° °

આજનું ઇ-પેપર
Saturday, 16 October, 2021


તમે સુખ-સુવિધાના માલિક છો કે ગુલામ?

19 September, 2021 08:22 AM IST | Mumbai | Kana Bantwa

ચીજવસ્તુઓ, સુખ-સગવડો ત્યાગી દેવાથી કશું વળવાનું નથી; એનાથી પર થઈને ભોગવી જાણનાર જ ખરો નરબંકો

તમે સુખ-સુવિધાના માલિક છો કે ગુલામ?

તમે સુખ-સુવિધાના માલિક છો કે ગુલામ?

એક બ્રાહ્મણે શહેરમાંથી ગાય ખરીદી અને એના ગળે દોરડું બાંધીને દોરતો-દોરતો ગામ ભણી જતો હતો. રસ્તામાં એક સંન્યાસી સામે મળ્યા. ગાયને દોરીને જઈ રહેલા બ્રાહ્મણને થોડી વાર નીખરતાં સંન્યાસીના મનમાં સવાલો જાગ્યા. તેમણે નજીક જઈને પૂછ્યું, ‘તમે આ ગાયના માલિક છો?’ બ્રાહ્મણે જવાબ આપ્યો, ‘હા, હું જ માલિક છું અને ગાય મારી છે.’ સંન્યાસીએ ફરી પૂછ્યું, ‘ખરેખર તમે જ માલિક છો?’ બ્રાહ્મણને થોડો ગુસ્સો આવ્યો. તેણે કહ્યું, ‘હું જ માલિક છું. આ દોરડું દેખાતું નથી? ગાયને હું જ દોરીને લઈ જઈ રહ્યો છું.’ સાધુએ હસતાં-હસતાં કહ્યું, ‘જો ખરેખર તમે જ માલિક હો તો દોરડું મૂકી દો. પછી ગાય તમારી પાછળ દોડે તો તમે માલિક અને જો દોરડું છોડ્યા પછી તમારે ગાયને પકડવા માટે દોડવું પડે તો ગાય તમારી માલિક.’ 
ડાયોજિનસ નામના એક ફકીરની વાર્તા પણ આવી છે. ડાયોજિનસ મસ્તમૌલા ફકીર હતો. શરીરે અલમસ્ત. પોતાની મસ્તીમાં ઝૂમતો રહેતો. શરીર પર વસ્ત્રો પણ ધારણ ન કરતો. દિગંબર અવસ્થામાં ઈશ્વરનું ભજન કરતો રહેતો. ડાયોજિનસ એક વખત જંગલમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે પાંચેક માનવતસ્કરોની ટોળીએ તેને ઘેરી લીધો. આ ટોળીનું કામ જ માણસોને પકડીને તેમને બીજા શહેરમાં ગુલામ તરીકે વેચી નાખવાનું હતું. માણસોને ગુલામ તરીકે રાખવાની જંગલી પ્રથા એ સમયે અસ્તિત્વમાં હતી. માનવતસ્કરોએ ડાયોજિનસને ઘેરીને કહ્યું, ‘ચૂપચાપ શરણે થઈ જા, નહીંતર મારી નાખીશું.’ ડાયોજિનસે જવાબ આપ્યો, ‘ધારું તો તમને બધાને પછાડીને નીકળી શકું, પણ મારે વિરોધ કરવો જ નથી. ચાલો, હું તમારી સાથે આવવા તૈયાર છું.’ અલમસ્ત ડાયોજિનસને ઘેરીને તસ્કરો નીકળ્યા. જે ગામમાંથી પસાર થાય ત્યાંના લોકો આશ્ચર્યથી જોઈ રહે. શહેરમાં પહોંચીને ગુલામમંડીમાં બોલી લગાવી, પણ જે કોઈ ખરીદનાર આવે તેને ડાયોજિનસ કહે કે આ બધા મારા ગુલામ છે એટલે મને બાંધી રાખ્યો છે, છતાં કોઈ ખરીદવા માગતું હોય તો મને ખરીદી લે. જે બંધનમાં પણ પોતાને ગુલામ નહોતો માનતો એવા ડાયોજિનસને માટે કોઈ ખરીદનાર મળ્યો નહીં અને તસ્કરોએ અંતે તેને છોડી મૂકવો પડ્યો.
જરૂરિયાતના ગુલામ
ચીજો જરૂરિયાત તરીકે તમારા જીવનમાં પ્રવેશે છે અને ધીમે-ધીમે તમારી માલિક બની જાય છે એવો રૂઢિપ્રયોગ છે, પણ આ વાત અધૂરી છે. માત્ર ચીજવસ્તુઓ જ નહીં, સુખ-સુવિધાના પણ આપણે ગુલામ છીએ. વસ્તુઓ તો ભૌતિક છે. એમની ગુલામીમાંથી છૂટવું સરળ છે, પણ સુખ અને સુવિધા અભૌતિક છે. એમની ગુલામીથી મુક્ત થવું મુશ્કેલ છે. વસ્તુઓ, સુવિધાઓ છોડી દેવાં એવો ઉપદેશ આપવાનો અહીં ઉપક્રમ નથી. એવી સલાહો આપનાર દંભી છે. આવા ઉપદેશકો પોતે જ સુવિધાઓના અને વસ્તુઓના ગુલામ હોય છે. તેમના શબ્દો ખોખલા અને ખાલી હોય છે. પારકા છોકરાઓને જતિ બનાવ્યા નીકળ્યા હોય છે આ લોકો. તેમનો ક્યારેય ભરોસો ન કરવો. વાત આપણે અલગ જ કરવી છે. વસ્તુઓનો ઉપયોગ કરવો, સુવિધાદાયક ચીજોનો વપરાશ કરવો પણ એની સાથે બંધાવું નહીં. જનક જેવું બનવું. અદ્ભુત વ્યક્તિ હશે જનક વિદેહી. બધા જ ભોગ ભોગવવા છતાં તમામથી મુક્ત રહેવું એ જનક સિવાય બહુ ઓછા કરી શકયા છે.
એષણા - ત્યાગ બન્નેથી પર
કૃષ્ણએ જનકથી પણ એક સ્તર ઊંચે જઈને આ કરી બતાવ્યું હતું. અનુરક્તિ અને વિરક્તિ બન્નેથી પર થઈ શક્યા હતા કૃષ્ણ. એટલે પરમ અનુરક્તિને પણ પામી શક્યા અને પરમ વિતરાગને પણ. કૃષ્ણનો સંદેશ જ આ છે. એષણા કે ત્યાગ બન્નેથી પર રહેવું, બન્નેનો પૂર્ણ સ્વીકાર કરવો. તેમણે ભોગને પણ પૂર્ણપણે ભોગવ્યા, પણ એનાથી મુક્ત રહ્યા. જે પરમ વિતરાગ હોય તે જ ગોપીઓનો અનહદ પ્રેમ તજીને ગોકુળથી મથુરા જઈ શકે. માણસ ભોગને ભોગવતો નથી, પણ ભોગ જ માણસને ભોગવી જાય છે એવું કહેવામાં આવે છે. ભર્તૃહરિએ એના માટે અદ્ભુત રૂપક આપ્યું છે : સૂકું હાડકું ચાવતા કૂતરાના દાંતમાંથી લોહી નીકળે અને કૂતરો એમ માને કે હાડકામાંથી દ્રવતા રક્તનો સ્વાદ આવી રહ્યો છે. વાસ્તવમાં માણસને ભોગ ભોગવતાં આવડતું જ નથી. ભૂલી ગયો છે માણસ ભોગને ભોગવતાં. તે અટવાઈ જાય છે એ સાધન-સામગ્રી–સુવિધાની આસક્તિમાં. ઘરમાં ચીજો વસાવવાનો પ્રાથમિક ઉદ્દેશ સુવિધા વધે એવો જ હોય છે; પણ ધીમે-ધીમે એ ચીજો જ તમારી માલિક બની જાય છે, પેલા બ્રાહ્મણની ગાયની જેમ.
ચીજો ત્રણ પ્રકારની
તમારા ઘરમાં રહેલી ચીજોને ત્રણ ભાગમાં વહેંચી જોજો : ઉપયોગ, દેખાડો અને આસક્તિ. જે ચીજો તમારા ઉપયોગમાં આવતી હોય એમાંથી એવી ચીજો અલગ કરો જેના વગર તમને ચાલતું ન હોય, જે અનિવાર્ય હોય. એવી ચીજો ઓછી હશે. બીજી એવી ચીજો હશે જે ઘરની સુંદરતા વધારતી હશે, તમારો પ્રભાવ વધારતી હશે, તમારું વ્યક્તિત્વ નિખારતી હશે, તમારું સ્ટેટસ વધારતી હશે. આ વસ્તુઓ અનિવાર્ય ભલે ન હોય, આવશ્યક છે જ. ત્રીજી એવી વસ્તુઓ હશે જે નકામી હશે, પણ તમને એના પ્રત્યે લગાવ હશે. આવી ચીજો અનિવાર્ય કે આવશ્યક નથી. આ ત્રણેયમાંથી કોઈ કૅટેગરીની ચીજો કે સુવિધાઓ ફેંકી દેવાની નથી, પણ એ ખરેખર કઈ કૅટેગરીમાં છે અને આપણા જીવનમાં એનું સ્થાન શું છે એની જાગૃતિ હોવી જોઈએ. જાગૃત રહીને એ ચીજોનો ઉપયોગ કરવો એ જ સમ્યક સ્થિતિ છે, એ જ યોગ્ય સ્થિતિ છે. સભાનપણે ભોગવેલા ભોગ તમને બાંધતા નથી. તમે એમાં લપેટાતા નથી, બંધાતા નથી અને જે બંધાતો નથી તે કોઈનો ગુલામ થતો નથી. સગવડો, સુવિધાઓ જીવનમાં જરૂરી છે; પણ સગવડો તમને પાંગળા બનાવી દે એ ન ચાલે. સુવિધાઓ માણસ માટે છે, માણસ સુવિધા માટે નહીં.

જીવણને ટૂંકું થાય...

એક ડોસાને દરજી સાથે રોજ કજિયો થાય,
પરભુ સીવે જે કપડું તે જીવણને ટૂંકું થાય...
 
જીવણને તો જોઈએ લાંબી ઇચ્છા કેરી બાંય,
પરભુ કેટલું મથે તોય જીવણ ન રાજી થાય,
ટૂંકા પનાના માપમાં પરભુ તોય મથતો જાય,
એક ડોસાને દરજી સાથે રોજ કજિયો થાય...
 
આશાનું એક સરસ ખિસ્સું પરભુ માપે મૂકે,
જીવણને લાલચ મૂકવા ઈ ખૂબ ટૂંકું પડે,
નવી ભાતનાં ખિસ્સાં પરભુ રોજ બતાવતો જાય,
એક ડોસાને દરજી સાથે રોજ કજિયો થાય....
 
કૉલર ઊંચા રાખવાનો જીવણને ધખારો,
પરભુ સમજાવે એને કે અહમ્ માપમાં રાખો,
પણ એમ જીવણ કાંઈ પરભુનું બધુંય માની જાય?
એક ડોસાને દરજી સાથે રોજ કજિયો થાય....
 
કંટાળીને પરભુએ અંતે બિલ મોટું આપ્યું ,
જોતાં જ જીવણની બેય ફાટી ગઈ આંખ્યું,
હવે રોજ જીવણ પરભુના માપમાં રહેતો જાય,
એક ડોસાને દરજી સાથે હવે ન કજિયો થાય...
 - કેતન ભટ્ટ

 એક ડોસાને દરજી સાથે રોજ કજિયો થાય. કેતન ભટ્ટની અદ્ભુત કવિતા છે. ઇચ્છાની બાંયો જીવણને લાંબી જોઈએ. ગમે એટલી લાંબી સીવવામાં આવી હોય પણ જીવણને તો વધુ લાંબી જ જોઈએ. તમે કેડિયાંની બાંય જોઈ છે ક્યારેય? એ હાથ કરતાં લગભગ બમણી લંબાઈની હોય. તેને સળ પાડીને પહેરવામાં આવે છે. કેડિયા જેવડી લાંબી બાંય પણ માણસને તો નાની જ પડે. અને આશાનું ખિસ્સું લાલચ મૂકવા માટે જીવણને બહુ નાનું પડે. એષણાને સમાવી શકે એવું ખિસ્સું હજી સુધી બન્યું નથી. કવિતામાં ચમત્કૃતિ હોય એટલે પરભુ કાવ્યમાં મોટું બિલ ફાડે, પણ વાસ્તવિક જીવનમાં પરભુ એવું કરતો નથી. માણસની અનંત અપેક્ષાઓને ઈશ્વર સહન કરતો રહે છે. અપેક્ષાઓ, ઇચ્છાઓ, જરૂરિયાતોનાં પોટલાં માણસ ગમે એટલાં બાંધે તો પણ ધરવ થતો નથી. પરભુ ગમે એટલું લાંબું સીવે તો પણ જીવણને સંતોષ નથી થતો એટલે જ તો માણસ હજી માણસ છે, નહીંતર ભગવાન બની ગયો હોત.

19 September, 2021 08:22 AM IST | Mumbai | Kana Bantwa

અન્ય લેખો

કરોડરજ્જુની અસાધ્ય બીમારીએ આ ટીનેજરને આપ્યું જીવનનું મિશન

સ્પાઇનની અસાધ્ય બીમારીની પારાવાર પીડા સહન કર્યા પછી પ્રભાદેવીમાં રહેતી ૧૪ વર્ષની સ્તુતિ ડાગાએ અમેરિકા જઈને સર્જરી કરાવીને રાહત તો મેળવી, પણ એ પછી પોતાના જેવી સમસ્યા બીજાને ન અનુભવવી પડે એ માટે શરૂ કર્યું છે જબરદસ્ત જાગૃતિ અભિયાન

15 October, 2021 07:10 IST | Mumbai | Shailesh Nayak

શું ખરેખર ટીચર્સ સ્ટુડન્ટ્સથી ડરે છે?

એક સમયે એવું કહેવાતું કે સોટી વાગે ચમચમ વિદ્યા આવે ધમધમ. જોકે હવે વાત અવળી થઈ ગઈ છે. સાચી વાત માટે પણ વિદ્યાર્થીને ટોકવાનું હોય તો ટીચરે બે વાર વિચારવું પડે. સહેજ મોટા અવાજે કહેવાઈ જાય તો તરત પેરન્ટ્સના કાન ઊંચા થઈ જાય છે. શું આ વલણ સાચું છે?

15 October, 2021 06:42 IST | Mumbai | Bhavini Lodaya

દેશનું ભવિષ્ય વ્યસનયુક્ત કેમ થઈ ગયું છે?

યુવાન પોતાની જાતને બદલવા તૈયાર નથી થતો માટે અમુક સમય બાદ તેને સમજાવવાનો ફાયદો થતો નથી

15 October, 2021 06:33 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK