કોવિડે દરેક ઇન્ડસ્ટ્રીને પડતો કાળ દેખાડ્યો, એમાં રંગભૂમિ પણ આવી ગઈ, જોકે હવે ફરી થિયેટર ગાજવા લાગ્યાં છે અને થિયેટરોનો અસ્તકાળ આવે એ વાતમાં મને દમ નથી લાગતો.

સત્ત્વ હશે એ બધું ટકશે, પછી એ નાટક હોય, ફિલ્મ હોય, વેબ-સિરીઝ હોય કે સિરિયલ હોય
કોવિડે દરેક ઇન્ડસ્ટ્રીને પડતો કાળ દેખાડ્યો, એમાં રંગભૂમિ પણ આવી ગઈ, જોકે હવે ફરી થિયેટર ગાજવા લાગ્યાં છે અને થિયેટરોનો અસ્તકાળ આવે એ વાતમાં મને દમ નથી લાગતો. દરેક ઇન્ડસ્ટ્રીએ સમય સાથે બદલાવું પડશે એ વાત રંગભૂમિને પણ લાગુ પડે છે અને એ બદલાવ આવવાનું શરૂ થઈ ગયું છે
અત્યારે વેબ-સિરીઝ વાડ વગરના ખેતર જેવી છે. જ્યાં હલકી ભાષા અને બીભત્સતાની ચરમસીમા જોવા મળે છે, કારણ કે નક્કર સેન્સરશિપ જ નથી. મારી પહેલી વેબ-સિરીઝ ‘સેક્રેડ ગેમ્સ’ તો હું પોતે નથી જોઈ શક્યો. હું ડે-ટુ-ડે લાઇફમાં આ સ્તરની ગાળો નથી બોલતો.
દરેક વખતે એવું ન હોય કે એક આવે એટલે બીજું જાય. આ આપણી ટૂંકી વિચારધારાનું પરિણામ છે. ટીવી આવ્યું તો ફિલ્મો જશે ને ફિલ્મો આવી તો નાટકો જશે એવો ઊહાપોહ આપણે પહેલાં કર્યો હતો અને એ પછી પણ આ બધા આજે અકબંધ જ છે. એન્ટરટેઇનમેન્ટનાં અઢળક માધ્યમો ઉમેરાયાં એ પછીયે આજે આખી ઇન્ડસ્ટ્રી ધમધોકાર ચાલે છે. હા, એવું ચોક્કસ કહી શકીએ કે ટકી રહેવા માટેના પ્રયાસો ઇન્ડસ્ટ્રીએ વધારી દેવા પડે. પ્રોડક્શન વધુ સચોટ અને પબ્લિકને ખેંચી લાવે એવું કરવું પડે. તમારે બદલાવને સ્પીડ સાથે રાખવો પડે. પ્રખર રહેવા માટે સમયના પ્રવાહને અનુકૂળ બદલાવ લાવવા પડે. જો તમે બદલાવા રાજી હો તો તમને ચાહવા માટે ઑડિયન્સ નજર માંડીને બેઠી જ છે. કદાચ આ જ કારણ છે કે જે સમય સાથે ચાલ્યા છે એ વર્ષોવર્ષ ટક્યા છે. હું તો કહીશ કે મનોરંજન તો ઍટ લીસ્ટ આ બાબતમાં નસીબદાર છે.
થિયેટર તો લાઇવ આર્ટ છે સાહેબ. એક આર્ટિસ્ટ નાનકડા સ્ટેજ પર માત્ર બે કલાકમાં તમને દુનિયાની શેર કરાવી દે, ઇમોશન્સના અઢળક ઉતાર-ચડાવ આપી તમને જકડી રાખે, એ આર્ટનો અસ્ત થાય ભલા? આર્ટિસ્ટ માટે કહું તો, જે સ્ટેજ પર પોતાના હુન્નરને બહેતરીન રીતે વ્યક્ત કરવાનું માધ્યમ મળ્યું હોય અને તાત્કાલિક ઑડિયન્સ સાથે કનેક્ટ થવાનો અવસર પ્રાપ્ત થયો હોય એ કેવી રીતે થિયેટરને અલવિદા કહી શકે? સાચું કહું છું કે જેમણે ક્યારેક પણ જીવનમાં થિયેટરમાં કામ કર્યું હશે એ લોકો ઇચ્છશે કે તેમના અંતિમ શ્વાસ તો સ્ટેજ પર જ લેવાય અને એ પણ કોઈક કિરદારમાં. લોકો કહે છે કે આ થિયેટરનો અસ્તકાળ થયો છે, પણ હું આત્મવિશ્વાસ સાથે કહીશ કે સવાલ જ નથી ઊઠતો.
મારી ઍક્ટર તરીકેની કારકિર્દીની શરૂઆત ૧૯૮૭માં ‘ચાણક્ય’ સિરિયલથી થઈ. એ પછી આ જ ઇન્ડસ્ટ્રીમાં સાડાત્રણ દાયકા પસાર કર્યા, જેમાં ઑલમોસ્ટ દરેક પ્લૅટફૉર્મ પર કામ કરી લીધું છે. સુપરહિટ થઈ હોય એવી સિરિયલોમાં કામ કર્યું છે, જે વર્ષોવર્ષ ચાલી હોય તો એટલી જ ફિલ્મો કરી અને એ ફિલ્મો પણ સુપરહિટ થઈ. કુદરતની મહેરબાનીથી વેબ-સિરીઝમાં પણ બહુ જલદી કામ કરવાની તક મળી, પણ હું કહીશ, પ્રામાણિકતા સાથે કહીશ કે જેટલી મજા અને જેવી મજા નાટકોમાં આવી છે એટલી ક્યાંય નથી આવી. જેમ મ્યુઝિશ્યનો પોતાના અવાજને નિખારવા માટે રિયાઝ કરતા હોય એમ ઍક્ટર માટે સ્ટેજ પર પર્ફોર્મ કરવું એ રિયાઝ છે. બહુ મોટો પડકાર છે અને સતત તમે સ્ટેજ પર કંઈક ને કંઈક શીખતા રહો છે. નાટકોમાં પર્ફોર્મ કરવું એ ક્યારેય બીબાઢાળ બનતું નથી. તમે ક્યારેય એનાથી કંટાળી નથી જતા અને ક્યારેય તમે એમાં થાકતા નથી. જો તમે ખરેખર ઍક્ટિંગ ક્ષેત્રમાં પૅશનથી જોડાયેલા હો તો દરેક વખતે નાટકો તમારા રૂંવાડાં ઊભાં કરી નાખશે. ચાલીસથી વધુ નાટકો કર્યા પછી અને હજારો વાર સ્ટેજ પર પર્ફોર્મન્સ આપ્યા પછી આજે પણ હું સ્ટેજ પર જાઉં ત્યારે મારા ધબકારા વધેલા હોય. આજે પણ દરેક શો પછી હું પોતાને ઍક્ટર તરીકે વધુ ગ્રો થયેલો અનુભવતો હોઉં છું. હું માનું છું કે ઍક્ટિંગનો કીડો હોય એ લોકોએ તો વર્ષમાં અમુક શો થિયેટરમાં કરવા જ જોઈએ અને થિયેટર સાથે નાતો ક્યારેય ન છોડવો જોઈએ.
એક જમાનો હતો કે નાટક તમારી ટ્રેઇનિંગ સ્કૂલ ગણાતી. કોઈએ પણ ઍક્ટર બનવું હોય તો નાટકમાં કામ કરવું પડે. સ્ટેજ પર સ્પૉન્ટેનિયસ ઍક્ટિંગનો અનુભવ લો એ પછી જ ધીમે-ધીમે અન્ય પ્લૅટફૉર્મ પર તમને ચાન્સ મળે. નાટક કર્યા હોય તેને માટે હંમેશાં કહેવાતું કે ઍક્ટિંગની એબીસીડીમાં તો એ મહારત મેળવી ચૂક્યો છે. કાગળ વિનાનું આ સર્ટિફિકેટ ઍક્ટરને જબરદસ્ત કામ લાગે, પણ આજે આ બાબતમાં સિનારિયો બદલાયો છે.
ફિલ્મો, સિરિયલો અને વેબ-સિરીઝમાં અઢળક એવા ચહેરા તમને મળશે જેમણે નાટકોમાં કામ નથી કર્યું. ડાયરેક્ટ આ પ્લૅટફૉર્મ પર આવીને પણ તેઓ ઍક્ટિંગ સરસ કરે છે. અલબત્ત, હું કહીશ કે ડાયરેક્ટ એ કિરદારને આટલું બહેતરીન રીતે ભજવી શકે છે તો ધારો કે તેમને નાટકનો પણ અનુભવ મળ્યો હોય તો તે કયા સ્તરના પર્ફોર્મર બને અને તેનો પર્ફોર્મન્સ કયા સ્તરે પહોંચે. સાચુ કહું તો, આજની યુવા પેઢી માટે મને બહુ માન છે. ટૅલન્ટેડ અને સ્માર્ટનેસમાં તો તેઓ ક્યાંય ઉપર છે, પણ સાથોસાથ તેમની નિખાલસતા અને પારદર્શકતા પણ અદ્ભુત છે. અત્યારે હું અમદાવાદમાં છું. મારી નવી ફિલ્મ ‘ભગવાન બચાવે’ના પ્રમોશન માટે અત્યારે મારી ગુજરાત-ટૂર ચાલે છે. આ ફિલ્મના નિર્માતા જિનલ બેલાણી અને ભૌમિક સંપટ સાથે આ મારો ત્રીજો પ્રોજેક્ટ છે અને એક જ પ્રોડ્યુસર સાથે તમે બીજી કે ત્રીજી વાર કામ કરો એ જ દેખાડે છે કે તમને તેમની સાથે કામ કરવું છે. હું કહીશ કે આજની આ યુવા જનરેશનને હું જ્યારે જોઉં ત્યારે
તેમનું કામ માટેનું પૅશન, આગળનું વિચારવાની ક્ષમતા, સતત પોતાને અપડેટ રાખવાની આવડત અને સરળ રીતે કામ કરવાની પદ્ધતિ આશ્ચર્ય આપે છે.
બહુ પ્રામાણિકતાથી કહું તો મારે સ્વીકારવું જ રહ્યું કે હું જ્યારે એ ઉંમરનો હતો ત્યારે ભાગ્યે જ મને આટલી ખબર પડતી. મને લાગે છે કે આજની યુવા પેઢીની આ વિશેષતાનો લાભ લઈને રંગભૂમિના અગ્રણીઓએ તેમની આવડતનો લાભ લેવો જોઈએ, એટલું જ નહીં, પણ પ્રયાસ કરવા જોઈએ કે વધુ ને વધુ ઇનોવેશન દરેક સ્તરે થિયેટર ઇન્ડસ્ટ્રીમાં આવે. ટેક્નૉલૉજી, ઍક્ટિંગ અને એ સિવાયનાં તમામ પાસાંઓમાં નવાની વિશેષતાઓ અને જૂનાની કોઠાસૂઝનો સંગમ કરવો જોઈએ.
નવામાં પણ જે સારું છે એનો સ્વીકાર અને જૂનામાં જે અવ્વલ છે એનો આ નવી જનરેશનની ટૅલન્ટ સાથે સમન્વય કરો. જેમ કે અત્યારે એન્ટરટેઇનમેન્ટમાં વરદાન ગણી શકાય એવી વેબ-સિરીઝ વાડ વગરના ખેતર જેવી છે. જ્યાં હલકી ભાષા અને બીભત્સતાની ચરમસીમા જોવા મળે છે, કારણ કે નક્કર સેન્સરશિપ જ નથી. મારી પહેલી વેબ-સિરીઝ ‘સેક્રેડ ગેમ્સ’ તો હું પોતે નથી જોઈ શક્યો. કારણ કે એ પરિવાર સાથે જોવા જેવી નથી જ નથી. હું ડે-ટુ-ડે લાઇફમાં આ માત્રામાં અને આ સ્તરની ગાળો નથી બોલતો. આવું જ મારે હિન્દી થિયેટર માટે પણ કહેવું છે. અમુક નાટકો તમે જોશો તો તમે કહેશો જ કે આ આપણે ત્યાં જરાય ન ચાલે. જે ચલાવી ન લઈએ, જે ચાલે નહીં એનો અસ્વીકાર ઑડિયન્સે કરવો પડશે તો સાથોસાથ પ્રોડ્યુસરોએ પણ એ બાબતમાં સભાન થવું પડશે. આ બાબતમાં હું કહીશ કે ગુજરાતી થિયેટર, ફિલ્મો અને વેબ-સિરીઝ એ બધું હજી પણ મર્યાદા સાથે જીવે છે અને આ મર્યાદા અનિવાર્ય છે.
આજની વાતને વિરામ આપતાં પહેલાં મારે કહેવું છે કે અત્યારે સમાજ અને જમાનો બદલાઈ રહ્યો છે. સોસાયટી હવે પોતાના ક્લબ-હાઉસમાં મિની થિયેટર બનાવીને ફિલ્મો માણતાં શીખી ગઈ છે ત્યારે નાટકો સુધી પ્રેક્ષકોને ખેંચવા માટે આપણે પણ સમયને અનુરૂપ કન્ટેન્ટ અને સુખ-સગવડ આપવી પડશે. જો તમે ઓડિયન્સની સાથે ચાલશો તો એક વાત યાદ રાખજો કે ઑડિયન્સ તો સાથે લઈને ચાલવા માટે તૈયાર જ છે.