Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > સત્યનો સ્વીકાર એનું નામ પરમ સત્ય!

સત્યનો સ્વીકાર એનું નામ પરમ સત્ય!

17 October, 2021 11:45 AM IST | Mumbai
Dr. Dinkar Joshi

શ્રીકૃષ્ણ હોય, જીઝસ ક્રાઇસ્ટ હોય અથવા અશો જરથુસ્ત્ર કે પછી સાંપ્રત કાળમાં ગાંધી હોય - આ સૌને સત્યના આગ્રહી કહી શકાય. એમાં કોઈ શક નથી કે સત્યને ખાતર જ આ લોકોએ જિંદગી સમર્પિત કરી હતી અને આમ છતાં તેઓ સત્યના પૂર્ણવિરામને પામ્યા હતા એમ કોઈ કહી શકે એમ નથી

ગાંધીજી

ગાંધીજી


સત્ય એટલે શું? ત્રણ જ શબ્દનો બનેલો આવો એક પ્રશ્ન આપણે જો ૧૦૦ માણસને કરીએ તો એના ૧૧૦ જવાબ આવે! દરેક માણસ સત્ય વિશે પોતાની અનુકૂળતા પ્રમાણે, સ્થળ અને કાળના સંદર્ભમાં સમજણ આપતો હોય છે. આદિકાળથી માણસે સત્યને પરમોચ્ચ સ્થાને મૂક્યું છે અને એના વિશે વાત કરતી વખતે એકેએક જણ પોતે સત્યનો ઉપાસક હોય એવી જ રીતે વાત કરતો હોય છે. સાચી વાત તો એ જ છે કે સત્ય એટલે શું એની કોઈ ચોક્કસ સમજૂતી કોઈ પાસે ક્યાંય નથી. આમ છતાં દરેક માણસ કોઈ પણ સમસ્યાના સમયે પોતે સત્ય સાથે છે અથવા સત્ય પોતાની સાથે છે એવું ભારપૂર્વક કહેતો હોય છે.
સત્ય એટલે સાચું બોલવું?
કરોડો માણસમાં સીધી, સાદી અને સહજ સમજૂતી માત્ર એટલી જ હોય છે કે સત્ય એટલે સાચું. કંઈ પણ ઘટના બની એના વિશે કોઈ કંઈ પૂછે તો પોતાની જેટલી જાણકારી હોય એટલું સાચું બોલવું એટલે સત્યનું પૂર્ણવિરામ આવી ગયું એમ આપણે માનતા હોઈએ છીએ. શ્રીકૃષ્ણ હોય, જીઝસ ક્રાઇસ્ટ હોય અથવા અશો જરથુસ્ત્ર કે પછી સાંપ્રત કાળમાં ગાંધી હોય - આ સૌને સત્યના આગ્રહી કહી શકાય. એમાં કોઈ શક નથી કે સત્યને ખાતર જ આ લોકોએ જિંદગી સમર્પિત કરી હતી અને આમ છતાં તેઓ સત્યના પૂર્ણવિરામને પામ્યા હતા એમ કોઈ કહી શકે એમ નથી. આ લોકોએ પણ પોતાના જીવનકર્મથી સત્ય એટલે શું એ જે સમજવું છે એ દરેક સમયે એકસરખું જ રહ્યું હોય એવું નથી. સત્તા વિશેની એમની સમજણમાં પણ જુદા-જુદા કારણે જુદાં-જુદાં અર્થઘટનો આપણી સામે આવ્યાં છે. 
સત્યનો જય એટલે શું?
વાત-વાતમાં આપણે સત્યનો જ જય થાય એવું બોલીએ છીએ. દુનિયામાં એવું પાર વગરનું બન્યું છે જેમાં દેખીતી રીતે સત્ય હોવા છતાં એ સત્ય પરાજિત થયું હોય અને હળહળતું જૂઠું હોવા છતાં અસત્ય વિજયી થયું હોય. આવી વાત સમજતાં બહુ વાર લાગે છે. સત્યનો જય ટૂંકા અને ટચ આ બે શબ્દોથી સમજવો અત્યંત દુષ્કર છે. આપણી ભાષાના એક ઉત્તમ કવિશ્રી સુન્દરમના જીવનનો એક પ્રસંગ આ સંદર્ભમાં વાંચવા, શીખવા અને સમજવા જેવો છે.
 શ્રી સુન્દરમ એમના જીવનનો મોટો ભાગ શ્રી અરવિંદના પૉન્ડિચેરી આશ્રમમાં સાધક તરીકે રહ્યા હતા. શ્રી અરવિંદ અને માતાજી વિશે તેમને અપાર શ્રદ્ધા હતી. બન્યું એવું કે એક વાર કોઈ પ્રસંગવશાત્ તેમને નાશિક જવાનું થયું. નાશિકમાં બેજન દેસાઈ તેમના યજમાન હતા. બેજનભાઈનું નામ અને કામ આજની પેઢીમાં ઘણાખરા ભૂલી ગયા હશે, પણ હકીકતમાં એ ભૂલવા જેવું નથી. બેજનભાઈ પારસી હતા, અનેક ભાષાઓના જાણકાર હતા, શિક્ષણશાસ્ત્રી હતા અને સામાજિક કાર્યકર પણ હતા (આ લખનારે તેમની મૈત્રીનો લાભ લીધો છે એ કંઈ ઓછું સૌભાગ્ય ન કહેવાય).
 બેજનભાઈએ પોતાની શાળા-કૉલેજના વિદ્યાર્થીઓ તથા શિક્ષકો માટે શ્રી સુન્દરમના વાર્તાલાપનો એક કાર્યક્રમ ગોઠવ્યો. સુંદરમ જોકે આવા કાર્યક્રમોથી દૂર રહેનારા માણસ હતા, પણ બેજનભાઈના આગ્રહ પાસે તેમણે નમતું જોખ્યું અને કાર્યક્રમનું આયોજન થયું.
ગાંધીને ગોળી કેમ વાગી?
કાર્યક્રમ સરસ થયો. વિદ્યાર્થીઓ અને શિક્ષકો ભારે પ્રસન્ન થયા. કાર્યક્રમના અંતે પ્રશ્નોત્તરીનું આયોજન થયું. સુંદરમે પોતાના પ્રવચનમાં સત્ય અને ગાંધી વિશે વાત કરી હતી. એક વિદ્યાર્થીએ આ વાતના સંદર્ભમાં પ્રશ્ન કર્યો, ‘તમે કહો છો કે ગાંધીજી મહાન સંત હતા. તેમના સામાન્ય શરીરમાં સત્યની દિવ્યશક્તિ પ્રવર્તતી હતી. જો તેમનામાં આવી દિવ્યશક્તિ હતી તો તેમણે તેમના પર હત્યારાએ છોડેલી ગોળીઓને નિષ્ફળ કેમ ન બનાવી નાખી? ગોળીથી સામાન્ય મનુષ્ય બંધાઈ જાય, પણ ગાંધી તો સામાન્ય પુરુષ હતા. તે ગોળીને નિષ્ફળ કેમ ન કરી શક્યા?’
 બેજનભાઈ આ પ્રસંગની નોંધ કરીને લખે છે કે વિદ્યાર્થીના એક પ્રશ્નથી સૌકોઈ સ્તબ્ધ થઈ ગયા, પણ જાણે સાવ સામાન્ય હોય એમ સુંદરમે જવાબ આપ્યો, ‘ગાંધીજીનું મૃત્યુ પણ એક સામાન્ય મનુષ્યનું નહોતું. એ એક મહામાનવનું મૃત્યુ હતું. તે પોતે તો જીવનમુક્ત જ હતા. એવા મુક્ત આત્માને આપણે આ રીતે સમજી શકીએ નહીં.’ 
પછી તેમણે સામો પ્રશ્ન કર્યો, ‘હવે મને કહો કે અગ્નિનો ધર્મ શો? વાયુનો, હવાનો ધર્મ? સૂકવવાનો? એ પણ ઠીક. તો કહો શસ્ત્રનો ધર્મ હનન કરવાનો, ખરું? એટલે શસ્ત્ર છેદન કરે એ સત્ય, એ છેદન ન કરે તો એ અસત્ય! તો પછી વિચાર કરો કે બંદૂક અને ગોળીના સત્યને ગાંધીજીએ પૂરેપૂરું સ્વીકાર્યું કે નહીં? તેમણે બુલેટને ચૉકલેટ બનાવી હોત તો તેઓ અસત્યને વર્યા હોત.’ 
 ગાંધીજી સત્યના ઉપાસક હતા. પૃથ્વી પરના પ્રત્યેક પદાર્થને એનો પોતાનો ધર્મ હોય છે. ઉપર દર્શાવ્યા પ્રમાણે જે રીતે અગ્નિ, વાયુ કે જળને પ્રાકૃતિક ધર્મ છે એમ શસ્ત્રનો સુધ્ધાં હિંસા એ પ્રાકૃતિક ધર્મ છે. કુરુક્ષેત્રના મેદાનમાં અશ્વત્થામાએ ઉત્તરાના ગર્ભ પર બ્રહ્માસ્ત્ર છોડ્યું ત્યારે શ્રીકૃષ્ણે પણ કહ્યું હતું કે બ્રહ્માસ્ત્ર નિષ્ફળ ન જાય. ઉત્તરાના ગર્ભનો તો એણે નાશ કર્યો જ, પણ પછી શ્રીકૃષ્ણે એને સજીવન કર્યો. બ્રહ્માસ્ત્રનો અહિંસા ધર્મ એણે તો સ્વીકારવો જ પડે. 
સત્યને સમજવાનો અર્થ એટલો જ થાય છે કે એનો પરમ સ્વરૂપે સ્વીકાર કરવો. આ સ્વીકાર એ જ પરમ સત્ય.
 શ્રી સુન્દરમ જેવા કવિ સિવાય આવો જવાબ કોને સૂઝે? સત્ય જેવું હોય એવું, યથાતથ સ્વરૂપે એનો સ્વીકાર એનું નામ પરમ સત્ય!

શ્રીકૃષ્ણ હોય, જીઝસ ક્રાઇસ્ટ હોય અથવા અશો જરથુસ્ત્ર કે પછી સાંપ્રત કાળમાં ગાંધી હોય - આ સૌને સત્યના આગ્રહી કહી શકાય. એમાં કોઈ શક નથી કે સત્યને ખાતર જ આ લોકોએ જિંદગી સમર્પિત કરી હતી અને આમ છતાં તેઓ સત્યના પૂર્ણવિરામને પામ્યા હતા એમ કોઈ કહી શકે એમ નથી


Whatsapp-channel Whatsapp-channel

17 October, 2021 11:45 AM IST | Mumbai | Dr. Dinkar Joshi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK