° °

આજનું ઇ-પેપર
Thursday, 19 May, 2022


...અને બન્યું મળવાનું નર્ગિસને

25 January, 2022 04:39 PM IST | Mumbai
Sarita Joshi | sarita.joshi@mid-day.com

નવ્વાણું ટકા એ ‘શ્રી ૪૨૦’ ફિલ્મ હતી અને તેમને ડાન્સરની જરૂર હતી. બધું બરાબર ચાલ્યું, પણ હું ઉંમરમાં નાની લાગી એમાં વાત અટકી ગઈ, પણ મને એનાથી કોઈ ફરક નહોતો પડ્યો. કારણ કે મને નર્ગિસજીને મળવા મળ્યું હતું. તેમની એ ગ્લો, તેમનો એ ઓરા હું આજે પણ ભૂલી નથી

તેમની આંખો, તેમનો ઓરા એવો પ્રભાવશાળી હતો કે તેમને મળ્યા પછી મહિનાઓ સુધી તમે એ બધામાંથી બહાર ન આવી શકો. મહિનાઓ શું, વર્ષો અને દસકાઓ સુધી. હું આજે પણ નર્ગિસને મળ્યાનો એ કેફ અનુભવું છું.

તેમની આંખો, તેમનો ઓરા એવો પ્રભાવશાળી હતો કે તેમને મળ્યા પછી મહિનાઓ સુધી તમે એ બધામાંથી બહાર ન આવી શકો. મહિનાઓ શું, વર્ષો અને દસકાઓ સુધી. હું આજે પણ નર્ગિસને મળ્યાનો એ કેફ અનુભવું છું.

મુંબઈ પછી વડોદરા અને વડોદરાથી પાછી મુંબઈ. 
મોટી બહેન શાલિનીએ આઈના મનમાં એ વાત બરાબરની બેસાડી દીધી કે ઇન્દુમાં ટૅલન્ટ છે તો પછી આપણે તેને શું કામ ફિલ્મોમાં ન લઈ જઈએ? બહેન વડોદરા રોકાવા આવી હતી ત્યારે તેણે આ વાત કાઢી અને એ પછી તો મારા મનમાં પણ આખો દિવસ ફિલ્મોની જ વાત ચાલ્યા કરી. સ્વભાવે હું સપનાં બહુ જોઉં. સપનાં જોવાં સારાં છે, પણ સપનાં જોયા પછી એને પૂરાં કરવાની ધગશ પણ હોવી જોઈએ અને એને માટે મહેનત કરવાની ક્ષમતા પણ કેળવવી પડે સાહેબ.
મહેનત કરવાની તૈયારી હતી અને એને માટે ક્ષમતા પણ હતી. આઈને મોટી બહેને મનાવી લીધી એટલે હું તો આઈ સાથે ફરી મુંબઈ આવી. મુંબઈમાં બહેનનું ઘર દાદરમાં હતું અને એ ઘર સારું એવું મોટું હતું. બે કે ત્રણ બેડરૂમનો મોટો ફ્લૅટ. એયને મસ્ત દોઢસો-બસ્સો ફુટની રૂમ 
અને એનાથી પણ વધારે મોટો હૉલ. સાથે સરસમજાનું કિચન. 
lll
બહેનની ફૅમિલીની થોડી વાત કરું તમને.
શાલિનીની ફૅમિલીમાં તેના હસબન્ડ અને બે બાળકો. આમ તો એ લોકો દિલ્હીનાં હતાં અને દિલ્હીનું ઘર હજી તેમનું ચાલુ જ હતું એટલે શાલિનીનાં સાસુ દિલ્હી જ રહેતાં, કોઈ-કોઈ વાર તેઓ મુંબઈ આવે અને શાલિની સાથે રહે. હું રહેવા ગઈ એના થોડા જ દિવસમાં મારા જીજાજીનાં મધર એટલે શાલિનીનાં સાસુ મુંબઈ આવ્યાં. સ્વાભાવિક છે કે મને જોઈને અણસાર તો આવી જ જાય કે આ ઇન્દુ છે એટલે એવી કોઈ ચિંતા નહોતી, પણ આવી છે શું કામ એ વાત આવી એટલે હું તો ચૂપ જ થઈ ગઈ. મારા મનમાં હતું કે હું મારાં નાટકોની બધી વાત કરું, પણ હું કહું અને કોઈ લોચો વળી જાય તો.
‘એ ફિલ્મો માટે આવી છે, ઍક્ટિંગ બહુ સરસ કરે છે તો...’
નાટકનું નામ જ નહીં. બસ, ફિલ્મોની જ વાત. બહેને કહ્યું કે અહીં રહેશે અને ફિલ્મો માટે તૈયારી કરશે. મને આજે પણ નવાઈ લાગે છે કે આવું શું કામ હતું ત્યારે કે નાટકનું નામ બોલી ન શકાય. મારી બહેનની ફૅમિલીમાં જ નહીં, ઘણા પરિવારોમાં એવું હતું. એ લોકો નાટક જોવા જાય, કલાકારોનાં વખાણ કરે, પણ પરિવારમાંથી કોઈ નાટકમાં જવાનું નામ લે તો લાલચોળ થઈ જાય. નાટકમાં કોઈ કામ કરે એ તેમને ગમે નહીં. આ જે માનસિકતા હતી એ આજે તો સાવ બદલાઈ ગઈ છે. લોકો રાજી થઈને તેમનાં બાળકોને નાટકલાઇન કે ટીવીલાઇનમાં મોકલે છે. નાટકલાઇનમાં બાળકો કામ કરતાં હોય તો માબાપ ગર્વ લે. ચાર જણને કહે કે અમારી દીકરી ફલાણા નાટકમાં કામ કરે છે, બહુ સરસ કામ કર્યું છે. જોજો તમે. પણ એ સમયે નાટકમાં કામ કરવાની વાત છુપાવવામાં આવતી.
મારી બહેનની સાસુ સામે પણ એ વાતને છુપાવવામાં આવી અને મને એનો વાંધો પણ નહોતો. મારા મનમાં પણ હવે તો ફિલ્મો જ ચાલતી હતી. બહેનની નાટક પ્રત્યેની ચીડને મેં પણ માન આપીને નાટકોની વાતો કરવાનું અવગણવા માંડ્યું હતું.
lll
ફિલ્મોમાં કામ કરવું હોય તો એની કેટલીક પાયાની જરૂરિયાત હોય અને એ સમયે પાયાની જરૂરિયાતમાં કથક પણ ગણાતું. કથક શીખવાનું મેં શરૂ કર્યું હતું, પણ અગાઉ  થયેલા કડવા અનુભવને કારણે હવે મારે કથક શીખવાનું હતું પણ એવી જગ્યાએ શીખવાનું હતું જે જગ્યા વિશ્વાસપાત્ર હોય.
ગૌરીશંકર નામના એક ડાન્સ-માસ્ટર હતા, જેઓ જાણીતા હતા અને તેમની શાખ પણ બહુ સારી હતી. બહેને બધી તપાસ કરી લીધી અને એ પછી મેં ત્યાં કથક શીખવાનું શરૂ કર્યું. ૬ મહિનામાં તો હું બહુ સરસ કથક શીખી ગઈ. ડાન્સ-માસ્ટર પણ બહુ ખુશ થયા અને તેમણે કહ્યું પણ ખરું કે બધાને મારે બે વાર-ચાર વાર દેખાડવું પડે છે, પણ ઇન્દુને હું એક વાર દેખાડું એટલે તેને તરત જ યાદ રહી જાય છે.
કથક મને પહેલાં પણ ગમતું હતું અને ગમતા કામની ખાસિયત છે કે એ શીખવામાં ધગશ હોય. કથક શીખવાની સાથોસાથ મારે બીજા પણ કેટલાક નિયમો પાળવાના હતા. મારા રોજબરોજના કામમાં હિન્દી બોલવાનું, ઉર્દૂના શબ્દો પાકા કરવાના અને સાચી જગ્યાએ એનો પણ ઉપયોગ કરવાનો. નાટકની વાત કરવાની નહીં અને ફિલ્મો વિશે, ફિલ્મોની કરીઅર વિશે જ વિચારવાનું. 
મારે નાટક વિશે કોઈને કહેવાનું નહોતું. આડોશી-પાડોશીને પણ નહીં. શાલિનીની ચોખ્ખી ના હતી. શાલિનીને અમે ઘરે તો શાલિની જ કહેતાં, પણ અહીં મુંબઈના તેના ઘરે અમારે શાલિની પણ નહીં કહેવાનું, ‘દીદી’ કહેવાનું અને તેના ઘરે બધાં એમ જ બોલે. ‘દીદી’ અને ‘બડે ભાઈ’ને એવું. હું પણ શીખી ગઈ એ અને શાલિની હવે મારે માટે ‘શાલિનીદીદી’ બની ગઈ.
જીવનનો એ ગજબનાક તબક્કો હતો. બધું નવું-નવું આજુબાજુમાં ચાલતું હતું તો સાથોસાથ નવું-નવું જીવનમાં આવતું જતું હતું. 
આ જ તબક્કામાં મને એક એવી વ્યક્તિને રૂબરૂ મળવાની તક મળી જે બૉલીવુડના જ નહીં, દેશના તમામ કલાકારો માટે આજે પણ આદર્શ સમાન છે.
lll
ફિલ્મો કરવી હતી એટલે એકાદ-બે વાર હું શૂટિંગ જોવા પણ જઈ આવી. જીજાજી સાથે જવાનું અને એક જગ્યાએ ઊભી રહીને ચૂપચાપ શૂટિંગ જોવાનું. સપનાને આંખોમાં ભરીને હું એ શૂટિંગ જોતી, જોતી કે એક દિવસ હું પણ આમ જ કૅમેરા સામે ઊભી રહીને સીન ભજવીશ અને સીન પૂરો થયા પછી આખું યુનિટ તાળીઓ પાડશે.
જીજાજીને કારણે જ એક વાર મને નર્ગિસ દત્તને મળવાની તક પણ મળી. આઇ થિન્ક એ સમયે કદાચ ‘શ્રી ૪૨૦’નું શૂટિંગ ચાલતું હતું. એ લોકો ડાન્સરની શોધમાં હતા એટલે જીજાજી મને લઈ ગયા હતા. નર્ગિસજીને જોઈને હું તો આભી જ રહી ગઈ. બસ, તેમને જોયા જ કરું. તેમની ફેરનેસ અને તેમનો જે ઓરા હતો એ ગજબનો હતો. તેમની આંખો પણ સતત સ્માઇલ કરતી રહેતી.
ડાન્સરની વાત મેં તમને કરી, કોઈ ગીતમાં ડાન્સરની જરૂર હતી એટલે હું ગઈ હતી, હું ડાન્સ બહુ સરસ કરતી અને એ સમયે પણ બહુ સરસ રીતે મેં ઑડિશન આપ્યું હતું, પણ તેમને હું નાની લાગી એટલે સિલેક્ટ ન થઈ શકી. જો સિલેક્ટ થઈ હોત તો હું આજે તમને ‘શ્રી ૪૨૦’નો ફોટો દેખાડી શકી હોત, પણ હશે, નસીબ કંઈક જુદું વિચારતું હતું મારા માટે એટલે એ કામ ન થયું, પણ હું નાસીપાસ નહોતી થઈ. સાચું કહું, અપસેટ થવું, નાસીપાસ થવું કે પછી ડિસ્ટર્બ થઈ જવું એવું કશું મારામાં આવતું જ નહોતું. ત્યારે પણ નહીં અને આજે પણ નહીં. જો તમે પરિસ્થિતિ અને સંજોગોને સ્વીકારી ન શકો તો જ તમને એવી બધી વાતો અસર કરે, બાકી તો તમને નકારથી કે પછી કોઈના નનૈયાથી ફરક જ ન પડવો જોઈએ. આજે પણ હું એવી જ છું અને ત્યારે પણ હું એવી જ હતી. કારણ કદાચ એવું હશે કે મને ભવિષ્ય પર ભરોસો હતો અને એવો જ ભરોસો તમારે પણ રાખવાનો છે. અપસેટ થયા વિના કે પછી નાસીપાસ થયા વિના. એક વાત યાદ રાખજો કે જો જાત પર વિશ્વાસ હશે, જો જાત પર ભરોસો હશે તો તમને કોઈ સ્થિતિ, કોઈ સંજોગ કનડી નહીં શકે, ક્યારેય નહીં.

નાસીપાસ થવું કે ડિસ્ટર્બ થઈ જવું એવું કશું મારામાં આવતું જ નહોતું. ત્યારે પણ નહીં અને આજે પણ નહીં. જો તમે પરિસ્થિતિ અને સંજોગોને સ્વીકારી ન શકો તો જ તમને એવી બધી વાતો અસર કરે, બાકી તો તમને નકારથી કે પછી કોઈના નનૈયાથી ફરક જ ન પડવો જોઈએ.

25 January, 2022 04:39 PM IST | Mumbai | Sarita Joshi

અન્ય લેખો

ફ્રી ટાઇમ, બેસ્ટ ટાઇમ :આ વેકેશનમાં તમારાં બચ્ચાંઓ કેવી રીતે સમય પસાર કરવાનાં છે?

કોઈના નબળા ગુણ આપણામાં ન આવે એ ધ્યાન રાખવાની સાથોસાથ એ પણ જોવાનું હોય કે તેનામાં રહેલા સારા ગુણોને આપણે પ્રેમપૂર્વક સ્વીકારીએ.

18 May, 2022 07:58 IST | Mumbai | Manoj Joshi

એક સારું આૅડિટોરિયમ પાંચ હૉસ્પિટલની ગરજ સારે

નવી સ્કૂલ બને, મંદિર બને, કમ્યુનિટી હૉલ બને અને હૉસ્પિટલ બને; પણ નવું એક પણ ઑડિટોરિયમ બનતું નથી. આપણા ગુજરાતીઓ શું કામ આ કામ માટે આગળ ન આવે, શું કામ મનોરંજનનું આ મંદિર વધુ ને વધુ લોકો સુધી પહોંચે એ દિશામાં કામ ન કરે?

17 May, 2022 10:02 IST | Mumbai | Sarita Joshi

પૂછો તમારી જાતને : જરા વિચારો અને કહો જોઈએ કે તમે તમારા આ શહેર માટે શું કર્યું?

આપણે એવું તે શું કરી લીધું જેને લીધે આમચી મુંબઈના નારા લગાવીએ છીએ એ આપણું મુંબઈ વધારે જીવવાલાયક બન્યું? કંઈ કર્યું ખરું જેને લીધે આપણે આ શહેરમાં એક નાનકડી સુવિધાને પણ સાચવવાની કોશિશ કરી કે પછી જે પગલાને કારણે આ મુંબઈ થોડું વધારે સારું બન્યું?

17 May, 2022 09:46 IST | Mumbai | Manoj Joshi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK