Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > પરિવર્તનનો સ્વીકાર જ વાસ્તવિકતા છે

પરિવર્તનનો સ્વીકાર જ વાસ્તવિકતા છે

03 August, 2022 01:07 PM IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

આ વાત લેખક ડૉ. સ્પેન્સર જૉનસને ‘હુ મૂવ્ડ માય ચીઝ?’ પુસ્તકમાં એટલી રસપ્રદ રીતે કહી કે દુનિયાની બોતેર ભાષામાં એ ટ્રાન્સલેટ થઈ. આ બુકની અત્યાર સુધીમાં વીસ કરોડથી વધારે કૉપી વેચાઈ ગઈ છે

હુ મૂવ્ડ માય ચીઝ

બુક ટૉક

હુ મૂવ્ડ માય ચીઝ


બોતેર ભાષા અને વીસ કરોડથી વધારે નકલ. આ કંઈ નાનીસૂની વાત નથી. અમેરિકન રાઇટર ડૉ. સ્પેન્સર જૉનસને લખેલી ‘હુ મૂવ્ડ માય ચીઝ?’ કોઈ એક કૅટેગરીમાં આવતી બુક નથી. આ એક એવી ફિક્શન છે જે તમને મોટિવેટ કરવાની સાથોસાથ સાઇકોલૉજી પણ સમજાવે છે અને એની સાથોસાથ તમને લીડરશિપની ક્વૉલિટી પણ આપે છે. સેલ્ફ-હેલ્પમાં પણ આ બુક અવ્વલ દરજ્જાની પુરવાર થઈ છે અને એટલે જ ૧૯૮૮માં પબ્લિશ થયેલી આ બુકને બીબીસીએ ૨૦૦૦ની પૂર્વસંધ્યાએ ૧૦૦-મિલેનિયમ બુક્સમાં સામેલ કરી હતી. સાઇકોલૉજીમાં પીએચડી કરનારા ડૉ. સ્પેન્સરે એક વાત સતત નોટિસ કરી હતી કે જગતનો કોઈ પણ માણસ એવું નથી ઇચ્છતો કે પરિવર્તન આવે. ખાસ કરીને એવી વ્યક્તિ જે પોતાના કમ્ફર્ટ ઝોનમાં આવી ગઈ છે. પછી એ બિઝનેસમૅન હોય કે પછી ભલે એ ભિખારી હોય, પણ કોઈને કમ્ફર્ટ ઝોન તોડવો નથી અને તકલીફ અહીં જ થાય છે. ડૉ. સ્પેન્સરે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું, ‘જેમ જગતના ૯૯ ટકા લોકો કમ્ફર્ટ ઝોન ન તૂટે એવું ઇચ્છે એવી જ રીતે ૯પ ટકા લોકો એવા છે જે કમ્ફર્ટ ઝોન તૂટ્યા પછી એ જ કમ્ફર્ટને પાછું મેળવવા માટે ત્યાં જ બેસી રહે છે અને દુખી થાય છે. આ જે પેઇન છે એ પેઇન નવા કમ્ફર્ટને શોધવાની પ્રક્રિયા કરતાં અનેકગણું વધારે છે એ સમજવું પડશે. મૂવ ઑન. આ એકમાત્ર એવી ફિલોસૉફી છે જે સૃષ્ટિ સાથે મૅચ થાય છે. 

આપણે સ્વીકારવું જ પડશે કે પરિવર્તન જ કાયમી છે અને એ જ વાસ્તવિકતા છે.’
‘હુ મૂવ્ડ માય ચીઝ?’ એકદમ રસપ્રદ અને રસાળ શૈલીમાં લખાયું છે અને એટલે જ આગળ કહ્યું એમ, તમે એને સરળતા સાથે એક ફિક્શન તરીકે પણ વાંચી શકો અને એનો આસ્વાદ માણતાં-માણતાં તમારે જે બોધપાઠની આવશ્યકતા છે એ પણ લેતા રહી શકો. ડૉ. સ્પેન્સરે કહ્યું હતું, ‘મોટિવેશન માટે તમે કોઈને બેસાડીને એને સમજાવો તો એની એવી કોઈ અસર થાય નહીં પણ જો એ વાત સહજ રીતે તમારી વાતમાં આવતી હશે તો એની તીવ્રતા વધી જશે.’



‘હુ મૂવ્ડ માય ચીઝ?’માં એવું જ થઈ રહ્યું છે.


એક બુક અને અબજોપતિ | આ એક બુકે ડૉ. સ્પેન્સરને અબજોપતિ બનાવી દીધા એવું કહેવું જરા પણ અતિશિયોક્તિ નહીં કહેવાય. ડૉ. સ્પેન્સરને આ એક બુક થકી અત્યાર સુધીમાં ચાલીસ મિલ્યન ડૉલરની રૉયલ્ટી આવી છે. મજાની વાત તો એ છે કે ડૉ. સ્પેન્સરની આ બુકની પાઇરસી પણ અઢળક થઈ છે. જગતમાં મૅક્સિમમ પાઇરસી થઈ હોય એવી ટોચની પાંચ બુકમાં ‘હુ મૂવ્ડ માય ચીઝ?’નો સમાવેશ થાય છે.

બાળકોની સાઇકોલૉજી પર અઢળક સ્ટડી કરનારા ડૉ. સ્પેન્સરે આ બુકને એ જ રીતે લખી છે જાણે કે બાળક જ એ વાંચવાનો હોય.
બે માણસ અને બે ઉંદર | ‘હુ મૂવ્ડ માય ચીઝ?’માં એક એવા ભૂલભુલામણીવાળા શહેરની વાત છે જ્યાં સ્કરી અને સ્નિફ નામના બે ઉંદર રહે છે અને એ જ સાઇઝના હેમ અને હૉ નામના બે માણસ રહે છે. આ ચારેચારનું એક જ કામ છે, દરરોજ સવારના નીકળીને શહેરમાં ચીઝ શોધવાનું. બહુ લાંબા અરસા પછી ચારેયને ચીઝનો મોટો ઢગલો મળે છે અને ચારેચાર રાજી થઈ જાય છે. જોકે સ્કરી અને સ્નિફ બન્ને નિયમિત રીતે આ જગ્યા પર આવીને ચીઝ ખાય છે, જ્યારે હેમ અને હૉ તો આરામથી બપોરે જાગીને ચીઝ ખાવા પહોંચે છે. સ્કરી અને સ્નિફની નિયમિતતામાં કોઈ ફરક નથી પડ્યો અને પેલા બન્ને આળસુ થઈ ગયા છે.


એક દિવસ સવારે બન્ને ઉંદર ચીઝના ઢગલા પાસે પહોંચે છે ત્યારે ખબર પડે છે કે આજ બપોર સુધી બચે એટલું જ ચીઝ વધ્યું છે. બન્ને ભરપેટ ચીઝ ખાઈ નવેસરથી જગ્યા શોધવા માટે ભાગે છે. બપોરે હેમ અને હૉ આવે છે. ચીઝ તો ખતમ થઈ ગયું છે પણ બન્નેને એ વાતનો વિશ્વાસ જ નથી આવતો કે ચીઝ ખલાસ થઈ ગયું. એ એવું ધારે છે કે ચીઝ અહીં જ ક્યાંક કોઈએ સંતાડી દીધું છે. બન્ને ચીઝ શોધવામાં લાગી જાય છે અને સામા પક્ષે બન્ને ઉંદરડા નવા ચીઝની શોધમાં આગળ વધતા જાય છે. સ્ટોરી આગળ વધે છે અને આગળ વધતી સ્ટોરી તમને એકધારું સમજાવતી જાય છે કે પરિવર્તન જ હકીકત છે, તમારે એને સ્વીકારવું જ રહ્યું. 

ઉંદર જેવા ઉંદર એકઝાટકે પરિવર્તન સ્વીકારી લે છે પણ માણસ એ સ્વીકારવામાં પાછી પાની કરે છે.

સ્ટોરી શૉર્ટકટ
‘હુ મૂવ્ડ માય ચીઝ?’ની આખી કથા પછી બહુ મહત્ત્વના કહેવાય એવા પાંચ બોધપાઠ મળે છે, જેને દરેકેદરેક વ્યક્તિએ સમજવા અને સ્વીકારવા જોઈએ.
૧. તમે ઇચ્છો કે ન ઇચ્છો પણ તમારી લાઇફમાં ચેન્જ આવશે જ આવશે અને એ પણ દરેક તબક્કે આવશે, જે તમારા ચીઝ (એટલે કે ફળદાયી સત્ત્વ)ની જગ્યા બદલાવ્યા કરશે. તમારે એ સ્વીકારવું જ રહ્યું.
૨. ખબર છે તમને કે ચેન્જ આવશે જ તો પછી એ ચેન્જનો સ્વીકાર કરો. જ્યારે ચીઝ વિના તમને ચાલવાનું જ નથી ત્યારે પૂરેપૂરી તૈયારી રાખો કે ચીઝ તમને મળતું રહે. ભલે એની જગ્યા બદલાયા કરે.
૩. તમારી આસપાસમાં થઈ રહેલા ચેન્જને તમે સતત ઑબ્ઝર્વ કરતા રહો. જો એવું કરી શક્યા તો તમને તમારી લાઇફમાં આવનારા ચેન્જનો અણસાર વહેલો આવી જશે અને એ સમયે તમે માનસિક રીતે તૈયાર હશો.
૪. ઝડપથી ચેન્જ સ્વીકારો અને ભૂતકાળને જેટલી જલદી ભૂલી શકાય એટલો જલદી ભૂલી જાઓ. ચેન્જને ઝડપથી સ્વીકારવા માટે બહેતર છે કે થોડું ચીઝ તમારી પાસે બચાવીને રાખો પણ એ બચત કાયમી નથી એ પણ યાદ રાખો.
પ. ચેન્જ સાથે આગળ વધવામાં મોડું થાય તો પણ પછી એનો અફસોસ કરીને જાતને કોસવાનું બંધ કરી દો. મોડું થયું તો થયું પણ હવે એનો અફસોસ કરીને એનર્જી બગાડવાને બદલે બહેતર છે કે તાત્કાલિક વર્તમાનમાં આવી જાઓ.

Whatsapp-channel Whatsapp-channel

03 August, 2022 01:07 PM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK