Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ફિલ્મ ‘શક્તિ’ જોઈને રાજ કપૂરે દિલીપકુમારને ફૂલનો મોટો ગુલદસ્તો મોકલાવીને સાથે ચિઠ્ઠીમાં શું લખ્યું હતું?

ફિલ્મ ‘શક્તિ’ જોઈને રાજ કપૂરે દિલીપકુમારને ફૂલનો મોટો ગુલદસ્તો મોકલાવીને સાથે ચિઠ્ઠીમાં શું લખ્યું હતું?

12 December, 2021 05:00 PM IST | Mumbai
Rajani Mehta | rajnimehta45@gmail.com

દિલીપકુમાર અને રાજ કપૂર જીવનભર એકમેકના મિત્ર તરીકે જાહેર જીવનમાં દેખાયા. રાજ કપૂર સતત દિલીપકુમારને પરણી જવાનો આગ્રહ કરતા. સાયરાબાનુ અને દિલીપકુમારનાં લગ્નમાં બારાતીઓ સાથે રાજ કપૂરે મન મૂકીને ભાંગડાનૃત્ય કર્યું હતું.

‘શક્તિ’ જોઈ રાજ કપૂરે દિલીપકુમારને ગુલદસ્તો મોકલાવીને ચિઠ્ઠીમાં શું લખ્યું હતું?

‘શક્તિ’ જોઈ રાજ કપૂરે દિલીપકુમારને ગુલદસ્તો મોકલાવીને ચિઠ્ઠીમાં શું લખ્યું હતું?


The best time to make friends is before you need them.
- Jamaican proverb
જ્યારે મિત્રની જરૂર ન હોય ત્યારે જે મિત્ર બને તેની સાથેની મૈત્રી રહેતી હોય છે. મૈત્રીની ભાષામાં શબ્દોનું નહીં, અર્થનું મહત્ત્વ હોય છે. મૈત્રી જાળવવી એ બન્ને પક્ષે મોટી જવાબદારી હોય છે એટલે તો કહેવાય છે, ‘Always keep your friendship on repair.’ બાળપણની મૈત્રી આયુષ્યકાળને અતિક્રમીને જીવતી રહે છે, કારણ કે વિદાય મિત્રની થાય છે, મૈત્રી તો સદૈવ જીવંત રહેતી હોય છે.  
પેશાવરમાં રાજ કપૂરના દાદા વિશ્વેશ્વરનાથ અને દિલીપકુમારના પિતા સરવર ખાનની મૈત્રી હતી. બન્નેના પરિવાર એકમેકની નજીક હતા એટલે રાજ કપૂર અને દિલીપકુમાર નાનપણથી મિત્રો હતા. સરવર ખાન મુંબઈ આવ્યા અને ફ્રૂટ્સનો બિઝનેસ શરૂ કર્યો. પૃથ્વીરાજ કપૂર પણ મુંબઈ આવ્યા. દિલીપકુમારની પહેલી ફિલ્મ હતી બૉમ્બે ટૉકીઝની ‘જ્વારભાટા.’ એ દિવસોમાં રાજ કપૂર બૉમ્બે ટૉકીઝમાં મહિને ૭૫ રૂપિયાના પગારે નોકરી કરતા હતા. દિલીપકુમાર અને રાજ કપૂરની અલપઝલપ મુલાકાત થતી, કારણ કે દિલીપકુમાર બૉમ્બે ટૉકીઝની કૅન્ટીનમાં ફ્રૂટ્સ અને બીજી સામગ્રીની સપ્લાય કરતા હતા. ત્યાં તેમની મુલાકાત માલકણ દેવિકારાણી સાથે થઈ. અભિનયની કોઈ પાર્શ્વભૂમિકા ન હોવા છતાં તેની પસંદગી હીરોના રોલમાં થઈ એટલે રાજ કપૂરે દેવિકારાણી સાથે ઝઘડો કર્યો કે હું અહીં બે વર્ષથી મહેનત કરું છું અને તમે મારી ઉપેક્ષા કરી? આટલું કહીને તેઓ નોકરી છોડીને બહાર નીકળી ગયા. આમ દિલીપકુમારની ફિલ્મી કારકિર્દી રાજ કપૂર પહેલાં શરૂ થઈ. એ  સમયથી બન્નેની મૈત્રીમાં અદેખાઈનો એક ‘અન્ડર કરન્ટ’ શરૂ થયો હતો.
મેહબૂબ ખાનની ફિલ્મ ‘અંદાઝ’માં રાજ કપૂર અને દિલીપકુમાર પહેલી અને છેલ્લી વાર એકસાથે જોવા મળ્યા. ફિલ્મ ‘આગ’ પછી રાજ કપૂર ‘ઘરોન્ડા’(દા) બનાવવાના હતા. તેમની ઇચ્છા હતી કે નર્ગિસ અને દિલીપકુમાર સાથે પોતાની ભૂમિકાવાળી આ ફિલ્મ મોટા પાયા પર બનાવવી, પરંતુ દિલીપકુમારે ના પાડી. વર્ષો બાદ આ ફિલ્મ રાજ કપૂરે ‘સંગમ’ નામે બનાવી જેમાં દિલીપકુમારવાળો રોલ રાજેન્દ્રકુમારે કર્યો અને નર્ગિસવાળો રોલ વૈજયંતીમાલાએ. વિદેશનાં સ્થળોએ શૂટિંગ કરવાનો નવો ચીલો આ ફિલ્મથી શરૂ થયો. નયનરમ્ય ફોટોગ્રાફી અને લોકપ્રિય ગીતોને કારણે ફિલ્મ બે ઇન્ટરવલ હોવા છતાં સફળ રહી. 
એ દિવસોમાં દિલીપકુમાર અને વૈજયંતીમાલાની જોડી હિટ હતી. બન્નેએ  ‘પૈગામ’, ‘દેવદાસ’, ‘નયા દૌર’, ‘મધુમતી’ અને ‘ગંગા જમુના’ જેવી સફળ ફિલ્મો આપણને આપી. એક સમય હતો જ્યારે દિલીપકુમાર અને નર્ગિસની જોડીએ ‘હલચલ’, ‘મેલા’, ‘અનોખા પ્યાર’, ‘બાબુલ’, ‘જોગન’, ‘દિદાર’ જેવી ફિલ્મોમાં કામ કર્યું. નર્ગિસ સાથેની નિકટતા બાદ રાજ કપૂરે તેને દિલીપકુમાર સાથે કામ કરવાની બંધી ફરમાવી હતી. પોતાના જીવનમાંથી નર્ગિસની વિદાય બાદ રાજ કપૂરે વૈજયંતીમાલા તરફ નજર દોડાવી. તેની સાથે ‘નઝરાના’માં તેમણે કામ કર્યું હતું એટલે જાન-પહેચાન તો હતી જ, પરંતુ કોણ જાણે કેમ ‘સંગમ’ માટે વૈજયંતીમાલાની આનાકાની હતી. તેની સ્પષ્ટ હા કે ના આવતી નહોતી. છેવટે રાજ કપૂરે પોતાની આગવી સ્ટાઇલમાં ટેલિગ્રામ મોકલ્યો. એ સમયે વૈજયંતીમાલા શૂટિંગ માટે મદ્રાસ હતી. ટેલિગ્રામમાં કેવળ એટલું લખ્યું હતું, ‘બોલ રાધા બોલ, ‘સંગમ’ હોગા કિ નહીં?’ ફિલ્મ ‘નઝરાના’ના શૂટિંગ વખતે તેણે ‘સંગમ’ની વાર્તા સાંભળી હતી. તેણે કાવ્યમય જવાબ મોકલાવ્યો, ‘હોગા, હોગા, હોગા.’ આ ઘટનાને રાજ કપૂરે ફિલ્મના એક ગીતનું મુખડું બનાવીને સામેલ કરી હતી.
આમ દિલીપકુમારની ફિલ્મોની હિરોઇન વૈજયંતીમાલાનું આર. કે. ફિલ્મ્સમાં અને રાજ કપૂરના જીવનમાં આગમન થયું. બન્નેની નિકટતા વધતાં વૈજયંતીમાલા અને દિલીપકુમાર વચ્ચેના પ્રોફેશનલ રિલેશનમાં ઓટ આવવા લાગી. એ ત્યાં સુધી કે ફિલ્મ ‘લીડર’ અને ‘સંઘર્ષ’ના શૂટિંગ દરમ્યાન બન્ને વચ્ચે ફિલ્મના સંવાદો સિવાય બોલવાનો પણ વ્યવહાર નહોતો. 
દિલીપકુમાર અને રાજ કપૂર જીવનભર એકમેકના મિત્ર તરીકે જાહેર જીવનમાં દેખાયા. રાજ કપૂર સતત દિલીપકુમારને પરણી જવાનો આગ્રહ કરતા. સાયરાબાનુ અને દિલીપકુમારનાં લગ્નમાં બારાતીઓ સાથે રાજ કપૂરે મન મૂકીને ભાંગડાનૃત્ય કર્યું હતું. ફિલ્મ ‘શક્તિ’ જોઈને રાજ કપૂરે દિલીપકુમારને ફૂલનો મોટો ગુલદસ્તો મોકલાવીને સાથે ચિઠ્ઠીમાં લખ્યું હતું, ‘બાદશાહ હંમેશા બાદશાહ હોતા હૈ.’ દિલીપકુમાર અભિનયસમ્રાટ હતા તો રાજ કપૂર ‘ગ્રેટ શોમૅન’ હતા. બન્નેને એકમેકની પ્રતિભા માટે માન હતું. સાચો મિત્ર તમારી ભૂલ સામે હંમેશાં આંખ આડા કાન કરતો હોય છે. કોઈએ સાચું કહ્યું છે, ‘The most beautiful discovery true friends make is that they can grow separately without growing apart.’ બન્નેએ ‘પ્રોફેશનલ રાઇવલરી’ને કદી વધુ મહત્ત્વ ન આપ્યું. દરેક વાત સાચી, પરંતુ એ હકીકતનો ઇનકાર ન થાય કે જ્યારે બન્ને પોતપોતાના ક્ષેત્રમાં સક્રિય હતા ત્યારે તેમની વચ્ચે ઈર્ષ્યાનો એક વણદેખ્યો પ્રવાહ વહેતો રહ્યો. એને વધુ મહત્ત્વ આપવું પણ ન જોઈએ, કારણ કે એ સહજ અને સ્વાભાવિક હતું.
રાજ કપૂરના વ્યક્તિત્વનાં અનેક પાસાં હતાં. અલગ-અલગ વ્યક્તિઓએ તેમનાં ભિન્ન-ભિન્ન સ્વરૂપને પોતપોતાના દૃષ્ટિકોણથી જોયું છે. સંગીતકાર ખૈયામ સાથેની મારી મુલાકાતોમાં તેઓ રાજ કપૂર વિશે કહે છે, ‘રમેશ સૈગલની ફિલ્મ ‘ફિર સુબહ હોગી’ મારી કારકિર્દીની મહત્ત્વની ફિલ્મ હતી. રાજ કપૂર અને માલા સિંહાની જોડીવાળી આ ફિલ્મના સંગીતકાર તરીકે મને પસંદ કરવામાં આવ્યો ત્યારે સૌને નવાઈ લાગી હતી. એ દિવસોમાં રાજ કપૂર આર. કે. ફિલ્મ્સ સિવાયની બહારની ફિલ્મોમાં કામ કરતા ત્યારે પણ સંગીતકાર તરીકે શંકર-જયકિશનની પસંદગી થતી. સામ્યવાદી વિચારસરણી ધરાવતી આ ફિલ્મ માટે  રાજ કપૂરે એક શરત મૂકી હતી, ‘પહેલાં ગીતોની ધૂન બનવા દો. એ સાંભળીને હું ખૈયામના કામને મૂલવીશ.’ સંગીતની સાચી સમજ ધરાવતા કલાપારખુ રાજ કપૂરે મારા કામની સરાહના કરી અને મારી પસંદગી પર મહોર મારી. ત્યારથી મારું નામ સફળ સંગીતકારોના લિસ્ટમાં આવ્યું.’
સંગીતકાર જોડી કલ્યાણજી–આણંદજીના આણંદજીભાઈ એક સરસ કિસ્સો શૅર કરતાં મને કહે છે, ‘ફિલ્મ ‘છલિયા’ના એક ગીતનું મુખડું મેં લખ્યું હતું, ‘મેરે તૂટે હુએ દિલ સે, કોઈ તો આજ યે પૂછે કે તેરા હાલ ક્યા હૈ.’ રાજ કપૂરને ‘કે’ શબ્દ સામે વાંધો હતો. તેમને એ ગુજરાતી શબ્દ લાગતો હતો. અમે કહ્યું, ગીત રેકૉર્ડ થવા દો, પછી અમને કહેજો. ગીત રેકૉર્ડ થયું. સાંભળીને તેઓ એટલા ખુશ થયા કે અમને ગળે વળગીને અભિનંદન આપ્યાં.  કહ્યું, ‘મારો વાંધો અયોગ્ય હતો.’
સંગીતકાર લક્ષ્મીકાન્ત-પ્યારેલાલની જોડીના પ્યારેલાલજી સ્મરણોની છડી ખોલતાં મને કહે છે, ‘મુકેશજીએ અમને સમાચાર આપ્યા કે ‘બૉબી’ માટે રાજ કપૂર તમારો સંપર્ક કરે તો ના ન પાડતા. તેમને ખબર હતી કે ફિલ્મના સંગીત માટે અમે કોઈનાં સલાહસૂચન માનતા નથી. સૌ જાણે છે કે પોતાની ફિલ્મના સંગીતમાં રાજ કપૂરનો મોટો હિસ્સો હોય છે, ઘણાં સજેશન્સ હોય છે. જ્યારે અમારી મુલાકાત થઈ ત્યારે તેમણે અમને આર.કે.ની ફિલ્મોનાં ગીતો બતાવીને કહ્યું કે મારે આ સ્ટાઇલનું સંગીત જોઈએ છે. અમે પહેલેથી ચોખવટ કરી કે અમે શંકર-જયકિશનના મોટા ચાહક છીએ, પરંતુ અમારી સ્ટાઇલથી સંગીત આપીએ છીએ. તમારાં સલાહસૂચનો માન્ય કરવાં કે નહીં એ અમારા પર છોડી દેશો. તેમણે એ વાતની ખાતરી આપી, જે છેવટ સુધી પાળી. એ વાતનો સ્વીકાર કરવો રહ્યો કે સંગીતની બાબતમાં તેમનું નૉલેજ ઘણું ઊંડું છે.’
વિખ્યાત ગાયક મન્ના ડે ‘ચોરી ચોરી’ના ગીત ‘યે રાત ભીગી ભીગી’ના રેકૉર્ડિંગનો કિસ્સો શૅર કરતાં કહે છે, ‘ગીતના રિહર્સલ વખતે હું, રાજસા’બ અને શંકર-જયકિશન ચર્ચા કરતા હતા ત્યાં નિર્માતા એ. વી. મૈયપન આવીને કહે કે રાજસા’બ તમારું દરેક ગીત મુકેશ ગાય છે તો આજે મન્ના ડેને કેમ બોલાવ્યા? શંકરે જવાબ આપતાં કહ્યું કે ગીતના મૂડ પ્રમાણે મન્ના ડેનો અવાજ યોગ્ય છે, પણ તેઓ માનવા રાજી નહોતા. વાત એટલે સુધી વધી ગઈ કે શંકર-જયકિશન ફિલ્મ છોડવાની વાત કરવા લાગ્યા. રાજ કપૂરે પરિસ્થિતિ સાચવતાં કહ્યું, એક વાર રેકૉર્ડિંગ થઈ જવા દો. ત્યાર બાદ ગીત સાંભળીને આપને પસંદ ન આવે તો વિચાર કરીશું. રેકૉર્ડિંગ સરસ થયું અને નિર્માતા રાજી થયા. આ ગીતથી મારી કારકિર્દીને એક નવો વળાંક મળ્યો. એ પહેલાં મને હીરોના પ્લેબૅક માટે સંગીતકારો ઓછું બોલાવતા. એ દિવસે રાજસા’બે મારી તરફદારી કરીને સપોર્ટ કર્યો એ હું કેમ ભૂલી શકું?’
વીતેલા જમાનાની અભિનેત્રી નિમ્મીએ રાજ કપૂર માટે કહ્યું હતું, ‘મેહબૂબ ખાને આપેલી પાર્ટીમાં હું નર્ગિસની મા જદ્દનબાઈ પાસે બેઠી હતી. રાજ કપૂર તેમને મળવા આવ્યા હતા. તેમણે મને જોઈને મારું નામ પૂછ્યું. હું એટલી શરમાળ હતી કે માંડ-માંડ મારું નામ બોલી શકી. ‘બરસાત’ માટે  તેમને આવો જ એક શરમાળ ચહેરો જોઈતો હતો. તેમણે મને પસંદ કરી. સેટ પર હું ખૂબ ગભરાયેલી અને સૂનમૂન રહેતી ત્યારે તેઓ સમજી ગયા કે સ્ટુડિયોના  વાતાવરણમાં મને મજા નથી આવતી. તેમણે મને રાખડી બાંધતાં કહ્યું, ‘જો, જરા પણ ડરતી નહીં. આજથી તું મારી બહેન છે અને આ સ્ટુડિયો તારું ઘર છે એટલે એકદમ નિશ્ચિંત થઈ જા.’
સુપ્રસિદ્ધ કવિ શૈલેન્દ્ર રાજ કપૂરને યાદ કરતાં કહે છે, ‘એક કવિ સંમેલનમાં તેમણે મને પહેલી વાર સાંભળ્યો. એ સમયે મારો ઝુકાવ સામ્યવાદ તરફ હતો. મારી કવિતાઓથી પ્રભાવિત થઈને તેમણે મને ફિલ્મોમાં ગીત લખવાની ઑફર કરી જે મેં ન સ્વીકારી. મેં કહ્યું, ‘હું મારી કવિતા વેચતો નથી.’ આ  સાંભળીને નારાજ થવાને બદલે તેમણે કહ્યું કે ક્યારેય પણ કોઈ તકલીફ હોય તો મને યાદ કરજે. થોડા સમય બાદ હું મુશ્કેલીમાં આવ્યો અને તેમને મળવા ગયો. ત્યારે મારી લાચારીનો ઉપહાસ ન કરતાં તેમણે મને આવકાર આપ્યો અને ‘બરસાત’માં ગીત લખવાનો મોકો આપ્યો.’
આમ શૈલેન્દ્રની ગીતકાર તરીકેની સફળ યાત્રા શરૂ થઈ. વર્ષો બાદ શૈલેન્દ્રની ફિલ્મ ‘તીસરી કસમ’માં તેમણે દોસ્તીદાવે કામ કર્યું. અફસોસ કે એક ઉત્કૃષ્ટ ફિલ્મ ટિકિટબારી પર સરિયામ નિષ્ફળ ગઈ અને શૈલેન્દ્ર દેવામાં ડૂબી ગયા. 
અભિનેત્રી નંદા એક ઇન્ટરવ્યુમાં કહે છે, ‘પ્રેમરોગ’માં મારો રોલ નાનો, પણ અગત્યનો હતો છતાં તેમણે કદી મને એ વાતનો અહેસાસ નથી કરાવ્યો કે મારી ભૂમિકા નાની છે. કલાકાર નાનો હોય કે મોટો, ભૂમિકા નાની હોય કે મોટી, તેઓ દરેકને સરખી ઇજ્જત આપતા. તેમના ચહેરા પરની એક-એક રેખામાં અભિનય તરવરતો હતો. વેદના, સંવેદનાના સૂક્ષ્મ ભાવ ખૂબ જ સહજતાથી આંખો દ્વારા પ્રદર્શિત કરવામાં તેઓ માહેર હતા. ફિલ્મ ‘આશિક’માં હું તેમની પત્નીનો રોલ કરતી હતી. એક દૃશ્યના શૂટિંગમાં
તેમણે દિગ્દર્શક હૃષીકેશ મુખરજીને
|કહ્યું કે આ દૃશ્ય નંદાનું છે. એમાં લાંબા સમય સુધી કૅમેરાનું ફોકસ નંદા પર જ હોવું જોઈએ. આ ઘટના દર્શાવે છે
કે સાથીકલાકારને તેઓ પૂરતું
સન્માન આપતા.’
રાજ કપૂરની સંગીતની સૂઝબૂઝના અનેક કિસ્સા છે એ આવતા રવિવારે.


Whatsapp-channel Whatsapp-channel

12 December, 2021 05:00 PM IST | Mumbai | Rajani Mehta

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK