજ્યુએટ થયા બાદ પ્રાઇવેટ કંપનીમાં અકાઉન્ટન્ટ તરીકે જોડાઈ ગયો. કામકાજની સાથે ફોટોગ્રાફીનો શોખ બરકરાર રાખ્યો. મુંબઈમાં અમે ઘાટકોપરમાં રહેતા હતા. રજાના દિવસોમાં કૅમેરા લઈને નીકળી જતો. કૉર્પોરેટ સેટ-અપમાં ૨૦ વર્ષ ગાળ્યા પછી મૅનેજમેન્ટ ચેન્જ થતાં નોકરીમાંથી મન ઊઠી ગયું. નોકરી છોડ્યા બાદ મારા પૅશન તરફ વધુ આગળ વધ્યો. બર્ડ્સ અને બટરફ્લાયની ફોટોગ્રાફી કરવા મળે એ માટે ૭૩ની સાલમાં બોરીવલી રહેવા આવી ગયા. એ વખતે મુંબઈના આ ઉપનગરમાં ખાડી અને જંગલ હતું. અમારા ઘરની ચારેય બાજુ વૃક્ષો હોવાથી આજે પણ ઘરની બારીમાં બર્ડ્સ અને બટરફ્લાય ખૂબ આવે છે.’ 


Picture Captured by Arvind Bhatia

ભારતભ્રમણ
વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફીનો શોખ ડેવલપ થયા બાદ ભારતભરનો પ્રવાસ ક્યારથી શરૂ થયો એ વિશે તેઓ કહે છે, ‘પક્ષીઓને તેમના કુદરતી વાતાવરણમાં કૅપ્ચર કરવાનો આનંદ ઉઠાવવા ૧૯૭૩થી ભારતીય જંગલોમાં મુસાફરી શરૂ કરી. ગુજરાત ટૂ આસમ એક્સપ્લોર કર્યું છે. ગીરનું જંગલ, નળસરોવર, વડોદરા, ભરતપુર, થાર ડેઝર્ટ, કાઝીરંગા નૅશનલ પાર્ક, કાશ્મીર વગેરે સ્થળોએ જઈને ફોટોગ્રાફી કરતો. મુંબઈથી ગુજરાત પોતાની કારમાં જ જતા. લાંબા અંતરનો પ્રવાસ ટ્રેનમાં કરતો. ફૅમિલીને એવી જગ્યાએ ફરવા લઈ જાઉં જ્યાં ફોટોગ્રાફી થઈ શકે. પ્રાકૃતિક વાતાવરણમાં પક્ષીઓના કલરવ વચ્ચે ફોટોગ્રાફી કરવાની જુદી જ મજા છે. ફ્રિકવન્ટલી ટ્રાવેલ કરવાનો સિલસિલો હમણાં સુધી ચાલુ રહ્યો. પૅન્ડેમિક પહેલાંનો છેલ્લો પ્રવાસ તામિલનાડુના કૂલીરનો કર્યો હતો. મારા દીકરાને ઍસ્ટ્રોનોમીમાં ખૂબ જ રસ છે. સૂર્યગ્રહણની મોમેન્ટને કૅપ્ચર કરવા આ સ્થળ પસંદ કર્યું હતું. ફોટોગ્રાફીનાં અંદાજે ૭૦ વર્ષ દરમ્યાન કૅમેરાની દુનિયામાં પણ ક્રાંતિ આવી છે. ભારતભ્રમણ દરમ્યાન આટલાં વર્ષોમાં બૉક્સ કૅમેરાથી લઈને કૅનન સુધીના વીસ કરતાં વધુ પ્રકારના પ્રોફેશનલ કૅમેરા હેન્ડલ કર્યા છે.’


Picture Captured by Arvind Bhatia

લૅબ સ્ટાર્ટ કરી
નોકરી છોડી દીધા પછી કંઈક તો કરવું પડે. પૅશન જ પ્રોફેશન બની જાય એનાથી રૂડું શું હોય? વ્યાવસાયિક સફર વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘ફોટોગ્રાફીના શોખ અને પ્રવાસને કારણે હું એક જાણીતા ફોટોગ્રાફરના સંપર્કમાં આવ્યો. તેમણે કહ્યું, કલરનો જમાનો આવી ગયો છે, બ્લૅક ઍન્ડ વાઇટ ફોટોગ્રાફી હવે વધુ વર્ષ ચાલશે નહીં. કલર ફોટોગ્રાફીનાં જુદાં-જુદાં પાસાંઓને સમજવા એક મહિના સુધી બ્રિટિશ કાઉન્સિલ લાઇબ્રેરીમાં જઈ ફોટોગ્રાફી સંબંધિત પુસ્તકો વાંચ્યાં. ૧૯૭૮ની સાલમાં મુંબઈમાં કલર ફોટા પાડતી ઇન્ડિવિજ્યુઅલ લૅબ નહોતી. ટેક્નિકલ અભ્યાસ બાદ ઘરમાં જ કલર લૅબ શરૂ કરી. ફોટોગ્રાફીના જુસ્સાને     અનુસરવાના     વિચારમાંથી સ્કાયલૅબનો જન્મ થયો. જુસ્સો જ વ્યવસાયમાં ફેરવાઈ ગયો. ફોટો પડાવવા આવતા લોકોને અમે કલર ફોટોગ્રાફી માટે પ્રોત્સાહિત કરતા. ૧૯૭૮માં સ્થપાયેલી સ્કાયલૅબ ઉપનગરીય મુંબઈની પ્રથમ કલર લૅબમાંની એક છે. લૅબ સ્ટાર્ટ કર્યા બાદ બ્લૅક ઍન્ડ વાઇટ ફોટોગ્રાફી સંપૂર્ણપણે બંધ કરી દીધી. વ્યવસાય અને પ્રવાસ સાથે ચાલતાં રહ્યાં. ૧૯૫૦થી અત્યાર સુધીમાં અગણિત ફોટો કૅપ્ચર કર્યા છે. કેટલાક ખરાબ થઈ ગયેલા જૂના ફોટાને કાઢી નાખ્યા પછી પણ મારી પાસે એક લાખ કરતાં વધુ ફોટાનું જબરજસ્ત કલેક્શન છે. કમ્પ્યુટરમાં એને સાચવીને રાખ્યા છે.’

Picture Captured by Arvind Bhatia

ભાટિયા જ્ઞાતિના અરવિંદભાઈની ફૅમિલીમાં પત્ની, દીકરો, દીકરી, પુત્રવધૂ અને બે ગ્રૅન્ડ ચિલ્ડ્રન છે. બાળપણ જળગાંવમાં વીત્યુ હોવાથી કચ્છી, ગુજરાતી અને અંગ્રેજી ભાષા ઉપરાંત મરાઠી પણ કડકડાટ બોલે છે. તેમણે શરૂ કરેલો બિઝનેસ દીકરો સંભાળે છે, પરંતુ શારીરિક રીતે હજીયે સશક્ત હોવાથી બપોરના સમયે લૅબમાં જવાનું ચાલુ રાખ્યું છે. જોકે, પૅન્ડેમિક પછી પ્રવાસ પર બ્રેક લાગી ગઈ છે. ૮૫ વર્ષની ઉંમરે પહેલાંની જેમ નિયમિતપણે મુસાફરી નથી કરતા, પણ ઘરની બારીની બહારથી દેખાતાં પક્ષીઓના ફોટા પાડવા કૅમેરાના લેન્સ સેટ કરવાનું ચૂકતા નથી.

સેમ ટુ સેમ ફોટો
તેમની ફોટોગ્રાફીના ચાહકો ઘણા છે. આજેય કેટલીક મહિલાઓ ૪૦ વર્ષ જૂનો ફોટો લઈને આવે છે અને આવો જ ફોટો દીકરીનો પાડી આપવાની ડિમાન્ડ કરે છે. 

૧૯૫૦થી અત્યાર સુધીમાં હૅન્ડલ કરેલા કૅમેરાની યાદી
 ૧૨૦ એમએમ ફિલ્મ કૅમેરા
 ઝેસોકોન પ્લેટ કૅમેરા
 અગ્ફા બૉક્સ કૅમેરા
 અગ્ફા આઇસોલી ૩
 યશિકા ૬૩૫
 મમિયા સી૩૩૦
 Hasselblad ફ્લેક્સ બૉડી
 Hasselblad ૫૦૦સીએમ
 ૩૫ એમએમ ફિલ્મ કૅમેરા
 પેન્ટેક્સ સ્પોટમેટિક આઇ
 પેન્ટેક્સ સ્પોટમેટિક II
 Asahi Pentax Spotmatic F
 Nikon FM2
 Nikon F3
 ડિજિટલ SLR (DSLR)
 Nikon D1X
 કૅનન 5D
 કૅનન 5D II
 કૅનન 5D III
 કૅનન 5DSR
 મિરરલેસ DSLR
 કૅનન EOSR

Whatsapp-channel Whatsapp-channel

17 August, 2022 02:31 PM IST | Mumbai | Varsha Chitaliya

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK