Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ...અને આવી તક પહેલી વાર ડબલ રોલની

...અને આવી તક પહેલી વાર ડબલ રોલની

16 May, 2022 12:47 PM IST | Mumbai
Sanjay Goradia | sangofeedback@mid-day.com

હરિન ઠાકરે તારક મહેતા લિખિત નાટક પરથી પોતાનું વર્ઝન તૈયાર કર્યું, મેં સ્ક્રિપ્ટ વાંચવા મગાવી, પણ એ વાંચીને મને ગતાગમ પડે નહીં. જોકે મને પછી સમજાયું કે તેમણે સ્ક્રિપ્ટ જ એવી રીતે મોકલી હતી કે કોઈ એનો સીધો ઉપયોગ ન કરી શકે

આંકડાની દૃષ્ટિએ ‘જંતરમંતર’ નાટક ડબલ સેન્ચુરી નહીં કરે એની મને પહેલેથી ખબર હતી. ભૂત અને વળગાડ અને એવું બધું જોવા માટે બધા તૈયાર ન થાય એ સમજી શકાય, પણ એમ છતાં મારે કંઈક નવું કરવું હતું એટલે મેં એ નાટક કર્યું. જે જીવ્યું એ લખ્યું

આંકડાની દૃષ્ટિએ ‘જંતરમંતર’ નાટક ડબલ સેન્ચુરી નહીં કરે એની મને પહેલેથી ખબર હતી. ભૂત અને વળગાડ અને એવું બધું જોવા માટે બધા તૈયાર ન થાય એ સમજી શકાય, પણ એમ છતાં મારે કંઈક નવું કરવું હતું એટલે મેં એ નાટક કર્યું.


ગયા સોમવારે તમને કહ્યું એમ, કાન્તિ મડિયાનાં નાટકો પછી પહેલી વાર ગુજરાતી રંગભૂમિ પર ‘જંતરમંતર’ નાટક ડબલ રિવૉલ્વિંગ સેટ પર ભજવાયું, પણ એ આખી જે પ્રોસેસ હતી એ બહુ ટ્રિકી હતી, તો સાથોસાથ એક્સપેન્સિવ પણ હતી. જોકે ખૂબ મજા આવી, ખૂબ નવું શીખવા મળ્યું એવું કહેવું જરા પણ વધારે નહીં કહેવાય. સામાન્ય રીતે દરેક નાટકનાં ગ્રૅન્ડ રિહર્સલ્સ ઘાટકોપરના ભૂરીબેન ઑડિટોરિયમમાં થતાં હોય છે, પણ ‘જંતરમંતર’નાં ગ્રૅન્ડ રિહર્સલ્સ ત્યાં શક્ય નહોતાં, કારણ કે એનું સ્ટેજ નાનું છે. ૧૮ ફુટના બે રિવૉલ્વિંગ સેટ નાના સ્ટેજ પર લાગી શકે નહીં એટલે અમે ગ્રૅન્ડ રિહર્સલ્સ માટે પ્રોપર ઑડિટોરિયમ એવા સાહિત્ય સંઘ મંદિરમાં ગયા. અફકોર્સ એ અમને મોંઘું પડતું હતું, પણ અમારી પાસે એ વધારાનો ખર્ચ કર્યા સિવાય કોઈ છૂટકો નહોતો અને સાહેબ, જ્યારે કામમાં કોઈ જાતની બાંધછોડ ન કરો અને તન-મન-ધન લગાડીને કામ કરો ત્યારે એનું રિઝલ્ટ મળે જ મળે અને એ અમને પણ મળ્યું.
૨૦૦૭ની ૨૩ નવેમ્બર અને રાતે પોણાઆઠ વાગ્યે અમારા ૪૨મા નાટક ‘જંતરમંતર’નો ભારતીય વિદ્યા ભવન ઑડિટોરિયમમાં શુભારંભ થયો અને દેકારો મચી ગયો. પહેલી વાર સ્ટેજ પર ભૂત આવ્યું અને એ પણ અસરકારક રીતે. મેકિંગથી માંડીને રાઇટિંગ, કન્સેપ્ટ અને પર્ફોર્મન્સનાં અઢળક વખાણ થયાં. આ નાટકના અમે ૧૧૮ શો કર્યા. નાટકે અમને ખૂબ વાહવાહી અપાવી અને એનો જશ જો કોઈને જતો હોય તો એ છે લેખક ઇમ્તિયાઝ પટેલ, દિગ્દર્શક વિપુલ મહેતા અને સૌથી વધારે છેલભાઈ. તેમણે અદ્ભુત ડબલ રિવૉલ્વિંગ સેટ બનાવ્યો હતો. આ પ્રકારની ટેક્નિક જાણનારા હવે આ દુનિયામાં કોઈ રહ્યા નથી એનો મને ભારોભાર અફસોસ છે. ગુજરાતી રંગભૂમિ પર તો હવે કોઈ બચ્યું નથી જે ડબલ રિવૉલ્વિંગ સેટ પર પોતાની કરામત દેખાડે. એકમાત્ર છેલ વાયડા હતા જેમની આ ટેક્નિક પર હથોટી હતી. ઍનીવેઝ, નવા નાટકની વાત શરૂ કરતાં પહેલાં રાબેતા મુજબની જે વાત હોય છે એ કહી દઉં. ‘જંતરમંતર’ પણ અમે ત્રણ કૅમેરા સેટ-અપ સાથે શૂટ કર્યું. શેમારુમી પ્લૅટફોર્મ પર તમને જોવા મળશે. જોજો એક વાર, તમને સમજાશે કે ડરને સ્ટેજ પર લાવવાનું કામ કેટલું અઘરું છે.
‘જંતરમંતર’ પછી અમે ફરી એક વાર નવા નાટકની શોધમાં લાગ્યા. અમારી આ શોધ વચ્ચે મને મળ્યા હરિન ઠાકર. હરિન ઠાકરે અગાઉ મારી સાથે ઘણાં નાટકો કર્યાં હતાં. મિત્રતા પણ સારી. હરિનભાઈ મારી પાસે આવ્યા અને તેણે મને એક નાટકની વાત કરી, જેવી મેં વાત સાંભળી કે મારા કાન ચમક્યા. હરિનભાઈએ મને આવીને કહ્યું કે મારી પાસે એક નાટક છે, જેના મૂળ લેખક તારક મહેતા છે, પણ મેં એ નાટકમાં મારી રીતે થોડાં ઘણાં ચેન્જિસ કર્યાં છે, નાટક અફલાતૂન છે. આપણે કરવું જોઈએ.
‘ક્યું નાટક?’ 
મેં હરિનભાઈને પૂછ્યું અને હરિનભાઈએ જવાબ આપ્યો, ‘અગાઉ ગુજરાતીમાં એ નાટક થઈ ગયું છે, ‘લીલાલહેર’ ટાઇટલ સાથે...’
‘લીલાલહેર’...
આટલું સાંભળતાં જ મારા મનમાં ચમકારો થયો. આ ‘લીલાલહેર’ મૂળ અંગ્રેજી નાટક હતું, જેના પરથી તારકભાઈએ રૂપાંતરણ કર્યું અને આઇએનટીએ એ ભજવ્યું હતું. એ નાટકના લીડ રોલમાં સરિતા જોષી હતાં. સરિતાબહેનની નાટકમાં ‘લીલા’ બોલવાની જે લઢણ હતી, જે સ્ટાઇલ હતી એના પર પ્રેક્ષકો આફરીન થઈ ગયા હતા. એ નાટક ચંદ્રકાન્ત ઠક્કરે ડિરેક્ટ કર્યું હતું. જોકે મારી આંખો ચમકી હતી એનું કારણ બીજું જ કંઈક હતું.
સિદ્ધાર્થ રાંદેરિયાએ થોડાં વર્ષો અગાઉ આ જ નાટક ‘આંખ મીંચીને બોલો જયહિન્દ’ના નામે રિવાઇવ કર્યું હતું જેમાં મેં પણ એક નાનકડી ભૂમિકા કરી હતી. એ નાટકની ટીમ ખાસ્સી મોટી હતી. મુખ્ય ભૂમિકા સિદ્ધાર્થ રાંદેરિયાએ કરી હતી, તો સાથે જતીન કાણકિયા, સચિ જોષી, અમૃત પટેલ, રસિક દવે અને બીજા ઘણા ઍક્ટર હતા. જે. અબ્બાસ, સિદ્ધાર્થ રાંદેરિયા અને રસિક દવે એ નાટકના નિર્માતા હતા. નાટક સારું હતું, પણ એનું જે ટાઇટલ હતું એ બહુ જામ્યું નહીં એટલે નાટક ખાસ ચાલ્યું નહીં, પણ મને હરિનભાઈનો આઇડિયા ગમી ગયો. નાટકનો લીડ રોલ ડબલ રોલનો હતો અને એ સિદ્ધાર્થે કર્યો હતો, જે મને કરવાનો મોકો મળતો હતો. આ મારા એક્સાઇટમેન્ટનું સૌથી પહેલું અને સૌથી અગત્યનું કારણ. 
‘મોકલો મને સ્ક્રિપ્ટ, હું વાંચી લઉં...’
હરિનભાઈએ મને સ્ક્રિપ્ટ મોકલાવી, પણ એ સ્ક્રિપ્ટમાં કેટલીક ત્રુટિઓ હતી. મુખ્ય ત્રુટિ એ કે એમાં કોઈ છેડા મળતા નહોતા.
‘આમાં બ્લૅકઆઉટ થતાં જ નથી હરિનભાઈ...’
મેં હરિનભાઈને કહ્યું એટલે હરિનભાઈએ પણ મને કહી દીધું કે મારા બ્લૅકઆઉટ ક્યારેય નબળાં હોય જ નહીં, એ બેસ્ટ જ હોય, પણ મારી પાસે જે સ્ક્રિપ્ટ હતી એમાં બેસ્ટ શું, સામાન્ય બ્લૅકઆઉટ હતાં નહીં, પણ મિત્રો, પછી મને આખી વાતનો ભેદ સમજાયો. ઍક્ચ્યુઅલી, હરિન ઠાકરની એક સ્ક્રિપ્ટ હતી, જે તેમણે મુંબઈના એક પ્રોડ્યુસર સાથે શૅર કરી અને એ પ્રોડ્યુસરે એ સબ્જેક્ટ ચોરીને નાટક કરી નાખ્યું. હરિનભાઈએ બહુ ધમપછાડા કર્યા, પણ કહે છેને કે ‘અબ ક્યા, જબ ચીડિયા ચૂગ ગઈ ખેત’. કશું વળ્યું નહીં એટલે દૂધના દાઝેલા હરિનભાઈ છાશ પણ ફૂંકી-ફૂંકીને પીતા હતા. અમે સાથે અઢળક કામ કર્યું હતું. તેમને મારા સ્વભાવની ખબર હતી અને એ પછી પણ તેમને મારા પર ભરોસો નહોતો. મેં તેમને આશ્વાસન સાથે ખાતરી આપીને કહ્યું કે આ નાટક તમે જ ડિરેક્ટ કરશો, હું તમારી સાથે જ કરીશ, પણ તમે રીરાઇટિંગ ચાલુ કરી દો. એ વખતે મને ખબર નહોતી કે સ્ક્રિપ્ટ તો તેમની લખાયેલી જ હતી.
ઓરિજિનલી આ નાટક લખાયું હતું ૭૦ના દાયકામાં, તો સહજ રીતે અત્યારે એને સીધેસીધું ભજવી શકાવાનું નહોતું એટલે મેં હરિનભાઈને કહ્યું કે નાટકમાં આજની પરિસ્થિતિ મુજબના જરૂરી સુધારાવધારા તો કરવા જ પડશે. 
નાટક કરવાનું નક્કી કરીને મેં તારક મહેતા સાથે રાઇટ્સ બાબતમાં વાત કરી અને પછી તારકભાઈને મળવા રૂબરૂ અમદાવાદ ગયો. પેમેન્ટની ફૉર્માલિટીઝ સાથે ચેક આપી, 
ઍગ્રીમેન્ટ કરીને હું મુંબઈ આવ્યો અને અમે કાસ્ટિંગ પર લાગ્યા. ‘પપ્પુ પાસ થઈ ગયો’ અને ‘છેલ છબીલો ગુજરાતી’ નાટક બંધ થઈ ગયાં હતાં એટલે હું ફ્રી હતો અને મારે આ નાટકમાં ડબલ રોલ કરવાનો હતો. લીડ રોલમાં હું નક્કી થયો, પણ જતીન કાણકિયાવાળો જે રોલ હતો એ પણ નાટકમાં બહુ અગત્યનો હતો. આ રોલ માટે હું ગયો શેખર શુક્લ પાસે. શેખર મારો મિત્ર તો ખરો જ, પણ એટલો જ સારો તે ઍક્ટર પણ હતો. આજે શેખરનું નામ ગુજરાતી રંગભૂમિ અને હિન્દી ટેલિવિઝન સિરિયલમાં બિલકુલ અજાણ્યું નથી. 
સબ ટીવી પર લગભગ ૭-૮ વર્ષ ચાલેલી ‘એફઆઇઆર’ સિરિયલમાં તેણે એપિસોડિક રોલ ખૂબ કર્યા. અત્યારે શેખર ‘અનુપમા’ સિરિયલમાં અનુપમાના મામાજીનું કૅરૅક્ટર કરે છે. શેખર ત્યારે પણ કામમાં બિઝી હતો, પરંતુ તમને કહ્યું એમ, મારો મિત્ર એટલે મેં તેને કહ્યું કે કંઈ પણ થાય, તારે આ નાટક કરવાનું છે. તેણે પણ રાજી થઈને હા પાડી દીધી, પણ મેં તમને કહ્યું એમ, નાટકનું કાસ્ટિંગ બહુ મોટું હતું એટલે હજી બીજા ઍક્ટરને શોધવાના બાકી હતા.
અમારી એ શોધ કેવી રહી અને કેવી રીતે નાટક આગળ વધ્યું એની વાતો હવે આપણે કરીશું હું આફ્રિકાથી પાછો આવી જાઉં એ પછી. હા, હું કુખ્યાત ઇદી અમીનવાળા યુગાંડા દેશમાં જઈ રહ્યો છું, મારું નાટક ‘બૈરાંઓનો બાહુબલી’ લઈને. એના પાટનગર કમ્પાલામાં ત્રણ શો છે એટલે પાંચ દિવસમાં તો હું પાછો આવી જઈશ. મળીએ આવતા સોમવારે.


Whatsapp-channel Whatsapp-channel

16 May, 2022 12:47 PM IST | Mumbai | Sanjay Goradia

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK