° °

આજનું ઇ-પેપર
Wednesday, 06 July, 2022


જીવન ચલને કા નામ, ચલતે રહો સુબહ-શામ

24 May, 2022 07:31 PM IST | Mumbai
Sarita Joshi | sarita.joshi@mid-day.com

‘અમલદાર’ નાટક દરમ્યાન જ મારા જીવનમાં એક ઘટના એવી ઘટી જેણે મને નસીબ, કિસ્મત અને લક જેવા શબ્દો પર વિશ્વાસ કરતી કરી દીધી. મારા જીવનમાં તે રાજકુમાર ફરી પાછો આવ્યો જેને મેં કલકતામાં પહેલી વાર જોયો હતો

જીવન ચલને કા નામ, ચલતે રહો સુબહ-શામ

જીવન ચલને કા નામ, ચલતે રહો સુબહ-શામ

આપણે વાત કરતા હતા ઇન્દુમાંથી સરિતા બન્યા પછીના મારા પહેલા નાટક ‘અમલદાર’ની, પણ એ નાટકની વાત કરતાં-કરતાં ગયા અઠવાડિયે હું અવળા પાટે ચડી ગઈ અને ભાઈદાસ ઑડિટોરિયમની તૂટેલી ઇમારત સાથે આપણે ઑડિટોરિયમના મહત્ત્વ પર આવી ગયા. વાત બીજી દિશાની હતી, પણ ખોટી બાબતની નહોતી. આજે પણ એ જ કહું છું કે ઑડિટોરિયમ એટલાં જ જરૂરી છે જેટલાં જરૂરી હૉસ્પિટલો અને મંદિરો છે. ઑડિટોરિયમે જ તો જીવંત કળાને આજ સુધી જીવતી રાખી છે.
lll
છેલ્લે તમને કહ્યું હતું એમ મારી મા બહુ રાજી હતી કે હું નવેસરથી શરૂઆત કરું છું. પોતાનો આ રાજીપો આઈ પોતાના વર્તનમાં દેખાડતી હતી. મેં કહ્યું હતું એમ આઈએ જાતે જ ઘરે મારા માટે એક હાઉસકોટ બનાવ્યો હતો. એકદમ સુંદર એવો. મારી સાથે જેણે પણ ટીવી કે ફિલ્મમાં કામ કર્યું છે તેમને મારી આ હાઉસકોટની વાત વાંચીને યાદ આવી ગયું હતું કે આ આદત મને કેવી રીતે અને ક્યાંથી આવી છે. હા, આ આદત મને આજે પણ છે. આજે પણ શૂટિંગ સમયે મેકઅપ પહેલાં હું હાઉસકોટ પહેરું અને એ પછી જ મેકઅપ કરાવવા બેસું. અફકોર્સ એ સમયે મારી પાસે એક હાઉસકોટ હતો, આજે ઘણા છે. આઈએ તૈયાર કરેલા હાઉસકોટને મેં વર્ષો સુધી સાચવી રાખ્યો અને છેલ્લે તો વપરાશમાં નહોતો તો પણ મેં એ રાખી મૂક્યો હતો. આઈની યાદગીરીરૂપે. 
મેકઅપ વખતે હાઉસકોટ પહેરવાની કોઈ સિસ્ટમ પહેલાં નહોતી. આઈને મનમાં એ વિચાર કેમ આવ્યો એની મને આજે પણ નવાઈ લાગે છે. દરેક ઍક્ટ્રેસે મેકઅપ પહેલાં હાઉસકોટ પહેરવો જોઈએ એવું હું કહીશ. એનાથી કપડાં બગડતાં નથી અને કૉસ્ચ્યુમ્સનું આયુષ્ય વધારી શકાય છે. ગળાથી માંડીને હાથ પર પણ મેકઅપ હોય. હાઉસકોટ થોડો મોટો હોય એટલે એ ઉતારતી વખતે મેકઅપ પણ બગડતો નથી અને ધારો કે સહેજ બગડે તો ટચઅપથી કામ ચાલી શકે, પણ મોંઘાંદાટ કૉસ્ચ્યુમ્સ બગડતાં નથી એ એનો સૌથી મોટો ફાયદો.
lll
અમારા નાટક ‘અમલદાર’નાં રિહર્સલ્સ શરૂ થયાં અને મારી માએ રિહર્સલ્સમાં પણ ખૂબ જ મહેનત કરી. મને સ્ક્રિપ્ટ વાંચવા વહેલી જગાડે પણ ખરી અને હું નાટક ગોખતી હોઉં ત્યારે મારી સામે બેસીને મને જુએ પણ ખરી. સાહેબ, હું મારી માનું એક નવું જ રૂપ જોતી હતી. એક એ આઈ હતી જે મને આ જ સ્ટેજ પરથી ઉતારીને પાછી ઘરે લઈ ગઈ હતી અને એક આ આઈ હતી જે મારા ઘડતર માટે જાતને સતત ઘસતી જતી હતી.
‘અમલદાર’ રિલીઝ થયું અને એ નાટક સુપરહિટ થયું. નારી-મુક્તિ અને નારી-સ્વતંત્રતાની એમાં વાત હતી. દેશ આઝાદ થયો છે, પણ આ દેશની મહિલાઓ પર આજેય હજી પુરુષો અમલદારગીરી કરે છે એ પ્રકારનો વિષય હતો. નાટકમાં અનેક છપ્પાઓ હતા, જે છપ્પાઓ આજે પણ જો તમે સાંભળો તો તાળીઓ પાડી બેસો એટલા સરસ અને અદ્ભુત હતા. મારે એક ખાસ વાત કહેવી છે. આ જે છપ્પાઓ હતા એ સીધેસીધા વાપરવામાં નહોતા આવતા. એ નાટકને અનુરૂપ ખાસ લખવામાં આવતા. ગીતોમાં પણ એવું જ હતું. નાટકને અનુરૂપ ગીતો પણ નવાં જ લખાતાં. કહેવાનો ભાવાર્થ એ કે એ સમયના લેખકો શબ્દભંડોળમાં એવા ખમતીધર હતા, એટલું તેમનામાં કૌવત હતું કે નાટક લખવા ઉપરાંત પણ તેઓ આ બધું લખી શકતા હતા.
‘અમલદાર’ નાટકે સરિતાદેવીને લોકોમાં લોકપ્રિયતા અપાવી દીધી. નાટક જોયા પછી લોકો મને મળવા આવતા. ધીમે-ધીમે લોકોમાં મને મળવાનો જુવાળ એ સ્તર પર પહોંચ્યો કે ઈરાનીશેઠે મને સૂચના આપવી પડી કે નાટક પૂરું થયા પછી અડધો કલાક તારે તારા મેકઅપ અને કૉસ્ચ્યુમ્સમાં જ રહેવું, જેથી કોઈને એવું ન લાગે કે આ છોકરી તો રિયલ લાઇફમાં આટલી નાની છે.
એ સમયે મારી ઉંમર માંડ પંદર-સોળ વર્ષની. શરીરે ભરાવદાર, પણ વીસ અને એકવીસ વર્ષની યુવતી હોય એવી ભરાવદાર નહીં એટલે મારે શરીરને ભરાવદાર દેખાડવા માટે બબ્બે બ્લાઉઝ પહેરવાં પડતાં અને એના પર હું સાડી પહેરતી. આજે તો લોકો ભરાવદાર દેખાવા માટે દવા અને ઇન્જેક્શન લે છે, પણ એ સમયે એવું નહોતું અને એવું કરવું યોગ્ય પણ નથી. હું એ તમામ બહેન-દીકરીઓને કહીશ કે ક્યારેય એવા રવાડે ચડતા નહીં. ઈશ્વરે આપેલા કુદરતી શરીરથી સર્વોચ્ચ કશું હોતું નથી. એનો આદર કરો અને એને પ્રેમથી એ દિશામાં લઈ જવાની કોશિશ કરો જેવું તમારે એને બનાવવું છે.
કસરત અને ખોરાક બે જ એવા રસ્તા છે જે તમને કાયમી સૌંદર્ય આપી શકે અને એ જ સાચો રસ્તો છે. કુદરતે આપેલા રૂપને નિષ્ઠાપૂર્વક વળગેલા રહેશો તો એ તમને ચોક્કસપણે તમારી મનગમતી ડેસ્ટિની પર લઈ જશે.
ડેસ્ટિની. બહુ સરસ શબ્દ છે આ. શબ્દ પણ સરસ છે અને એની અસર પણ બહુ સરસ છે. ‘અમલદાર’ નાટકે પણ એ જ કામ કર્યું અને મારી ડેસ્ટિની એણે લખી. મારી સામે એ વ્યક્તિને ઊભી રાખી દીધી જેને જોઈને હું કલકત્તામાં વિચારોમાં ખોવાઈ ગઈ હતી. યાદ છે મારી કલકત્તાની એ વાત? 
ઘણો વખત થઈ ગયો એ વાતને એટલે સહેજ તમને ફરીથી યાદ કરાવી દઉં.
lll
‘બાબા, આપ યહાં બૈઠિયે...’ 
૧૪-૧૫ વર્ષનો એ રાજકુમાર જેવો છોકરો રિહર્સલ્સમાં આવે એટલે રાણી પ્રેમલતા તેને પ્રેમથી કહે. એકદમ શાંત સ્વભાવ તેનો. એક બાજુએ બેસીને તે જોયા કરે. આ બધું જોવાનું કારણ એ કે તેના પિતા કાઉસજી ખટાઉની પોતાની થિયેટ્રિકલ કંપની હતી. તે પોતાનાં નાટકોની છેક ફૉરેન સુધી ટૂર કરે અને એ અંગ્રેજી નાટકો જોવા માટે બ્રિટિશરોથી આખો હૉલ ભરાઈ જાય.
તે છોકરો આવે એટલે થોડી-થોડી વારે અમારી નાટક કંપનીના ઈરાનીશેઠ પણ આવે અને બાબાને કોઈ જરૂરિયાત નથીને એ ચેક કરી જાય. જતી વખતે બધાને દબાયેલા અવાજે કહીને પણ જાય...
‘બાબા કા ધ્યાન રખના...’
મેં તેને જ્યારે પહેલી વાર જોયો ત્યારે હું તો આભી થઈ ગઈ હતી. મનમાં એક જ વાત ચાલે કે આ છે કોણ? રાજાઓનો છોકરો લાગે છે. આપણે તો નાનપણમાં વાર્તાઓમાં રાજાઓના છોકરાઓના ઠાઠમાઠ વિશે સાંભળ્યું હોય અને એવા જ ઠાઠમાઠ નરી આંખે જોવા મળે તો એવું જ લાગે કે આ રાજકુમાર જ હોય.
કંઈ પણ જોઈએ તો જાતે નહીં લેવાનું. માત્ર કહેવાનું. તરત જ હાજર થઈ જાય. અરે, બાજુમાં પડેલા પાણીના થર્મોસમાંથી પાણી પણ જાતે નહીં લેવાનું. એ પણ તેનો માણસ કાઢી આપે. બૉર્નવિટા પણ એ જ કાઢી આપે અને એ પીતાં-પીતાં રિહર્સલ્સ જોયા કરે. 
તે રિહર્સલ્સ જુએ અને હું તેને. બસ, એમ જ જોયા કરું અને તે નજર ફેરવે એટલે હું પણ નજર ફેરવીને આડીઅવળી દિશામાં જોવા લાગું. તે છોકરો એ પછી તો મને દિવસે પણ દેખાય અને રાતે સપનામાં પણ દેખાય. ટીનેજનું જે અટ્રૅક્શન હોય એની અસર. તમને કહ્યું તો હતું, મારી ઉંમર એ સમયે બાર-તેર વર્ષની. 
lll
કલકત્તામાં જોયેલો તે રાજકુમાર કેવી રીતે ફરી મારા જીવનમાં આવ્યો અને સરિતાદેવી કેવી રીતે સરિતા ખટાઉ બની કાઉસજી ખટાઉની પુત્રવધૂ બની એની વાતો કરીશું આપણે હવે પછી. બસ, આમ જ જોડાયેલા રહેજો. બહુ મજા આવશે. તમને સાંભળવાની અને મને મારી જીવનકથા કહેવાની...

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

24 May, 2022 07:31 PM IST | Mumbai | Sarita Joshi

અન્ય લેખો

હક ત્યારે માગી શકાય જ્યારે અધિકારભાવ આપ્યો પણ હોય

આજે આ વાત મોટા ભાગની દીકરી ભૂલી જાય છે અને અહીંથી જ મતભેદની શરૂઆત થાય છે. જીવનમાં મતભેદ ટાળવા અત્યંત જરૂરી છે, પણ એ ટાળવાની કળા હસ્તગત કરવી એ એનાથીય વધારે આવશ્યક છે

05 July, 2022 03:27 IST | Mumbai | Sarita Joshi

કૅપ્ટન રહ્યા પછી વાઇસ કૅપ્ટન બનો ત્યારે સ્પોર્ટ્‍સમૅન-સ્પિરિટની પરીક્ષા થાય

અગાઉ તમે સાહેબ રહ્યા હો એ જ ઑફિસમાં તમારે નીચેના પદ પર રહેવાનું આવે તો માણસ ક્યારેય એ સ્વીકારતો નથી

05 July, 2022 11:36 IST | Mumbai | Manoj Joshi

વિધાનસભા હાથમાં કર્યા પછી રાહતનો નહીં, ટેન્શનનો શ્વાસ લેવાનો આવ્યો છે

બીજેપી સેનાનું આ જે શાસન હાથમાં આવ્યું છે એમાં ક્યાંય મહારાષ્ટ્ર બીજેપી જશ લઈ શકે એમ નથી એ સૌકોઈ જાણે છે

04 July, 2022 12:54 IST | Mumbai | Manoj Joshi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK