Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > આમચી મુંબઈ, બેસ્ટ મુંબઈ

આમચી મુંબઈ, બેસ્ટ મુંબઈ

14 March, 2021 01:32 PM IST | Mumbai
Bhavya Gandhi | feedbackgmd@mid-day.com

આમચી મુંબઈ, બેસ્ટ મુંબઈ

આમચી મુંબઈ, બેસ્ટ મુંબઈ

આમચી મુંબઈ, બેસ્ટ મુંબઈ


મુંબઈ, મારું મુંબઈ, આમચી મુંબઈ.
મુંબઈ માટે આપણો જે પ્રેમ છે, મુંબઈ માટે આપણી જે લાગણી છે એ બધાની સરખામણી બીજાં શહેરો કરતાં તો ક્યાંય જુદી જ છે. કહો કે ખૂબ વધારે છે. આ લાગણી અને આ જે પ્રેમ છે એ પ્રેમ-લાગણી માત્ર હોવાથી નહીં ચાલે. પ્રેમથી કે લાગણીથી ક્યારેય પર્ફેક્ટ નથી બનાતું. પર્ફેક્ટ બનવા માટે પ્રેમ હોવો જરૂરી છે, પણ એ પ્રેમ તો જ કામનો જો એનાથી પર્ફેક્શન આવે, એનાથી પ્રૉબ્લેમ સૉલ્વ થાય અને એનાથી બેટર અને બેસ્ટ બની શકાય. આજે આપણે વાત કરવી છે મુંબઈના પ્રશ્નો અને એના પ્રૉબ્લેમ્સની.
એક સિટીને બધી રીતે પર્ફેક્ટ બનાવવા માટેની જે જવાબદારીઓ છે એ માત્ર સરકાર કે પછી ઑથોરિટીની નથી, એ જવાબદારી આપણા સૌની પણ એટલી જ છે. હું કહીશ કે એક પણ મુંબઈકર ફરિયાદ કરવામાં માનતો નથી, એ કોઈ જાતની ફરિયાદ લઈને આગળ પણ નથી આવતો અને એટલે જ કહું છું કે ફરિયાદ સહન કરવાને કે ચલાવી લેવાને બદલે આપણે એના વિશે ચર્ચા કરવી જોઈએ. કબૂલ, મંજૂર કે પ્રશ્નો અને પ્રૉબ્લેમ રહેવાના, લાઇફટાઇમ રહેવાના, પણ એ વધુ મોટા અને વિકરાળ ન બને એ જોવાનું છે. અત્યારે તો કોવિડને કારણે લોકલ ટ્રેન બધા માટે ચાલુ નથી, પણ જે સમયે લોકલ બધા માટે ચાલુ હોય એવા સમયે લોકલમાં જગ્યા ન મળે એટલે મેટ્રો આવશે ત્યારે એમાં રાહત થશે એવું ધારી શકાય, પણ લોકલનો પ્રશ્ન આજે છે એના કરતાં મોટો તો ન જ થવો જોઈએ. પ્રશ્નો ત્યારે જ મોટા થાય છે જ્યારે એની તરફ ધ્યાન આપવાનું કામ આપણે નથી કરતા.
અમુક પ્રશ્નો મુંબઈમાં એવા છે ખરા જે મોટા થઈ રહ્યા છે, વધી રહ્યા છે. મોટા થઈ રહેલાં એ પ્રશ્નો માટે સરકાર કે પછી ગવર્નન્સ એટલા જવાબદાર નથી જેટલા જવાબદાર આપણે છીએ. આપણે જે પ્રશ્નોની વાત કરીશું એ પ્રશ્નો ખરા અર્થમાં આપણે જ સરળતાથી સૉલ્વ કરી શકીએ છીએ. કેવી રીતે, ચાલો જોઈએ.
મુંબઈ માટે આજે સૌથી મોટો જો કોઈ પ્રશ્ન હોય તો એ છે ટ્રાફિક જૅમનો. મુંબઈ અને ટ્રાફિક જૅમ હવે એકબીજાના પર્યાય બની ગયા છે. દસ મિનિટથી માંડીને દસ કલાકનો ટ્રાફિક જૅમ જોવા મળ્યો છે અને એ ટ્રાફિક જૅમમાં આપણે બધાએ ફસાઈને અનુભવ લઈ લીધો છે. ટ્રાફિકનો આ પ્રશ્ન મુંબઈ માટે નવો નથી, પણ અફસોસની વાત એ છે કે આપણે એનું હજી સુધી કોઈ સૉલ્યુશન પણ શોધ્યું નથી. મુંબઈનો ટ્રાફિક-પ્રશ્ન હલ કરવાની જવાબદારી માત્ર ટ્રાફિક-પોલીસની નથી, એની જવાબદારી આપણી પણ છે. આપણે ટ્રાફિકની બાબતમાં થોડા અવેર થવાની જરૂર છે. ટ્રાફિક રૂલ્સની બાબતમાં જાગ્રત થવાની જરૂર છે. તમે પ્રયાસ કરો તો સરળતા સાથે અને સહજતા સાથે આ કામ કરી શકો છો. ન્યુ યૉર્કનો જે ટ્રાફિક છે એ અનબિલિવેબલ છે, પણ એ અનબિલિવેબલ ટ્રાફિક વચ્ચે પણ ક્યાંય તમને ટ્રાફિક જૅમ જોવા નથી મળતો. આનું કારણ ટ્રાફિક-સેન્સ જ છે. આપણે ટ્રાફિક-સેન્સ ડેવલપ કરવાની જરૂર છે. લેન-ચેન્જ અને લેન-ક્રૉસિંગ જેવી વાતો પર આપણે ખૂબ ધ્યાન આપવું જોઈએ. નાહકની ઉતાવળ અને નાહકના ટર્ન આપણને અને આપણી સાથે બીજાને પણ નડતા હોય છે. ૧૦૦માંથી ૮૦ ટ્રાફિક જૅમ આવા જ કારણસર થતા હોય છે. જો આપણે શાંતિથી લેન ચેન્જ કર્યા વગર કે ખોટી લેનમાં ઘૂસ્યા વગર ડ્રાઇવ કરીએ તો મને લાગે છે કે ટ્રાફિક જૅમ જ નહીં, ટ્રાફિક પણ એટલો નહીં થાય અને ઍક્સિડન્ટનું પ્રમાણ પણ ઘટશે. આપણે ત્યાં પીક-અવર્સમાં ટ્રાફિક સૌથી વધારે હોય છે, એવા સમયે બને ત્યાં સુધી મોટાં વાહનોને રસ્તો આપવો જોઈએ, જેથી એ બીજાં નાનાં વાહનોને રોકી ન રાખે. ટ્રાફિકના નિયમોનું પાલન કરવાની દિશામાં કામ કરીએ તો ચોક્કસ આપણી સિટીનો ટ્રાફિકનો પ્રશ્ન હલ થશે જ થશે.
મુંબઈનો બીજો પ્રશ્ન, ગંદકી છે જેને માટે આપણે જ જવાબદાર છીએ. આપણે એટલો કચરો પેદા કરીએ છીએ કે એ કચરાને જ નહીં, કચરાના એ વેસ્ટને પણ ખતમ કરતાં મહિનાઓ લાગી જાય. આને માટે આપણે બને ત્યાં સુધી એવો પ્રયત્ન કરીએ કે કચરો જ્યાં-ત્યાં નાખવાનું બંધ કરીએ. ગવર્નમેન્ટ એને માટે સજાગ છે અને બીએમસીએ ડસ્ટબિન પણ મૂક્યાં છે. હવે એનો વપરાશ વધારવાનો છે. યાદ રાખજો કે આપણો નાખેલો કચરો કોઈએ તો ઉપાડવાનો જ છે તો આપણે કચરો જ્યાં-ત્યાં નહીં ફેકીશું તો એ રીતે સરકારી મૅનપાવર પણ બચશે, સફાઈ કામદારનો ઉપયોગ બીજી જગ્યાએ કરી શકાશે. રસ્તા પર સુસુ કરવાની પણ આપણે ત્યાં બહુ ખોટી અને ખરાબ આદત છે. આમાં પણ સુધારો કરવાની જરૂર છે. માન્યું કે આ એક કુદરતી પ્રેશર છે, પણ આ પ્રેશરને કેવી રીતે દબાવવું એ પણ આપણે શીખવું પડશે. રસ્તા પર થૂંકવા જેવી ખરાબ અને ફાલતુ આદતો પણ આપણામાં એટલી છે કે આપણે ખરેખર એ જોઈને વૉમિટ કરી બેસીએ. આ બધી આદતોને તમારે તમારી જ રીતે ચેન્જ કરવાની છે. કુટેવ જો તમારી હોય તો એનાથી તમારા શહેરે હેરાન થવાનું હોય. જો તમને એવું લાગતું હોય કે આ તમારો ફિઝિકલ પ્રૉબ્લેમ છે તો તમે એને માટે ડૉક્ટર પાસે જાઓ, તેમની મદદ લો, પણ રસ્તા પર જ્યાં-ત્યાં થૂંકવું કે પછી સુસુ કરવા માટે ઊભા રહી જવું એ બહુ ખરાબ બાબત છે.
સ્લમ, ઝૂંપડપટ્ટી આ મુંબઈનો ત્રીજો પ્રશ્ન છે. ધારાવી એ દુનિયાનું સૌથી મોટું સ્લમ છે જે આપણે જાણીએ છીએ. જે સ્લમ છે એને આપણે નહીં અટકાવી શકીએ, પણ મારું કહેવું એ છે કે નવી સ્લમ ઊભી થતી રોકવી જોઈશે. આ નવી સ્લમને ઊભી થતી રોકવાનું કામ કરવું હોય તો એને માટે તમારે સાચું એજ્યુકેશન અને માર્ગદર્શન આપવું પડશે. તમારે તમારી આજુબાજુમાં રહેતા અને પ્રમાણમાં ઓછી આવક ધરાવતા સૌકોઈને સમજાવવા પડશે કે આ રીતે સ્લમમાં રહેવું યોગ્ય નથી. સ્લમમાં રહેવાના ગેરફાયદા પણ દેખાડવા પડશે અને સરકાર દ્વારા આપવામાં આવતી યોજનાઓથી તેમને વાકેફ પણ કરવા પડશે. ગુજરાતમાં એક વડીલ રહે છે, જેમનું કામ જ એ છે કે તેઓ નાના લોકોને મળીને તેમને સરકારી યોજનાઓ સમજાવે. સરકારી અધિકારી એવા એ વડીલે રિટાયર થયા પછી આ પ્રવૃત્તિ બનાવી લીધી છે. સરકાર આજે બધાને હેલ્પ મળે એવી અનેક યોજના ચલાવે છે, પણ અફસોસની વાત એ છે કે સરકારની એ યોજના વિશે નાનો વર્ગ કશું જાણતો જ નથી. આ યોજનામાં અનેક યોજનાઓ એવી છે જેમાં આ નાના વર્ગને રહેવા ઘર મળે. સ્લમમાં રહેવું કોઈને ગમતું નથી, પણ તેમની મજબૂરી હશે એટલે તેમણે ત્યાં રહેવું પડે છે, પણ જો તેમને સાચું ગાઇડન્સ આપવામાં આવે તો એ ચોક્કસ સારી રીતે અને સારી જગ્યાએ રહેવાનું શરૂ કરે. તેને આ સગવડ મળે કે નહીં મળે એ જોવાનું આપણું કામ નથી, પણ આપણે તેમને સાચી વાત કહેવી જોઈએ એ આપણી ફરજ છે. આપણે આ જવાબદારી નિભાવવી જોઈએ એવું મને લાગે છે.
પૉલ્યુશન. આ મુંબઈનો જે પ્રશ્ન છે એને દૂર કરવાનું કામ પણ આપણે જ કરવાનું છે. આપણે બને એટલાં વધુ વૃક્ષો વાવીને મુંબઈને ગ્રીન મુંબઈ બનાવી શકીએ છીએ. આને માટે તમારી પાસે જગ્યા હોવી જરૂરી નથી. તમે તમારી સોસાયટીમાં પ્લાન્ટેશન કરી શકો છો. ઘરની ગૅલરીમાં કે પછી ઘરમાં પણ ઇન્ડોર પ્લાન્ટ રાખીને પણ ગ્રીન મુંબઈની દિશામાં ઍટ લીસ્ટ એક સ્ટેપ લઈ શકો છો. તમારી પાસે બિલ્ડિંગની ટેરેસ છે. એ ટેરેસ પર પણ સરસમજાના કુંડામાં પ્લાન્ટ વાવીને પૉલ્યુશન ઓછું કરવાની દિશામાં કામ કરી શકો છો. પ્રશ્નને રડવાનું નહીં, એની સામે લડવાનું કામ કરો. મારા-તમારા ઘરમાં રહેલા ઍર-કન્ડિશનર પણ મુંબઈની ગરમીમાં વધારો કરે છે. આપણે એનો ઉપયોગ ઓછો કરવો હોય તો પહેલાં મુંબઈને ઠંડું કરવું પડશે અને મુંબઈને ઠંડું કરવા માટે પ્લાન્ટેશનનો જ રસ્તો વાપરવો પડશે. પૉલ્યુશન ઓછું કરવા માટે તમારાં વેહિકલ પણ સમયસર સર્વિસ થતાં રહે એ પણ જરૂરી છે. કોવિડના લૉકડાઉન સમયે પૉલ્યુશનનું લેવલ ડાઉન થયું, પણ પછી, હવે ફરીથી ઠેરના ઠેર જ છીએ.
આ જે પ્રશ્નો છે એનું નિરાકરણ આપણે લાવવાનું છે. દરેક વખતે બીએમસી પર ઢોળી દેવાનો કોઈ અર્થ નથી. બહેતર છે કે તમે
થોડા જાગ્રત થાઓ અને જાગૃતિ સાથે વર્તવાનું શરૂ કરો. જો એવું થશે તો જ મુંબઈ રહેવાલાયક રહેશે.


Whatsapp-channel Whatsapp-channel

14 March, 2021 01:32 PM IST | Mumbai | Bhavya Gandhi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK