Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > વૉટ્સઍપ યુઝિંગ મી...

વૉટ્સઍપ યુઝિંગ મી...

24 July, 2022 08:02 PM IST | Mumbai
Bhavya Gandhi | feedbackgmd@mid-day.com

આવું સ્ટેટસ લખીને જિમ કૅરીએ વૉટ્સઍપ વાપરવાનું બંધ કર્યું. કેટલી સાચી વાત તેણે લખી હતી. આ વાત જ કહે છે કે આપણે ટેક્નૉલૉજીને આધીન થતા જઈએ છીએ અને નેચરથી દિવસે-દિવસે દૂર

પ્રતીકાત્મક તસવીર. તસવીર/આઈસ્ટોક આરંભ હૈ પ્રચંડ

પ્રતીકાત્મક તસવીર. તસવીર/આઈસ્ટોક


મને જિમ કૅરીની ઍક્ટિંગની સહજતા ખૂબ ગમે છે. એવું જ ચાઇનીઝ ઍક્ટર જૅકી ચેનનું પણ છે. આ બન્નેને તમે જુઓ તો તમને એવું લાગે જ નહીં કે એ બન્ને ઍક્ટિંગ કરે છે. જરા પણ લાગે નહીં. એકદમ સહજ અને નૅચરલ વે પર જ તે સ્ક્રીન પર દેખાય. ઊલટું હું તો કહીશ કે તમે તેને ઑફ-સ્ક્રીન મળો તો મૂંઝાઈ જાઓ કે આ બેમાંથી સાચું કોણ? બન્ને રિયલ લાઇફમાં એકદમ સિરિયસ અને સ્ક્રીન-લાઇફમાં એકદમ ફની, નૉટી અને સાવ જ ઇનોસન્ટ. જૅકી ચેન વિશે ફરી ક્યારેક નિરાંતે વાત કરીશું, કારણ કે મારે અત્યારે વાત કરવી છે તમારી સાથે જિમ કૅરીની.
જિમ કૅરીની એક ફિલ્મ મારી લાઇફનો મોટો છે. ફિલ્મ ‘યસ મૅન’, જેના વિશે મેં અહીં આ જ કૉલમમાં ઘણા વખત પહેલાં લખ્યું હતું. સમજણો થયા પછી પહેલી ફિલ્મ મેં એકલા બેસીને જોઈ હોય તો એ આ ફિલ્મ અને આ ફિલ્મે મને સમજાવ્યું કે ના કહેવામાં કોઈ સાર નથી. બહેતર છે કે ‘હા’ જ બોલો અને હકારાત્મક એટલે કે પૉઝિટિવ રહો. ‘યસ મૅન’ પછી તો મેં જિમ કૅરીની અઢળક ફિલ્મો જોઈ અને મને એક જ વિચાર આવ્યો કે લાઇફમાં કામ આ રીતે કરવું જોઈએ. મારે મન જિમ કૅરી ઍક્ટિંગની હરતીફરતી સ્કૂલ છે. સૉરી, સ્કૂલ નહીં, યુનિવર્સિટી સમાન છે.
જિમના ચહેરાનાં એક્સપ્રેશન તમે જુઓ તો તમને એમાં ક્યાંય ઍક્ટિંગનો ભાર નહીં દેખાય. એકદમ સાહજિક એક્સપ્રેશન સાથે તે એવી ઍક્ટિંગ કરે કે તમે ખુશ થઈ જાઓ. જિમ કૅરી જેટલો સ્ક્રીન પર તમને સહજ અને ખુશમિજાજ દેખાય છે એવો જ તે પોતાની પર્સનલ લાઇફમાં પણ છે. જિમ કૅરી વિશે વાંચવું મને ખૂબ ગમે એટલે હું તેના વિશે ગૂગલ કર્યા કરતો હોઉં. થોડા સમય પહેલાં જિમ કૅરીના કેટલાક ક્વોટ્સ મેં વાંચ્યા અને એ ક્વોટ્સમાંથી એક ક્વોટ આપણે બધાએ લાઇફમાં ઉમેરવા જેવો છે.
‘તમારું કામ જેટલું મહત્ત્વનું છે એટલી જ મહત્ત્વની લાઇફ પણ છે. કામને મહત્ત્વ આપવામાં લાઇફને ભૂલવાનો અર્થ એક જ છે, તમે હવે રોબો છો.’
જિમે કરીઅરની શરૂઆત સ્ટૅન્ડઅપ કૉમેડિયન તરીકે કરી હતી. સ્ટૅન્ડઅપ કૉમેડિયન બનવું બહુ અઘરું છે. એમાં તમારી પાસે કશું હોય નહીં અને ફક્ત માઇક પર તમારે તમારો શો પ્રેઝન્ટ કરવાનો અને લોકોને હસાવવાના. હવે આપણે ત્યાં સ્ટૅન્ડઅપ કૉમેડીનો શિરસ્તો શરૂ થયો છે, પણ પહેલાં એવું નહોતું. બહુ વખત પહેલાં ડાયરા થતા પણ સ્ટૅન્ડઅપ કૉમેડી આપણે ત્યાં નહોતી થતી. હવે તો દિલ્હી, હૈદરાબાદ, ચેન્નઈ, બૅન્ગલોર અને આપણા મુંબઈમાં કૅફેમાં પણ સ્ટૅન્ડઅપ શોઝ થાય છે. આર્ટમાં જો સૌથી અઘરી સ્કિલ કોઈ હોય તો એ સ્ટૅન્ડઅપ કૉમેડી છે.
સ્ટૅન્ડઅપ દરમ્યાન જિમને એક ટીવી-પ્રોડ્યુસરે જોયો અને તેને ટીવી-શો માટે બોલાવ્યો. જિમને તો કોઈ વાંધો જ નહોતો. અહીં મને જિમનો વધુ એક ક્વોટ યાદ આવે છે, જેને આપણે લાઇફમાં ઉમેરવાની જરૂર છે.
‘જે ના પાડે છે તે ક્યારેય પોતાની સક્સેસને હા નથી પાડી શકતો.’
કેટલી સાચી વાત. આપણે ત્યાં તો કોઈ પણ કામની વાત આવે ત્યાં સૌથી પહેલાં જીભ પર ના આવે. જિમે પોતાની લાઇફમાં ક્યારેય કામ માટે કોઈને ના પાડી જ નથી અને એને લીધે બન્યું એવું કે પ્રોડ્યુસરને પણ નિરાંત થવા માંડી કે જિમ જો સાથે હશે તો બાકીની બધી મહેનત તે કરી લેશે. જિમ કૅરીની એક ફિલ્મનો કિસ્સો કહું તમને.
‘ધી માસ્ક’ નામની જિમની સુપરહિટ ફિલ્મ છે. આ ફિલ્મમાં એક સીન છે, જેમાં જિમ માસ્ક પહેરીને બારમાં જાય છે અને પછી ત્યાં ધમાલ થાય છે. રાઇટરે લખેલા એ સીનમાં જિમને એક પણ ડાયલૉગ આપવામાં આવ્યો નહીં. ઍક્ચ્યુઅલી બન્યું હતું એવું કે આગલી રાતે જ જિમ સાથે તેને ઝઘડો થઈ ગયો હતો એટલે તેણે મસ્ત રીતે આડાઈ કરી પણ જિમ એટલે જિમ. તેણે એક પણ ડાયલૉગ વિના ઑલમોસ્ટ આઠ મિનિટનો આખો સીન પોતાની રીતે કર્યો અને તેણે રાઇટરનું માન પણ જાળવી રાખ્યું. એ સીનમાં એક પણ શબ્દ તે બોલ્યો નહીં અને એ પછી પણ સીન આખી ફિલ્મનો હાઇલાઇટ સીન બની ગયો.
આ તો એક ફિલ્મની વાત થઈ અને આવી તો અનેક ફિલ્મો જિમની છે, જેમાં જિમને ધ્યાનમાં રાખીને રાઇટરે સીન આખો એના પર છોડી દીધો હોય અને જિમે સ્ક્રીન પર દેકારો મચાવી દીધો હોય. આ આર્ટ છે, આ જ આર્ટ થકી સ્ક્રીન પર તે તમને પોતાનો લાગે. એવું જ લાગે જાણે તમે જ સ્ક્રીન પર છો. ઍનીવેઝ, જિમ કૅરીની કરીઅરની વાતને આગળ વધારીએ એ પહેલાં તેનો જ એક ક્વોટ યાદ કરી લઈએ.
‘જો તમે ઍક્ટિંગ કરતા દેખાશો તો ઑડિયન્સ તમને ક્યારેય નહીં સ્વીકારે.’
જિમે અનેક ટીવી-શો કર્યા અને એ પછી તે ફિલ્મોમાં ઇન્ટ્રોડ્યુસ થયો અને પોતાનું એક સ્ટૅન્ડ ઊભું કર્યું. જિમના લેવલ પર અત્યારે બીજો કોઈ ઍક્ટર હોય એવું મને લાગતું નથી. જોકે જિમની આ જ વાત સાથે બીજી પણ એક જોવા જેવી વાત જો કોઈ હોય તો એ છે જિમે પોતાની લાઇફ સાથે અનેક પ્રયોગો કર્યા છે એ. તે પોતે નેચર સાથે જોડાયેલો રહે છે. મહિનાઓ સુધી ટેક્નૉલૉજીનો ઉપયોગ કરવાનું ટાળી દે. ઈ-મેઇલ ચેક નહીં કરવાની, કમ્પ્યુટર, લૅપટૉપ કે પછી આઇપૅડ ઑન નહીં કરવાનું, મોબાઇલ સ્વિચ્ડ-ઑફ કરી દેવાનો અને બસ, એવી જ રીતે રહેવાનું. એ પહાડો પર રહેવા જાય, જંગલમાં રહેવા જાય અને પછી નેચર સાથે એ જ પોઝિશનમાં રહે. પોતાનું ફૂડ પોતાની જાતે જ બનાવે અને એ ફૂડ માટે રાશન પણ જંગલમાંથી પોતે જ ભેગું કરે. જિમ વિશે જ્યારે આ બધું મેં વાંચ્યું ત્યારે મને ખરેખર તેની ઈર્ષ્યા આવવા માંડી હતી. મને થયું હતું કે જિમ ખરેખર લકી છે કે તે આ રીતે જીવી શકે છે, પરંતુ એક વાત એ પણ છે કે જિમની જેમ જીવવું હોય તો તમારે સક્સેસ મેળવવી પડે, ખૂબ બધા પૈસા કમાવા પડે અને લોકો તમારી રાહ જુએ એ સ્તરે પહોંચવું પડે. જિમે પોતાના આ એક્સ્પીરિયન્સ પછી એક ખૂબ સરસ વાત કહી છે, જે વાંચવા જેવી છે. 
કુદરત અને પ્રાણીઓ વચ્ચે રહીને મને કહેવાનું મન થાય છે કે પ્રાણીઓ કેટલાં સિવિલાઇઝ્‍ડ છે અને આપણે કેટલા જંગલી અને ક્રૂર.
કેટલી અદ્ભુત વાત છે. હૅટ્સ ઑફ ફૉર ધ ઑબ્ઝર્વેશન.
જિમે જ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે લોકો લક્ઝરી કાર અને પૈસા પાછળ ભાગતા હોય છે, જ્યારે કેટલાક લોકો જંગલમાં એક નાનકડી ઝૂંપડીમાં રહીને આવા લોકોથી પોતાની જાતને બચાવવાનું કામ કરે છે. જિમ જે કરે છે એ જ આપણે સૌએ પણ સમજવાની અને કરવાની જરૂર છે. આપણને વેકેશન મળે તો આપણે લક્ઝરી વચ્ચે ભાગીએ છીએ. કેમ આપણને ક્યારેય મન નથી થતું કે નર્મદાકિનારે જઈને થોડો સમય રહીએ, કેમ એવો વિચાર નથી આવતો કે આપણે કેદારનાથ જઈને રહીએ? કેમ એવો વિચાર નથી આવતો કે થોડો સમય ગીરના જંગલમાં વસવાટ કરવા ચાલી જઈએ?
આપણે સુવિધાને સુખ માનીએ છીએ અને એને લીધે આપણે નેચરને આપણાથી કાપતા રહીએ છીએ. આપણે સતત અને એકધારા કૃત્રિમ થઈને ફરીએ છીએ અને એની જ સજા આપણે ભોગવવી પડે છે. ટેક્નૉલૉજીને હવે આપણે લાઇફ માનતા થઈ ગયા છીએ અને એ માન્યતા વચ્ચે જ આપણે ભૂલી ગયા કે લાઇફને ટેક્નૉલૉજીની જરૂર છે, નહીં કે ટેક્નૉલૉજીની લાઇફને. જિમ કૅરીએ થોડા સમય પહેલાં વૉટ્સઍપ વાપરવાનું શરૂ કર્યું અને એ પછી તેણે છેલ્લું સ્ટેટસ લખીને એ વાપરવાનું બંધ કરી દીધું.
જિમનું છેલ્લું સ્ટેટસ શું હતું એ વિચારો?
‘વૉટ્સઍપ યુઝિંગ મી... સો આઇ ઍમ લીવિંગ ઇટ...’
જિમ માત્ર માત્ર હસાવતો નથી, તે તમને લાઇફ જીવવાનું લેશન પણ આપે છે અને એટલે જ કહું છું, હવે તેની પાસેથી એ લેસન લઈએ.

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝ પેપરનાં નહીં.)


Whatsapp-channel Whatsapp-channel

24 July, 2022 08:02 PM IST | Mumbai | Bhavya Gandhi

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK