Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > વર્ષો પછી મને પહેલી વાર કઈ વાતનો અફસોસ થયો?

વર્ષો પછી મને પહેલી વાર કઈ વાતનો અફસોસ થયો?

11 August, 2022 01:58 PM IST | Mumbai
JD Majethia

જમનાબાઈ નરસી સ્કૂલ દ્વારા ઊજવાતો ફેસ્ટિવલ જોતી વખતે મને ખરેખર દુઃખ થયું કે આ સ્કૂલમાં મને કેસર-મિસરીનાં ઍડ્‍મિશન મળી ગયાં હતાં, પણ અમે જુહુ શિફ્ટ થયાં નહીં એટલે મેં એ કૅન્સલ કરાવી નાખ્યાં

જમનાબાઈ નરસી સ્કૂલ દ્વારા ઊજવાતો ફેસ્ટિવલ જેડી કૉલિંગ

જમનાબાઈ નરસી સ્કૂલ દ્વારા ઊજવાતો ફેસ્ટિવલ


પ્રાઉડ. જનરલી હું આ શબ્દ બોલવાનું ટાળું છું, પણ બાકી એ બચ્ચા-પાર્ટીની ‘વાગલે કી દુનિયા’ જોઈને લોકો એ જ કહે કે મને બહુ પ્રાઉડ થયો. અમે જે પ્રકારના કાર્યક્રમ બનાવીએ છીએ એની સ્કિટ આ સ્કૂલ બનાવે એનાથી મોટી વાત બીજી કઈ હોય.

આપણે વાત કરીએ છીએ જમનાબાઈ નરસી સ્કૂલમાં થયેલા ફેસ્ટિવલની, ગુજરાતી માટેના ફેસ્ટિવલની. જમનાબાઈ નરસી સ્કૂલે આ સાંસ્કૃતિક કાર્યક્રમ ૨૦૦૬થી શરૂ કર્યો, અલગ-અલગ સ્કૂલમાંથી બધાને એકત્રિત કરવાના અને સાંસ્કૃતિક કાર્યક્રમ કરવાનો. કાર્યક્રમો પણ કહેવાય તો બધેબધા ગુજરાતીનો. ગીત-સંગીત, નાટિકાઓથી લઈને ઘણું એટલે ઘણું બધું હોય એમાં. આ વર્ષના આ ફેસ્ટિવલની થીમ બહુ સરસ હતી, ‘હાલોથી હેલો...’ 



આ કાર્યક્રમમાં હું અતિથિવિશેષ તરીકે ગયો અને જલસો-જલસો થઈ ગયો. મેં ત્યાં એક એવું ગુજરાતી ગીત માણ્યું જે વૃંદમાં એટલે કે બધા છોકરાઓ સાથે ગાતા હતા. ગાતા એ છોકરાઓમાં એક સરદારજી છોકરો પણ હતો, જેને જોઈને હું ખરેખર આંનદવિભોર બની ગયો. એ પછી મેં પહેલી વાર ‘વાગલે કી દુનિયા’નું ક્યુટ વર્ઝન જોયું. હા, ક્યુટ વર્ઝન. હતું એમાં એવું કે એ એક સ્કિટ હતી. ‘વાગલે કી દુનિયા’નાં જેટલાં પાત્રો છે એ બધાં પાત્રોને લઈને સ્કૂલે સરસ નાટિકા બનાવી હતી, ૧૫-૨૦ મિનિટની એ નાટિકામાં આપણી વાગલે ફૅમિલીનાં બધાં કૅરૅક્ટર હતાં. એ કૅરૅક્ટરની આઇકૉનિક સ્ટાઇલથી લઈને, એનું મૅનરિઝમ અને એની બૉડી-લૅન્ગ્વેજ બધેબધું એ બાળકોએ અડૉપ્ટ કરવાની કોશિશ કરી હતી. બહુ એટલે બહુ, બહુ, બહુ મજા આવી મને એ જોઈને. હસી-હસીને લોથપોથ થઈ ગયો અમારી ‘વાગલે કી દુનિયા’નાં એ ક્યુટ કૅરૅક્ટર્સને જોઈને. મને તો ઊભા થઈને તાળીઓ પાડીને એ બાળકોને વધાવી લેવાનું મન થયું. 


બહુ સરસ કાસ્ટિંગ, વેશભૂષા પણ બહુ સરસ અને થીમ પણ એટલી જ સુંદર. ‘વાગલે કી દુનિયા’માં જે ત્રણ જનરેશન અમે લાવ્યાં છીએ એ ત્રણ પેઢીની જ વાત હતી, પણ એ વાત આ બાળકોએ એટલી સરસ રીતે રજૂ કરી કે આપણને મોટાને પણ શીખવાનું મન થઈ આવે. સાચું કહું તો, અમે પણ આટલી સરસ રીતે રજૂઆત નથી કરી શકતા એ પણ હકીકત છે. એ લોકોએ લખેલી સ્ક્રિપ્ટ, એમાંના જે અમુક ડાયલૉગ હતા એ અને લખાયેલી એ સ્ક્રિપ્ટને વન-અપ કરે એવું સ્નેહાનું એડિશન. ખરેખર મજા પડી ગઈ. જરા પણ અતિશયોક્તિ નથી આ વાતમાં. ખરેખર મજા આવી, આનંદ આવ્યો. હું એવું તો ન કહી શકું કે મને મારા માટે પ્રાઉડ થયો, પણ હા, ખુશી બહુ થઈ. 

પ્રાઉડ.


જનરલી હું આ શબ્દ બદલવાનું ટાળું છું, બાકી એ બચ્ચા-પાર્ટીની ‘વાગલે કી દુનિયા’ જોઈને લોકો એ જ કહે કે મને બહુ પ્રાઉડ થયો. હું અમારી વાત કરું, અમે જે પ્રકારના કાર્યક્રમ બનાવીએ છીએ એ ફૅમિલી પોતાનાં બાળકો સાથે આટલી સરસ રીતે માણે છે એનાથી મોટી વાત બીજી કઈ હોય અને એમાં પણ મુંબઈની આગળ પડતી, પ્રથમ હરોળમાં આવે એવી જમનાબાઈ નરસી સ્કૂલના આજના છોકરાઓ જોતા હોય એ જ દેખાડે છે કે એ સારું ટેલિવિઝન જુએ છે અને એને રજૂ કરે છે. આ આખી વાત મને અંદરથી ખરેખર રોમાંચ આપતી હતી તો અમે જે બનાવીએ છીએ એ પણ સમાજ માટે, સોસાયટી માટે સારું છે એ વાત પણ ખુશી આપતી હતી. આ આખી પ્રોસેસ તમને અંદરથી એક સંતોષ આપે અને સંતોષનો હું ક્યારેય પ્રાઉડ નથી કરતો. ઍનીવેઝ, આપણે ફરી આપણા વિષય પર આવીએ.

આ ક્યુટ ‘વાગલે કી દુનિયા’ સાથે જોડાયેલા એ સૌને થૅન્ક યુ કહીશ કે તેમણે આટલી સરસ જહેમત લીધી. હું ખરા દિલથી કહું છું કે એ ‘વાગલે કી દુનિયા’ અમારી ‘વાગલે કી દુનિયા’ કરતાં પણ તેમણે ઘણી સરસ બનાવી હતી.

આટલો સરસ એ પર્ફોર્મન્સ જોયા પછી એક ડાન્સ પ્રોગ્રામ શરૂ થયો. આપણે તો ઘણાં વર્ષોથી સ્કૂલમાં અને કૉલેજમાં ઘણા પ્રોગ્રામ જોયા છે. એમાં છોકરાઓ કલ્ચરલ ડાન્સ કરે, પણ આ જે પર્ફોર્મન્સ છોકરાઓએ કર્યો, એ ખરા અર્થમાં અદ્ભુત હતો. એટલું વેલ રિહર્સલ્ડ અને એટલું જ વેલ કો-ઑર્ડિનેટેડ હતું. એ પર્ફોર્મન્સ માટે મારે ખરેખર જો કોઈને ધન્યવાદ કહેવા હોય તો એ તેમના શિક્ષકોને. એ જે કોરિયોગ્રાફી હતી એ પ્રોફેશનલ કોરિયોગ્રાફરના સ્તરની જ હતી, હૅટ્સ ઑફ.

મારી બાજુમાં સ્કૂલના ટ્રસ્ટી જયરાજભાઈ બેઠા હતા. જયરાજભાઈ આ બધાના સાચા હકદાર છે એ તમને પહેલાં કહી દઉં. બધું સંચાલન તેમના હસ્તક છે અને તેમણે એ સંચાલનમાં ક્યાંય ગુજરાતી અસ્મિતાને પાછળ નથી રહેવા દીધી. 

મેં જયરાજભાઈને પૂછ્યું તો તેમણે મને કહ્યું કે ફક્ત આ ડાન્સ નહીં, આખેઆખો પ્રોગ્રામ અહીંના શિક્ષકોએ જ કોરિયોગ્રાફ કર્યો છે. પ્રોફેશનલને પણ પાછળ રાખી દે એટલું સરસ કો-ઑર્ડિનેશન, કોરિયોગ્રાફી અને બાળકોનો સુંદર પર્ફોર્મન્સ. 

હું તો જોતો જ રહી ગયો. અંદરથી એવો તે ખુશ કે મારી પાસે શબ્દ જ ન મળે અને તમને હું મારો સ્વભાવ કહું. હું ખુશ થાઉં એટલે મારી આંખમાં પાણી આવી જાય. ખુશીનાં આંસુ અને ખરેખર કહું તો, એ સમયે પણ આંખો રીતસર ભીની થઈ ગઈ હતી. બાળકો આવું કામ કરે, સ્કૂલ બાળકો પાસે આ પ્રકારનું સરસ કામ કરાવે, આ કામ માટે શિક્ષકો આટલી મહેનત કરે અને એ પછી પણ આપણે કહીએ કે ગુજરાતી ભાષાએ ચિંતા કરવા જેવો સમય આવી ગયો છે. ના ભાઈ ના, એવી કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ખાસ તો ત્યાં સુધી જ્યાં સુધી જમનાબાઈ નરસી જેવી સ્કૂલો આપણે ત્યાં છે. 

હું તમને એક આડવાત કહું. આ જ સ્કૂલની વાત છે. વર્ષો પહેલાં મને જમનાબાઈ નરસીમાં કેસર-મિસરીનું ઍડ્મિશન મળ્યું હતું. એ સમયે વાત એવી હતી કે અમે જુહુમાં શિફ્ટ થવાનાં હતાં, પણ પછી અમે જુહુ શિફ્ટ ન થયાં એટલે મલાડમાં જ એક સ્કૂલ શોધી અને પછી તો ઑબેરૉય, અને આગળ વધતાં ગયાં. સાચું કહું તો એ સમયે મને બહુ અફસોસ નહોતો થયો કે હું મારી દીકરીઓને જમનાબાઈ નરસીમાં ભણવા નથી મૂકી શકતો. આ નહીં તો પેલી સ્કૂલ. ભણવું જ છેને, પણ આ ફેસ્ટિવલ જોઈને મને પહેલી વાર અફસોસ થયો કે મેં કેસર-મિસરીને આ જ સ્કૂલમાં ભણવા મૂક્યાં હોત તો? અને ખરેખર એની જરૂર હતી. જો એવું મેં કર્યું હોત તો આજે કેસર-મિસરીને બહુ મોટો ફાયદો થયો હોત. બન્નેએ ગુજરાતી ભાષામાં, માતૃભાષામાં ભણીને, ધ્યાન આપીને, મહેનત કરીને આપણને સૌને ગુજરાતી હોવાનો ગર્વ લેતાં કર્યાં હોત. અફકોર્સ, મેં મારા ઘરમાં આજે પણ ગુજરાતી વાતાવરણ રાખ્યું છે. આજે પણ અમારા ઘરમાં બોલચાલની ભાષા માત્ર અને માત્ર ગુજરાતી છે. બન્ને બહેનો અંગ્રેજીમાં વાતો કરી લે તો હું એમાં વચ્ચે નથી બોલતો, બાકી, બધા સાથે વાત તો ગુજરાતીમાં જ કરવાની અને મારી સાથે પણ ગુજરાતીમાં જ વ્યવહાર રાખવાનો, પણ એ બન્ને જો જમનાબાઈ નરસીમાં ભણી હોત તો તેમના વિકાસ પાછળ સ્કૂલનો જે ફાળો હોત એ તેમને જીવનમાં જે રીતે કામ લાગ્યો હોત જેની કોઈ કલ્પના ન થઈ શકે. આજે તેમની લાઇફ આખી જુદી હોત અને સ્કૂલનું, આ સ્કૂલનું ગણતર તેમને એવું તે કામ લાગ્યું હોત કે તેમણે પોતાનો એક અલગ જ પાથ ઊભો કર્યો હોત.

આપણા જ ઘરમાં ઘણી વાર ચૅલેન્જ હોય છે કે આપણાં બચ્ચાં શું કરે. હવેના સમયમાં ગુજરાતી વાંચવા-લખવાનું તો થતું જ નથી. મારે સ્કૂલ પાસેથી કંઈ લઈ નથી લેવું. એ લોકો જ્યાં ભણ્યા છે ત્યાં ભણતર સારું જ છે, પણ આ વાત મેં મિસ કરી અને એનાથી વધારે મેં એ મિસ કર્યું જ્યારે હું નરસી મોનજી કૉલેજમાં ગયો હતો, પણ નરસી મોનજી કૉલેજની મારા સમયની એ વાતો અને સુરેન ઠાકર ‘મેહુલ’ની ચર્ચા આપણે કરીશું હવે આવતા ગુરુવારે.

Whatsapp-channel Whatsapp-channel

11 August, 2022 01:58 PM IST | Mumbai | JD Majethia

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK